(ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે)
ધો. ૧૨ સાયન્સ પછી શું?
ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે કોમર્સમાં જવું કે ડિપ્લોમા કોર્સ કરી આગળ વધવું? – આવો નિર્ણય લેતી વખતે ધો.૧૦નું પરિણામ ધ્યાનમાં લેવામાં આવે તો નિર્ણય લેવામાં ભૂલ થવાનું જોખમ વધુ રહે છે. વિદ્યાર્થીના વર્તમાન રસ, રુચિ અને વલણને વધુ ધ્યાનમાં રાખવા જોઈએ. દા.ત. કોઈ વિદ્યાર્થીને એસ.એસ.સી.માં ઓછા ટકા આવ્યા હોય, પરંતુ તેને સાયન્સ અને ટેક્નોલોજીમાં વધુ રસ હોય તો ૧૧-૧૨ સાયન્સનો વિકલ્પ તેના માટે બેસ્ટ વિકલ્પ છે. તેણે સાયન્સનો ડર રાખવાની જરાયે જરૂર નથી. ઓછા ટકા આવે તો પણ તેણે વિજ્ઞાનપ્રવાહમાં જ જોડાવું જોઈએ. એથી ઊલટા કેસમાં એસ.એસ.સી.માં ખૂબ જ ઊંચા ટકા મેળવનારને સાયન્સમાં રસ જ ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીના રસના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ. તેના રસ અને ક્ષમતા અનુરૂપ નિર્ણય લેવામાં આવે તો તેને વધુ ફાયદો થશે, કેમ કે આજે રોજગારીના ફિલ્ડમાં પણ તીવ્ર હરીફાઈ ચાલે છે. હવે ધો.૧૨ સાયન્સ પછી મળતી તકોની વાત કરીએ.
પૂર્વ ભૂમિકા : બાર સાયન્સ એટલે તમારી કારકિર્દીનો સૌથી મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ. બારમું પૂરું કર્યા પછી તમને સૌને આ એક વિચાર સૌ પ્રથમ આવશે કે હું કયા કોર્સમાં જોડાઉં તો મને કામ કર્યાનો સંતોષ મળે અને સારું એવું વળતર પણ મળે? – ધ્યાન રાખજો કે તમારે તમારી આવડત સસ્તામાં વટાવવાની નથી.
૨૧મી સદીના સતત પડકારો, સતત સ્પર્ધાઓ-તેને માટે સખત સંઘર્ષ- એ બધામાંથી તડી પાર ઉતરવા માટે સતત જાગૃતિ અને કઠોર પરિશ્રમ એ જ તમારી કારકિર્દી માટે શ્રેષ્ઠ પરિબળો બની રહેશે. વાલીમિત્રો બેટર અન્ડર સ્ટેન્ડિંગ, બેટર લાઈફ અને બેટર નોલેજ જ્યાંથી મળે ત્યાં પૈસાની કોથળી ખોલી નાખે છે. વિદ્યાર્થીઓ ગુડ જોબ, ગુડ સેલેરી અને અપના સપના મની મની! – આવું વિચારે છે – જે ખરેખર સાચી અને સારી કારકિર્દી નક્કી કરવા માટે નકામું છે. તમારા રસ-શોખ-કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા આ ક્ષણે ખૂબ જ કામના છે.
દિશા સૂચન : આજના સ્પર્ધાત્મકતા અને પારંગતતાના સમયમાં કારકિર્દી ઘડવાનું સાવ સહેલું નથી. આજના વૈશ્વિક પ્રવાહો અને ઝડપથી બદલાતી જતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ સાથે તાલ મિલાવી શકે તેવી વિચારપૂર્વકની કારકિર્દી ઉજ્જ્વળ ભાવિ માટે ખૂબ જ જરૂરી છે. માત્ર સરકારી નોકરી મેળવવાના અભિગમ સાથે કારકિર્દી પસંદ કરવી, એ ભૂતકાળની બાબત બની ગઈ છે. આજે તમારી સમક્ષ અઢળક વિકલ્પો અને તકો ઉપલબ્ધ છે. માર્ગો ઘણા છે, મંજિલ એક છે.
