(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)માં તા. ૧૭-૧૨-૨૦૦૩ના રોજ પ્રદત્‌ વ્યાખ્યાન પર આધારિત પુસ્તક ‘Teacher as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ભાવાનુવાદ)

શિક્ષકો માટે સફળતાનું સૂત્ર :

શિક્ષકો સાથેના વાર્તાલાપ દરમિયાન હું તેમને સફળતા માટેનું એક સૂત્ર આપું છું, જે આ પ્રમાણે છે :

S = 3D + 3C + 3Q

S એટલે Success in teaching life.

શિક્ષણ કાર્યમાં સફળતા.

તેમાં 3Dની જરૂર છે. તે આ પ્રમાણે છે.

Dignity, Dedication and Devotion. Dignity એટલે પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્‌ભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી ‘હું શિક્ષક છું અને વિદ્યાર્થીઓમાં સુપ્ત રીતે રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે મને સોંપી છે’, આ કર્તવ્યબોધ જ શિક્ષકને આત્મગૌરવ બક્ષે છે. રાષ્ટ્રના ઉજ્જ્વળ ભાવિનો આધાર શિક્ષક પર રહેલો છે. કેમકે તેના કર્તવ્યકાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનને તે ધારે તેવો વળાંક આપી શકે છે. આથી શિક્ષક એ કોઈ ધંધાદારી વ્યક્તિ નથી, પણ તે તો રાષ્ટ્રનો નિર્માતા છે. રાષ્ટ્રધર્મનો રખેવાળ પ્રહરી છે. તેના કર્તવ્ય સાથે માત્ર તેનો પરિવાર જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્ર અને એથી ય આગળ વધીને કહું તો સમગ્ર માનવજાતિનું કલ્યાણ જોડાયેલું છે. આથી જ સમાજમાં શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ છે. તે કોઈ સામાન્ય માસ્તર નથી કે નથી તે કોઈ પગારદાર નોકરી કરતો કર્મચારી. પણ તે છે રાષ્ટ્રનો ઘડવૈયો. પોતાના મહાન કાર્યો દ્વારા તેણે પોતાનું આ ગૌરવવંતુ પદ જાળવી રાખવાનું છે. પોતાનું આત્મસન્માન પુન: પ્રતિષ્ઠિત કરવાનું છે.

બીજો D છે. Dedication – એટલે કે સમર્પણ

પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ. જો આ સમર્પણ ભાવના હશે, તો જ કર્તવ્યમાં નિષ્ઠા આવશે અને તો જ શિક્ષકને પોતાના મહાન કાર્યની પ્રતીતિ થશે. પરંતુ દુર્ભાગ્યે આજના યુગમાં મોટાભાગના શિક્ષકોનું વલણ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસ કરતાં પૈસા પ્રત્યે વિશેષ રહ્યું હોવાથી આ યજ્ઞકાર્યમાંથી નિષ્ઠા ચાલી ગઈ છે. અને નિષ્ઠાનો લોપ થતાં શિક્ષકો પણ ધંધાદારી વલણ દાખવતા થઈ ગયા છે. તેથી આ પવિત્ર વ્યવસાય દુષિત થઈ ગયો છે. જ્યારે શિક્ષણ બગડે છે. ત્યારે રાષ્ટ્રનું ભાવિ અસલામત બની જાય છે. આથી રાષ્ટ્રને સુદૃઢ અને ઉન્નત બનાવવા શિક્ષણને બચાવવું પડશે. પ્રાચીન ભારત કેટલું તો મહાન હતું, સમૃદ્ધ હતું, જ્ઞાનથી આલોક્તિ હતું. કેમકે તે સમયે શિક્ષણકાર્ય જ્ઞાનને સમર્પિત તપસ્વી ઋષિઓના હાથમાં હતું. આ ઋષિઓના આશ્રમમાં શિષ્યોનું ઉત્તમ ચારિત્ર્યનિર્માણ થતું. આવા શિષ્યો ઉત્તમ મનુષ્યરૂપે સમાજને પ્રાપ્ત થતા. દુર્ભાગ્યે આપણું શિક્ષણ કથળી ગયું છે. શિક્ષણમાંથી મૂલ્યોનો હ્રાસ થવા લાગ્યો છે. આથી જ સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. આ ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસની ચૂડમાંથી છોડાવવાની તાકાત શિક્ષકમાં રહેલી છે. ધ્યેયનિષ્ઠ શિક્ષકો સમગ્ર સમાજની કાયાપલટ કરવાની શક્તિ ધરાવે છે. ચાણક્ય એક સામાન્ય શિક્ષક જ હતા. પણ ધનનંદના ક્રૂર અત્યાચારી શાસન સામે તેમણે પોતાના શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને એવો તૈયાર કરી દીધો અને પછી તેના દ્વારા સમગ્ર નંદવંશના મૂળિયા ઉખેડાવી નાંખ્યાં. આવાં તો અનેક ઉદાહરણો આપણાં ઈતિહાસમાં જોવા મળે છે. શિક્ષકો ધારે તે કરી શકે છે. માત્ર જરૂર છે નિષ્ઠાની, સમર્પિત ભાવનાની, વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમભાવની.

