આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં એ જ આજ શિક્ષણનું સ્વરૂપ છે; પણ મનની પેલી પાર જે ચેતના છે, એનો બોધ, એનો પ્રત્યય, આવા શિક્ષણથી પામી શકાતો નથી.

*

માનવનું પોતાના વિષયમાં આકલન જ્યાં સુધી પહોંચ્યું છે, ત્યાં સુધીનું જ શિક્ષણ સમાજ એને આપે છે. પણ આટલા જ શિક્ષણથી મનુષ્ય સુખી પણ નથી બની શક્યો કે નથી એ પોતાના વ્યક્તિત્વમાં પ્રવાહ કે સન્તુલન પણ પ્રાપ્ત કરી શક્યો! અને વળી એનાથી પરસ્પરના સંબંધોમાં પ્રેમ, સ્નેહ, સહયોગ પણ આવી શક્યા નથી.

*

વિશ્વના વિભિન્ન દેશોમાં સમાજ, અર્થ, રાજ્ય વગેરેની જે વ્યવસ્થાઓ કેટલીક સદીઓથી ચાલતી આવી છે, એને ચલાવવા માટે જરૂરી શરાફો, મજૂરો, કારીગરો, કારકૂનો વગેરે તૈયાર કરી આપવાનાં કારખાનાં કંઈ શિક્ષણ સંસ્થાઓ ન કહેવાય.

*

શાળા – કૉલેજોને નામે શિક્ષણનાં જે કારખાનાં બન્યાં છે, એમાં ઋણબદ્ધ – સ્તરબદ્ધ વિદ્યુત – ચાલિત મસ્તિષ્કો જ તૈયાર કરવામાં આવે છે. આ “મસ્તિષ્ક શિલ્પ” એ “શિક્ષણ” નથી. શિક્ષણનો ઉદ્દેશ તો વિદ્રોહ શીખવવાનો છે. એનો અર્થ થાય છે “મૂલ્યોમાં ક્રાંતિ”.

*

શિક્ષણ ભવિષ્યાભિમુખ હોવું જોઈએ. કોઈ પણ સર્જનાત્મક પ્રક્રિયા ભવિષ્યોન્મુખ જ હોઈ શકે.

*

જેવી રીતે માતૃત્વ, પિતૃત્વ એક ભાવ છે. એ રીતે શિક્ષક પણ એક ભાવ છે. એક સંસ્કાર છે. માતાપિતાનું જેમ એક સર્જક પાસું છે, એવી રીતે શિક્ષકનું પણ એક સર્જક પાસું છે.

*

જ્યાં પ્રતિસ્પર્ધાને સ્થાને પ્રેમ આવે, ત્યાં સફળતાને સ્થાને સત્ય આવે છે. જીવનનું મૂલ્ય સત્યમાં છે; શિવત્વમાં અને સોહાર્દમાં છે. શિક્ષણ એ એક એવી દૃષ્ટિ આપે કે સત્ય માટે મરી ફીટનારા અમૃત પામે.

*

શિક્ષક એ છે કે જે ભીતર ભંડારાયેલી સમસ્યાઓને જાગ્રત કરે; જિજ્ઞાસા જગાડે, બાળકોને એમના ‘સ્વ- અર્થ’ના અનુસંધાનમાં અને તે માટેના સાહસ માટે નિમંત્રે. શિક્ષક થવા માટે અત્યંત વિદ્રોહી – જાગ્રત અને સચેત આત્મા જોઈએ. શિક્ષકમાં ખૂબ પ્રજ્વલિત આગ જોઈએ. શિક્ષક થવું એ ભારે જવાબદારી છે.

*

શિક્ષણ મહત્ત્વાકાંક્ષાથી મુક્ત હોવું જોઈએ એથી જ મહત્ત્વાકાંક્ષી મુક્ત વર્ગવિહીન શોષણમુક્ત સમાજ બની શકે છે.

*

સાચું શિક્ષણ એ છે કે જે ‘અભય’ શીખવે અને વિદ્રોહની શક્તિ આપે. અજ્ઞાતના પડકાર સામે હિંમત આપે. પ્રતિસ્પર્ધાને બદલે પ્રેમ શીખવે. કોઈની કોઈ સાથે તુલના કરવી એ ભૂલ છે. તુલના સ્પર્ધા પેદા કરે છે. કોઈ કોઈથી આગળેય નથી અને પાછળેય નથી; કોઈ કોઈથી ઉપરેય નથી અને નીચેય નથી. દરેક જ્યાં છે, ત્યાં જ છે.

*

“હે માનવ, તારું પોતામાં રહેવાપણું જ મોટી કૃતાર્થતા છે. પોતાનામાં રહીને જ તું જીવન જીવતો રહે.” – આ શીખવવું એ જ શિક્ષણ છે.

*

શિક્ષણનું પહેલું લક્ષણ છે અનાગ્રહ અને અનાસક્તિ. પ્રજ્ઞા અનાગ્રહી જ હોય છે.

*

શિક્ષણ જીવનને સીધું જોવાનું શીખવે. સરલતા, સ્વતંત્રતા અને સહજતાથી આપણે જીવનને જોઈ શકીએ એવી ક્ષમતા આપણને આપે.

*

જ્ઞાન, આનંદ અને સૌંદર્ય અનુભૂતિ માટે યુવાન ચિત્ત જોઈએ. ચિત્ત સદા યુવાન રહી શકે છે. શિક્ષણે ચિત્તને બોજવાળું જટિલ અને વૃદ્ધ ન બનાવી દેવું જોઈએ. કારણ કે યુવાન ચિત્ત જ જીવન અને મૃત્યુનાં રહસ્યો શોધી શકે છે.

*

મનમાં વિચાર ભરવો એટલે સ્મૃતિને ભરી દેવી. સ્મૃતિ વિવેક નથી. એ યાંત્રિક છે. એટલે વિચારો ભરવા નહિ, પણ વિચાર કરવાનું સામર્થ્ય જાગ્રત કરવું જોઈએ.

*

સમ્યક્ સંદેહ સિવાય શિક્ષણનો બીજો કોઈ આધાર નથી. સંદેહ વગર શોધ કેમ થાય? આપણે છીછરી તૃપ્તિથી ટેવાઈ ગયા છીએ. એનું કારણ જડતા છે. એ એક સદીઓ જૂનું શોષણ છે. એ દૂર થવું જોઈએ.

*

શિક્ષણક્ષેત્રે પ્રયોગ થતા જ રહ્યા છે, રામકૃષ્ણ મિશનના કાર્યમાં સંન્યાસીઓની જમાત ખડી થઈ, ગાંધીજીએ કાર્યકરોની જમાત ઊભી કરી. આ બધું એટલા માટે દર્શાવું છું કે આજે ભારતમાં સમગ્ર સંસાર અને ભારત માટે જે ક્રાંતિની જરૂર છે, એ ક્રાંતિ માટે નવો ક્રાંતિકારી વર્ગ ઊભો કરવો પડશે. આ સમગ્રતાનો અનુબંધ શિક્ષણ સાથે જીવનનાં અન્યાન્ય ક્ષેત્રોને જોડવાની ધીરજ આપણામાં આવે, ભાવના આવે, શક્તિ આવે… (એવો કાર્યકર્તાઓનો વર્ગ ક્યાંય હવે થતો નથી.)

(જુદાં જુદાં શિક્ષણવિષયક પ્રવચનોમાંથી સંકલિત અને અનૂદિત)

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.