(ફક્ત ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે)

પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ,

ધો.૧૦-૧૨ બોર્ડની એકઝામ પૂરી થઈ. હવે પરિણામ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે તમારા માટે મૂંઝવણનો સવાલ છે. સારી શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા હોવા છતાં પણ સમયસરના યોગ્ય માર્ગદર્શનના અભાવે કારકિર્દીની પસંદગીમાં ભૂલ થવાની સંભાવના રહેલી છે. ચોક્કસ ક્ષેત્ર નક્કી કરવા વિદ્યાર્થીએ અને વાલીએ હકારાત્મક વિચારોનું અનુસંધાન સાધીને નિર્ણય લેવાનો હોય છે; કેમ કે છેવટે સાચા માર્ગદર્શક તરીકેનું કામ મા-બાપે જ કરવાનું છે. અભ્યાસના ફલોટ ઉપર સ્હેજ થોભી, વિચારી અને જરૂરી માહિતી-માર્ગદર્શન મેળવી તમારે તમારી ભાવિ કારકિર્દી અંગે તમારી જાતને પૂછીને જ નિર્ણય લેવાનો છે. અમારે તો તમે અમને પૂછો તે વિષયક માહિતી-માર્ગદર્શન – અને તેના ફાયદા-ગેરફાયદા વિશે સમજણ આપવાની હોય છે. અંતે તો ફાઈનલ નિર્ણય તમારે તમારા રસ-રુચિ અને વલણ આધારિત લેવાનો હોય છે.

ચેતવણી :

માત્ર સરકારી નોકરી મેળવવાના અભિગમ સાથે કારકિર્દી પસંદ કરવી, એ ભૂતકાળની બાબત બની ગઈ છે. આજના વૈશ્વિક પ્રવાહો અને ઝડપથી બદલાતી જતી આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ સાથે તાલ મિલાવી શકે તેવી વિચારપૂર્વક કારકિર્દી પસંદ કરવી એ તમારા ઉજ્જ્વળ ભાવિ માટે ખૂબ જ જરૂરી છે.

નિર્ણાયક તબક્કો :

તમારી કારકિર્દી ઘડતરની મહત્ત્વની ગણાતી ‘બોર્ડ’ની પરીક્ષાનું એક સુવર્ણ સોપાન પૂરું કરીને તમે હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચ્યા છો. સુવર્ણ કારકિર્દી તરફના પ્રયાણના પ્રથમ કદમે આજનો આ લેખ સામાન્ય પ્રવાહના સૌ વિદ્યાર્થીઓ માટે હવે શરૂ થતી અસામાન્ય ‘નવી સફર’નો સાથી બની રહે એવા ઉમદા ઉદ્દેશસહ અહીં મિતાક્ષરી માર્ગદર્શન રજૂ કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. તે દ્વારા તમારી કારકિર્દી-પસંદગીનો માર્ગ અચૂક આસાન બનશે – એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. સૌ પ્રથમ તમારા મનગમતા કોર્સીસ્‌ની યાદી તૈયાર કરજો અને તમારા ભાવિ જીવનની કારકિર્દીની શ્રેષ્ઠ કેડી કંડારવાનો નિર્ણય કરજો. આ રીતે તમારા ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરો, એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

પૂર્વભૂમિકા :

