સો વર્ષો પૂર્વ માનવરૂપધારી ભગવાન શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી એક મહામંત્ર ઉદ્ઘોષિત થયો હતો, ‘દયા નહીં સેવા- શિવભાવથી જીવ સેવા!’ આ મંત્રને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદે ધર્મનું નવું અર્થઘટન કરી આ યુગ માટે નવો યુગધર્મ સ્થાપિત કર્યો. સ્વામીજીએ આપેલા આ યુગધર્મને નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું રામકૃષ્ણ મિશને. રાંચી સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમ એ સ્વામીજીની પ્રેરણાથી ઉજ્જ્વલિત મહાન કર્મયજ્ઞની દિવ્ય જ્યોતની આભાથી પ્રકાશિત આ યજ્ઞના હવનકુંડમાં સમર્પિત વિનમ્ર સેવાંજલિ છે. આ આશ્રમની શરૂઆત ૧૯૨૭માં રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમા પરમાધ્યક્ષ પૂ. સ્વામી વિશુદ્ધાનંદજીએ કરી. આદિવાસી વિસ્તારના અત્યંત રમણીય શાંત પરિવેશની વચ્ચે આવેલ આ આશ્રમ અનેક શ્રદ્ધાળુઓને માટે આર્ષણનું કેન્દ્ર છે.
૧૯૬૯માં આ આશ્રમે સાધનહીન અને ગરીબ ગ્રામીણ પ્રજા અન્નક્ષેત્રે સ્વાવલંબી બની શકે એ હેતુથી અત્યંત ગરીબ એવા છોટાનાગપુર વિસ્તારમાં કૃષિવિજ્ઞાન અને કૃષિ આધારિત બીજા વિષયોની તાલીમ આપતી સંસ્થા ‘દિવ્યાયન’ શરૂ કરી. દિવ્યાયનનો અર્થ થાય છે – ‘દિવ્યત્વ તરફનો રસ્તો.’ ૧૯૭૭માં આઈ.સી.એ.આર. (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિક્લચરલ રિસર્ચ દ્વારા) તેને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરીકે માન્યતા મળી અને ૧૯૮૮માં દિવ્યાયન ખાતે યોજાયેલ રાષ્ટ્રીયકક્ષાની કાર્યશાળામાં આઈ. સી. એ. આર.એ આ સંસ્થાને ભારતના સૌથી વધારે કાર્યક્ષમ કૃષિવિજ્ઞાન કેન્દ્ર તરીકે ઘોષિત કરી. જે સંસ્થાની શરૂઆત ૨ એકર જમીન અને એક મકાનથી થઈ હતી તેની પાસે આજે ૬૦ હૅક્ટરના ત્રણ પ્રદર્શન ફાર્મ, ફીજીયન ક્રોસ બ્રીડ (cross breed) ગાયોની ગૌશાળા, કુકડાઓની એક સુવ્યવસ્થિત શાળા (Poultry) અને કૃષિમંત્રશાળા (Workshop) છે.
આ ઉપરાંત એક ભંડાર ગૃહ અને પોલ્ટ્રિ ફીડ મિલ (poultry feed mill) પણ છે. વિકાસ કાર્યોના વિસ્તારને પરિણામે પ્રાપ્ત થતા આંકડાઓના સંગ્રહ, તેમનાં વિશ્લેષણ અને પ્રયોગોના પરિણામોના વિશ્લેષણ માટે કમ્પ્યૂટર પણ વસાવવામાં આવ્યું છે.
દિવ્યાયનમાં સામાન્યત: આસપાસના આદિવાસી ગ્રામીણ નવયુવકોને કૃષિ અને કૃષિ વિષયો આધારિત તાલીમ આપવામાં આવે છે. સંપૂર્ણ નિરક્ષર લોકો પણ તેમાં ભાગ લઈ શકે છે અને તેમના માટે છાત્રાવાસની સુવિધા છે. તાલીમાર્થીઓને રહેવાનું, જમવાનું, યુનિફોર્મ વગેરે નિ:શુલ્ક આપવામાં આવે છે. આ તાલીમાર્થીઓને કૃષિ, બાગાયત, મધુમાખી ઉછેર, મરઘાઉછેર, કૃષિમંત્રોનું સમારકામ, કાષ્ટકલા, વેલ્ડીંગ, લુહારકામ વગેરે વિષયોની તાલીમ આપવામાં આવે છે. સામાન્ય તાલીમની અવિધ દોઢ માસની હોય છે. તે પછી વિશિષ્ટ તાલીમ પણ આપવામાં આવે છે, જેમાં કૃષિવિજ્ઞાન, બાગાયત, ગો-પાલન, મરધાઉછેર, કૃષિમંત્ર વગેરે માટે ત્રણ મહિના; કાષ્ટકલા, વેલ્ડીંગ અને લુહારકામ માટે છ મહિના તેમજ લેથ માટે એક વર્ષની મુદતની તાલીમ આપવામાં આવે છે. તાલીમ મેળવ્યા બાદ આ યુવાનો પોતે પસંદ કરેલા વ્યવસાયને કુશળતાથી અને આત્મવિશ્વાસથી ચલાવી પોતાની આજીવિકા રળી શકે છે. વધુમાં સ્થાનિક આવશ્યકતાનુસાર પાકસંરક્ષણ, લાખની ખેતી, સામાજિક વનીકરણ, યુવાનેતૃત્વ અને રાત્રિપાઠશાળાના શિક્ષકો માટે અધ્યાપનની ૭ થી ૧૫ દિવસની ટૂંકી મુદતની તાલીમના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.
