પોરબંદરથી આશરે ૧૫ કિ.મી. દૂર બગવદર નામના નાના એવા ગામમાં શ્રી જટાશંકર થાનકીને ત્યાં ૨૫મી મે, ૧૯૪૩ના દિવસે જ્યોતિબહેન થાનકીનો જન્મ થયો હતો.
આ જ્યોતિબહેને આગળ જતાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતમાં, એમ ડબલ માસ્ટર્સ ડીગ્રી મેળવી. ત્યાર બાદ ૧૯૬૬થી ૨૦૦૫ (૩૯ વર્ષ) સુધી પોરબંદરની સુપ્રસિદ્ધ આર્ય કન્યા ગુરુકુળ કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપી. નિવૃત્તિ સમયે તેઓ તે કૉલેજનાં વાઈસ પ્રિન્સિપાલ હતાં. આમ ભલે તેઓ દીર્ઘકાલ સુધી અધ્યાપન કાર્ય સાથે જોડાયેલાં હતાં, છતાં તેઓ એક લેખિકા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનું એવું કોઈ મેગેઝીન નહીં હોય કે જેમાં તેમના લેખો અવારનવાર પ્રકાશિત ન થયા હોય.
નિવૃત્તિ બાદ પણ તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલાં રહ્યાં છે એટલું જ નહીં પરંતુ પ્રમુખ ભૂમિકા ભજવી રહ્યાં છે. તેઓ શ્રીરામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરની મેનેજિંગ કમિટીનાં સભ્ય છે; અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ, વડોદરાનાં ટ્રસ્ટી છે; અરવિંદ સોસાયટી, ગુજરાત રાજ્ય કમિટીનાં પણ સભ્ય છે. આમ અનેક સંસ્થાઓમાં તેઓ કાર્યરત છે.
તેમનું સૌથી મોટું પ્રદાન છે ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં એડવાઈઝર પદે તેમણે આપેલી સેવા. તે યુનિવર્સિટી શરૂ થયા પછીથી નહીં, પરંતુ યુનિવર્સિટીને શરૂ કરવામાં પણ તેમનું મહાપ્રદાન છે. આ યુનિવર્સિટી બાળકોની યુનિવર્સિટી નથી. પરંતુ બાળકો માટેની યુનિવર્સિટી છે. આગામી પેઢી શરીરથી તંદુરસ્ત, મનથી સ્વસ્થ, હૃદયથી ઉદાર અને આત્મશક્તિઓથી સંપન્ન કેવી રીતે બને એ માટેની રીસર્ચ યુનિવર્સિટી છે. તેમાં ગર્ભસ્થ શિશુથી માંડીને બાળક પુખ્ત બને ત્યાં સુધીની એના સર્વાંગી વિકાસની પ્રક્રિયાને આવરી લેવામાં આવે છે. ગર્ભસ્થ શિશુ માતાના ગર્ભમાં રહીને શીખે છે, એનાં અનેક ઉદાહરણો અભિમન્યુ, મદાલસાના પુત્રો, અષ્ટાવક્ર, પ્રહ્લાદ વગેરે આપણાં શાસ્ત્રોમાં જોવા મળે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ ગર્ભસ્થ શિશુને શિક્ષણ આપવા માટે સમગ્ર ગુજરાતમાં જે ચોવીસ તપોવન કેન્દ્રો શરૂ કર્યાં, એમાં જ્યોતિબહેનનો સિંહફાળો છે. એમણે સગર્ભા માતાને માર્ગદર્શન મળે એ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ‘અજન્મા શિશુની અંતર્યાત્રા’ અને ‘ગર્ભધ્યાન અને ગર્ભસંવાદ’ એવાં બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. આ ઉપરાંત પણ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બોધકથાઓ, પ્રેરક પ્રસંગો, ભાવવાહી બાળગીતો વગેરેનું પણ પ્રકાશન કરે છે. ચારિત્રવાન નવી પેઢીના ઘડતર માટે મૂલ્યનિષ્ઠ શિક્ષકો હોવા જરૂરી છે. આ માટે સુવિખ્યાત શિક્ષણવિદ્ શ્રી કિરીટભાઈ જોષીએ શિક્ષકોને તૈયાર કરવા માટે IITE-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન નામની સંસ્થાનું નિર્માણ કર્યું. તેના પ્રારંભમાં પણ જ્યોતિબહેનનું ઘણું મોટું યોગદાન રહેલું છે. ઉત્તમ શિક્ષકોને તૈયાર કરતી આ સંસ્થા અત્યારે પણ કાર્યરત છે. સુ શ્રી જ્યોતિબહેન ભલે પ્રોફેસર રહ્યાં હોય, પણ મૂળભૂત રીતે તેઓ એક સાધિકા છે, તપસ્વિની છે અને તેમની રગેરગમાં આધ્યાત્મિકતા વહે છે અને આ જ કારણે ભાવી પેઢી આધ્યાત્મિક સંસ્કાર-સંપન્ન કેવી રીતે બની શકે એ પરિકલ્પના તેઓ કરી શક્યાં.