* સી.આઈ.પી.ઈ.ટી. : સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી – નામની આ સંસ્થા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. આ પ્રકારનાં પંદર કેન્દ્રો દેશભરમાં શૈક્ષણિક કાર્ય કરે છે. ધો. ૧૦ પાસ માટે એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પ્રવેશ આપી પ્લાસ્ટિક ટેક્નોલોજીનો ૩ વર્ષનો ડિપ્લોમા કોર્સ ભણાવવામાં આવે છે. ધો.૧૨ વિ.પ્ર.ના વિદ્યાર્થીઓને પણ એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા બી.ટેક્.એન્જિ.માં જોબ એરિએન્ટેડ કોર્સ કરવાની તક મળે છે. ગુજરાતનું કેન્દ્ર અમદાવાદ, વટવા – જી.આઈ.ડી.સી., પ્લોટ નંબર ૬૩૦, ફેઈઝ નંબર ૪, ખાતે ચાલે છે. જેની વેબ સાઈટ છે : www.cipetindia.com
* આઈ.ઈ.ટી.ઈ. : ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર્સ નામે સુખ્યાત બનેલ આ સંસ્થા કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ સંસ્થા ધો.૧૦ (ફક્ત પાસ: મેરિટ વગર) વિદ્યાર્થીને ઈ.સી. અને સી.ઈ. એન્જિ. ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ આપે છે. ડિસ્ટન્સ લર્નિંગના કોર્સીસ છે. દરેક પ્રવેશવંચિતોને લાભ મળે છે. સમગ્ર ભારતમાં ૫૭ કેન્દ્રોમાં એક રાજકોટ કેન્દ્ર સમાવિષ્ટ છે. તેનું સરનામું : પ્રેરણા-૨, ૩ તિરુપતિનગર, હનુમાનમઢી, રૈયારોડ, રાજકોટ. ફોન : ૦૨૮૧-૨૫૭૨૩૫૭.
* ભવિષ્ય તરફ પ્રયાણ કરતાં પહેલાં તમારે તમારા વર્તમાનને તપાસવો જ રહ્યો, કારણ કે વર્તમાનનું મહત્ત્વ હંમેશાં મોટું રહ્યું છે. મનગમતા કોર્સીસ્ની યાદી તૈયાર કરજો, તેને આધારે તમારી દિશા નક્કી કરજો અને તે અંગેની જરૂરી માહિતી એકઠી કરીને, તમારા જીવનની કેડી કંડારવાનો વિચારપૂર્વક નિર્ણય કરજો.
સુપ્રિમ કોર્ટે ૧૦ માર્ચ, ૨૦૦૯ના રોજ જણાવ્યું છે કે ‘ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયરને સમાન તક અપાય તો કોઈ પણ દૃષ્ટિએ બંધારણનો ભંગ થતો નથી. તેથી ડિગ્રીધારકો અને ડિપ્લોમા ધારકો માટે સમાન લાભોનો નિર્ણય સરકારના વહીવટીતંત્રે તેના અનુભવને આધારે લેવાનો છે. કોર્ટે તેનું સન્માન કરવું અને સરકારના કામમાં હસ્તક્ષેપ કરવો નહિ.’
તેથી સ્વાભાવિક છે કે તમને મૂંઝવણ થાય કે કયા ક્ષેત્રમાં ઝંપલાવવું? એનો જવાબ આગળની ચર્ચામાં આવી ગયો છે. યાદ રાખજો કોઈ વ્યક્તિ માર્ગ બતાવી દે તેથી કાંઈ મંજિલ કે ધ્યેય મળી જતાં નથી. તેને માટે સ્વયં પ્રયાસ, કઠોર પરિશ્રમ અને પદ્ધતિસરના પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે.
* ઉપલબ્ધ વિકલ્પો અને તકો : ધો.૧૨ સાયન્સ પછી એન્જિનિયર કે ફક્ત ડોક્ટર બનાય એવું સીમિત નથી. માબાપની મેડિકલની ઘેલછામાં બાળકની ઇચ્છા અને એની શક્તિ સમજવાનો કોઈ પ્રયાસ જ કરતું નથી. ‘તારે જમીન પર’ના નાયકની નાનકડી છતાં અસરકારક વાતનો અહીં ઉલ્લેખ કર્યો છે. ઓછા ટકા આવવાથી જીવનસંગ્રામ હારી ચૂક્યા હોય એવી નકારાત્મક ભૂમિકાનો વિચાર કર્યા કરવાની બિલકુલ જરૂર નથી. કેમ કે એન્જિનિયરિંગ કે મેડિકલ સિવાયના પણ ઘણા વિકલ્પો સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં ઉપલબ્ધ છે. જેની આછી ઝલક અહીં આપું છું :
* એન્જિનિયરિંગ : ૫૮ કોલેજો છે. તેમાં ૧૭ ગવર્મેન્ટ અને ૪૧ સેલ્ફ ફાઈનાન્સ છે. બધાની મળીને કુલ ૨૧૯૦૫ બેઠકો (સીટ) છે.
