મૅનૅજમૅન્ટ એટલે વ્યવસ્થા. સારી મૅનૅજમૅન્ટ એટલે કે સુવ્યવસ્થા હોય તો સિસ્ટમ સારું કામ આપે. સુખી થવા માટે શરી૨-વ્યવસ્થા, પરિવાર-વ્યવસ્થા, સમાજ-વ્યવસ્થા, ગ્રામ-વ્યવસ્થા, રાષ્ટ્ર-વ્યવસ્થા, વન-વ્યવસ્થા, જલ-વ્યવસ્થા, શિક્ષણ-વ્યવસ્થા, પર્યાવરણ-વ્યવસ્થા, પ્રાણી-વ્યવસ્થા, વિજ્ઞાન-વ્યવસ્થા અને વિશ્વ-વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. હવે મૉડર્ન મૅનૅજમૅન્ટની વાત કરીએ. એનો વિસ્તાર માત્ર વેપારી કંપનીઓ પૂરતો મર્યાદિત નથી. જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં મૅનૅજમૅન્ટ વગર ચાલે. આપણું વિશ્વગ્રામ સ્વયંસંચાલિત અને વળી સુસંચાલિત મૅનૅજમૅન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણું શરીર તો જીવતું-જાગતું સાયબરનેટિક્સ છે જે એક સ્વયંસંચાલિત અને સ્વયંપૂર્ણ સિસ્ટમ છે. આમ છતાં મૉર્ડન મૅનૅજમૅન્ટના સંદર્ભે આપણે નફો રળનારી વેપારી કંપનીની વાત ગીતાના સંદર્ભે કરીએ જેથી ક્રૃષ્ણ મૉડેલ ઑફ મૅનૅજમૅન્ટનું સૌંદર્ય સમજી શકાય. કેવળ રોકડ, સ્થૂળ લાભની વાતથી શરૂઆત કરીએ.

કોઈ પણ વેપારી કંપની કર્મચારીઓના વર્ક કલ્ચર અને વર્ક એથિક્સ વગર નફો રળી શકે ખરી? નફાનો આધાર ઉત્પાદકતા (પ્રૉડક્ટિવિટી) ૫૨ રહેલો છે અને ઉત્પાદકતાનો આધાર કર્મચારીઓની કાર્યક્ષમતા પર રહેલો છે. નફો દ્રવ્યવાચક નામ છે, ભાવવાચક નામ નથી.

કંપનીની મૅનૅજમૅન્ટ નફો રળી શકે તે માટે નીચેની બાબતો અત્યંત જરૂરી છે:

(૧) ઉત્પાદન અંગેનો નિર્ધારિત લક્ષ્યાંક (ટાર્ગેટ) (૨) પ્રત્યેક કર્મચારીની કાર્યક્ષમતા વધે તે માટેની તાલીમ (સૅન્સિટિવિટિ ટ્રેનિંગ) (૩) તંદુરસ્ત માનવસંબંધો (૪) વિતરણ વ્યવસ્થા અને માર્કેટીંગ સ્ટ્રૅટૅજી (૫) માલની ગુણવત્તા (ક્વૉલિટી કન્ટ્રોલ). કૃષ્ણ એક માત્ર યોગેશ્વર છે જેઓ યોગને કર્મની કુશળતા સાથે જોડે છે. કૃષ્ણનો કર્મયોગ કાર્યક્ષમતા ( ઍફિશિયન્સી) ૫૨ ભાર મૂકે છે. યોગની આવી જીવનનિષ્ઠ અને ધરતીનિષ્ઠ વ્યાખ્યા જે ભૂમિમાં પ્રાપ્ત થાય ત્યાં ગરીબી ટકી શકે એ કેટલા આશ્ચર્યની વાત છે? ઉપર જે પાંચ બાબતો ગણાવી તે બધી બાબતો જળવાય તે માટે કાર્યક્ષમતા જરૂરી છે. શિક્ષણ પણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીની વ્યક્તિગત કાર્યક્ષમતા વધારે. આપણું શિક્ષણ આળસ અને પ્રમાદને પોષનારું હોય ત્યાં કર્મયોગની વાત જ ક્યાં કરવી? અન્ય કોઈ સંસ્કૃતિમાં કર્મ સાથે યોગ જોડાયો જાણ્યો છે? કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર તે દેશના લોકોની કાર્યક્ષમતા (કર્મસુ કૌશલમ્) ૫૨ રહેલો છે. ગરીબી કોઈને ગમતી નથી પરંતુ કર્મમાં કુશળતા કેળવ્યા વગર એ ટળતી પણ નથી. કર્મ ન કરે તે મહાત્મા નથી. કર્મ કરે પરંતુ ફળની સ્પૃહા ન રાખે તે મહાત્મા છે. કર્મકુશળ ગૃહિણી ઘરની શોભા છે. એ જે કામ કરે છે તે નોકરી કરતાં ઓછું મહત્ત્વનું કે ઓછું ઉત્પાદક નથી. એના પ્રત્યેક કર્મને કોઈ અર્થશાસ્ત્રી જો રોકડ રકમમાં ફેરવી શકે તો સમજાય કે એની કમાણી ઘણી વાર પતિની દેખીતી કમાણી કરતાં વધી જાય છે. નોકરી નહીં કરનારી ગૃહિણીની કમાણી પ્રચ્છન્ન હોય છે; એના અપ્રગટ વાત્સલ્ય જેવી.