આજે ૨૧મી સદીમાં તમારે તમારામાં ‘સેલ્ફ એફિકસી’ એટલે કે ‘હું આ કરી શકું છું’ – એવા આત્મવિશ્વાસનું વાવેતર કરવાનું છે. આજના દરેક યુવાન-યુવતીએ ‘કારકિર્દી એ જ કર્તવ્ય’ – એ સુવાક્યને પોતાનું જીવનસૂત્ર બનાવવાનું છે. તમારી કારકિર્દીને તક પર છોડી ન દો. જરાક વિચારપૂર્વક કેરીઅર પ્લાનિંગ કરશો તો સફળતાની તકોમાં સારો એવો વધારો કરી શકશો. આજે તમારી સમક્ષ અઢળક વિકલ્પો અને તકો ઉપલબ્ધ છે. માર્ગો ઘણા છે, તેમાંથી તમારે તમારું લક્ષ્ય નક્કી કરીને મંજિલે પહોંચવાનું છે. એક વિદ્યાર્થી ભણવાની સાથોસાથ કામ પણ કરતો હતો – તેને પૂછવામાં આવ્યું : ‘તું અભ્યાસની સાથે કામ પણ કેમ કરે છે?’ તેણે તરત જ ઉત્તર આપ્યો: ‘કમાયા વગર મારે શા માટે ખાવું જોઈએ?’ અમે તેને તરત જ બીજો સવાલ પૂછ્યો: ‘તું કમાણીનું શું કરે છે?’ તરત જ જવાબ મળ્યો: ‘હું મારી બાને આપી દઉં છું.’ – સમજવાનું એ છે કે પોતે જે કરે છે તેના વિશે જો તેની પાસે સ્પષ્ટ ધ્યેય હોય તો તેને સફળતા સામેથી શોધતી આવે છે. જે વિદ્યાર્થીના મનમાં પોતાની કારકિર્દી વિશેનું ધ્યેય નક્કી હોય તેને માટે ઘણી તકો રાહ જોતી હોય છે. માણસની પાસે પુષ્કળ ધન હોય એ ઠીક છે – પરંતુ દિવસને અંતે માણસને સંતોષની લાગણી થવી જોઈએ કે તેણે કંઈક કરવા યોગ્ય (જોબ-સેટિસફેક્શન) કામ કર્યું છે. સંતોષ જ તેના કામને સાર્થક બનાવે છે. ટૂંકમાં અંદરથી ઇચ્છા ઊગવી જોઈએ કે મને આમાં મજા આવશે. તો તેવી જ લાઈન લેવી જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ રિઝલ્ટ પહેલાં કે રિઝલ્ટ પછી, અનિર્ણયાત્મક દ્વિધા અનુભવતા હોય છે – એનું એક કારણ દિનપ્રતિદિન વધતા જતા કારકિર્દીના વિકલ્પો છે. તદુપરાંત બીજું કારણ યોગ્ય સમયે યોગ્ય માહિતી અને માર્ગદર્શનનો અભાવ છે.

કારકિર્દી પસંદગીનું મુખ્ય પરિબળ :

આજે વિદ્યાર્થીઓમાં ‘શિક્ષણ દ્વારા સમૃદ્ધિ’ની ભૂખ અગાઉ કદી ન હતી તેના કરતાં ખૂબ જ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આજે કમી વિકલ્પની નથી પરંતુ કમી કોમન સેન્સની છે અને કોમન સેન્સ ‘કોમન’ નથી – ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જેને જેવી ફાવટ હોય એવી લાઈન પસંદ કરવી જોઈએ. ખૂબ જ સારા માકર્‌સ મળ્યા હોવા છતાં એક ફિલ્મી હસ્તી શ્રી પરેશ રાવલે પોતાના દીકરાને ‘શેફ’ (રસોયો) બનાવ્યો. સંતાનની પ્રતિભા પ્રમાણે ભણાવવું એ જ અક્કલની હોશિયારી છે. ટકા પ્રમાણે લાઈન પસંદ કરવી એ અક્કલની મંદી છે. ટકા આધારિત મળતી હોય તે લાઈનમાં – આવડત અને કૌશલ્ય-સ્કીલ જુઓ. એમાંયે વળી તે પોતે પોતાના શોખની લાઈન પસંદ કરશે તો તે તેની કારકિર્દીમાં સડસડાટ કરતો ટોચ ઉપર પહોંચી જશે.

