(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.)

શિક્ષક એટલે કોણ?

શિક્ષક એટલે પુખ્ત વિદ્યાર્થી.

શિક્ષક એટલે શારીરિક રીતે પુખ્ત, માનસિક રીતે સ્વસ્થ અને બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ વ્યક્તિ.

શિક્ષક થઈ જવું સરળ છે, પણ સાચા શિક્ષક ‘થવું’ એ તાલીમ માગે છે, સાધના માગે છે.

આ બધામાં ભગવદ્‌ ગીતા ઉપયોગી થાય ખરી?

ચોક્કસ. શિક્ષક થવા પહેલાં જો વ્યક્તિ ગીતાનો અભ્યાસ કરે તો તે ઉત્તમ શિક્ષક બની શકે.

કઈ રીતે?

શિક્ષક થવાનું પ્રથમ અને પાયાનું લક્ષણ છે ‘જિજ્ઞાસા’. અલબત્ત, આ લક્ષણ મૂળે તો વિદ્યાર્થીનું છે, પણ વિદ્યાર્થીમાં જિજ્ઞાસા જન્મે અથવા પ્રગટે તે માટે શિક્ષકની પ્રેરણા જરૂરી છે. કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે જ શરૂઆતમાં કહ્યું કે શિક્ષક એટલે પુખ્ત વિદ્યાર્થી. જેટલી જિજ્ઞાસા શિક્ષકમાં વધારે હશે, તેટલી તે વિદ્યાર્થીમાં મૂકી શકશે. શિક્ષકનું પાયાનું કામ છે વિદ્યાર્થીની આંખમાં સ્વપ્ન આંજવાં. આ સ્વપ્નને પૂરાં કરવા માટે જ જિજ્ઞાસા જરૂરી છે. જેટલી જિજ્ઞાસા પ્રબળ હશે, તેટલાં તેનાં સ્વપ્ન વિશાળ બનશે અને તેટલો વિદ્યાર્થી આકાશમાં ઊડશે.

આમાં ગીતા મહત્તમ મદદ કરી શકે છે.

જુઓ, ગીતાની શરૂઆત તો અર્જુનના વિષાદથી થઈ. અને શ્રીકૃષ્ણે તેના વિષાદને દૂર કરવા કેટલાક વિચારો આપ્યા. પણ જેવા તેમણે આ વિચારો આપ્યા કે અર્જુનની વિષાદ વચ્ચે પણ જિજ્ઞાસા જાગી ઊઠી અને તે એક પછી એક સવાલો પૂછતો ગયો. આ જિજ્ઞાસાના કારણે જ ગીતા સાતસો શ્લોક સુધી લંબાઈ. અર્જુનના વિષાદનો જવાબ તો બીજા અધ્યાયમાં જ આવી જાય છે, પણ બીજા અધ્યાયથી જ અર્જુનના સવાલો શરૂ થાય છે અને છેક અઢારમા અધ્યાય સુધી ચાલુ જ રહે છે. શ્રીકૃષ્ણ એક સર્વોત્તમ શિક્ષક હોવાથી આ બધા સવાલોના સચોટ જવાબો આપતા રહે છે અને અર્જુનની જિજ્ઞાસા તો સંતોષતા રહે છે, પણ સાથે સાથે એવા જવાબો આપે છે કે અર્જુનની જિજ્ઞાસા પુન: પુન: પ્રજ્વલિત થયા કરે. આમ જો શિક્ષક થવા ઇચ્છનાર વ્યક્તિ ગીતા વાંચશે તો તેને અર્જુનની જિજ્ઞાસાનો પણ ખ્યાલ આવશે અને શ્રીકૃષ્ણનું ઉત્તમ શિક્ષકત્વ પણ સમજાશે.

ગીતા જિજ્ઞાસા બાબતે એક જગ્યાએ સીધી રીતે જ તેની વાત કરે છે. તે કહે છે કે

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। ( ૪:૩૪) એટલે કે ગુરુને વંદન કરી, સવાલો કરીને સેવા કરવી. આમાં શિક્ષણનો શબ્દ परिप्रश्नेन છે. આનો અર્થ છે સતત પ્રશ્નો કરવા, એટલે કે સતત જિજ્ઞાસા દર્શાવવી. આ વિધાન ભલે વિદ્યાર્થી માટે છે, પણ શિક્ષક પણ પાયામાં વિદ્યાર્થી છે, એટલે તેને પણ આ વિધાન લાગુ પડે છે.

