શ્રી હરેશભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ૩૦મી જૂન, ૧૯૪૬ના રોજ થયો. ૧૯૬૬માં તેમણે બી.એ. અને ૧૯૭૦માં બી.એડ.નો અભ્યાસ કર્યો. તદુપરાંત કેરિયર માસ્ટર અને ડિપ્લોમા ઇન સાઇકોલોજીકલ કાઉન્સેલિંગ વગેરેનો અભ્યાસ પણ કર્યો. ૧૯૬૬માં આર્ટ્સમાં સ્નાતક થયા બાદ તેમણે ૧૯૮૬ સુધી સ્વામિનારાયણ શાળામાં અધ્યાપન કાર્ય કર્યું અને ૧૯૮૬ પછી ભુજની વી.ડી. હાઇસ્કૂલના પ્રિન્સિપાલ પદે પણ જવાબદારીઓ સંભાળી. ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન લેઉઆ પટેલ કન્યા વિદ્યાલયના એડવાઇઝર તરીકે તેમજ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવીની પ્રાથમિક શાળામાં એડવાઇઝર તરીકે તેમજ અન્ય સંસ્થાઓમાં પણ તેમણે પોતાની સેવાઓ આપી.
શ્રી હરેશભાઈ ‘કચ્છમિત્ર’ નામના દૈનિક સમાચારપત્રમાં સાપ્તાહિક કટાર પણ લખે છે, તેમજ ‘જીવનસુધા’ અને ‘શિવામ્બૂ’ મેગેઝીનના સહસંપાદક પણ રહી ચૂક્યા છે. એક ખૂબ સારા ગુજરાતી લેખક પણ છે અને મૌલિક રીતે, અનુવાદિત અને સંશોધન તેમજ સંપાદન કાર્ય કરેલ ૧૬૩થી વધુ પુસ્તકો તેમના નામે છે. અત્યાર સુધીમાં તેમની ચાર નવલકથા, ૪૬ લેખસંગ્રહ, ૨૪ અનુવાદ અને ૨૯ સંપાદન અને સંકલન પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમની નવલકથા ‘અંગદનો પગ’ની માત્ર પાંચ જ વર્ષમાં (૨૦૦૭-૧૨) અગિયાર આવૃત્તિઓ (લગભગ ૧૪૦૦૦ નકલ) પ્રકાશિત થઈ ચૂકી છે. ગુજરાતના શિક્ષણ જગતમાં તે સૌથી વધારે વંચાતી અને ચર્ચાતી નવલકથા બની છે અને એમ.ફીલ.માં બે વર્ષ પાઠ્યપુસ્તક પણ રહી ચૂકી છે. ચેતન ભગતની નવલકથા ‘થ્રી મિસ્ટેક ઑફ માય લાઇફ’ની ૪ આવૃત્તિ તથા કિરણ બેદીના ‘હંમેશાં શક્ય છે’ સહિતનાં અનેક અનુવાદિત પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં છે. તેમની કચ્છના ભૂકંપને માધ્યમ બનાવી લખાયેલી નવી નવલકથા ‘આફ્ટરશોક’ પ્રકાશિત થઈ છે. તે પણ પ્રગટ થતાં જ પુષ્કળ વાચકો મેળવવા સમર્થ બની છે. તેના પર પણ વિવેચન લેખો લખાવા શરૂ થઈ ગયા છે. અનુવાદ ક્ષેત્રે તેમણે ડૉ. કલામના પુસ્તક ‘’Wings of Fire’નો ગુજરાતી અનુવાદ ‘અગનપંખ’ કર્યો છે. ડૉ. કલામની આ આત્મકથાના અનુવાદની ૧૪ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત તેમનાં ‘જીવન એક ઉત્સવ’; ‘ચારસો ટકા આનંદ’; ‘સુખનું સરનામું’; ‘વિચારોની રખડપટ્ટી’ વગેરે પુસ્તકો બહુ પ્રસિદ્ધિ પામ્યાં છે. શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદાદેવી વિશેનાં પુસ્તકો પણ તેમણે લખ્યાં છે, જેમાં ‘રામકૃષ્ણ-વિવેકાનંદ’ એ પુસ્તક મુખ્ય છે. એક વધુ અનુવાદ તેમણે કર્યો છે, તે છે નિમાઈ સાધન બસુના પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ’નો.
શ્રી હરેશભાઈ ધોળકિયા કહે છે, “મને યાદ છે ત્યાં સુધી ચૌદમા વર્ષની આસપાસ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર હાથમાં આવ્યું. સારું હોવા છતાં વાંચતાં વાંચતાં ખળભળી જવાયું. જાણે કે મન પર તેઓ છવાઈ અને છપાઈ ગયા. તેના જ પરિણામે રામકૃષ્ણ પણ વંચાયા. બન્નેએ જાણે મગજનો કબજો લઈ લીધો. કૉલેજમાં હતો ત્યારે નક્કી કરી લીધું કે સંન્યાસી થઈ રામકૃષ્ણ મિશનમાં જોડાવું. અલબત્ત, એ સદ્ભાગ્ય ન હતું. પણ મન ભગવા રંગે તો ચોક્કસ રંગાઈ ગયું. તે બન્નેને સતત વાંચતો-વાગોળતો રહ્યો અને વધારેને વધારે પ્રભાવિત થતો રહ્યો.”