ઉપલબ્ધ તકો અને વિકલ્પો :

તમારે શું બનવું છે એના કરતાં તમારામાં શું બનવાની ક્ષમતા છે તેનો વિચાર પહેલાં કરજો. ભાગ્યે જ એવા કોઈ વિદ્યાર્થીઓ હશે કે જેની પાસે આવતીકાલે શું કરવું એની ચોક્કસ વિચારસરણી હશે, આવતીકાલના વિકાસ માટે આજે તૈયાર કરવાની બ્લુ પ્રિન્ટથી પરિચિત થવા નીચે દર્શાવેલ કારકિર્દીઓનો અભ્યાસ કરજો અને ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણ માટે નિર્ણય કરજો. આપણે બધા નોબલ પ્રાઈઝ ભલે જીતી ન શકીએ પરંતુ એટલું તો જરૂર કરી શકીએ કે કોઈપણ વસ્તુ ગઈકાલ કરતાં આજે વધુ સારી રીતે કરીએ અને આવતીકાલે તેથી પણ વધુ સરસ રીતે કરવા પ્રયત્ન કરીએ. સ્વેટ માર્ડને લખ્યું છે કે ‘Do it to finish’- અર્થાત્‌ કોઈપણ કામ કરો તો દિલથી કરો. આપણે હવે એમબીએથી શરૂ કરીએ :

(૧) MBA : અત્યાર સુધી બેચલર ડિગ્રી મેળવ્યા પછી MBA કરી શકાતું હતું. કોઈપણ વિદ્યાશાખાનો ગ્રેજ્યુએટ જીસીઈટી નામક એડ્‌મિશન ટેસ્ટ આપી ગુજરાતની ૪૫ કોલેજોની ૨૯૧૮ બેઠકોમાંથી મેરિટ પ્રમાણે એક સીટ મેળવી એમબીએ બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે. પરંતુ હવે આજના યુગમાં બારમાનો વિદ્યાર્થી ‘એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા વગર’ બારમાની મેરિટ આધારિત સીધો MBAમાં પ્રવેશ મેળવી શકે છે. આ કોર્સ પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ છે. પ્રથમ ત્રણ વર્ષને અંતે ‘બી.બી.એ’ તથા ‘કમ્પ્યુટર એપ્લિકેશન’ – એમ બે સર્ટિ. મેળવી શકે છે. આગળ બીજા બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યાં પછી બારમાનો વિદ્યાર્થી સીધી MBAની માસ્ટર ડિગ્રી મેળવી શકે છે અને ક્વોલિટી પ્રોફેશ્નલ મેનેજર બનીને બેસ્ટ કેરિયર દ્વારા આકર્ષક આવક પણ મેળવી શકે છે, આપણા સમગ્ર રાજ્યમાં ધો. ૧૨ પછી સીધો MBAનો કોર્સ કરાવતી એક ને માત્ર એક જ કોલેજ છે : કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ નવરંગપુરા અમદાવાદ. ધો.૧૨ સા. પ્રવાહના પરિણામ પછી પ્રવેશ ફોર્મની કાર્યવાહી કરવાની હોય છે.

(૨) M.Sc.-IT.C.A.- ધો. ૧૨ કોમર્સના એક વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો કે અમે પણ સાયન્સ સ્ટુડન્ટ્‌સની સાથે એક જ વર્ગમાં એક જ બેન્ચ ઉપર એકી સાથે બેસીને ઈન્ફ. ટેક્‌. અને કમ્પ્યુટરનો કોર્સ કરી શકીએ ખરા? આજના ઇન્ટરનેટ યુગમાં આ પ્રશ્નનો જવાબ ‘હા’માં આપી શકાય. હવે તે શક્‌ય બન્યું છે. ઉ.ગુ.યુનિ. પાટણ, દ.ગુ. યુનિ. સુરત અને ગુજ. યુનિ. અમદાવાદ દ્વારા શરૂ થયેલી ત્રણ કોલેજો M.Sc.-IT.C.A.-નો પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ કરાવે છે. ધો. ૧૨ સા.પ્ર.ના પરિણામ પછી ત્રણેય કોલેજો અલગ અલગ પ્રવેશપત્રો આપે છે અને એન્ટ્રન્સ ટેસ્ટ લીધા વિના ધો. ૧૨ની માર્કશીટની ટકાવારીને આધારે મેરિટ લિસ્ટ બનાવી પ્રવેશ આપે છે.