* મેડિકલ : ૧૩ કોલેજો છે. તેમાં ૬ ગવર્મેન્ટ, ૨ મ્યુનિ. સંચાલિત અને ૫ સેલ્ફ ફાઈનાન્સ છે. કુલ મળીને એની બેઠક ૧૭૩૫ છે.
* ડેન્ટલ : ૧૦ કોલેજો છે. તેમાં ૨ ગવર્મેન્ટ અને ૮ સેલ્ફ ફાઈનાન્સ છે. બધાની મળીને કુલ ૬૩૦બેઠકો છે.
* આયુર્વેદિક : ૧૧ કોલેજો છે. તેમાં ૪ ગવર્મેન્ટ, ૫ ગ્રાન્ટેડ અને ૨ સેલ્ફ ફાઈનાન્સ છે. બધાની મળીને કુલ ૪૧૫ બેઠકો છે.
* હોમિયોપેથિક : ૧૪ કોલેજો છે. તેમાં ૪ ગ્રાન્ટેડ અને ૧૦ સેલ્ફ ફાઈનાન્સ છે. બધાની મળીને કુલ ૧૪૫૦ બેઠકો છે.
* ઓપ્ટોમેટ્રી : ૪ કોલેજ છે. બધી જ સેલ્ફ ફાઈનાન્સ છે. કુલ બેઠક ૧૫૫ છે.
* આર્થો. અને પ્રોસ્થો કોલેજ-સિવિલ હોસ્પિટલ કેમ્પસ-૧ કોલેજ ગવર્મેન્ટની છે. તેમાં ફક્ત ૧૦ સીટ છે.
* નેચરોપથી : ૧ કોલેજ – સીટ સંખ્યા ૩૦. તેનું સરનામું મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી, (સેલ્ફ ફાઈનાન્સ), બરોડા.
* ઓક્યુપેશનલ થેરાપી : ૧ કોલેજ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, આણંદ – સેલ્ફ ફાઈનાન્સ – ૫૦ બેઠકો ઉપલબ્ધ.
* ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી : એક કોલેજ, સી.યુ.શાહ, સુરેન્દ્રનગર-૨૫ બેઠકો.(સેલ્ફ ફાઈનાન્સ)
* ફિઝિયોથેરપી : ૧૬ કોલેજ છે. ૨ ગવર્મેન્ટ અને ૧૪ સેલ્ફ ફાઈનાન્સ. કુલ બેઠકો – ૫૧૦ છે.
* નર્સિંગ ડિગ્રી : બી.એસ.સી. નર્સિંગ – ૪ વર્ષનો કોર્સ – ૪ કોલેજ – ૧ ગવર્મેન્ટ અને ૩ સેલ્ફ ફાઈનાન્સ. કુલ બેઠક ૧૭૦ છે.
* નર્સિંગ ડિપ્લોમા : ૨૮ કોલેજ છે. તેમાં ૧૮ ગવર્મેન્ટ, ૭ મ્યુનિ. સંચાલિત અને ૩ સેલ્ફ ફાઈનાન્સ છે. બધાની મળીને કુલ ૪૫૫ બેઠકો (સીટ) છે.
આ રીતે મેડિ.+ડેન્ટલની મળીને ૨૩૯૧ સીટ + પેરામેડિકલની ૩૨૩૦ મળીને કુલ બેઠકો ૫૬૨૧ છે.
માર્ચ ૨૦૦૯ના પરીક્ષાર્થીઓ એ ગ્રુપમાં ૬૨૦૦૦, બી ગ્રુપમાં ૨૮૦૦૦, એબી ગ્રુપમાં ફક્ત ૧૫૦ બોર્ડમાં બેઠા છે. એની સામે શિક્ષણની સવલત એન્જિ. ૨૧૯૦૫+ મેડિકલ તથા પેરામેડિકલની ૫૬૨૧ મળીને ૨૭૫૨૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી સમાવિષ્ટ કરાવી શકાશે. તદુપરાંત ૪૨૦૦ જેટલી બેઠકો ફાર્મસીમાં છે. તેમાં આ વર્ષથી ફક્ત ‘બી’ ગ્રુપવાળા જ પ્રવેશપાત્ર ગણાનાર છે. બી.એસ.સી.માં વિવિધ વિષયોમાં વિજ્ઞાન સ્નાતક કોર્સમાં ૪૦૦૦ જેટલી બેઠકો છે. આર્કિ.ની ૨૪૦ બેઠકો છે. એગ્રિકલ્ચરની છ બ્રાંચની ૫૫૦ જેટલી બેઠકો છે. તેથી બીજી ૮૯૯૦ બેઠકો પ્રવેશ માટે ઉપલબ્ધ છે. ઉપર દર્શાવ્યા મુજબની ૨૭૫૨૬ બેઠકોમાં ૮૯૯૦ બેઠકો ઉમેરતા ૩૬૫૭૬ બઠકો સાયન્સના વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્યમાં ઉપલબ્ધ છે.