ત્રીજો D છે. Devotion – ભક્તિ.

અહીં ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યેનો લગાવ. પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ. જેમ પ્રભુની ભક્તિ કરવામાં તન્મયતા આવી જતાં પ્રભુ પ્રત્યે ભાવ જાગૃત થાય છે, એમ ભણાવતાં ભણાવતાં શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે એકરૂપ બની જાય તો શિક્ષકમાં રહેલું જ્ઞાન વિદ્યાર્થીઓના ચિત્તમાં આપોઆપ સંક્રમિત થાય છે. શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ આનંદ આવે છે. શિક્ષકે પોતાની સામે બેઠેલા વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થીઓ તરીકે જોવાના નથી. તેઓ અજ્ઞાનના પૂતળા છે, તેમને કશું આવડતું નથી, એ રીતે તેની સાથે વ્યવહાર કરવાનો નથી, પણ પોતાની સામે નારાયણ વિદ્યાર્થી રૂપે બેઠેલા છે, દરેકની અંદર એ નારાયણ બિરાજમાન છે, અને પોતાના અધ્યાપન કાર્ય દ્વારા તે એ નારાયણની પૂજા કરી રહ્યો છે. એ ભાવ દાખવવાનો છે. આ રીતે જોતાં શિક્ષક એ પૂજક બની જાય છે, અને વિદ્યાર્થીઓમાં રહેલા નારાયણની એ પૂજા કરે છે. પૂજા, પ્રાર્થના કે ધ્યાનના સમયે મનુષ્ય શુદ્ધ અને પવિત્ર બનીને પોતાની અંદર રહેલી શ્રેષ્ઠતાને, ઉત્તમોત્તમ શક્તિને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે, તેમ શિક્ષકોએ પણ પોતાની અંદર રહેલી ઉત્તમોત્તમ શક્તિને વર્ગમાં પ્રગટ કરવી જોઈએ. આ રીતે જો શિક્ષકો કાર્ય કરે તો પ્રત્યેક શાળા એ મંદિર બની જાય, પ્રત્યેક શિક્ષકો એ પૂજારી બની જાય, અને પ્રત્યેક વિદ્યાર્થીઓ એ દેવી-દેવતાઓ બની જાય!

શિક્ષકે ચાર પ્રકારે આ પૂજા કરવાની છે : પ્રથમ તો દરેક વિદ્યાર્થીમાં જે સુપ્ત દિવ્યતા રહેલી છે, જે અનેક શક્યતાઓ રહેલી છે, એ પ્રગટ કરવાની છે. એ માટે શિક્ષકનું પોતાનું વર્તન એટલું ઉન્નત કરવાનું રહે છે. શિક્ષકે પોતાની અંદર સતત જાગૃતિ દાખવવાની રહે છે. બીજું, વિદ્યાર્થીઓ સમક્ષ મહાન પુરુષોના દૃષ્ટાંતો, એમના જીવન પ્રસંગો, જીવનમૂલ્યોની મહાનતા, વગેરેના સાચા દૃષ્ટાંતો દ્વારા તેઓ પણ આવાં મહાન બની શકે છે, એ ભાવનાનું સતત વાવેતર કરતા રહેવાનું છે.

ત્રીજું, શિક્ષકે પોતે પણ સામાન્યતામાંથી ઊંચે ઊઠીને વિદ્યાર્થીઓની સમક્ષ જીવંત આદર્શ મૂકવાનો છે. વિદ્યાર્થીઓ પર શિક્ષકો શું કહે છે તે નહીં, પણ શું કરે છે તેનો પ્રભાવ વિશેષ પડતો હોય છે. આથી શિક્ષકોએ પોતે પોતાના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાની રહે છે, અને સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિ પણ સાધવાની છે.