આ દુનિયામાં મહાત્મા લાખોમાં એક હોય છે; બાકીના મનુષ્યો સામાન્ય કક્ષાના હોય છે. વેપારી કંપનીના ડાયરેક્ટરો, માલિકો, મૅનૅજરો અને કર્મચારીઓ મહાત્મા નથી હોતા, સામાન્ય સંસારી જીવો હોય છે. તેઓને ઉત્પાદન કરતાંય વધુ રસ નફામાં હોય છે. એમને કર્મયોગ કરતાં નફાયોગમાં વધુ શ્રદ્ધા હોય છે. કંપની હોય, વેપારી હોય, મૅનૅજમૅન્ટ હોય કે સિસ્ટમ હોય; સૌથી મહત્ત્વનો શબ્દ ‘નફો’ છે. આ વેપારી વાસ્તવિકતા છે. કર્મફળનું વળગણ સામાન્ય માણસ ઝટ ન છોડી શકે તે ક્ષમ્ય છે. કર્મફળનો આશ્રય લીધા વગર કર્મ કરે તે સંન્યાસી છે અને યોગી છે એવું ગીતા કહે છે (૬,૧). આમ છતાં માણસ ગમે તે કક્ષાએ નીચે ઊતરી ગયા વગર યોગ્ય વળતર કે વાજબી નફો કે પ્રામાણિક બદલો લઈ કર્મ કરે અને વળી કુશળતાપૂર્વક કરે તો તે પણ મૂલ્યવાન બાબત ગણાય. આવી શરૂઆત ભલે થતી.

નફો એટલે શું? માત્ર રૂપિયા કે માત્ર ડિવિડંડ? એવી કેટલીય જાણીતી કંપનીઓ છે જેમણે મૅનેજમેન્ટમાં માનવીય અભિગમ અપનાવીને ઘણી પ્રગતિ કરી હોય. કામદારોને વધારે સારી સવલતો આપીને, વધારે સારી દાક્તરી સેવાઓ આપીને, પરિવહનની સગવડો આપીને, વીમાયોજના અને બચતયોજના દ્વારા ઉત્તમ સલામતી આપીને, ટ્રસ્ટીશિપની ભાવના દ્વારા વધારે સારા માનવીય સંબંધો કેળવીને જે કંપનીઓ સ્થૂળ સ્વાર્થને ઉજમાળા સ્વાર્થ (ઍનલાઈટન્ડ સૅલ્ફ ઇન્ટરેસ્ટ)નો માર્ગ અપનાવે છે તેઓ ઓછો નફો કરતી નથી. આમાં ક્યાંય ત્યાગ નથી, કેવળ ઉજમાળો સ્વાર્થ છે. તંદુરસ્ત કર્મચારી વધારે કાર્યક્ષમતા બતાવશે અને વધારે ઉત્પાદન કરશે.

માનવીય સંબંધો સારા હશે તો વધારે કામ કરવાની આબોહવા આપોઆપ જળવાશે. અને કંપનીનું ઉત્પાદન વધશે તેથી નફો વધશે. ગીતા ઉજમાળા સ્વાર્થની વાત માત્ર સ્થૂળ નફાના સંદર્ભે નથી કરતી, આનંદમય જીવનના સંદર્ભે કરે છે. આ વાત ઝટ સમજાય તેવી નથી. કૃષ્ણ મૉડેલ ઑફ મૅનૅજમૅન્ટ સમજાય તે માટે વ્યક્તિગત કક્ષાએ પણ થોડો વિચાર કરવો પડે.

