સેવા-રૂરલ ટ્રસ્ટના સ્થાપક – સંચાલક ડૉ.અનિલ દેસાઈ અને ડૉ.લતાબહેન દેસાઈ ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યાં છે. અનિલભાઈએ મહાન સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની વાત વાંચી-જાણી. ત્યારે સ્વામીજીના ‘ગરીબોની વચ્ચે ગામડાંમાં જઈને ગરીબો માટે સેવા-કાર્ય કરવું એ ઉત્તમ પ્રભુ-પૂજા છે અને એ દ્વારા જ, ગામડાંનાં ઉત્થાન દ્વારા જ ભારતનો વિકાસ શક્ય છે.’ આ વિચારે એમનાં મન-હૃદય પર ઘેરી અસર કરી હતી. એમનાં પત્ની ડૉ.લતાબહેન પર સ્વામી વિવેકાનંદજીના આદર્શનો ઘેરો પ્રભાવ પડ્યો હતો. તેઓ બન્ને ૧૯૭૨માં અમેરિકા ગયાં. ત્યાં આઠેક વર્ષ કામ કર્યું પણ પોતાના ધ્યેયને હંમેશા પોતાની નજર સામે જ રાખતાં, અહીં રહીને આ સેવાકાર્ય માટે જરૂરી અનુભવ અને નાણાભંડોળ મેળવ્યાં.
૧૯૮૦માં પતિ-પત્ની અમેરિકાથી માદરે વતન આવી ગયાં. ભરૂચ જિલ્લાના કોઈ સ્થળે પોતાના સ્વપ્નનું કાર્ય સાકાર કરવાનું નક્કી કર્યું. ઝઘડીયાના અઢાર પથારીવાળા પ્રસૂતિગૃહના ટ્રસ્ટીઓ એ સંસ્થાનું સંચાલન કરતા હતા. એમણે આ સંસ્થાને સંભાળી લેવા વિનંતી કરી. આ ડૉક્ટર દંપતીએ સાડાસાત વર્ષની લીઝ પર આ હૉસ્પિટલનો કાર્યભાર સંભાળ્યો. ગ્રામ્ય વિસ્તારમાં આવાં આરોગ્ય સેવા-કેન્દ્રો ચલાવવાનો એમને કોઈ પ્રત્યક્ષ અનુભવ ન હતો. આ પ્રત્યક્ષ અનુભવ મેળવવા એમણે રજનીકાન્ત એન્ડ માબેલે એરોલ દ્વારા સંચાલિત જામખેડના સઘન સાર્વત્રિક ગ્રામ આરોગ્ય પ્રકલ્પની મુલાકાત લીધી અને એ સંસ્થા પાસેથી ‘સ્થાનિક લોકોનો વિશ્વાસ સંપાદન કરીને તેમને તમારી સંસ્થા માટે કાર્ય કરવા તાલીમ આપો.’ એ સૂત્રને અપનાવીને સેવા રૂરલ ઝઘડીયામાં એનો અમલ કર્યો. ડૉક્ટર દેસાઈ દંપતીની સરળ સહજતા, સાદગી અને સેવાપરાયણ પ્રકૃતિ સૌ કોઈને સ્પર્શી ગઈ અને એ સંસ્થાના નાના મોટા સૌ કાર્યકર ભાઈ-બહેનો આ સેવા કાર્યમાં પૂર્ણ રીતે ભાગીદાર બનીને કામ કરવા લાગ્યાં. આવી રીતે મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવન અને ઉપદેશમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવીને ઓક્ટોબર – ૧૯૮૦માં ગામડાંના લોકોના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે ભરૂચ જિલ્લાના ઝઘડીયા જેવા પછાત અને આદિવાસી વિસ્તારમાં હૉસ્પિટલની સેવાઓથી પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો.
આજે ૭૫ પથારીની સુસજ્જ હૉસ્પિટલ દ્વારા ૧૫ જેટલા કાયમી તબીબો ઝઘડીયાની આજુબાજુના ૧૫૦૦ ઉપરાંત ગામોના લોકોને આધુનિક સેવાઓ પૂરી પાડી છે. માતા અને બાળકો તેમજ આંખના દર્દીઓ અને ટી.બી.ની ઘનિષ્ઠ સારવાર માટે વિશેષ સગવડો ઊભી કરવામાં આવી છે. હૉસ્પિટલમાં ૫૦,૦૦૦ જેટલા ઓપીડી દર્દીઓ, ૫૦૦૦ જેટલા ઈન્ડોર દર્દીઓ, ૪૦૦૦ જેટલાં નાનાં મોટાં ઑપરેશન અને ૬૦૦ જેટલી સુવાવડી થાય છે. ત્રણમાંથી બે દર્દીઓની સંપૂર્ણ સારવારનો ખર્ચ સંસ્થા પોતે ભોગવે છે.