ચોથું, શાળાનું વાતાવરણ પવિત્ર, જ્ઞાનપ્રેરક અને ભયમુક્ત હોય એ માટે આચાર્ય અને શિક્ષકોએ સજાગ બનીને પ્રયત્નો કરવા જોઈએ. વિદ્યાર્થીઓ નિર્ભયપણે પોતાની મુશ્કેલીઓ રજૂ કરી શિક્ષકો પાસેથી એનો ઉકેલ મેળવી શકે, એવું સુમેળ અને સંવાદિતાભર્યું વાતાવરણ સર્જવું જોઈએ.

શિક્ષકો જો આ ચારે પ્રકારે વિદ્યાર્થીઓની પૂજા કરે તો જ્ઞાનના ઝરણાંઓ તો આપોઆપ વહેવા લાગશે. અને આ જીવંત દેવી-દેવતાઓના ખૂબ આશીર્વાદ મળશે. કાર્યનો સંતોષ અને આનંદ મળશે. જે રીતે સાધના દ્વારા સાધક ભગવાનની સમીપે પહોંચે છે, એમ શિક્ષક પણ આ રીતની પૂજા દ્વારા ભગવાનની સમીપ પહોંચી શકે છે. ભગવાનની પ્રસન્નતાનો અનુભવ પણ તે કરી શકે છે અને એ જ તો છે શિક્ષકના જીવનનું સાફલ્ય.

હવે આવે છે 3 C

3 C એટલે Concentration, Confidence, Communications પ્રથમ છે, Concentration એટલે કે એકાગ્રતા : 

અધ્યયન અને અધ્યાપન કાર્ય માટે તો એકાગ્રતા અનિવાર્ય છે. જો શિક્ષક વર્ગમાં એકાગ્રતાપૂર્વક ભણાવતો હશે, તો તેના વિદ્યાર્થીઓ પણ એકાગ્રતાપૂર્વક ભણવા લાગશે. શિક્ષકના ચિત્તના તરંગો વિદ્યાર્થીઓ ઉપર ઘણો પ્રભાવ પાડે છે. એકાગ્રતાપૂર્વક કરેલું કોઈપણ કાર્ય સફળતાને વરે છે. પશ્ચિમના મહાન ચિંતક ઈમર્સન તો કહે છે; ‘સફળતાનું રહસ્ય છે, એકાગ્રતા, યુદ્ધમાં, વેપારમાં, બધા પ્રકારની બાબતોમાં.’ એમાં પણ અભ્યાસમાં તો જેટલી એકાગ્રતા વધારે તેટલી સફળતા વધારે. આ વિષે હોલેન્ડની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક પ્રયોગ કરવામાં આવ્યો, તેમાં એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆએ એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ આપ્યું પછી વર્ષના અંતે તેમની અને જે વિદ્યાર્થીઓએ આ શિક્ષણ નહોતું લીધું, તેમની સરખામણી કરવામાં આવી. તેમાં જણાયું કે આ શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઘણા સારા માર્ક્સ આવ્યા હતા. તે ઉપરાંત પણ તેઓ ઈતર પ્રવૃત્તિઓ, રમતગમત વગેરેમાં પણ આગળ રહ્યા હતા. એકાગ્રતા દ્વારા અભ્યાસના પરિણામો ઉજ્જ્વળ આવતાં હોવાથી અને વિદ્યાર્થીઓનો આંતરવિકાસ પણ ઝડપી થતો હોવાથી હવે યુરોપ અને અમેરિકાના ઘણા દેશોમાં એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે અપાઈ રહ્યું છે.

પોતાના વિદ્યાર્થીઓમાં એકાગ્રતાની શક્તિ વિકસે એ માટે શિક્ષકે એકાગ્રતા દ્વારા અશક્ય અને મુશ્કેલ જણાતાં કાર્યો કેવી રીતે પાર પડે છે, તેના દૃષ્ટાંતો વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાં જોઈએ. એકાગ્રતાના વિકાસ માટેના મનોયત્નો પણ વારંવાર આપવા જોઈએ. સ્વામી વિવેકાનંદની એકાગ્રતા અદ્‌ભુત હતી. એમના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તીએ એક પ્રસંગ વર્ણવ્યો છે. તે વખતે સ્વામીજી બેલુરમઠમાં રહેતા હતા. ત્યાં વાંચવા માટે તેમણે એન્સાઈક્લોપિડિયા બ્રિટાનિકા (વિશ્વકોષ)ના દળદાર ગ્રંથો મંગાવ્યા હતા. શિષ્યે આ દળદાર ગ્રંથો જોઈને કહ્યું; ‘સ્વામીજી, એક જિંદગીમાં તો માણસ ક્યારેય આવડા મોટા આટલા બધા ગ્રંથો વાંચી શકે નહીં.’