જીવનમાં પ્રસન્નતા જળવાઈ રહે એ નફો ગણાય કે નહીં? બીજાને ભોગે આપણે કમાણી ન કરીએ કે બીજાના શોષણ પર સ્વાર્થનું મહાલય ન બાંધીએ તો શું નફો થઈ જ ન શકે? શું નિષ્પાપ કમાણી પર જીવવાની કળા સંસારીઓ માટે અશક્ય છે? શું વેપારમાં પ્રામાણિકતાનો ભોગ આપવો જ પડે કે? શું સાધના એ માત્ર ગૃહત્યાગ કરનારા, સાધુઓ માટે જ શક્ય છે? આ બધા પ્રશ્નોના જવાબ કૃષ્ણ સાવ જ મૌલિક રીતે આપે છે. આ પ્રશ્નોના જવાબ સ્થૂળ ભૂમિકાએ નહીં, સૂક્ષ્મના સંદર્ભે તપાસવા પડશે. કૃષ્ણ સ્વાર્થની જ વાત નથી કરતા, ૫૨મ સ્વાર્થની વાત કરે છે. સ્થૂળ, રોકડો નફો ક્યારેક જીવનના આનંદની દૃષ્ટિએ ખોટનો ધંધો સાબિત થઈ શકે છે. આપણને નાનો નફો ન ખપે; બહુ મોટો નફો જ ખપે.

મૅનૅજમૅન્ટનો સૂક્ષ્મપ્રવેશ એટલે પરમ સ્વાર્થ

કોઈ રીઢો નફાખોર વેપારી બહુ મોટો નફો કરે અને રોગમાં સપડાય તો એના નફાનો શો અર્થ? નફો વધે તે સાથે લોહીનું દબાણ પણ વધે એનું કારણ શું? આ વાત કરતી વખતે બુદ્ધિગમ્યતાને દેશવટો આપવો જરૂરી નથી. નફાને કારણે લોહીનું દબાણ વધે છે એવું કહી ન શકાય પરંતુ બંને વચ્ચે અનુબંધ તો જણાય છે. સંશોધનની ભાષામાં કહીએ તો આ બે ચલો (વૅરિએબલ્સ) વચ્ચે કારણ-કાર્ય (કૉઝલ) સંબંધ નહીં પરંતુ અનુબંધાત્મક (કોરીલેશનલ) સંબંધ જણાય છે. ઉપર જાણી જોઈને ‘રીઢો નફાખોર વેપારી’ શબ્દો પ્રયોજ્યા છે. રીઢો વેપારી એટલે શું? જે વેપારી માત્ર નફો જુએ અને માણસાઈ બાજુએ મૂકીને પણ નફો રળવામાં ગમે તેવું કુકર્મ કરતાં ન અચકાય તે રીઢો વેપારી કહેવાય. એના બ્લડપ્રેશર માટે નફો નહીં, ગંદો કે પાપયુક્ત નફો જવાબદાર છે. હવે પ્રશ્ન થાય કે: પાપ કહેવું કોને? સાવ ખરબચડી વ્યાખ્યા આવી હોઈ શકે. જે કરતી વખતે હૃદય પહેલી વાર બળવો કરે, બીજી વાર કરે અને બળવાની માત્રા ધીરેધીરે ઘટતી જાય પછી લુપ્ત થઈ જાય તે કર્મને પાપકર્મ કહી શકાય. જરાક વિગતે વિચારીએ. આપણા અનુભવની વાત છે. કશુંક ખોટું કરીએ ત્યારે ખટકે છે. ભીતરનો આ ખટકો બહુ મૂલ્યવાન બાબત છે. એને આપણે કૃષ્ણ-ખટકો કહી શકીએ. આ ખટકો દબાવનાર વ્યક્તિ શરૂઆતમાં પીડા અનુભવે છે પણ પછી ધીરે ધીરે એ પીડા વર્તાતી નથી. પીડાનો અનુભવ નથી થતો એનો અર્થ એવો નથી કે પીડા ગેરહાજર છે. ઍસ્પ્રિનની ગોળી લેવાથી માથું દુખતું અટકે છે એ વાત સાવ ખોટી છે. એ ગોળી એક જ કામ કરે છે અને દુખાવાને દબાવી દે છે. દુખાવો કાયમ રહે છે પણ દુખાવાનો અનુભવ થતો નથી. પાપકર્મ કરનારની પીડા કદી પાપીનો પીછો છોડતી નથી. આવી હઠીલી પ્રચ્છન્ન પીડા રોગજન્ય છે.