આમ, માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેમણે સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચ્યું, અને તેઓ ખૂબ પ્રભાવિત થયા. આગળ જતાં તેમણે ‘Complete Works of Swami Vivekanand’ના બધા જ ભાગ વાંચ્યા અને પછીથી ‘વિવેકાનંદ ગ્રંથમાળા’ના બધા જ ભાગ, એક નહીં પણ બબ્બે વાર વાંચી નાખ્યા. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ વિષયક અનેક પુસ્તકો પણ વાંચ્યાં.
શ્રી હરેશભાઈ કૉલેજ પછી એક શાળામાં જોડાયા. ત્યાં, ભણાવવા સાથે તેઓ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ—બન્નેનો પ્રચાર કરતા રહ્યા અને વિદ્યાર્થીઓને તેઓ બન્નેનાં પુસ્તકો વાંચવા પ્રેરતા રહ્યા. ૧૯૬૭માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પ્રસિદ્ધ કરેલ વિવેકાનંદના વિચારોની ‘રાષ્ટ્રને સંબોધન’ પુસ્તિકાના વેચાણ માટે એક સંન્યાસી તેમની શાળામાં આવ્યા. શ્રી હરેશભાઈએ તેમને પાંચસો પુસ્તિકા આપવા કહ્યું. પણ સંન્યાસી અને તેમના આચાર્ય ચમકી ગયા. શ્રી હરેશભાઈ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તેમણે ખાતરી આપી કે બધા વિદ્યાર્થીઓ લેશે અને જો નહિ લે તો તેઓ બધાને ભેટ આપી દેશે. કુલ એક હજાર નકલો છપાઈ હતી, એમાંથી અડધી તેમની શાળામાં જ વેચાઈ ગઈ. તેના કારણે શાળામાં વિવેકાનંદ વિશે જાગૃતિ વધી ગઈ.
રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના ગાઢ પ્રભાવથી તેમનું જીવન વેદાન્તમય, સ્વસ્થ અને આનંદમય રહ્યું છે, પળેપળ આનંદમાં વીતે છે, ધન્યતાનો અનુભવ કરે છે. તેઓ કહે છે કે આ બે મહાન વ્યક્તિઓનું ઋણ ક્યારેય નહીં ચૂકવાય.
દીર્ઘ સમયથી તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. ભુજના ‘વિવેકાનંદ યુવક મંડળ’માં તેમણે દર રવિવારે દોઢ વર્ષ સુધી પ્રવચનો આપ્યાં છે. તેમણે અનેક સેમિનારોનું આયોજન કર્યું છે અને તેઓ એક કુશળ વક્તા હોવાથી યુવાનોમાં પ્રિય છે. આમ, રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનમાં તેમનું સક્રિય યોગદાન રહ્યું છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ તેમના લેખો અવારનવાર પ્રકાશિત થતા રહે છે.
તેમને એક સમયે રામકૃષ્ણ મિશનના સંન્યાસી બનવાનો વિચાર આવ્યો હતો, પરંતુ અંગત કારણોસર એ ફળીભૂત ન થયો. પરંતુ તેમના એક શિષ્ય હાલમાં રામકૃષ્ણ સંઘમાં સંન્યાસી છે, એનો તેમને ગર્વ અને સંતોષ છે. વિવેકાનંદની ‘યુવાનોને’ નામની પુસ્તિકા પ્રકાશિત થઈ, ત્યારે પણ તેઓ આ પુસ્તિકા વિદ્યાર્થીઓને આપતા રહ્યા. આ પુસ્તિકાના પ્રભાવથી અનેક વિદ્યાર્થીઓ ભુજના રામકૃષ્ણ મંડળમાં જોડાયા. એક વિદ્યાર્થી સ્વામીજીમાં ઊંડો ઊતરી ગયો અને સમય જતાં મઠમાં જોડાઈ ગયો અને આજે એક આદરણીય સંન્યાસી છે.
ભુજનું કેન્દ્ર શરૂ થતાં ત્યાંની પ્રવૃત્તિઓમાં તેમનું વધુ પ્રદાન મળી રહે છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ તેમનું વધુને વધુ પ્રદાન મળતું રહેશે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને પ્રણામ કરી એવી કામના કરીએ છીએ કે તેઓ જે પ્રચાર-પ્રસારનું કાર્ય કરી રહ્યા છે, તે વધુને વધુ કરતા રહે, અને એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરતા રહે.
Your Content Goes Here