એક સાહિત્યકાર સંદર્ભે તેમણે લખેલાં ૮૪થી પણ વધુ પુસ્તકો ભલે વિભિન્ન વિષયો પરનાં હોય, પરંતુ તે પણ આધ્યાત્મિકતાના મૂળ વિષય સાથે લખાયેલાં છે, પછી એ ભલે શ્રી અરવિંદ હોય કે શ્રીરામકૃષ્ણ પરમહંસ હોય; સ્વામી વિવેકાનંદ હોય કે પછી શ્રીમા શારદાદેવી કે પછી શ્રીમા આનંદમયી હોય, કે પછી અન્ય સંતો હોય, પરંતુ તેમનું લખાણ હંમેશાં આધ્યાત્મિક બાબતો પરનું જ રહ્યું છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકોનો હિન્દી ભાષામાં અનુવાદ પણ થયો છે અને પોતે પણ ૧૫ અંગ્રેજી પુસ્તકોનો અનુવાદ કર્યો છે. એમનાં ત્રણ પુસ્તકોનો પણ અંગ્રેજીમાં અનુવાદ થયો છે. આમ કુલ લગભગ ૧૦૦ પુસ્તકો તેમણે લખ્યાં છે. આ ઉપરાંત ઓછામાં ઓછા ૩૦૦ લેખો લખ્યા છે, જે પરિવારોમાં સંસ્કારોનું સિંચન કરતા મેગેઝીન ‘અખંડ આનંદ’માં, ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા ‘જનકલ્યાણ’માં, તેમજ ‘નવનીત સમર્પણ’, ‘સહજ સત્સંગ’, ‘માનવ’, ‘અર્પણ’, શ્રીરામકૃષ્ણ જ્યોત’ અને ‘જલારામ જ્યોત’ વગેરે અન્ય મેગેઝીનમાં તથા ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં પ્રકાશિત થયા છે.
સુ શ્રી જ્યોતિબહેન એક વિદ્વાન વક્તા હોવાથી તેમને દેશ-વિદેશમાં પ્રવચન માટે નિમંત્રણ મળતાં રહે છે. અને દેશના વિભિન્ન ભાગોમાં તેમજ વિદેશોમાં પણ તેઓએ યુવાશિબિર અને આધ્યાત્મિક શિબિરોમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
એક સુપ્રસિદ્ધ લેખિકા જ્યોતિબહેનને તેમના સાહિત્ય પ્રદાન બદલ વિવિધ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ૧૯૭૮માં તેમના પુસ્તક ‘વાત્સલ્યમૂર્તિ મા’ માટે તેમને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ‘ભગિની નિવેદિતા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૭૯માં ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી તેમના પુસ્તક ‘પ્રભુનું સ્વપ્ન’ માટે તેમને ‘બાયોગ્રાફી એવોર્ડ’થી નવાજવામાં આવ્યાં અને પછી ફરી ‘પરિવ્રાજકનું પાથેય’ માટે પણ તેમને ‘બાયોગ્રાફી એવોર્ડ’ પ્રાપ્ત થયો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તકના હિન્દી અનુવાદ પામેલા પુસ્તકના તેમણે કરેલા ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’ માટે ગુજરાતી સાહિત્ય એકેડેમીએ ‘એક્સેલેન્ટ ટ્રાન્સલેશન એવોર્ડ’ પ્રદાન કર્યો. આ ઉપરાંત ‘મૃત્યુને પરમનો સ્પર્શ’ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ‘શ્રી અરવિંદ ગોલ્ડ મેડલ’; ૧૯૯૭માં વિવેકાનંદ ભારતીય રૂપાયતન ટ્રસ્ટ દ્વારા ‘સત્ત્વશીલ સાહિત્ય એવોર્ડ’; ૨૦૦૪માં પાણીપતમાં ‘શ્રીમતિ સુભદ્રાદેવી જન્મ શતાબ્દી એવોર્ડ’; ૨૦૦૭માં વીરનગરમાં ‘શિવાનંદ સમન્વય શતાબ્દી એવોર્ડ’; ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય સભા દ્વારા ‘ધનજી કાનજી એવોર્ડ’; ૨૦૦૯માં શિશુવિહાર, ભાવનગર દ્વારા ‘શ્રેષ્ઠ નાગરિક સન્માન’ એવોર્ડ; ૨૦૧૪માં ગુજરાત સરકાર તરફથી ‘લાઇફ એચિવમેન્ટ એવોર્ડ’ અને ૨૦૧૭માં અમરનાથ શિક્ષણ સંસ્થા, મથુરા દ્વારા ‘શિક્ષારત્ન એવોર્ડ’; ૨૦૨૨મા સાંદીપની સંસ્થા, પોરબંદર દ્વારા ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ પણ તેમણે પ્રાપ્ત કર્યા.