‘એ તું શું કહે છે? જો આ દશભાગ તો મેં થોડા દિવસોમાં જ વાંચી નાંખ્યા છે, અને અગિયારમો ભાગ વાંચી રહ્યો છું.’ સ્વામીજીની વાત સાંભળી શિષ્ય આશ્ચર્યમાં પડી ગયો ને પૂછ્યું ‘ખરેખર?’

‘હા, આ દશ ભાગમાંથી તારે કંઈ પણ પૂછવું હોય તો પૂછી લે’, અને શિષ્યે ગુરુની પરીક્ષા લેવાની શરૂ કરી. જુદા જુદા ભાગોમાંથી તે સ્વામીજીને પ્રશ્ન પૂછતો રહ્યો અને તેના અપાર આશ્ચર્ય વચ્ચે સ્વામીજી તેને જવાબ આપતા રહ્યા. ક્યાંક ક્યાંક તો તેઓ પુસ્તકમાંથી ઉદ્ધત કરેલા જ વાક્યો કહેતા હતા. આશ્ચર્યચક્તિ થઈ ગયેલા શિષ્યે અભિભૂત થઈને કહ્યું : ‘સ્વામીજી, માનવની મગજશક્તિની આ વાત નથી. ખરેખર આપ તો ચમત્કારિક પુરુષ છો?’

‘અરે બેટા, આમાં ચમત્કાર જેવું કશું જ નથી. આ તો એકાગ્રતાની શક્તિનું પરિણામ છે! તને ખબર તો છે કે બ્રહ્મચર્યના કડક પાલનથી તમામ વિદ્યા ઉપર અલ્પ સમયમાં પ્રભુત્વ મેળવી શકાય છે. એના પરિણામે એક જ વાર સાંભળેલી કે એક જ વખત જાણેલી વાતની અચૂક સ્મૃતિ માણસને રહે છે. બ્રહ્મચર્યના અભાવે આ દેશમાં બધું વિનાશને આરે આવીને ઊભું છે.’

એકાગ્રતાના ચમત્કારિક પ્રસંગો સ્વામી વિવેકાનંદના જીવનમાં ઘણાં જ જોવા મળે છે. મનની સંપૂર્ણ એકાગ્રતાને પરિણામે તેમની યાદશક્તિ તીવ્ર બની ગઈ હતી. એકાગ્રતાને પરિણામે જ તેઓ પોતાના ૩૯ વર્ષના ટૂંકા આયુષ્ય કાળમાં કેટ કેટલા મહાન કાર્યો કરી શકયા હતા. જીવનમાં દરેક પ્રકારની સફળતા માટે એકાગ્રતાની અત્યંત જરૂર છે, એમ સ્વામી વિવેકાનંદ ભારપૂર્વક કહેતા. તેઓ મનની એકાગ્રતાની કેળવણીને જ સાચી કેળવણી કહેતા. આ વિષે તેમણે જણાવ્યું હતું કે, ‘હાલની કેળવણીની પ્રથા સાવ ખોટી છે, મનને હજુ વિચાર કરતાં પણ ન આવડે, તે પહેલાં તેમાં હકીકતો ઠાંસી ઠાંસીને ભરી દેવામાં આવે છે. પહેલાં તો એ શીખવું જોઈએ કે મનને કેવી રીતે વશ રાખવું? મારે જો ફરીથી શિક્ષણ લેવાનું થાય તો અને એમાં મારું ચાલે તો, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનું હું પહેલાં શીખું. લોકોને અમુક વસ્તુ શીખતા સમય લાગે છે. તેનું કારણ એ છે કે તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે મનને એકાગ્ર કરી શકતા નથી.’