(૩) B.Arch : ગુડ ન્યૂઝ!! આ વર્ષથી (મે-જૂન-૨૦૦૯) કોમર્સ સ્ટુડન્ટ્‌સ માટે B.Arch, – બેચલર ઓફ આર્કિટેકચર – ના પાંચ વર્ષના કોર્સમાં પ્રવેશ માટેના દ્વાર ખુલે છે. આર્કિટેક્‌ચર એટલે Mother of all arts. આ વાસ્તુકલા એટલે સઘળી કલાઓનું સંયોજન. થીઅરી અને પ્રેકિટકલના સુભગ સમન્વયથી તમે નવી નવી શક્‌યતાઓ ઊભી કરી શકશો. આ કોર્સમાં અત્યાર સુધી સાયન્સ સ્ટુડન્ટ્‌સને જ પ્રવેશ અપાતો હતો. આ વર્ષથી ધો. ૧૨ આટસ/કોમર્સમાં ‘બિઝનેસ મેથેમેટિક્‌સ’ વિષય સાથે ૫૦% મેળવેલ વિદ્યાર્થીઓ પણ આર્કિટેક્‌ચર – પ્રવેશ માટે પ્રતિ વર્ષ યોજાતી એનએટીએ એટલે કે નેશનલ લેવલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફોર આર્કિટેકચર – નામના ટેસ્ટની મેરિટ આધારિત પ્રવેશ મેળવી તમે પણ આર્કિટેકટ બનીને તમારી બેસ્ટ કેરિયર બનાવી શકો છો. ગુજરાત રાજ્યમાં આવેલી ૭ આર્કિ. કોલેજની ૨૮૦ બેઠકો માટેની એનએટીએ ટેસ્ટ ઓન લાઈન આપી શકો છો. બારમાના રિઝલ્ટની રાહ જોવાની જરૂર નથી. આ ટેસ્ટનું ફોર્મ ભરવાની વ્યવસ્થા રાજકોટની આઈ.પી. પારેખ આર્કિ. કોલેજ દ્વારા કરવામાં આવેલ છે. ફોન : ૨૭૮૩૭૦૧, ૨૪૬૪૭૧૭.

(૪) AUPP : ઓસ્ટ્રેલિયન યુનિફાઈડ પાથ-વે પ્રોગ્રામ : આજે પરદેશમાં ભણવા જવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. આ પ્રોગ્રામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં ઓછા ખર્ચે ડિગ્રી સાથે નોકરી પણ મળે અને PR- પરમેનન્ટ રેસિડેન્સીની તક પણ મળે. શ્રેષ્ઠ યુનિ.ના શ્રેષ્ઠ કોર્સીસ (IT, comm) શ્રેષ્ઠ સુવિધા સાથે ભણવા જવાનું સ્વપ્ન સેવવું ખોટું નથી. બારમા સાયન્સ કે કોમર્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ્‌સ પ્રવેશપાત્ર છે. કોન્ટેકટ : અમદાવાદ – ૦૭૯-૫૫૬૧૨૯૦૧, ૫૫૬૧૨૯૦૩, www.gisindia.org

(૫) C-dac : સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ – પૂણેમાં આવેલ સુપ્રસિદ્ધ સંસ્થા કે જે ઈન્ફર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, ગવર્ન. ઓફ ઈંડિયા દ્વારા કિંમતી કારકિર્દીના ડિમાન્ડીંગ કોર્સીસ્‌ જેવા કે પ્રોગ્રામિંગ, વેબ ડિઝાઈનિંગ, ઇન્ટરનેટ ટેક્‌નોલોજી, કમ્પ્યુટર ગ્રાફિકસ એન્ડ આર્ટ્સ – વગેરે ચલાવવામાં આવે છે- વિસ્તૃત માહિતી માટે વેબસાઈટ જોવી : www.cdacindia.com કોન્ટેકટ : સ્ટેટ-કો-ઓર્ડિનેટર, સી-ડેક (પેસ), ૪, નેપ્ચ્યુન ટાવર્સ – પ્રથમ માળ – આશ્રમ રોડ, નહેરૂ બ્રિજ સામે, અમદાવાદ.