‘રોગ થાય અને તેની સારવાર કરવી તેના કરતાં રોગ જ ન થાય તેવાં પગલાં લેવાના હેતુથી ૧૯૮૨માં કૉમ્યુનીટી હેલ્થ પ્રૉજેક્ટની પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકેની જવાબદારી ગુજરાત સરકારે સેવા-રૂરલને સુપ્રત કરીને સ્વૈચ્છિક સંસ્થા અને સરકારના સહયોગની દિશામાં એક નૂતન અભિનવ પ્રયોગની શરૂઆત કરી છે. અહીંના અનુભવોને જોવા, જાણવા તથા કામગીરીનાં અભ્યાસ અને તાલીમ માટે દેશ-પરદેશની સ્વૈચ્છિક તથા સરકારી સંસ્થાના વિવિધ સ્તરના આરોગ્ય સેવા વિભાગના કાર્યકરો સેવા રૂરલમાં આવતા હોય છે. આરોગ્ય સેવાઓ સમાજના છેવાડાના માણસ સુધી ગુણવત્તાના ધોરણે પહોંચી શકે તે માટે એક સંશોધન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. કૉમ્યુનીટી હેલ્થ પ્રૉજેક્ટ દ્વારા બાળકો અને માતાના મૃત્યુ-પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અપૂરતું પોષણ, મેલેરીયા, ટી.બી., ઝાડા-ઊલ્ટી, ઓરી જેવા રોગોનું પ્રમાણ પણ સારું એવું ઘટી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે લોકજાગૃતિ પણ વધવા માંડી છે.
આંખના ઘનિષ્ઠ સારવાર કાર્યક્રમ હેઠળ કુલ અઢી લાખની વસ્તી વાળા બે તાલુકામાં નીચે મુજબની સેવાઓ અપાઈ રહી છે. પેરામેડીકલ વર્કર દ્વારા ગ્રામ્યસ્તરે આંગણવાડીનાં બાળકો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આંખની તપાસ, સારવાર અને રતાંધળાપણું અટકાવવા માટે વીટામીન ‘એ’નો ડોઝ નિયમિત રીતે અપાય છે. ૪૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઑપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સેવા-રૂરલની સાધનસજ્જ કસ્તુરબા હૉસ્પિટલમાં આધુનિક સાધનો દ્વારા ઑપરેશન કરવામાં આવે છે. ગરીબ આદિવાસી ગ્રામજનોને આધુનિક સુવિધા મળી રહે તે હેતુથી ટાંકા વગરના ઑપરેશન (ફેકોઈમલ્સીફાયર) તથા છારી કાઢવાના મશીન (યાગ લેસર) દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ૩૦થી ૪૦% દર્દીઓમાં નેત્રમણી પણ મૂકી આપવામાં આવે છે. વર્ષ ૧૯૯૮થી અંધજન પુનર્વસવાટ કાર્યક્રમ હેઠળ અંધ બાળકોને બ્રેઈલલિપિ શીખવાડીને ક્રમશઃ દૃષ્ટિ ધરાવતાં બાળકોની સાથે અભ્યાસ કરી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. અંધજનો ઘરના અન્ય સભ્યને બોજારૂપ ન બને અને ઘરમાં અને ઘર બહાર સલામત રીતે હરીફરી શકે તે માટેની તાલીમ આપે છે. ૧૫થી ૪૦ વર્ષની ઉંમરના તમામ અંધજનોને રોજગારલક્ષી તાલીમ જેવી કે ખેતરમાં કામ કરવું, વાંસની વસ્તુ બનાવવી, નાની દુકાન ચલાવવી, ઢોર સાચવવા વગેરેની તાલીમ અપાઈ રહી છે.