ખાસ કરીને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો તેમના પર બહુ મોટો પ્રભાવ પડ્યો છે. અને આ કારણે તેમણે ધર્મ, ધ્યાન અને સાધના (સ્વામી બ્રહ્માનંદ), શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, સાધુ નાગ મહાશય, ભારતમાં શક્તિપૂજા (સ્વામી સારદાનંદ), ચારિત્ર્યનિર્માણ કેવી રીતે કરવું? (સ્વામી બુધાનંદ), ઇચ્છાશક્તિ અને તેનો વિકાસ (સ્વામી બુધાનંદ), શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા (ભાગ ૧-૨), શ્રીરામકૃષ્ણદેવ-સંક્ષિપ્ત જીવન, શ્રીરામકૃષ્ણ મહિમા (અક્ષયકુમાર સેન), શ્રીરામકૃષ્ણ અંત્યલીલા (સ્વામી પ્રભાનંદ), યુગનાયક સ્વામી વિવેકાનંદ (સ્વામી ગંભીરાનંદ) અને શિક્ષક તો છે જ્યોતિર્ધર જેવાં ૧૫ જેટલાં પુસ્તકોનો અંગ્રેજી તથા હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
આ ઉપરાંત તેમનાં કેટલાંક સ્વતંત્ર પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે, જેમ કે, સરદાર પટેલ યુનિ. દ્વારા ‘રામકૃષ્ણ અને વિવેકાનંદ’ અને ‘રામકૃષ્ણ અને શારદામણિ’, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ૧૯૯૦ના દાયકાનું સર્વશ્રેષ્ઠ જીવનચરિત્ર સિસ્ટર નિવેદિતા વિષયક ‘પૂર્વવાહિની’ અને ‘લોકમાતા નિવેદિતા’ તેમજ આદર્શ પ્રકાશન દ્વારા ‘પ્રગટ્યું વિવેકાનંદ સ્વરૂપ’.
સુ શ્રી જ્યોતિબહેને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ ૪૦થી વધુ લેખો લખ્યા છે. ૧૯૮૯ના પ્રારંભમાં શ્રી કેશવલાલ શાસ્ત્રી અને શ્રી મનસુખભાઈ મહેતા આ માસિકના સ્તંભ હતા (જેમના વિશે આપણે પહેલાં આ શ્રૃંખલામાં વાત કરી ચૂક્યા છીએ), તે સાથે કેટલાંક લેખકો-લેખિકાઓનો સહકાર અને મદદ મળ્યાં છે, જેમાંનાં જ્યોતિબહેન પણ એક છે.
૧૯૬૩માં સ્વામીજીની જન્મ શતાબ્દી નિમિત્તે જે સ્પર્ધા થઈ હતી તે સમયે તેઓ અભ્યાસ કરતાં હતાં અને એ સ્પર્ધામાં તેમને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ પહેલાં પણ તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમના તત્કાલીન અધ્યક્ષ શ્રીમત સ્વામી ભૂતેશાનંદજી મહારાજને મળ્યાં હતાં. ત્યારથી આજ સુધી ૫૦ વર્ષથી પણ વધુ સમયથી આશ્રમ સાથે તેમનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આશ્રમના અનેક કાર્યક્રમોમાં તેમણે પ્રવચનો આપ્યાં છે. પોરબંદરનું કેન્દ્ર શરૂ થયું ત્યારે ત્યાં ધર્મસભા પહેલાં એક જાહેરસભા થઈ હતી.તેનું આયોજન કરવામાં તેમનું બહુ મોટું યોગદાન હતું. સમગ્ર પોરબંદરમાં જેટલા પણ વિદ્વાનો હતા એવા લબ્ધપ્રતિષ્ઠ લોકોને તેમણે એકત્ર કર્યા હતા. પછીથી એક યુથ સ્ટડી સર્કલ શરૂ કર્યું અને અન્ય કાર્યક્રમોમાં પણ તેમનો સહકાર મળ્યો છે.
૨૦૧૨થી ૨૦૧૪ દરમિયાન દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ગુજરાતી પ્રસારણ ડી.ડી. ગિરનાર દ્વારા સ્વામીજીની જન્મજયંતી માટે યુવાઓ માટે અને મહિલાઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું, તેમાં પણ તેઓ સંલગ્ન રહ્યાં અને યોગદાન આપ્યું હતું.
રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં તેમનું બહોળું પ્રદાન છે અને એથી પણ આગળ ભલે તેમણે ઔપચારિક મંત્રદીક્ષા કે સંન્યાસદીક્ષા ન લીધી હોય, છતાં તેઓ સંન્યાસિનીનું જીવન વ્યતીત કરે છે અને એકાકી જ રહે છે. અમે સુ શ્રી જ્યોતિબહેન પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં ચરણોમાં તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે તેમજ તેઓ વધુને વધુ કાર્ય કરતાં રહે તેવી પ્રાર્થના કરીએ છીએ.
Your Content Goes Here




