રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher – as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.

‘શિક્ષક તો છે જ્યોર્તિધર.’ આ વિષય ખૂબ રસપ્રદ અને મહત્ત્વનો છે. આપણા મહાન દેશભક્તો અને શિક્ષણવિદ્અઓએ રાષ્ટ્રનિર્માણ માટે અને શિક્ષણક્ષેત્રે જે મહત્ત્વનું કાર્ય કર્યું હતું એ રાષ્ટ્ર ઘડતર માટે પાયા રૂપ હતું. અત્યારના શિક્ષણ ક્ષેત્રનું ચિત્ર કેવું છે? રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું પ્રદાન શું છે? શા માટે તેમને જ્યોર્તિધર તરીકે ગણવામાં આવે છે? આ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણે વિચારવાનું છે.

શિક્ષકોના પ્રકારો

અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે. જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે. ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને રુ. ગુ એટલે અંધકાર અને રુ એટલે એવો પ્રકાશ કે જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતાં ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર. શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય ગણાવી શકાય. મુંડક ઉપનિષદ પ્રમાણે બે પ્રકારની વિદ્યા છે, પરા અને અપરાવિદ્યા. આપણે જે કંઈ શીખીએ છીએ એટલે કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઇતિહાસ, જીવવિજ્ઞાન વગેરે અને એ સાથે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ અને વેદોનો અભ્યાસ પણ અપરા વિદ્યામાં આવી જાય છે. જ્યારે પરાવિદ્યા એટલે આત્મજ્ઞાન, કે જે ભૌતિક જગતથી પર છે. દુર્ભાગ્યે આપણે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જે કંઈ જ્ઞાન મેળવીએ છીએ તે અપરાવિદ્યા છે. આનો અર્થ એ થયો કે ભલે આપણને સમગ્ર વિશ્વનું જ્ઞાન હોય પણ આપણે આપણી જાતને જ જાણતા હોતા નથી. આ આત્મજ્ઞાન કે જે પરમ સત્તાનું જ્ઞાન છે, તે સ્થળ કાળ અને કારણથી પર છે, એ જ છે પરાવિદ્યા.

પ્રાચીનકાળમાં ગુરુકુળોમાં શિષ્યોને આ બંને પ્રકારની વિદ્યાઓ એક સાથે શીખવવામાં આવતી હતી. પરંતુ આજના યુગમાં આપણે જોઈએ છીએ કે આધુનિક શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર અપરાવિદ્યા જ શીખવવામાં આવે છે. પરંતુ પરાવિદ્યા ક્યાંય શીખવવામાં આવતી નથી. આત્મસાક્ષાત્કાર અને બ્રહ્મજ્ઞાનની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે. એટલું જ નહીં પણ ગુરુનો સાચો અર્થ પણ ભૂલાઈ જવાયો છે, અને એ શબ્દને વધારે સસ્તો બનાવી દેવામાં આવ્યો છે. આપણે એ શબ્દનો મેનેજમેન્ટ ગરુ, કરાટે ગુરુ, સંગીત ગુરુ વગેરે પ્રકારે ઉપયોગ કરીએ છીએ. પણ સાચો ગુરુ ખરેખર તો આપણને અંધકાર અને અજ્ઞાનમાંથી દિવ્ય પ્રકાશમાં લઈ જાય છે અને આત્મજ્ઞાન કરાવે છે.

શ્રીરામકૃષ્ણ કહેતા કે સચ્ચિદાનંદ જ એકમાત્ર ગુરુ હોઈ શકે. તો ઈશ્વર કઈ રીતે જ્ઞાન આપે? તેઓ મનુષ્યને બે રીતે જ્ઞાન આપે છે. એક તો સૂક્ષ્મ રીતે અને બીજી સ્થૂળ રીતે. સૂક્ષ્મ રીતે તેઓ મનુષ્યને અંતરમાંથી પ્રેરણા આપે છે અને સ્થૂળ રીતે ક્યારેક તેઓ અવતાર સ્વરૂપે અથવા પયગમ્બર સ્વરૂપે આવીને જ્ઞાન આપે છે. જેમ કે રામ, કૃષ્ણ, શંકરાચાર્ય, ઈસુ ખ્ર્રિસ્ત, મહમ્મદ પયગમ્બર, ગુરુ નાનક, બુદ્ધ, મહાવીર વગેરે. વર્તમાનમાં સહુથી વધારે નજીકના અવતાર છે. શ્રીરામકૃષ્ણદેવ. તેમણે ભૌતિકવાદ, ઉપભોક્તાવાદ, જડવાદી સભ્યતાના પરિબળોમાંથી સર્જાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અવતાર ધારણ કર્યો હતો. તેમની સાથે શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ પણ આવ્યા હતાં.