આ તાલીમ વર્ગોની વિશેષતા એ છે કે વ્યાવસાયિક તાલીમ ઉપરાંત આ આદિવાસી યુવાનોને અનુશાસિત જીવન, સખત મહેનત તથા સંપીને કામ કરવાની તાલીમ પણ મળે છે. દિવ્યાયનનું અનોખું શાંત અને શાલીન વાતાવરણ આ ગ્રામીણ તાલીમાર્થી નવયુવકોને ચરિત્ર-નિર્માણ, દેશપ્રેમ અને સામાજિક તેમજ આધ્યાત્મિક વિકાસનો માર્ગ બતાવે છે કે જેથી તે પોતાનો તેમજ પોતાના સાથી ગ્રામજનોનો આર્થિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ કરી ઉન્નત જીવન જીવવા અગ્રેસર થઈ શકે છે.
તાલીમ વર્ગોને રસપ્રદ બનાવવા માટે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો અને બીજી શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ કરી સમૂહ-ચર્ચા ગોઠવવામાં આવે છે. વિકસતા વિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજોથી પરિચિત કરાવવા તાલીમ આપતા શિક્ષકોને જુદીજુદી ઉચ્ચ સંસ્થાઓમાં તાલીમ લેવા માટે પણ મોકલવામાં આવે છે.
ગ્રામોન્નતિ:
ગ્રામોન્નતિ માટે જરૂર છે જનશક્તિના જાગરણની અને આ માટે જરૂર છે જનશક્તિને સંગઠિત કરી તેઓ ઉન્નત જીવન જીવી શકે તે માટે તેમને વિચારવાની નવી દિશા આપી તેમને વધુને વધુ કાર્યશીલ બનાવવાની. દિવ્યાયનમાં તાલીમ પામેલા ગ્રામીણ યુવકોએ ગ્રામવાસીઓના વિકાસના સંકલ્પ સાથે વિવેકાનંદ સેવા સંઘોની રચના કરી છે. રામકૃષ્ણ મિશન આશ્રમે આજુબાજુનાં ૫૫ ગામોને દત્તક લીધાં છે અને આ ગામોમાં સેવા સંઘો પોતાનાં કામો કરી રહ્યા છે. આશ્રમના સહયોગથી ગામડાઓમાં ગ્રામવાસીઓને બીજ, ખાતર, જંતુનાશક દવાઓ; વ્યક્તિગત અને સામૂહિક ઉપયોગ માટે ડસ્ટર, સ્પ્રેયર જેવાં સાધનો; અનાજની લણણીનાં યંત્રો, બીજ વાવવાનાં સાધનો અને સિંચાઈ-પંપ જેવાં કૃષિ ઉપકરણોનું વિતરણ કરવામાં આવે છે. વારંવાર ખેડૂતો અને ગ્રામજનો માટે ખેડૂતમેળાનું આયોજન પણ કરવામાં આવે છે. આ બધાં કાર્યોને પરિણામે કૃષિ ઉત્પાદન વધારવામાં ઘણી સફળતા મળી છે અને અનાજની સરેરાશ ઉપજ હેકટર દીઠ ૨૦ ક્વીન્ટલથી વધીને ૪૦ ક્વીન્ટલ થઈ છે. અનુકૂળ હવામાનમાં ખરીફ મકાઈની ઉપજમાં ૮૫ ટકા સુધીની વૃદ્ધિ થઈ છે. વટાણા, ટમેટા અને બટેટાની ઉપજમાં ૧૫૦થી ૨૦૦ ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. આમ થવાથી ખેડૂતોની આવક વધી છે અને રોજગાર માટે બહાર જતા લોકોની સંખ્યા લગભગ નહીંવત્ થઈ ગઈ છે. ખેત-મજૂરોનું જીવન-ધોરણ ઊંચું આવ્યું છે અને તેમનું પારિવારિક જીવન પણ સુધર્યું છે. સરકારી યોજના અંતર્ગત, સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા માટે આ ગામોમાં લગભગ ૮૦૦ કુવાઓ બનાવવામાં આવ્યા છે.