જિજ્ઞાસુ શિક્ષક વિદ્યાર્થીને સતત પળેપળ, જિજ્ઞાસુ, જાગૃત, ઉત્સાહી અને થનગનતો રાખે છે. આવા શિક્ષકનો વિદ્યાર્થી, સંભવ છે, આગળ જતાં મોટો સંશોધક બની શકે છે. આપણા વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ લખે છે કે તેમના વિજ્ઞાનના પ્રાથમિક શિક્ષક વિદ્યાર્થીઓની જિજ્ઞાસા એવી તો ઉત્તેજિત કરતા કે બાળપણથી કલામમાં વિજ્ઞાન પ્રત્યે રસ જન્મ્યો હતો.

શિક્ષક માટે બીજો એવો જ અનિવાર્ય ગુણ જરૂરી છે કે તેને વિદ્યાર્થી પ્રત્યે અનર્ગળ પ્રેમ હોવો જોઈએ. આ ‘અનર્ગળ પ્રેમ’ એટલે કેવો પ્રેમ? અનર્ગળ પ્રેમ એટલે સો ટકા પ્રેમ. સંપૂર્ણ પ્રેમ. આવા શિક્ષક સો ટકા વિદ્યાર્થીમય હોય છે. તેમની તુલના ભક્ત સાથે કરી શકાય. ભક્ત એ છે જે સર્વત્ર ભગવાનને જ જુએ છે. તેને બધામાં ભગવાન જ દેખાય છે. ઉપનિષદ કહે છે ને કે બધું જ બ્રહ્મમય જ છે, તેમ શિક્ષકને પણ કેવળ વિદ્યાર્થી દેખાય છે. પોતે પણ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીમાં પણ આ પોતાપણું દેખાય છે. તેના માટે તે કેવળ વિદ્યાર્થી નથી, પણ તે પોતાનું જ સ્વરૂપ છે. જેવો વિદ્યાર્થી દેખાય કે તે સંપૂર્ણ તેના-મય થઈ જાય છે.

ગીતા આ ‘ભાવ’ને સમજાવતાં કહે છે કે यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति। (૬:૩૦) “જે સર્વત્ર મને જુએ છે અને સર્વમાં મને જુએ છે.” તત્ત્વજ્ઞાનમાં આને ‘અદ્વૈત’ કહે છે.

શિક્ષક વિદ્યાર્થી સાથે આ અદ્વૈત અનુભવે છે. કેવળ અનર્ગળ પ્રેમ જ આ અદ્વૈતનો અનુભવ કરાવી શકે છે. આવો શિક્ષક માત્ર છ કે આઠ કલાક કામ નથી કરતો, પણ તે ચોવીસેય કલાક શિક્ષક જ હોય છે. અરે, કદાચ તે નિવૃત્ત પણ થઈ જાય, છતાં પછી પણ શિક્ષક જ રહે છે. તેનું શિક્ષકત્વ આજન્મ રહે છે. તે માર્ગદર્શન આપવા હરપળ તૈયાર હોય છે. કદાચ વિદ્યાર્થી ન હોય તો સમાજને પણ માર્ગદર્શન આપવા સજ્જ હોય છે. આજે અમર્ત્ય સેન કે રામચંદ્ર ગુહા, ગોપાલ ગાંધી જેવા લોકો જીવનના આઠમા દાયકામાં થઈ ગયા હોવા છતાં અનેક યુનિવર્સિટીમાં સક્રિય રીતે શિક્ષણનું કામ કરે છે. થોડા સમય પહેલાં જેમણે વિદાય લીધી તે આપણા મહાન વૈજ્ઞાનિક જયંત નારલીકર જીવનની છેલ્લી પળ સુધી વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતા હતા અને અનેકોને માર્ગદર્શન આપતા રહ્યા હતા.