જો મનની એકાગ્રતા હોય તો કાર્યો ખૂબ ઝડપથી થઈ શકે છે. વિદ્યાર્થી એકાગ્રતાથી ખૂબ ઝડપથી શીખી શકે છે. સમય, શક્તિ અને સાધનોનો ઉત્તમ ઉપયોગ કરી શકાય છે. એ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસને લગતું જ શિક્ષણ નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસને લગતી પ્રવૃત્તિઓના આયોજન દ્વારા એમના તન, મન અને હૃદયનો વિકાસ થઈ શકે છે. આમ પ્રત્યેક શાળાના વર્ગોમાં એકાગ્રતાનું શિક્ષણ અત્યંત આવશ્યક છે. આ એકાગ્રતા મેળવવા માટે મનને વશ કરવાની કળા શીખવી પડશે, જીવનને નિયમિત અને નિયંત્રિત કરવું પડશે, મનને શુદ્ધ કરવા માટે ઇન્દ્રિયો દ્વારા શુદ્ધ આહાર ગ્રહણ કરવો પડશે.

હવે આવે છે બીજો C એટલે Confidence: 

આત્મવિશ્વાસ : આત્મવિશ્વાસ એટલે પોતાની અંદર રહેલી પરમતત્ત્વમાં નિહિત અનંત શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ. પોતાની અંદર રહેલા એ પરમતત્ત્વમાં જેને શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય એવો મનુષ્ય સાચો મનુષ્ય જ બની શકતો નથી. સ્વામી વિવેકાનંદ કહે છે; પ્રાચીન ધર્મો એમ કહે છે કે જે ભગવાનમાં શ્રદ્ધા નથી ધરાવતો એ નાસ્તિક છે, જ્યારે આધુનિક ધર્મ એમ કહે છે કે જેને પોતાનામાં વિશ્વાસ નથી તે નાસ્તિક છે.’ જેને પોતાની જાતમાં વિશ્વાસ નથી એવો મનુષ્ય જીવનમાં કશું કરી શકતો નથી. તે પોતાની જાતને હીન અને તુચ્છ માનીને કોસ્યા કરે છે અને પોતાની જાતે જ પ્રગતિના માર્ગોને બંધ કરી દે છે. આવા મનુષ્યોનું જીવન વ્યર્થ જાય છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે પોતાના યુવાન શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીને કહ્યું હતું કે ‘સૈકાઓથી બધા એમ જ કહેતા આવ્યા છે કે તમે હીન છો, તમારામાં શક્તિ નથી, અને આ સાંભળી સાંભળીને હજારો વર્ષથી તમે એમ જ માનતા આવ્યા છો કે તમે હીન છો, નકામા છો.’ આનું ચિંતન કરતાં કરતાં તમે એવા જ બની ગયા છો.’ પોતાનું શરીર બતાવીને તેમણે કહ્યું હતું કે ‘આ શરીર પણ આ દેશની માટીમાંથી જ બનેલું છે. પરંતુ મેં ક્યારેય એવી ચિંતા કરી નથી.’ અને એટલે જ તેઓ પાશ્ચાત્ય સંસ્કૃતિને જડમૂળમાંથી હલાવી શકયા અને વૈદિક સત્યોને વિશ્વભરમાં વ્યાપક કરી શક્યા.

પોતાની અંદર પરમતત્ત્વ રહેલું છે, એ ભાવનાથી જ આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. અનંતશક્તિ, અનંતજ્ઞાન, અનંત સુખ પોતાની અંદર જ રહેલું છે. આ વિચાર માત્રથી જ માણસની અંદરની દુર્બળતા દૂર થઈ જાય છે. પરંતુ પોતાની અંદર શક્તિનો આ મહાસ્રોત રહેલો છે, એની મોટાભાગના મનુષ્યોને ખબર જ હોતી નથી. મોટાભાગના મનુષ્યોની સ્થિતિ ઘેટાંના ટોળામાં મોટા થયેલા સિંહબાળ જેવી છે. સ્વામી વિવેકાનંદ વારંવાર આ વાર્તા દ્વારા કહેતા કે સિંહનું બચ્ચું ઘેટાંની વચ્ચે રહેવાથી પોતાનો મૂળ સ્વભાવ ભૂલીને પોતે ઘેટું જ છે, એમ માનીને ઘેટાંની જેમ ઘાસ ખાય છે. અને બેં બેં કરે છે. પણ જ્યારે બીજો સિંહ તેને પાણીમાં એનું સાચું રૂપ બતાવે છે, ત્યારે તે ગર્જના કરતો સિંહ બની જાય છે. આ જ રીતે મનુષ્યો માયાની વચ્ચે રહેવાથી પોતાનું મૂળ સ્વરૂપ – પરમતત્ત્વને ભૂલી ગયાં છે. અને ઘેટાંની જેમ જ માને છે કે હું દુર્બળ છું, અશક્ત છું, નકામો છું. મારાથી કંઈ જ થઈ શકે તેમ નથી.