સેવા-રૂરલે મેળવેલ સિદ્ધિઓની નોંધ રાષ્ટ્રિય અને વિશ્વસ્તરે પણ લેવાઈ છે. ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ અને નૂતન કાર્ય કરવા બદલ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી ૧૯૮૫માં સેવા-રૂરલને પ્રથમ આંતરરાષ્ટ્રીય ‘સાસાકાવ હેલ્થ એવોર્ડ’ એનાયત કરવામાં આવેલ. ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે વ્યવસ્થાના નવીનીકરણ દ્વારા સમાજને તથા દર્દીઓને સંતોષકારક શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા બદલ બૉમ્બે મૅનેજમૅન્ટ એસોસીએશન તથા બજાજ ગ્રુપ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સેવા-રૂરલ હૉસ્પિટલને ૧૯૮૯ના વર્ષનો રાષ્ટ્રીય હૉસ્પિટલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આરોગ્ય ઉપરાંત ગામડાંના પછાત અને આદિવાસી યુવાનો સ્વનિર્ભર થઈ શકે તેમજ તેમનામાં રહેલ સુષુપ્ત શક્તિઓને વિકસાવી શકે તે હેતુથી ગ્રામીણ તકનીકી કેન્દ્રની ૧૯૮૫થી શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષના રેસિડેન્સિય્લ ટેકનિકલ તાલીમના કોર્ષ બાદ દર વર્ષે ૭૫ જેટલા યુવાનોને નજીક આવેલ ઔદ્યોગિક વસાહતમાં રોજગારીની વિશેષ તકો મળી રહે છે. આ જ પ્રમાણે ગામડાનાં શાળાએ જતાં બાળકોને પૂરક માર્ગદર્શન મળે તથા સ્કૂલ છોડી જવાનું પ્રમાણ ઘટે તે માટે ૧૯૮૩થી ‘ટ્યુટૉરિયલ વર્ગો’ પણ ચલાવવામાં આવે છે. જેનો લાભ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગ્રામીણ બહેનોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સુધારો થાય, તેમનું કૌટુંબિક અને સામાજિક જીવનધોરણ ઊંચું આવે તે માટે શારદા મહિલા મંડળ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે પાપડ કેન્દ્રની પ્રવૃત્તિ, શેઠ શાહુકારોના શોષણમાંથી મુક્ત થઈ બચતની ટેવો વિકસે તે માટે બચત ધિરાણ મંડળી શરૂ કરવામાં આવી છે. મહિલાઓની ઉન્નતિ થાય તે માટે મહિલા જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરાયા છે.
સેવા રૂરલ દ્વારા હૉસ્પિટલ, કૉમ્યુનીટી હેલ્થ પ્રોજેક્ટ, આંગણવાડી, આરોગ્ય તાલીમ અને સંશોધન, મહિલા વિકાસ – પાપડ કેન્દ્ર – બચત અને ધીરાણ, ગ્રામીણ તકનીકી કેન્દ્ર, ટ્યુટોરિયલ, ગ્રામોદ્યોગ, જેવી પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. અમારા આ બધા કાર્યક્રમોમાં અમે ત્રણ પાયાની વસ્તુઓ – સમાજસેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણને હંમેશા નજર સમક્ષ રાખીએ છીએ. સર્વધર્મ સમભાવની ભાવનાને પ્રેરતી સાયં પ્રાર્થનામાં દરરોજ બધા દર્દીઓ, કર્મચારીઓ અને ગ્રામવાસીઓ એકઠા થાય છે.
આ રીતે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાના ‘શિવજ્ઞાને જીવ સેવા’ના આદર્શ સાથે ‘દુઃખી-દરિદ્ર દેવો ભવ’, ‘અજ્ઞ દેવો ભવ’, ‘રોગી દેવો ભવ’ની ભાવના સાથે સહાય કરવાનો અને મહાત્મા ગાંધીજીના ગ્રામોદ્ધારા એ જ રાષ્ટ્રોદ્ધારને મૂર્તિમંત રૂપ આપવાનો એક વિનમ્રભાવનો પ્રયાસ આ સંસ્થા કરી રહી છે. આજે જરૂર છે આવી અનેક સંસ્થાઓની કે જે નિઃસ્વાર્થભાવે ગ્રામ સેવા, ગ્રામકલ્યાણનાં કાર્યો કરીને સમગ્ર ગુજરાતને ગૌરવવંતુ ગુજરાત બનાવે.
Your Content Goes Here