કારણ? તેઓ જીવંત શિક્ષકો છે અથવા હતા. સોક્રેટિસને ઝેર આપવામાં આવ્યું, પછી જે થોડો સમય રહ્યો તેમાં પણ તેમણે પ્લેટો અને બીજા શિષ્યોને ઉત્તમ માર્ગદર્શન આપ્યું. શ્રીરામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર હતું અને તેઓ તો બોલી પણ શકતા ન હતા, છતાં છેલ્લી પળ સુધી માત્ર શિષ્યોને જ નહિ, પણ તેમની પાસે આવનાર કોઈ પણ જિજ્ઞાસુને માર્ગદર્શન આપતા રહ્યા.

આપણા કલામ તો ભણાવતાં ભણાવતાં જ ઢળી પડ્યા. શિક્ષકત્વનું સર્વોત્તમ ઉદાહરણ!

આ બધું ક્યારે શક્ય બને છે? પાયામાં વ્યક્તિ જિજ્ઞાસુ હોય, વિદ્યાર્થી પ્રત્યે અનર્ગળ પ્રેમ હોય! એટલે તે પોતાનું સઘળું જ્ઞાન આપવા આતુર હોય. માત્ર સામે વિદ્યાર્થી હોવો જોઈએ. તે એમ નથી માનતા કે તે કોઈ ‘અન્ય’ વ્યક્તિને જ્ઞાન આપે છે. તે તો અનુભવે છે કે તે પોતાના જ બીજા સ્વરૂપમાં પોતાનું જ્ઞાન ઠાલવી રહ્યા છે.

શિક્ષકનું એક અન્ય લક્ષણ છે ‘જ્ઞાનપ્રેમી’. કેવળ જ્ઞાનનો ઉપાસક. તેને પૈસા, કીર્તિ, નામના વગેરે કશામાં રસ નથી હોતો. તે તો, બસ, પળેપળ જ્ઞાનની જ સાધના કરે છે. પળેપળને નીચોવે છે. અજાણતાં તે ગીતાના આ વિધાનને અનુસરે છે: “न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते।” ( ૪: ૩૮) જ્ઞાનથી વધારે પવિત્ર કશું જ નથી. આવા શિક્ષક પાસે બેસવા મળે તો જે અદ્‌ભુત જ્ઞાન મળે તેનાથી વિદ્યાર્થી ધન્ય થઈ જાય. વિદ્યાર્થી માટે તે કેવળ મિલન ન રહે, પણ આ મિલન ‘સત્સંગ’માં ફેરવાઈ જાય છે.

સ્ટિફન કોવેનું એક પુસ્તક છે – Seven Habits of Highly Effective People. તેમાં તેમણે બીજી ટેવ કહી છે: ‘Begin with the end in mind’. એટલે કે જયારે કામ શરૂ કરો ત્યારે પરિણામ કેવું આવશે તેની મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. ગીતા પાસેથી આ પણ શિક્ષકે શીખવાનું છે. જુઓ, ગીતાના પાયામાં છે અર્જુનનો વિષાદ. તેનું જ માત્ર સમાધાન કરવાનું હતું. અને તે મોટા ભાગે બીજા અધ્યાયમાં થઈ જાય છે. પણ શ્રીકૃષ્ણ મહાન શિક્ષક હતા. તે માત્ર એટલાથી જ સંતોષ માનવા ઇચ્છતા ન હતા. શિક્ષકનું મુખ્ય કામ છે વિદ્યાર્થીને વિશાળતા તરફ લઈ જવાનું. અંગ્રેજીમાં જેને local to global કહે છે તે. સ્થાનિકથી વૈશ્વિકતા તરફ દોરવાનું! આ ‘ધ્યેય’થી જ તેણે વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું છે, આપવાની શરૂઆત કરવાની છે. આજે શિક્ષણમાં તેને global vision કહે છે. અને ગીતાની તો ખૂબી જ એ છે કે શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર વૈશ્વિક દૃષ્ટિ જ નથી આપતા. અગિયારમા અધ્યાય દ્વારા ‘વિશ્વરૂપદર્શન’ પણ કરાવે છે. એ તે કે માત્ર global vision જ નથી આપતા, પણ universal vision એટલે કે બ્રહ્માંડીય વિઝન પણ આપે છે. તેને ખબર છે કે વિદ્યાર્થી તે માટે તૈયાર નથી, સહન નહિ કરી શકે, છતાં આપે છે. કારણ કે ભવિષ્યમાં કદાચે જ્યારે વિદ્યાર્થીની દૃષ્ટિ થોડીક પણ સંકુચિત થાય, તો ત્યારે તેને અવશ્ય આ વિશ્વરૂપદર્શનની સ્મૃતિ થશે. તે તેને સંકુચિત થતાં અટકાવશે. શ્રીકૃષ્ણ, એટલે કે શિક્ષક વૈશ્વિકદર્શન જાણવા માટે ‘બુદ્ધિયોગ’ આપે છે અને બ્રહ્માંડીય દર્શન માટે તેને ‘દિવ્યચક્ષુ’ આપે છે. એટલે કે ઊંડી સમજણ અથવા તો ડહાપણ આપે છે. ભણાવે છે ભલે તે કોઈ સાદો વિષય, પણ તે સ્પષ્ટ છે કે તેણે વિદ્યાર્થીને આ બ્રહ્માંડીય દર્શન તરફ લઈ જવાનો છે.