લાંચિયો અમલદાર શરાબને શરણે વહેલો જાય છે. પ્રચ્છન્ન પીડામાંથી છૂટવામાં શરાબ મદદરૂપ થાય છે. ખૂન કર્યા પછી સજા ન પામેલો આદમી નૉર્મલ દેખાય તોય અંદરથી નૉર્મલ હોતો નથી. એક ડગલું આગળ વધીને કહી શકાય કે ભૂંડાં કામો કરનારો આદમી કદીય નૉર્મલ હોતો નથી. લોકોને સજ્જનની પીડા સમજાય છે; વિલનની પીડા સમજવા માટે બુદ્ધની, મહાવીરની, ઈસુની કે ગાંધીની કરુણા જોઈએ. વિલનની ભીતરી પીડાનો પાર નથી હોતો. એ પીડા ક્યારેક ઘાતકી કૃત્ય દ્વારા, બોલકણા ક્રોધ દ્વારા કે પછી બેબાકળા વર્તન દ્વારા પ્રગટ થાય છે. આ દુનિયામાં વ્યક્તિઓ ચાર પ્રકારની હોય છે:

(૧) આતતાયી એટલે એવી વ્યક્તિ, જે બીજાના સુખને કારણે દુઃખી થાય અને બીજાના દુઃખે રાજી થાય.

(૨) સજ્જન એટલે એવી વ્યક્તિ, જે બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થાય.

(૩) મૂઠી ઊંચેરો માનવી એટલે એવી વ્યક્તિ, જે બીજાને સુખી કરવા માટે પોતાના દુઃખની પરવા ન કરે.

(૪) મહાત્મા એટલે એવી વ્યક્તિ, જેને બીજા, બીજા જ ન લાગે. (આત્મવત્ સર્વ ભૂતેષુ)

સમાજના લગભગ પંચાણું ટકા જેટલા લોકો સજ્જન હોય છે. આ એવા લોકો છે જેઓ પોલીસ અને કૉર્ટથી પર છે. બીજે નંબરે આતતાયીઓ આવે છે. આ લોકો ત્રણથી ચાર ટકા માંડ હોય છે. હજારે એકાદ વ્યક્તિ મૂઠી ઊંચેરી હોય છે અને કરોડમાં એકાદ મહાત્મા હોઈ શકે. આતતાયીઓ બાકીના ત્રણ પ્રકારના લોકોને ન રંજાડે તેટલા માટે રાજ્યની શોધ થઈ છે. રાજ્ય હોય ત્યાં દંડશક્તિ હોય જ. જે. શાસનકર્તા આતતાયીઓને સખણા ન રાખે તે રાજધર્મ ચૂકે છે. એને શાસન કરવાનો કોઈ હક નથી. પાપ- કર્મોનું પ્રમાણ ઘટાડવા માટે શાસનકર્તાએ ‘કંટકશોધન’ કરવામાં જરા પણ આળસ ન કરવી જોઈએ. આવી શિખામણ આપણને ચાણક્ય તરફથી પ્રાપ્ત થઈ છે.

મૅનૅજમૅન્ટને નફો રળવાનો હક છે. નફો વધે તે માટે ઉત્પાદન વધવું જોઈએ. ઉત્પાદન વધે તે માટે કાર્યક્ષમતા વધવી જોઈએ અને કાર્યક્ષમતા વધે તે માટે માણસની જાળવણી થવી જોઈએ. આવી જાળવણી પછી જે નફો થાય તે જ ખરો નફો અથવા પરમ સ્વાર્થ. માણસમાં અક્કલ નથી હોતી તેથી એ બનાવટી કે તકલાદી નફા પાછળ પડે છે. ખરો વેપારી તે, જે પરમ સ્વાર્થી હોય. સુરતમાં નૂરા ડોસા નામનો એક અત્યંત પ્રામાણિક વેપારી હતો. એનો વેપાર પ્રામાણિકતાને કારણે ખૂબ ચાલતો.