ગુરુની બીજી શ્રેણીમાં કબીર, મીરાંબાઈ, નરસિંહ મહેતા વગેરે જેવા સંતોને આપણે મેળવીએ છીએ. પછી આપણી પાસે રહેલા છે, એવા જાગ્રત આત્માઓ કે જેમણે સત્યને પ્રાપ્ત કરીને જીવનમાં ઊતાર્યું છે, તેઓ પણ ગુરુ બને છે; અને આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે છે. પછી આપણી પાસે એવા શિક્ષકો છે કે જેઓ આપણને ધર્મનું જ્ઞાન આપે છે. પરંતુ જ્યારે આપણે શિક્ષક શબ્દ ઉચ્ચારીએ છીએ ત્યારે મોટેભાગે આપણા મનમાં નિશાળમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરનારા લોકો જ હોય છે, આપણે જે આધ્યાત્મિક ગુરુઓની વાત કરી તેઓ તો પરિવર્તન લાવે જ છે, અને સમગ્ર વિશ્વને બદલે છે, પણ સામાન્ય શિક્ષકોનું શું? શું તેઓ પણ પથદર્શક બની શકે? એ પણ પ્રશ્ન ઊઠે છે કે આપણે કેવા પરિવર્તનો ઇચ્છીએ છીએ અને બીજો પ્રશ્ન આ સંદર્ભમાં એ પણ ઊઠે છે કે શું ખરેખર આપણને પરિવર્તનની જરૂર છે ખરી?

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આધ્યાત્મિક શિક્ષણની તાતી જરૂરિયાત

સમગ્ર વિશ્વમાં શાંતિનો અભાવ છે ‘યુનેસ્કો આ વિષે ખૂબ ચિંતિત છે. તેમણે ‘બનવાનું (To be) શિક્ષણ’ નહીં કે ‘કરવાનું (To do) શિક્ષણ’ એ સૂત્ર આપ્યું છે. કેમકે મોટાભાગના યુવાનો નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યા છે. અને આત્મહત્યા તરફ વળી જાય છે. ઉપરાંત એઈડ્‌સ જેવા સંસર્ગજન્ય અને શરીરને પાયમાલ કરતા રોગોનો ભોગ પણ બની જાય છે. આપઘાત કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપતું ડેરેક હન્ફ્રીનું પુસ્તક ‘ધ ફાઈનલ એક્ઝીટ’ અમેરિકામાં બેસ્ટ સેલર બન્યું હતું. જાપાનમાં પણ થોડાં વરસો પહેલાં ‘ધ કમ્પ્લીટ મેન્યુઅલ ઓફ કમીટીંગ સુઈસાઈડ’ નામનું પુસ્તક બેસ્ટ સેલર બન્યું હતું. તેની સાડાત્રણ લાખ નકલો એક જ વર્ષમાં વેંચાઈ ગઈ હતી! કેટલાય લોકોએ તો એ પુસ્તક હાથમાં લઈને આત્મહત્યા કરી હતી! ફ્રાન્સમાં પણ ‘સૂઈસાઈડ – યુઝર્સ મેન્યુઅલ’ નામનું પુસ્તક બેસ્ટ સેલર બન્યું હતું. આજે આપણા દેશમાં ગરીબી, બેકારી વગેરેની ઘણી સમસ્યાઓ રહેલી છે તેમ છતાં પણ કહેવાતા વિકસિત દેશો કરતાં આપણા દેશમાં આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. અત્યાર સુધી આપણે એમ વિચારતાં હતાં કે લ્લ એ પ્રત્યક્ષ રીતે સ્ ના પ્રમાણમાં હોય છે. અહીં લ્લ એટલે હેપીનેસ – સુખ અને સ્ એટલે મની – પૈસા. આથી વધારે પૈસો હોય તો વધારે સુખ મળે, એવી આપણી માન્યતા પ્રવર્તે છે, પરંતુ આંકડાકીય માહિતી તો એવું સાબિત કરે છે કે ખરેખર તો એનાથી વિપરીત સાચું છે એટલે કે વધુ પૈસા ઓછું સુખ અથવા તો ઓછા પૈસા વધારે સુખ. અમેરિકા, જાપાન, સ્વીડન વગેરે દેશોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે. એનો અર્થ એમ નથી કે આપણે પૈસા કમાવા બંધ કરી દેવા જોઈએ. ઊલટું ભારતમાં આર્થિક વિકાસને પ્રથમ પસંદગી અપાવી જોઈએ. પણ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે માત્ર પૈસો જ આપણી સમસ્યાઓને હલ કરી શકશે નહીં. કેટલાક વધારે આંકડાઓ આપણને વિશ્વમાં અત્યારે પ્રવર્તી રહેલી પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે.