ઉપર્યુક્ત આંકડા જોતા એમ કહી શકાય કે પરીક્ષામાં બેઠેલા ૯૦,૦૦૦માંથી જો ૮૦% પાસ થાય તો ૭૨,૦૦૦ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અરજીઓ કરવાના. સવલત ૩૬૫૭૬ જેટલી છે, તો બાકીના ૩૬૦૦૦નું શું? – આ વિદ્યાર્થીઓ ડિપ્લોમાના કોર્સ લેશે. ઘણા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોની, ઓલ ઈંડિયા મેડિકલ એન્ડ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને ભારતની નામાંકિત કોલેજોમાં ભણવા જવાના.
* તમારા માટે ઉનાળાનું વેકેશન તમારી કારકિર્દી ઘડતરના પડકારોની સામે પડકાર ફેંકવા માટે છે. તમારે તમારામાં અત્યારે ‘સેલ્ફ એફિકસી’ એટલે કે ‘હું આ કરી શકું છું’ એવા આત્મવિશ્વાસનું વાવેતર કરવાનું છે. ઓલ ઈંડિયા એન્જિ. અને મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ આપી તે દ્વારા ભારતની નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવવાનો છે. તમારે પુરુષાર્થ દ્વારા તમારી દૃઢ સંકલ્પ સિદ્ધ કરવાનો છે. કર્મ (કાર્ય) એ જ તમારી કામધેનુ છે, સખત મહેનત એ જ તમારો પારસમણિ છે. બરાબર યાદ રાખજો : સંજોગો પ્રતિકૂળ હોતા નથી, પરંતુ આપણા સંકલ્પો શિથિલ હોય છે.
* એગ્રિકલ્ચર : આ ઉપરાંત ગુજરાતમાં આવેલી ચાર યુનિવર્સિટી (આણંદ, નવસારી, જૂનાગઢ, સરદાર કૃષિનગર)માં તમારા માટે એગ્રિકલ્ચર ક્ષેત્રે છ તકો રાહ જોઈ રહી છે. બી.એસ.સી. (એગ્રિ.), બી.એસ.સી. (હોમ સાયન્સ), બી.એસ.સી. (ફોરેસ્ટ્રી), બી.એસ.સી. (હોર્ટિકલ્ચર), બી.એસ.સી. (ફિશરીઝ), બી.વી.એસ.સી. એન્ડ એ.એચ. (બેચલર-ઈન-વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી) – ચાર યુનિ. સંલગ્ન ૯ કોલેજોમાં ચાલતા છ કોર્સીસ્માં પ્રતિવર્ષ ૫૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. વેટરનરી સાયન્સનો પાંચ વર્ષનો પશુચિકિત્સકનો તથા અન્ય કોર્સ ચાર ચાર વર્ષના ડિગ્રી કોર્સ છે.
* એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ : પી.સી.એમ. ગ્રુપના વિદ્યાર્થીઓ એ.એમ.ઈ. – એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો કોર્સ કરીને ડિગ્રી સર્ટિ+ લાયસન્સ મેળવી શકે છે. આ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવાય છે. એરક્રાફ્ટ એન્જિનિયર માટે ઉજ્જ્વળ વ્યવસાયની તકો છે. ભારતમાં ૨૫ જેટલી સરકાર માન્ય સંસ્થાઓ આ કોર્સ ચલાવે છે.