હવે ત્રીજો C છે. Communications – સંપર્ક :

શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સતત સંપર્ક હોય તો જ શિક્ષક વિદ્યાર્થીના જીવનવિકાસમાં નોંધપાત્ર ફાળો આપી શકે. પરંતુ આજની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ ફક્ત વર્ગખંડ પૂરતો જ રહેલો હોય છે. બાકીનો સમય વિદ્યાર્થી જે કુટુંબ અને સમાજના વાતાવરણમાં ગાળે છે, તેની ઘણી પ્રબળ અસર વિદ્યાર્થીના ચિત્તતંત્ર અને અભ્યાસ પર પડતી હોય છે. જો શિક્ષકને વિદ્યાર્થીના પરિવાર, તેમજ તેના વાતાવરણની જાણકારી હોય તો શિક્ષક નબળા કે ગરીબ વિદ્યાર્થીને સહાય કરીને તેના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવી શકે છે. ઘણી વખત હોંશિયાર વિદ્યાર્થી પણ વર્ગમાં બેધ્યાન બનવા લાગે છે, અને વર્ગમાં પોતાનું સ્થાન ગુમાવી દે છે, શિક્ષક જો તેના સંપર્કમાં હોય તો તે જાણી શકે કે તેના પરિવારમાં કજિયા કંકાસ છે કે કોઈ બિમાર છે. અને તે આવા વિદ્યાર્થીને સમજાવીને પાછો તેના સ્થાન પર લાવી દઈ શકે છે. એ માટે શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ હોવો જરૂરી છે અને શિક્ષક તેના વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં હોવો જરૂરી છે. ફક્ત શિક્ષક અને વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષક અને વિદ્યાર્થીઓના માતા-પિતા કે વાલીઓ પણ સંપર્કમાં રહેતા હોવાં જોઈએ. હવે ઘણી શાળાઓમાં એટલા માટે જ દર મહિને બાળકોના વાલીઓની મિટિંગ રાખવામાં આવે છે. તેમાં શિક્ષક અને માતાપિતા વચ્ચે મુક્ત ચર્ચાઓ થતી જોવા મળે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એ ઘણું અગત્યનું છે, એવું હવે સાબિત થયું છે.

હવે તો કોમ્યુનિકેશન ટેકનિક માટે ઘણાં ઘણાં પુસ્તકો બહાર પડી રહ્યાં છે. ‘મલ્ટીમીડિયા’ના આ યુગમાં તો કોમ્યુનિકેશન ખૂબ ઝડપથી અને સહેલાયથી થઈ શકે છે. વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે, સમજ વધે, તેઓ પોતાના અભ્યાસમાં પૂરતી સહાય મેળવે, એ રીતે આ ‘મીડિયા’નો ઉપયોગ થવો જોઈએ.એ માટે માતાપિતા અને શિક્ષકોએ જાગૃતપણે વિદ્યાર્થીઓમાં એ વિવેકશક્તિ, અને જ્ઞાન માટેની ભૂખ જાગૃત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. નહીંતર આ ‘મીડિયા’નો રાક્ષસ વિકાસને બદલે વિદ્યાર્થીઓને વિનાશ તરફ દોરી જશે.

હવે આવે છે 3 Q :-

આ 3 Q એટલે I.Q. E.Q અને S.Q.

I.Q. – Intelligence Quotient – બુદ્ધિમત્તાનો આંક :

૧૯૯૦ સુધી બુદ્ધિમત્તાના આંક ઉપર ખાસ ભાર મૂકવામાં આવતો હતો. એટલે કે મનુષ્યોમાં અન્ય યોનિઓ કરતાં વિશેષ બુદ્ધિમત્તા રહેલી છે. અન્ય પ્રાણીઓમાં આ બુદ્ધિમત્તા સાવ નહિવત્‌ છે, એવું માનવામાં આવતું હતું. પણ મનુષ્યેત્તર પ્રાણીઓમાં પણ I.Q. રહેલો છે. એ હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે. ગાય, હાથી, કૂતરાં, બિલાડી, ગધેડો આ બધા પ્રાણીઓમાં બુદ્ધિમત્તા રહેલી છે. દૂધ સંતાડીને મૂક્યું હોય તો પણ બિલાડી એ શોધીને પી જાય છે. કૂતરાંઓની – બુદ્ધિમત્તાના અનેક ઉદાહરણો જોવા મળે છે. પરંતુ મનુષ્યમાં જે વિવેકબુદ્ધિ છે, એ પ્રાણીઓમાં નથી.