(૬) હોસ્પિટાલીટી એન્ડ હોટેલ મેનેજમેન્ટ : ધો. ૧૨ કોઈપણ પ્રવાહમાં પાસ વિદ્યાર્થી આ કોર્સમાં જોડાઈ શકે. ટકાવારીનો કોઈ બાધ નથી. ડો. આંબેડકર યુનિ. માન્ય ડિગ્રી અપાય છે. પ્લેસમેન્ટ સુવિધા પણ સરસ છે. વિગતો મેળવવા – આઈડિયા ફાઉન્ડેશને BAOU સાથે કરાર કરેલ છે. કોન્ટેકટ : ૦૭૯-૨૭૫૫૦૪૦, ૨૭૫૫૭૩૫૨. E-mail : info@idiaindia.org.

(૭) NDA : નેશનલ ડિફેન્સ એકેડમી : આર્મી ઓફિસર બનવાનું સ્વપ્ન સિદ્ધ કરવા આ પરીક્ષા આપવી જ પડે. UPSC દ્વારા યોજાતી આ પરીક્ષા એટલે આર્મી, નેવી, એરફોર્સમાં પ્રવેશવાનું સિંહ દ્વાર. ‘આર્મી’માં જોડાવા માટે કોઈપણ પ્રવાહ સાથે બારમું પાસ હોવું જરૂરી છે. નેવી અને એરફોર્સમાં જોડાવા બારમું સાયન્સ પાસ હોવું જરૂરી છે. વર્ષમાં બે વાર એન્ટ્રન્સ ટેસ્ટ યોજાય છે. અપરિણીત પુરુષ ઉમેદવારો જ અરજીપાત્ર છે. અરજી ફોર્મ GPO ની મુખ્ય ટપાલ કચેરીઓમાંથી આખું વર્ષ મળે છે. કિંમત રૂ. ૨૦/- છે. MCQ ટાઈપની પરીક્ષા આપવાની હોય છે. વિશેષ માહિતી માટે : www.upsc.gov.inની મુલાકાત લેવી.

(૮) C.A. ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્સી’નો આ કોર્સ આજના કોમ્પીટીટીવ વર્લ્ડમાં શ્રેષ્ઠ અને સફળ કારકિર્દીની ગેરંટી આપતો કોર્સ છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંસ્થા ICAI ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા – દ્વારા C.A.ની ડિગ્રી એનાયત થાય છે. સૌ પ્રથમ એન્ટ્રી લેવલ એકઝામ – CPT – કલીઅર કરવી પડે છે. ધો. ૧૦ પછી તરત જ આ સંસ્થા વિદ્યાર્થીઓને આવકારે છે. CPT કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટ ધો.૧૨ની બોર્ડ એકઝામ પછી આપવાની હોય છે. CPT કલીઅર કર્યા પછી iPCCનો બીજા તબક્કાનો કોર્સ કરવાનો હોય છે. તેને ઈન્ટિગ્રેટેડ પ્રોફેશ્નલ કમ્પિટન્સી કોર્સ કહે છે. આ કોર્સના ગ્રુપ- I ના પેપર્સ પાસ કર્યા પછી આર્ટિકલશિપ માટે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું હોય છે. ગ્રુપ I & II બંને પાસ કર્યા પછી જ C.A. ફાઈનલનું રજિસ્ટ્રેશન કરાવી શકાય તેવો નિયમ છે. ત્રણ વર્ષની આર્ટિકલશિપમાંથી બે વર્ષ અને છ મહિનાની આર્ટિકલશિપ પૂરી થયા પછી જ ફાઈનલ એકઝામ આપી શકાય. વર્ષમાં બે વાર જૂન / ડિસેમ્બરમાં પરીક્ષા લેવાનો નિર્ણય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાનાર હોવાની સંભાવના છે. GMCS- જનરલ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન સ્કીલનો ૧૫ દિવસનો કોર્સ ICAI ની માન્ય બ્રાંચ ખાતે કરવો પડે છે. C.A. ફાઈનલ તથા GMCS પૂરું કર્યા પછી ‘મેમ્બરશિપ’ માટે દિલ્હી – ઇન્સ્ટિટ્યૂટ – ને અરજી કરવાની હોય છે. મેમ્બર બન્યા બાદ C.A. તરીકે પ્રેક્ટિસ કરવી હોય તો ‘સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ’ (CoP) માટે અરજી કરવી જરૂરી છે. નોકરી કરવી હોય તો CoP ની જરૂર રહેતી નથી.