દિવ્યાયન ફક્ત કૃષિક્ષેત્રે જ કામ કરે છે એવું નથી. આ ૫૫ ગામોમાં અનૌપચારિક રીતે ચલાવાતી રાત્રિ પાઠશાળાઓમાં ગામનાં બાળકોને વાંચવા લખવાનું શિખવવામાં આવે છે. યુવાશક્તિને સંગઠિત રાખી અનુકાર્ય ચાલુ રાખવાની આશ્રમની પ્રણાલિને કારણે ગામડામાં વસતા ગરીબ બેઘર લોકો માટે ઈંદિરા – આવાસ યોજના હેઠળ પાકાં મકાનો તેમજ ૨૫ ગામડાંઓમાં કૉમ્યુનિટી હાલ પણ બાંધવામાં આવ્યા છે. એ પ્રદેશમાં કાર્યરત બીજી સંસ્થાઓ પણ પોતે નિર્ધારિત કરેલાં વિકાસ કાર્યો માટે વિવેકાનંદ સેવા સંઘોના સંગઠનનો લાભ લે છે, જેમકે નાબાર્ડે (રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકે) આ સેવાસંધોને ‘કૃષક સેવા સંઘોના સ્વરૂપમાં અપનાવ્યા છે.
ગ્રામોન્નતિનું શરુ થયેલું આ કામ અસરકારક રીતે આગળ ધપતું રહે (follow-up programme) એ માટે પણ દિવ્યાયન ખૂબ સજાગ છે. આ માટે તાલીમ પામેલા નવયુવકો ઘેર-ઘેર ફરી ગ્રામીણ લોકોનો સંપર્ક કરી તેમની ખેતીવિષયક સમસ્યાઓને જાણી તેમનો ઉકેલ લાવવા પ્રયાસ કરે છે. વિવેકાનંદ સેવાસંઘોના ભૂતપૂર્વ તાલીમાર્થીઓની ત્રિમાસિક બેઠક, વાર્ષિક સંમેલન, ક્ષેત્રિય દિવસ (Field Day), ગામોમાં દૃશ્ય -શ્રાવ્ય કાર્યક્રમોનું આયોજન, ક્ષેત્રિય કિસાન મેળાઓ તથા કેન્દ્રિય કિસાન મેળાઓનું આયોજન પણ આ જ હેતુથી કરવામાં આવે છે. આમ કરવાથી વિવેકાનંદ સેવાસંઘ બીજા સ્થાનિક વહીવટી તંત્રો અને જિલ્લાના વહીવટીતંત્રના સંપર્કમાં આવે છે જેથી વિકાસકાર્યો ઝડપથી અને સરળતાથી આગળ વધી શકે છે. દરેક મહિને ‘દિવ્યાયન સમાચાર’ નામનું હિન્દી બુલેટિન પ્રકાશિત કરી તેનું વિતરણ પણ કરવામાં આવે છે. મધ્યસ્થીઓ દ્વારા ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું શોષણ ન થાય એટલા માટે તેમના દ્વારા ઉત્પાદિત મધનું વેચાણ દિવ્યાયન જ કરે છે.
આઈ. સી. એ. આર.ના ‘લૅબ ટુ લૅન્ડ’ (Lab. to Land) કાર્યકામની યોજનામાં જુદાજુદા ગામડાંઓના લગભગ ૪૮૦ ખેડૂત પરિવારોને દત્તક લઈ, તેમના ખેતર ઉપર જ નિદર્શન કરી, કઈ રીતે ઓછી કિંમતની ઉત્પાદન ટેક્નૉલોજીની મદદથી ઉપજ વધારી શકાય તે બતાવવામાં આવે છે. સામાજિક વનીકરણ દ્વારા ૮૦,૦૦૦ અર્જુન છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો પોતાની પડતર જમીનનો ઉપયોગ કરી, આર્થિક રીતે સદ્ધર થઈ શકે તે માટે આ જમીનોમાં તસરનો ઉછેર અને વણાટ (રેશમના દોરાઓનું)નું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. દિવ્યાયનના સામાજિક વનીકરણની યોજનાની અભૂતપૂર્વ સફળતાથી પ્રભાવિત થઈ ભારત સરકારે રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રીય પુરસ્કર એનાયત કર્યો છે.
આમ, સમર્પિત સંન્યાસીઓ તેમજ સહકાર્યકરોના સન્નિષ્ઠ પ્રયત્નોને પરિણામે દિવ્યાયન અન્નમયથી આનંદમય ચેતનાનું વાહક બની સ્વામી વિવેકાનંદે ચીંધેલા રાહ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ ઉપર ચાલી, શિવભાવે જીવસેવા દ્વારા દિવ્યત્વના માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરી, સ્વામી વિવેકાનંદના સ્વપ્નના નવા ભારતનાં નિર્માણમાં પોતાનો ફાળો આપી રહ્યું છે; અને સર્વાંગી ગ્રામીણ વિકાસનાં પોતાનાં કાર્યોમાં ઉત્તરોત્તર ફેલાવો થતો રહે તેવી અભિલાષા સેવી રહ્યું છે.
સંકલન: ડૉ. ચેતના માંડવિયા
Your Content Goes Here