જેઓ સૂકા ઘાસનું ઘ૨ બાંધે તેમણે દીવાસળીથી ડરવું પડે છે. મૅનૅજમૅન્ટનું તત્ત્વ માત્ર કંપનીઓમાં જ હોય એવું નથી. મૅનૅજમૅન્ટ તો જીવનમાં પણ જરૂરી છે. નફો આખરે જીવન માટે છે. કૃષ્ણ કહે છે કે માણસને ઓછો નફો ન ખપે. એને હંગામી નફો ન ખપે. એને સ્થૂળ નફો ન ખપે. કૃષ્ણની મૅનૅજમૅન્ટ જે ડિવિડંડ આપે છે તેવું અને તેટલું ડિવિડંડ દુનિયાની કોઈ મલ્ટિ-નેશનલ કંપની પણ નહીં આપે. કૃષ્ણ જે કંપનીની વાત કરે છે તે લિમિટેડ નથી, અનલિમિટેડ છે અને તેથી એ કંપનીનો નફો પણ અખૂટ છે. એ નફાને માટે ગીતાએ સુંદર શબ્દ પ્રયોજ્યો: ‘આત્મબુદ્ધિ પ્રસાદજમ્.’ આત્મભાવ કે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી જે સુખ જન્મે તે સાત્ત્વિક છે એવું કૃષ્ણ કહે છે (૧૮.૩૭). સ્થૂળ કક્ષાએ વેપા૨નો નફો પણ સ્થૂળ હોય છે જ્યારે સૂક્ષ્મ કક્ષાએ નફો પણ સૂક્ષ્મ હોય છે. પ્રસન્નતાથી ચડિયાતા નફાની કલ્પના થઈ શકે ખરી?

કલિયુગ કર્મના માધુર્ય વગર નહીં જામે

જાપાનના લોકોએ કર્મઠતા અપનાવી પરંતુ સુખ અને શાંતિ છેટાં રહી ગયાં. એ લોકો કર્મઠતાને રોગની કક્ષાએ લઈ ગયા, જેને વર્કાહોલિઝમ કહે છે. વર્કાહોલિઝમ એટલે નિર્જીવ કર્મઠતાનું વ્યસન, નિર્જીવ કર્મઠતા એટલે વૈતરું. કલિયુગમાં સજીવ કર્મનું સૌંદર્ય પ્રગટ ન થાય તો માણસ કંટાળાના બોજથી બેવડ વળી જશે. સજીવ કર્મ એટલે એવું કર્મ જે ક૨ના૨ને મધુર જણાય અને મધુર જણાય તેથી આનંદમય જણાય. કલિયુગની ખૂબી પામવી હોય તો કર્મને મધુરતા પ્રાપ્ત થાય એવું કશુંક કરવું પડે અને કર્મના માધુર્યને પામવા માટે કૃષ્ણના કર્મયોગને સમજવો પડે.

કર્મના માધુર્યનું રહસ્ય ગીતાના એક શ્લોકમાં છુપાયું છેઃ

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।

મા કર્મફલહેતુર્ભૂમા તે સંગોઽસ્ત્વકર્મણિ।।

 

કર્મે જ અધિકારી, તું, ક્યારેય ફળનો નહીં,

મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં.

કૃષ્ણની આ શિખામણ ભારે વિચિત્ર છે અને આજની મૅનૅજમૅન્ટના સંદર્ભે વિવાદાસ્પદ પણ છે. શું ફળની આકાંક્ષા વગર લક્ષ્યાંક (ટાર્ગેટ) સાથે કંપની ઉત્પાદકતા વધારીને વધારે નફો રળે એ શક્ય ખરું? મનોવિજ્ઞાનીઓ સિદ્ધિપ્રેરણા (ઍચીવમેન્ટ મોટિવેશન (n-ach)ની વાત કરે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રૉફેસર મૅકલૅલૅન્ડે આ વિષય પર સંશોધન કર્યું. ‘સામાજિક પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ પોતે કંઈક સિદ્ધ કર્યાનો આંતરિક સંતોષ પામવા માટે, કોઈ પણ કામ સુંદર રીતે પાર પાડવાની અભિલાષા એટલે સિદ્ધિપ્રેરણા.’ મૅકલૅલૅન્ડનાં શરૂઆતનાં સંશોધનોમાં એવું જણાયું કે:

(૧) જે લોકો વધારે સિદ્ધિપ્રેરણા ધરાવે તેઓ અમુક કાર્ય મહેનતપૂર્વક કરતા હતા.