(૧) યુનેસ્કો પ્રમાણે અમેરિકા, સ્વીડન, જાપાનમાં યુવાનોના મૃત્યુના ૫૪ % આત્મહત્યાને લીધે થયેલાં છે.

(૨) જાપાનની હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા પ્રમાણે ૪૨ વર્ષના અને એથી મોટી ઉંમરના જાપાનના અધિકારીઓમાં ૪૪ % માનસિક રોગોના ભોગ બનેલા છે.

યુ.કે.ના મનોવૈજ્ઞાનિક ડો. આર. ડી. લૈગ કહે છે કે ઈંગ્લેન્ડના સરેરાશ યુવાન કે યુવતીની ઉચ્ચ શિક્ષણમાં જવા કરતાં મેન્ટલ હોસ્પિટલમાં જવાની શક્યતા દશ ગણી વધારે જણાય છે.

આ છે અત્યારના શિક્ષણ જગતનું વર્તમાન ચિત્ર! હવે આપણે ખરેખર એ વિચારવાનું રહ્યું કે આમાં પરિવર્તન લાવવા માટે શિક્ષકોનું અને શિક્ષણ જગતનું શું પ્રદાન હોઈ શકે?

અત્યારની શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવું જોઈએ. આ શિક્ષણમાં આધ્યાત્મિક બાબતોનો પરિચય પણ કરાવવો જોઈએ. તેની પસંદગીના ધોરણો પણ બદલાવાં જોઈએ. મૂલ્યનિષ્ઠ શિક્ષણને પ્રથમ પસંદગી અપાવી જોઈએ. સ્વામી વિવેકાનંદે એવી ચેતવણી આપી હતી કે જો શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોને નહીં સ્વીકારવામાં આવે તો માત્ર ત્રણ પેઢીમાં જ આપણો વિનાશ થઈ જશે. તેથી વર્તમાન શિક્ષણમાં આધ્યાત્મિક શિક્ષણનો સમાવેશ કરવાની તીવ્ર જરૂરિયાત છે. આધ્યાત્મિક મૂલ્યો પર આધારિત એવી નવી જ સભ્યતાનો ઉદય થવો જોઈએ. નહિતર કોલંબિયા સ્કૂલ જેવી પરિસ્થિતિ સર્જાશે. જો આપણે મનની શાંતિ અને વિશ્વની શાંતિ જોઈતાં હોય તો આપણે આધ્યાત્મિક શિક્ષણ અપનાવવું જ જોઈએ.

વિશ્વને ભારતની ભેટ – આધ્યાત્મિક જ્ઞાન

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે ભારતે વિશિષ્ટ ભાગ ભજવવાનો છે. પ્રત્યેક રાષ્ટ્રે કોઈ ને કોઈ પ્રકારનો વિશિષ્ટ ભાગ વિશ્વમાં ભજવવાનો હોય છે જ. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, તે નોંધપાત્ર છે કે ‘ભારત તેની આધ્યાત્મિક શક્તિથી સમગ્ર વિશ્વ ઉપર વિજય મેળવશે.’ ત્યારે કોઈએ સ્વામીજીને પૂછ્યું હતું કે ‘તમે તો સાધુ છો, રાષ્ટ્રીયતાની આવી સંકુચિતતાથી તમારે તો ઉપર ઊઠવું જોઈએ, તેને બદલે તમે તો ભારત પર આટલો બધો પક્ષપાત કેમ કરી રહ્યા છો?’ એના પ્રત્યુત્તરમાં સ્વામીજીએ જણાવ્યું કે ‘મારા માટે તો વિશ્વના બધાં રાષ્ટ્રો સમાન જ છે. પરંતુ ભારતને હું એટલા માટે મહત્ત્વ આપું છું કે સમગ્ર વિશ્વને ઉપભોક્તાવાદના જડબામાંથી બચાવવાનું છે અને તે કાર્ય એક માત્ર ભારત જ કરી શકશે. જો વિશ્વને બચાવવું હશે તો પહેલાં ભારતને બચાવવું પડશે. ભૂતકાળમાં ભારતે આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવામાં વિશિષ્ટ ફાળો આપેલો છે. આપણી પાસે એ મહાન આધ્યાત્મિક જ્ઞાનનો વારસો રહેલો છે જે આપણે સમગ્ર વિશ્વને આપી શકીએ છીએ અને ખરેખર તો વિશ્વ એની પ્રતીક્ષા કરી રહ્યું છે.

સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા પણ આર્ષદૃષ્ટા હતા. તેમણે તે સમયે જે જે ભવિષ્ય કથન કર્યાં હતાં, તે બધાં સાચા પડયાં છે. ઈ.સ. ૧૮૯૭માં તેમણે કહ્યું હતું કે આવતા પચાસ વરસોમાં, વિશિષ્ટ સંજોગોમાં ભારત સ્વતંત્ર થશે. એ સમયે તો હજુ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પણ નહોતા. વળી અસહકારના આંદોલનની કોઈને કલ્પના પણ નહોતી. પણ સ્વામીજીએ ભાખેલા ભવિષ્ય પ્રમાણે બરાબર ૫૦ વર્ષે એટલે કે ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી, અને તે પણ લોહી રેડયા વગર, વિશિષ્ટ રીતે, બીજું એમનું ભવિષ્યકથન ચીનના ભય વિષેનું હતું. ૧૮૯૩માં અમેરિકન હાર્વડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોન હેન્રી રાઈટના ઘરે તેમણે કહ્યું હતું, ‘બ્રિટિશરો ભારત છોડી જશે પછીથી ભારત પર ચીનના આક્રમણનો મોટો ભય રહેલો છે. એ સમયે તો કોઈએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે બ્રિટિશરો ભારતનું રાજ્ય છોડી ચાલ્યા જશે, તો પછી ચીનના આક્રમણ વિષે વિચારવાની તો વાત જ ક્યાં રહી? પરંતુ ૧૯૬૨માં આ બન્યું. ચીન ભારત ઉપર આક્રમણ કર્યું. સ્વામીજીએ એ પણ ભવિષ્યકથન કર્યું હતું કે સામ્યવાદની પ્રથમ ચળવળ ચીને કે રશિયામાંથી થશે જ્યારે સામ્યવાદનો પ્રણેતા કાલમાકર્સ પણ એ વિચારતો હતો કે આ ચળવળ જર્મનીમાંથી આવશે. કેમકે ત્યારે જર્મનીમાં ઘણાં સંગઠિત મજૂર મંડળો હતાં. જ્યારે રશિયામાં આવાં કોઈ સંગઠિત મજૂરમંડળો રચાયાં પણ નહોતાં. આમ છતાં સ્વામીજીએ કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું અને રશિયામાંથી જ સામ્યવાદનો ઉદય થયો.

આ ઉપરાંત પણ સ્વામીજીએ જે જે કહ્યું તે સઘળું સાચું પડયું છે. પરંતુ હજુ એક બાબત સાચી પડવાની બાકી છે, પરંતુ એ સાચી પડવાની દિશામાં ભારત હવે પ્રગતિ કરી રહ્યું છે, ૧૮૯૭માં મદ્રાસમાં આપેલાં એક પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું કે ભારત તેની આધ્યાત્મિક શક્તિથી સમગ્ર વિશ્વ ઉપર વિજય મેળવશે.’ આ પણ હવે સાચું પડવાનું છે, તે માટેની પૂર્વભૂમિકા રચાઈ ગઈ છે, સમગ્ર વિશ્વ હવે ભારતની આધ્યાત્મિકતા, ધ્યાન અને યોગ તરફ વળી રહ્યું છે. ‘ટાઈમ’ મેગેઝીનનો જ ૪ ઓગસ્ટ – ૨૦૦૩નો અંક એ સૂચવે છે કે આજે અમેરિકન લોકો ધ્યાન પાછળ પાગલ બન્યા છે, એવું પણ નોંધવામાં આવ્યું છે કે મનની શાંતિ માટે લગભગ દશેક મિલિયન અમેરિકનો નિયમિત ધ્યાન કરે છે, વર્તમાનપત્રોના સમાચારોમાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના લોકો યોગની પાછળ પાગલ બન્યા છે. બીજા એક અહેવાલ અનુસાર અમેરિકાની ૧૨૨ મેડિકલ સ્કૂલોમાંથી ૯૨ સ્કૂલોમાં વૈકલ્પિક મેડિસીનને ફરજિયાત કરવામાં આવ્યું છે જેમાં યોગ અને ધ્યાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજાં રાષ્ટ્રો પણ હવે ભારતની આધ્યાત્મિકતા પ્રત્યે વળી રહ્યાં છે. જો હવે ભારતે જગદ્‌ગુરુનો ભાગ ભજવવાનો હોય, અને સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની ભેટ આપવાની હોયતો તેમાં વિકસતાં રાષ્ટ્ર તરીકેનું તેનું સ્થાન અંતરાયરૂપ બને છે, જ્યાં સુધી ભારત વિકસિત રાષ્ટ્ર નથી બન્યું, ત્યાં સુધી તે વિશ્વના રાષ્ટ્રોનો પ્રકાશના પંથે લઈ જનાર ગુરુ કેવી રીતે બની શકે? એટલા માટે જ રાષ્ટ્રનિર્માણની અત્યંત આવશ્યકતા છે.

ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણ

આ કઈ રીતે શક્ય બને? ડો. રાધાકૃષ્ણને યોગ્ય જ કહ્યું છે કે ‘ફક્ત ઈંટ, ચૂનાની ઇમારતો રચવાથી રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. આ માટે યુવાનોના મનનું ઘડતર કરવું જોઈએ, તો જ રાષ્ટ્રનિર્માણ શક્ય બને છે.’ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે નાગરિકોના ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રનું પુનરુત્થાન થવું જોઈએ. લોકસભામાં કાયદાઓ ઘડીને આપણે રાષ્ટ્રનું ચિત્ર બદલી શકતાં નથી. ભલે આપણી પાસે નવા કાયદાઓ આવે, પણ માત્ર એનાથી કંઈ રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. જે દિવસે નવો કાયદો ઘડાય છે, એ જ દિવસે કાયદેસર કે ગેરકાયદેસર રીતે તેની છટકબારી પણ શોધી કાઢવામાં આવે છે. જ્યાં સુધી નાગરિકોનું ચારિત્ર્યઘડતર ન થાય અને ભ્રષ્ટાચાર ન જાય ત્યાં સુધી રાષ્ટ્રનું પુન:નિર્માણ શક્ય નથી.

એક તોફાની છોકરાને પ્રવૃત્ત રાખવા માટે કામમાં રોકાયેલા એના પિતાએ ભારતના નકશાના ટુકડાઓ આપી કહ્યું ‘આમાંથી તું ભારતનો આખો નકશો પાછો બનાવી દે’ પિતાએ વિચાર્યું કે છોકરાને ભૂગોળનું કંઈ જ્ઞાન નથી, એટલે આ જુદા જુદા રાજ્યોના ટુકડાઓને વ્યવસ્થિત જોડવામાં તે આખો દિવસ રોકાયેલો રહેશે તેથી એના કામમાં હવે દખલ નહીં કરે. પણ પિતાના આશ્ચર્યની વચ્ચે છોકરો થોડી જ મિનિટોમાં પાછો આવ્યો અને બોલ્યો, ‘લો આ આખો ભારતનો નકશો!’ ‘આટલો જલ્દી કેવી રીતે બની ગયો?’ પિતાએ આશ્ચર્યથી પૂછ્યું. ત્યારે તેના જવાબમાં તેણે કહ્યું; ‘હું નકશાના જુદા જુદા ભાગોને જોડવા મહેનત કરી રહ્યો હતો, પણ કંઈ ગોઠવાણું નહોતું, એવામાં અચાનક મારી નજર નકશાના પાછળના ભાગ પર પડી. પાછળ તો મનુષ્યનું ચિત્ર હતું. પછી મેં માણસના શરીરના બધા ભાગોને બરાબર જોડી દીધાને સંપૂર્ણ માનવ બની ગયો તો પાછળની બાજુએ ભારતનો સાચો નકશો પણ બની ગયો!’ સ્વામી વિવેકાનંદે પણ આ જ કહ્યું હતું કે પહેલાં મનુષ્યને પૂર્ણ બનાવો તો રાષ્ટ્ર એની મેળાએ જ પૂર્ણ બની જશે.’ રાષ્ટ્રનિર્માણ ત્યારે જ થઈ શકે જ્યારે તેના નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર થયું હોય, નહીંતર રાષ્ટ્ર ક્યારેય એક બની શકે નહીં. એટલે જ સ્વામી વિવેકાનંદે વારંવાર કહ્યું હતું કે આપણે મનુષ્ય નિર્માણકારી અને ચારિત્ર્ય ઘડતર કરનારું શિક્ષણ જોઈએ છે. સ્વતંત્રતા પછી ડો. કોઠારી કમિશન, ડો. રાધાકૃષ્ણન્‌ કમિશન પ્રકાશ કમિટી વગેરે અનેકના અહેવાલોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું હોવા છતાં પણ એની અવગણના કરવામાં આવી.

(ક્રમશ:)

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.