I.Q. – Emotional Quotient -ભાવનાત્મકતાનો આંક :

મનુષ્યોમાં લાગણીઓ, સંવેદનાઓ, ભાવનાઓ રહેલી છે. તેના આંકને E.Q. કહે છે. હવે ૯૦ના દાયકામાં એ પણ સાબિત થઈ ગયું કે પ્રાણીઓમાં પણ લાગણીઓ રહેલી છે. બિલાડી તેના બચ્ચાને મોઢામાં પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંભાળપૂર્વક લઈ જાય છે. વાંદરી પોતાના બચ્ચાંને છાતીએ વળગાડીને લઈ જાય છે. હાથીઓની સંઘભાવના ખૂબ પ્રબળ છે. આમ મોટાભાગના પ્રાણીઓમાં E.Q. રહેલો છે, એ પણ હવે સાબિત થઈ ગયું છે. વૈજ્ઞાનિકો કહે છે કે મનુષ્યના મગજના બે અડધિયાં છે. તેમાં ડાબું મગજ બુદ્ધિમત્તા ધરાવે છે. જ્યારે જમણું મગજ લાગણીઓનું કેન્દ્ર છે. જેમનું જમણું મગજ વધારે સક્રિય હોય તેઓ કલાકાર, સાહિત્યકાર કે સંત બને છે. ડાબું મગજ વધારે સક્રિય હોય તેઓ બુદ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, વકીલો બને છે. શિક્ષકમાં એ આંતર્દૃષ્ટિ હોવી જોઈએ કે પોતાના વિદ્યાર્થીનું વલણ કેવા પ્રકારનું છે, તે જોઈ શકે અને તે પ્રમાણે તે માર્ગદર્શન આપી તેને મહાન સાહિત્યકાર કે મહાન વૈજ્ઞાનિક બનાવી શકે. સર્વાંગીણ વિકાસ માટે ડાબા અને જમણા બંને મગજનો સમતોલ વિકાસ હોવો જોઈએ.

S.Q. :- Spiritual Quotient – આધ્યાત્મિકતાનો આંક :

I.Q. અને E.Q. તો બધા પ્રાણીઓમાં વત્તેઓછે અંશે રહેલાં જ છે. પણ S.Q. એ માત્ર મનુષ્ય યોનિમાં જ છે. તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત થયું છે. S.Q. – Spiritual intelligence the ultimate intelligence – તેના લેખિકા છે, ડાનાહ ઝોહર, – (Danah Zohar) તેઓ પુસ્તકમાં કહે છે કે હવે તો વિજ્ઞાન દ્વારા એ પ્રમાણિત થઈ ગયું છે કે મનુષ્યમાં આધ્યાત્મિક જ્ઞાન રહેલું છે. બધી જ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિને જ આ જ્ઞાન મળેલું છે. આ જ્ઞાન જ મુખ્ય જ્ઞાન છે. બિલાડીમાં બુદ્ધિ છે. લાગણી પણ છે. પરંતુ ચોરીછૂપીથી દૂધ પીવું એ સારું છે કે ખરાબ એ નક્કી કરવાની શક્તિ બિલાડીમાં નથી. શું સારું અને શું ખરાબ, કેવાં કાર્યના કેવાં પરિણામ આવશે, એ વિચારવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ છે અને તે છે, આધ્યાત્મિક શક્તિ. આ શક્તિ જ સર્વોપરી છે, બુદ્ધિ અને લાગણીઓ પર વિજય મેળવી શકે તેવી એ સમર્થ છે. આ આધ્યાત્મિક શક્તિના વિકાસથી અશક્ય કાર્યો સિદ્ધ બને છે. મનુષ્ય પોતાની સામાન્યતામાંથી ઊઠીને મહાન બની શકે છે. શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓમાં બુદ્ધિમત્તા, ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જ્યાં સુધી આધ્યાત્મિકતા જાગૃત નહીં થાય ત્યાં સુધી મનુષ્ય નિર્માણકારી શિક્ષણ સર્જાશે નહીં. આધ્યાત્મિકતા વગર ‘સાક્ષરા: રાક્ષસા: ભવન્તિ’ એ સૂત્ર ચરિતાર્થ થતું જોવા મળે છે. એમાં પણ એકવીસમી સદીના આ ઝડપી યાંત્રિકરણ અને ટેકનોલોજીના વિકાસના યુગમાં જો આધ્યાત્મિક કેળવણી નહીં આપવામાં આવે તો વિશ્વમાં રાક્ષસોનું પ્રમાણ વધી જશે. S.Q. નો વિકાસ થાય તે માટેનું શિક્ષણ આ યુગમાં અત્યંત જરૂરી છે.