(૯) ATC – એકાઉન્ટિંગ ટેક્નિશ્યન કોર્સ : જે વિદ્યાર્થી CA કરવાની ઇચ્છા ધરાવતો ન હોય તેને માટે આ કોર્સ સુંદર હાથવગો કોર્સ છે. આ કોર્સ કરી સર્ટિફાઈડ એકાઉન્ટિંગ ટેક્નિશ્યન બની શકે છે. પ્રોસિજર CA – CPT પાસ કરવાની + ITT -૧૦૦ કલાકનો પ્રેક્ટિકલ કમ્પ્યુટર કોર્સ કરવાનો + એક અઠવાડિયાનો OP ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવાનો + CA iPCC નું રજિસ્ટ્રેશન કરાવવાનું + iPCC ગ્રુપ-૧ના પેપર પાસ કરવાના + C.A. ની ઓફિસમાં ૧ વર્ષની પ્રેક્ટિલ ટ્રેનિંગ લેવાની. આ રીતે ATC કરી શકો.

(૧૦) ICWA – ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ ઓફ ઈંડિયા – કોલકાતા દ્વારા સંચાલિત ‘કોસ્ટ એકાઉન્ટન્સી’નો કોર્સ ખૂબ જ કીમતી કારકિર્દીનો કીમતી કોર્સ ગણાય છે. આ કોર્સ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે – ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઈનલ. આ કોર્સમાં પોસ્ટલ અથવા ઓરલ કોચિંગ ફરજિયાત છે. ઉત્પાદન ખર્ચ અને નફો નુકસાન જાણીને માર્કેટ વેલ્યુની ગણતરી કરવાનું કપરું કાર્ય કોસ્ટ એકાઉન્ટન્ટે કરવાનું હોય છે. દેશવિદેશોમાં જોબ ઓપોર્ચ્યુનીટી ખૂબ જ સરસ છે. અર્થાત્‌ ડિમાન્ડીંગ ફિલ્ડ છે. રાજકોટ ચેપ્ટરની ઓફિસ : માધવ કોમ્પ્લેક્ષ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ.

(૧૧) VIHTM – વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ, બોધિગ્રામ, એનએચ. ૮બી, કુવાડવા રોડ, મુ. કુચિયાદડ – રાજકોટથી ૩૦ કીમી દૂર આવેલી આ સંસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં એકી સાથે બે બ્રાંચનો અભ્યાસ કરાવતી એક અને એકમાત્ર સંસ્થા છે. ગુજરાત સરકાર અને દિલ્હી AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત આ કોર્સ NAAC દ્વારા ફોરસ્ટાર સ્ટેટસ ધરાવે છે. વિશેષ વિગત માટે વેબસાઈટ જોવી : www.vihtm.com