(૨) આવા લોકો ઝડપથી શીખતા હતા પણ તે પૈસા કે ઈનામ ખાતર નહીં પરંતુ હરીફાઈમાં આગળ આવવા માટે વધારે કામ કરતા હતા.

વર્ષો સુધી અર્થશાસ્ત્રીઓ એવું માનતા રહ્યા કે વ્યાપારખેડુઓ (ઍન્ત્રાપ્રેનર્સ) મુખ્યત્વે નફા માટે જ બધું કરતા હોય છે. અર્થશાસ્ત્રના ઇતિહાસકારોએ દુનિયાના મોટા સફળ બિઝનેસમેનો અને ઉદ્યોગપતિઓના અભ્યાસ પરથી એવું તારણ કાઢ્યું કે એ લોકો પૈસા એકઠા કરવામાં ઝાઝો રસ ધરાવતા હોય એવું નથી. જો એ લોકોને કેવળ પૈસામાં જ રસ હોત તો અમુક મર્યાદા વટાવ્યા પછી, પૂરતા પૈસા રળી લીધા પછી નવાં જોખમો ખેડવાને બદલે કામ છોડી દીધું હોત. એમ કરવાને બદલે એમણે તો પોતાના બિઝનેસને ખીલવવામાં ઉત્કટ રસ લેવાનું જારી રાખ્યું અને બજા૨ સ૨ કરવામાં, કુદરતને નાથવામાં અને માનવકલ્યાણની પ્રવૃત્તિમાં રસ લેવાનું ચાલુ જ રાખ્યું. મૅકલૅલૅન્ડ કહે છે કે ઘણી વાર આવા લોકોને દંભી કહેવામાં આવે છે; પણ વાસ્તવમાં તેવું નથી. સિદ્ધિપ્રેરણા પૈસાથી તુષ્ટ થતી નથી પરંતુ નફાનો આંકડો, ‘પોતે અમુક કામ સારી રીતે કર્યું છે’ તેનો સબળ પુરાવો માણસને પૂરો પાડે છે. વાતમાં ઘણો દમ છે. તાતા કે બિરલા હવે વધારે પૈસા કમાવાના લોભે નવાં નવાં સાહસો નથી કરતા પરંતુ પોતાની સિદ્ધિપ્રેરણા સંતોષવા માટે કરે છે. આવી સિદ્ધિપ્રેરિત વ્યક્તિનાં લક્ષણો કયાં? મૅકલૅલૅન્ડ ત્રણ ગણાવે છે:

(૧) શ્રેષ્ઠતાનાં ધોરણો સાથે હરીફાઈ (કૉમ્પીટિશન વિથ ધ સ્ટાન્ડર્ડઝ ઑફ ઍક્સેલન્સ) (૨) અદ્વિતીય સફળતા (યુનિક ઍકૉમપ્લિશમૅંટ) (૩) લાંબા સમય સુધી મચ્યા રહેવાની વૃત્તિ (લોન્ગટર્મ ઈન્વોલ્વમેન્ટ)

આ ત્રણે લક્ષણો વિષે ઊંડાણથી વિચારીશું તો જણાશે કે એ બધાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિ માટેની સંવેદનશીલતા સાથે સંબંધ ધરાવે છે. આ અંગેની બધી વાતોનો સાર એ છે કે અમુક કામ સુંદર રીતે કરવાની અભિપ્રેરણાના મૂળમાં કર્મનો સ્થૂળ બદલો (પૈસો, નફો, પ્રતિષ્ઠા, વૈભવ) નહીં પરંતુ જે તે કામ સુંદર રીતે, શ્રેષ્ઠ રીતે પાર પાડવાની પ્રેરણા જવાબદાર હોય છે. આવી પ્રેરણા એટલે સિદ્ધિપ્રેરણા. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સિદ્ધિપ્રેરણાનો સંબંધ બહારના લાભો સાથે નહીં, અંદરના પરિતોષ સાથે છે. આવો પરિતોષ એ જ કર્મનું માધુર્ય.