શિક્ષકો માટેનો મહાન મંત્ર :

હું જ્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં જાઉં છું કે શૈક્ષણિક સેમિનારોમાં જાઉં છું ત્યારે શિક્ષકો સફળતાનો મંત્ર આપવાનું કહે છે, હું શિક્ષકોને આ મંત્ર આપું છું અને તેમને દરરોજ દશવાર તેનો જપ કરવા કહું છું, એ મંત્ર છે; ‘હું શિક્ષક છું.’ ફક્ત ત્રણ જ શબ્દનો બનેલો, દેખીતો સરળ લાગતો આ મંત્ર જ્યારે તેનું અર્થના ચિંતન સહિત પુનરાવર્તન કરવામાં આવે છે, ત્યારે તે શક્તિશાળી બની જાય છે એમાં પરિવર્તન કરવાની મહાન શક્તિ પ્રગટ થાય છે. જ્યારે હું કોઈ શિક્ષકને પૂછું છું કે ‘તમે શું કરો છો?’ ત્યારે તેઓ કહે છે કે ‘હું શિક્ષક છું’ પણ આ એવા ઉતરતા ચહેરે કહે છે કે જાણે કોઈએ તેમને ફરજિયાત શિક્ષક બનાવી દીધા ન હોય! એના બદલે શિક્ષકોએ ગૌરવથી કહેવું જોઈએ, ‘હું શિક્ષક છું, હું રાષ્ટ્રનો ઘડવૈયો છું’ હું પથદર્શક છું, હું કેટલો મહાન છું, મારા ઉપર કેટલી મોટી જવાબદારી છે.’ આ જગતમાં સૌથી શ્રેષ્ઠ ગણાવી શકાય એવું જો કોઈનું કાર્ય હોય તો તે શિક્ષકનું છે. કેમકે રાષ્ટ્રનું ભાવિ પ્રધાનો, આઈ.એ.એસ. ઓફિસરો અને વૈજ્ઞાનિકોના પ્રકાર ઉપર આધાર રાખતું નથી. પણ શિક્ષકો કે જેઓ ભાવિ પ્રધાનો, ઓફિસરો અને વૈજ્ઞાનિકોને ઘડે છે, તેમના ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત આ વ્યવસાય અંતર્નિહિત દિવ્યતાને વ્યક્ત કરવા માટેના કર્મયોગના આચરણ માટે સહુથી વધુ ઉપયુક્ત નીવડે છે. આથી પ્રત્યેક શિક્ષકે આ મંત્રનું સતત રટણ કરતાં રહેવું જોઈએ કે ‘હું શિક્ષક છું; હું કેટલો મહાન છું, મારી કેટલી મોટી જવાબદારી છે.’

ગણિતના સૂત્રથી ડ = અ સાબિત કરી શકાય છે. તે આ પ્રમાણે છે;

અ = બ, બ = ક, ક = ડ માટે ડ = અ.

એ જ રીતે આપણે શિક્ષકો પરિવર્તનના પથદર્શકો છે, એ સાબિત કરી શકીએ છીએ. જો ભારત બચશે તો સમગ્ર વિશ્વ બચી શકશે. કેમકે વિશ્વને આધ્યાત્મિક સંસ્કૃતિમાં લઈ જવાનું ભારતનું કાર્ય છે. વિશ્વને બચાવવા માટે ભારતને બચાવવું જ પડશે. ભારતનાં નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો ત્યારે જ બને જ્યારે તેમને વિદ્યાર્થીકાળમાં યોગ્ય માર્ગદર્શન મળ્યું હોય. એ કાર્ય તો શિક્ષકો જ કરી શકે. શ્રી નાની પાલખીવાળા કહે છે કે પ્રબુદ્ધ નાગરિકો ફેક્ટરીઓમાં ઉત્પન્ન કરી શકાતા નથી તેઓ શિક્ષણ દ્વારા તૈયાર થાય છે. આ રીતે શિક્ષક ભાઈ-બહેનો તો પથ પ્રદર્શક છે – સમગ્ર રાષ્ટ્રના અને વિશ્વના પરિવર્તનોના જ્યોર્તિધર છે.

Total Views: 218

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.