(૧૨) C.S. કંપની સેક્રેટરી : ઉદ્યોગ જગતની આજની અનિવાર્ય હસ્તીમાં કંપની સેક્રેટરીની ગણના થાય છે. ઉદ્યોગ જગતના ટોચનાં પદો જેવાં કે ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર, વગેરે સ્થાનો ઉપર C.S. થયેલી વ્યક્તિઓ નિમણૂક પામે છે. વહીવટી કુશળતા, પ્રત્યાયનની આવડત, સ્ટેટેટિક્સ અને ઇન્ફર્મેશને ટેક્નોલોજીનું નોલેજ અને અન્ડર સ્ટેન્ડિંગ પાવર, વગેરે ગુણો ધરાવતી વ્યક્તિ સારા અને સફળ કંપની સેક્રેટરી તરીકે નામના મેળવી શકે છે. આ કોર્સ ત્રણ તબક્કાનો છે : ફાઉન્ડેશન, ઈન્ટર અને ફાઈનલ. બારમાનો વિદ્યાર્થી સ્નાતક થવાની સાથે સાથે C.S. પણ સમાંતરે થઈ શકે! રૂ. ૫૦ લાખની પેઈડ અપ કેપિટલ ધરાવતી કંપનીએ C.S. નીમવો ફરજિયાત છે. આજે આ ક્ષેત્રના નિષ્ણાતોની મોટી ડિમાન્ડ છે. અમદાવાદ, સુરત, રાજકોટની કોલેજો માન્ય કોચિંગ સેન્ટરની માન્યતા ધરાવે છે. ઓરલ કોચિંગ મેળવનારે પોસ્ટલ કોર્સ કરવો પડતો નથી. હેડ ક્વાર્ટર દિલ્હીમાં છે. રિજિયોનલ ઓફિસ મુંબઈમાં છે. e-mail : wircicsi@bom5.vsnl.net.in

(૧૩) C.F.A. ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ : આધુનિક યુગનો હોટ ફેવરીટ કોર્સ – મેનેજમેન્ટ અને ફાયનાન્સના બેસ્ટ કોર્સીસ માટે ખૂબ જ નામાંકિત બનેલી હૈદરાબાદની ICFAI- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ ઓફ ઈંડિયા આ કોર્સ ચલાવે છે. આ સંસ્થા પૂણેની સિમ્બોયસીસ જેવું મોટુંનામ ધરાવે છે. આ સંસ્થાની એસ.જી. હાઈ-વે રોડ, અમદાવાદની બ્રાંચની વેબસાઈટ પરથી વધુ વિગત જાણવા મળશે. www.icfai.org – મોટા ભાગનું શિક્ષણ DLM ડિસ્ટન્સ લર્નિંગ મોડ – દ્વારા અપાય છે. હેડ ઓફિસનું સરનામું: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ ઓફ ઈંડિયા – ICFAI યુનિ, ૫૨ નાગાર્જુન હિલ્સ, પૂંજા ગટ્ટા, હૈદરાબાદ.

(૧૪) ધો.૧૨ પાસ માટે IAS – સિવિલ કારકિર્દી: ધો. ૧૨ પાસ વિદ્યાર્થી હવે IAS બની શકશે. NDA – નેશનલ ડિફેન્સ એકેડેમીની એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા સફળ થયેલ NIPA-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડ્‌મિનિસ્ટ્રેશનમાં ત્રણ વર્ષનો કોર્સ કરશે, કોર્સ પૂરો કરનારને ગ્રેજ્યુએશનની ડિગ્રી અપાશે. તેને સિવિલ સેવાની ફાળવણી કરાશે.

(૧૫) B.Sc. ફાયર ટેક્નોલોજી : ધો. ૧૨ કોઈ પણ પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી અહીં પ્રવેશપાત્ર ગણાય છે. રિઝલ્ટ પછી પ્રવેશફોર્મ અપાય છે; સંપર્ક – જયમંગલ, આશ્રમ રોડ, ગાંધીગ્રામ રેલવે સ્ટે. સામે, અમદાવાદ. કોલેજ કેમ્પસ સાણંદમાં આવેલ છે.

(૧૬) P.T.C. પ્રાયમરી ટીચર્સ સર્ટિ. – ૨૧મી સદી ભણવાની સદી છે. ભણાવવાની સદી છે. ભણેલા લોકો માટેની સદી છે. ભણેલાઓ દ્વારા ચાલતી સદી છે. બારમા પછી શિક્ષક બનવા માટેનો બે વર્ષનો કોર્સ છે. પી.ટી.સી.ની ૪૪૦ કોલેજો છે. ૨૫૦૦૦ બેઠકો છે. ૩૦% સીટ બાર સાયન્સ માટે છે. ૭૦% સીટ કોમર્સ તથા અન્ય પ્રવાહના ઉમેદવારો માટે છે. મેરિટ આધારિત પ્રાયોરીટી લિસ્ટ મુજબ નોકરી મળે છે. રિઝલ્ટ પછી વર્તમાનપત્રોની જાહેરાત મુજબ કેન્દ્રિય કૃત પ્રવેશ વ્યવસ્થા મુજબ પ્રવેશ કાર્યવાહી થાય છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એક સંયુક્ત પ્રવેશપત્ર ભરવાનું હોય છે.