કૃષ્ણ કર્મના માધુર્યને આનાથી પણ ઊંચી અવસ્થાએ લઈ જાય છે. કહે છે કે તારો અધિકા૨ કર્મમાં છે, ફળમાં નહીં. આપણને એક બાબતની તક બહુ નથી મળતી. ફાયદો બિલકુલ ન હોય તોય મનગમતું કર્મ આનંદથી છલકાઈ ઊઠે એવો અનુભવ માણસને ક્યારેક થાય છે. આવા અનુભવનો સ્વાદ માણવા જેવો હોય છે. માતાને આવો સ્વાદ ચાખવા મળે છે. માતૃત્વ મધુર છે, અતિ મધુર છે કારણ કે માતાના જીવનમાં ઉપરોક્ત શ્લોકનું રહસ્ય વારંવાર પ્રગટ થતું હોય છે. રોકડ ફાયદા વગરનું એક પણ કામ જેણે જીવનમાં ક્યારેય નથી કર્યું એવા ગાંગડુ માણસને આ વાત નહીં સમજાય. આ વાત કવિને સમજાય, કલાકારને સમજાય, કિસાનને સમજાય, સાચા સેવકને સમજાય, સંતને સમજાય અને સૌથી વધારે તો માતાને સમજાય. કર્મના માધુર્યને માણવાનો એક રસ્તો હજી બચ્યો છે. બને તેટલા વહેલા નિવૃત્ત થઈને કોઈ એવા કામમાં મન પરોવવું જેમાં કોઈ સ્થૂળ લાભ ન હોય. આ છે વાનપ્રસ્થવૃત્તિ. છેલ્લી ઘડી સુધી નોકરી કરનાર કે પૈસો રળવા માટે ફાંફાં મારનાર લોકો જીવનનું માધુર્ય ચૂકી જાય છે. નિષ્કામ કર્મ એટલે માધુર્યનો ચેતોવિસ્તાર. આવી માધુર્યદીક્ષા પામેલી કોઈ વ્યક્તિ ક્યાંક મળી જાય ત્યારે એના ચહેરા પર પથરાયેલી પ્રસન્નતાને નીરખવાનું ચૂકશો નહીં. આવી પ્રસન્નતા પામ્યો હોય એવો માણસ ગીતા ન વાંચે તો ચાલે; એને આનંદનું, માધુર્યનું ઝરણું મળી ચૂક્યું છે. એવો માણસ નાસ્તિક હોય તોય વૈષ્ણવ છે, કૃષ્ણને પ્રિય છે.

નફો કરવો છે પરંતુ સાચો નફો કરવો છે. ઉત્પાદન વધારવું છે પરંતુ તે આનંદનું ઉત્પાદન હોવું જોઈએ. લક્ષ્યાંક અવશ્ય રાખવું છે પરંતુ તે માધુર્યપ્રાપ્તિનું લક્ષ્યાંક હોવું જોઈએ. માનવસંબંધો જાળવવા છે પરંતુ એ જાળવવા પાછળ લાભની વ્યૂહરચના નહીં, પ્રેમસગાઈની ઝંખના હોવી જોઈએ. આ છે ક્રૃષ્ણ મૉડેલ ઑફ મૅનૅજમૅન્ટ. એમાં કર્મદ્રવ્યની ઉપેક્ષા નથી. કર્મના ફળની અપેક્ષા ટળે એ વાત તો દૂર રહી, આપણે ત્યાં તો કર્મ કર્યા વગર ફળની અપેક્ષા રાખનારાઓ છે. એમાં દુન્યવી લાભોની અવગણના પણ નથી. એમાં તો માધુર્યનો મહિમા છે. કર્મદ્રવ્યના છોડવા ૫૨ ભક્તિનું પુષ્પ ઊગે ત્યારે જીવનની સુગંધ પ્રસરે છે. આ સુગંધ એટલે કૃષ્ણસુગંઘ અને રાધાસુગંધ. ગીતાનો કહેવાતો કર્મફળત્યાગ એ તો સુગંધપ્રાપ્તિના શિખર પર પહોંચવાનો કીમિયો છે. આપણે જો સ્વાર્થી મટીને ‘પરમ સ્વાર્થી’ બનીએ તો બેડો પાર!

Total Views: 835

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.