* પેટ્રોલિયમ એન્જિનિયરંગ બેચલર ડિગ્રી કોર્સ : ઈજનેરી ક્ષેત્રના ટોપટેન કોર્સીસ્માં આ બ્રાન્ચ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્રના એન્જિનિયરો મોસ્ટ ડિમાન્ડિંગ છે. આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓ જેટલી જ ડિમાન્ડ પેટ્રોલિયમ મેનેજમેન્ટના નિષ્ણાતોની છે. ગુજરાતના ગાંધીનગરમાં આઈ.પી. એમ.જી. – ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેક્નોલોજીમાં પ્રવેશ માટે ધો.૧૨ વિ.પ્ર.ના વિદ્યાર્થીઓ માટે એ.આઈ.ઈ.ઈ.ઈ.નો સ્કોર ગણતરીમાં લેવાય છે. અહીં ત્રણ તબક્કાનો શ્રેષ્ઠ અભ્યાસ કરવાની તક મળે છે. બી.ટેક./એમ.ટેક./પી.એચ.ડી. આ યુનિ.ના પ્રેસિડેન્ટ / ચેરમેન મૂકેશ અંબાણી છે. આ સંસ્થાને ‘વર્લ્ડ બેસ્ટ’ બનાવવાનું તેમનું સપનું છે. કોઈ પણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ માટે અહીં પેટ્રોલિયમ મેનેજમેન્ટના દરવાજા ખુલ્લા છે. લાઈફની બેસ્ટ કેરિયર બનાવવી હોય તો પેટ્રોલિયમ ફિલ્ડમાં જ જવાય.
* એમ.એસસી. (ઈ.સી.આઈ.) એક નવતર કોર્સ: ૧૦+૨ સાયન્સ વિદ્યાર્થીઓ માટે એક ઇન્ટિગ્રેટેડ પાંચ વર્ષનો કોર્સ સૌ.યુનિ. દ્વારા શરૂ થઈ ગયેલ છે. આ કોર્સ એટલે ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર અને ઈન્ટુમેન્ટેશનમાં ડાયરેક્ટ મળતી માસ્ટર ડિગ્રી. વ્યાવસાયિક કારકિર્દી બનાવવાની આ એક ઉત્તમ એક છે.
* એન.સી.ઈ.-નેવલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ – લોનાવલા – આ કોલેજ દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં સર્વોત્તમ કોલેજ છે. પાંચ દિવસના ઇન્ટરવ્યૂમાં પાસ થનારે ૧૬ સપ્તાહની ટ્રેનિંગ લેવાની હોય છે. ત્યારબાદ લોનાવાલાની એન્જિ. કોલેજમાં ચાર વર્ષ ભણવાનું હોય છે. લોજિંગ+બોર્ડિંગ+બુક્સ+યુનિફોર્મ. તમામ ખર્ચ ઇન્ડિયન નેવી ભોગવે છે. પી.સી.એમ.માં ૭૫% મેળવનાર જ પ્રવેશફોર્મ ભરી શકે છે. જૂન માસમાં જાહેરાતમાં આપેલા ફોર્મેટ મુજબ અરજી કરવાની હોય છે. ૪ વર્ષને અંતે જે.એન.યુ. દ્વારા બી.ટેક.ની ડિગ્રી એનાયત કરાય છે.
તમારી કીમતી કારકિર્દી માટેની કીમતી તકોની મિતાક્ષરી માહિતી અત્રે રજૂ કરેલ છે. મંદીમાં કોઈ એક ફિલ્ડમાં રોજગારી સારી નથી એમ વિચારીને રસ અને શોખ સિવાયનું કોઈ બીજું ફિલ્ડ પસંદ કરી લેવું એ મૂર્ખામી જ સાબિત થશે. જેમ તેજી ચિરંજીવી નથી તેમ આજે નહિ તો કાલે મંદી વિદાય લેવાની છે. તમારે શું બનવું છે એના કરતાં તમારામાં શું બનવાની ક્ષમતા છે – એનો વિચાર પહેલા કરવો જોઈએ. તમારું ભવિષ્ય તમારા પોતાના જ હાથમાં છે. જીવનમાં પાછળથી તમારામાંના કેટલાક ફરિયાદ કરશે કે તમે જીવનમાં સદ્ભાગી ન હતા – તો એ વાંક તમારો જ ગણાશે કે તમારા માર્ગમાં આવેલી તકો માટે તમે સજ્જતા કેળવી ન હતી. પર્લ બક લખે છે કે સદ્ભાગ્ય જેવી કોઈ વસ્તુ જ નથી – જ્યારે સજ્જતા અને તકનું મિલન થાય છે ત્યારે જે વસ્તુ અસ્તિત્વમાં આવે છે એ જ તો સદ્ભાગ્ય છે.
કારકિર્દીઓની હારમાળામાંથી એવી લાઈન પસંદ કરજો કે જે તમારા અંતરમાં ઊગી નીકળે. જેમાં તમને ખૂબ જ મજા આવે… કારકિર્દી તમને મળવા નહિ આવે, તમારે તેને મળવા જવું પડશે, જશો ને?…
વિશ યુ ઓલ ધ બેસ્ટ..
Your Content Goes Here