(૧૭) B.B.A. અને B.C.A. કમ્પ્યુટર અને સોફ્‌ટવેર ટેક્નોલોજીએ આર્ટ્‌સ, કોમર્સ અને સાયન્સના ભેદભાવ મિટાવી દીધા છે. B.C.A. નો ત્રણ વર્ષનો કમ્પ્યુટર ક્ષેત્રનો ડિગ્રી કોર્સ ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓ ચલાવે છે. જેના દ્વારા તમે IT પ્રોફેશ્નલ બની શકો છો. એ જ રીતે BBA નો ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ MBA સુધી પહોંચવાનાં દ્વાર ખોલી નાખે છે. કોઈ પણ પ્રવાહ સાથે બારમું પાસ કરનાર હવે BBA કરીને મેનેજમેન્ટના નિષ્ણાત બની પોતાની શ્રેષ્ઠ કેરિયર બનાવી શકે છે. ગુજરાતમાં આવેલી MBAનો કોર્સ કરાવતી ૪૫ કોલેજોની ૨૯૧૮ બેઠકો માટે જી-સેટ નામની એક કોમન એડમિશન ટેસ્ટ લેવાય છે. મેનેજમેન્ટ નિષ્ણાતોની ડિમાન્ડ હજુ પણ ખૂબ જ ઊંચી છે. તેથી મેનેજમેન્ટનો કોર્સ કરનારનું ભવિષ્ય ઉજ્જ્વળ રહેવાનું જ.

* ઉપર્યુક્ત ૧૭ કારકિર્દીની તકો તમારી સમક્ષ રજૂ કરેલ છે. અગાઉ કહ્યું તેમ રુચિ આધારિત કારકિર્દી વિષયક નિર્ણય લેવો જોઈએ. અંગ્રેજીમાં તેને એપ્ટિટ્યૂડ કહે છે. હજુ સુધી રુચિ ચકાસવા કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક અભિગમ પ્રચલિત બન્યો નથી. પ્રવાસી બસમાં ‘ગાઈડ’ તરીકેનું કામ કરતાં બહેનને પૂછ્યું કે તમે આ કામ કેમ સ્વીકાર્યું? તેણીએ તરત જ ઉત્સાહભેર જવાબ આપ્યો કે મને લોકોને મળવું ખૂબ જ ગમે છે – અને એમાં મને ખૂબ આનંદ આવે છે. બહેનના આ જવાબ પરથી જાણી શકાય છે કે તેણી પોતાની રુચિનું કામ કરીને કારકિર્દીમાં સફળ બન્યાં છે. અર્થાત્‌ તમારી પાયાની ઝંખનાને સંતોષે એવી કારકિર્દી તમે અપનાવશો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે જ.

ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહ પછી ૨૪ શ્રેષ્ઠ કારકિર્દી ઉપલબ્ધ છે, પરંતુ ધો. ૧૨ સામાન્ય પ્રવાહ પછી વિવિધ ક્ષેત્રની ૪૪ જેટલી શ્રેષ્ઠ અસામાન્ય કારકિર્દીઓ ઉપલબ્ધ છે. ધો. ૧૨ પછી આગળ ભણવાનો ‘નિર્ણય’ તમારી કારકિર્દીની કેડી કંડારે છે, માટે પૂરતો વિચાર કરીને દિશા પસંદ કરજો. અંતમાં એક વાત કહેવાની : સો મત સબડે, લાખ મત લબડે, એક મત આપણી, દે ઊભે માર્ગે તાપડી. ‘એક મત આપણી’ એટલે અંતરમાંથી ઇચ્છા ઊગે એ જ લાઈન પસંદ કરવી. બેટર યોર બેસ્ટ. વિશ યુ ઓલ બેસ્ટ.

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.