આ કરે તે સાચા શિક્ષક.

અને માની લો કે આ બધું કરે તો શું? કોઈને સવાલ થાય. વિદ્યાર્થી પર શું પ્રભાવ પડે તેનો?

ગીતા તેના બે જવાબ આપે છે. સાદો જવાબ તે સંજય દ્વારા આપે છે. સંજય કહે છે કે આ અદ્‌ભુત વચનો સાંભળીને અને global vision, જેને તે ‘रूपं अद्‌भुतम्‌’ કહે છે તેને સંભારીને વારંવાર હર્ષ ઉત્પન થાય છે. વિદ્યાર્થી પણ ભવિષ્યમાં તેના શિક્ષક વિશે આવું જ બોલવાના.

બીજો જવાબ અર્જુન આપે છે. શિક્ષણ પૂરું થાય છે ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે કે, “એકાગ્રતાથી તેં જે સાંભળ્યું તેનું શું પરિણામ આવ્યું છે?” ત્યારે અર્જુન જવાબ આપે છે કે આ સંભાળીને તેનો મોહ નષ્ટ થઈ ગયો છે, સ્મૃતિ આવી ગઈ છે, તે સ્થિર થઈ ગયો છે અને તેના બધા જ સંદેહ દૂર થઈ ગયા છે. આને આધુનિક શબ્દોમાં સમજાવીએ તો મોહ નષ્ટ થવો એટલે ગૂંચવણ દૂર થવી. સ્પષ્ટ જ્ઞાન થવું. સ્મૃતિ આવવી એટલે સાચી સમજ વધવી. અને જ્યારે મન અને મગજ સ્પષ્ટ થઈ જાય ત્યારે સ્વાભાવિક રીતે મન સ્થિર થઈ જાય અને બધા જ સંદેહો દૂર થઈ જાય. સાચા શિક્ષક પાસે ભણેલ વિદ્યાર્થી તેના ભાવિ જીવનમાં ‘આ રીતે જ’ જીવે છે. સાચા શિક્ષક પાસે ભણનાર વિદ્યાર્થીનો આવો જ વિકાસ થાય.

એટલે જો વ્યક્તિ શિક્ષક થાય તે પહેલાં ધ્યાનથી અને ઊંડાણથી ગીતાનું અધ્યયન કરે, તેના દરેક શ્લોકમાંથી પોતાને શું ઉપયોગી થાય તે તપાસે, અને મળે તેને જીવનમાં અપનાવે, તો તે શિક્ષક તરીકે સંપૂર્ણ સફળ થાય, એટલું જ નહિ, તેનું પોતાનું જીવન પણ સફળ અને સાર્થક થઈ જાય.

ગીતાની આ જ ખૂબી છે. તેને જે પણ સ્પર્શે, તે પારસમણિમાં ફેરવાઈ જાય.

Total Views: 8

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.