(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
સેવા અને પુરુષાર્થ વિષયને બરાબર સમજવા માટે આધ્યાત્મિક જીવન અને સેવા વચ્ચેના સંબંધને જાણવો બહુ જરૂરી છે. પ્રાચીનકાળમાં આપણા ૠષિઓએ માનવજીવનને ઉદ્દેશપૂર્ણ બનાવવા માટે એક જીવન-પદ્ધતિ નક્કી કરી હતી, જેમાં ચાર પુરુષાર્થ—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દ્વારા જીવનના બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા ચાર આશ્રમોમાં વિભાજિત કર્યા હતા.
બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાર્થી અવસ્થા હતી, જ્યાં મનુષ્ય જીવનોપયોગી વિવિધ દુન્યવી વિષયોની સાથે-સાથે ધર્મનું પણ અધ્યયન કરતા હતા. આ વિચાર અને વિવેક-શક્તિને જાગ્રત કરવાનો પુરુષાર્થ હતો.
ત્યાર પછી મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો હતો. જીવનની આ જ અવસ્થામાં મનુષ્ય અર્થ રૂપી પુરુષાર્થ દ્વારા પોતાની આજીવિકા અને સામાજિક જીવનની ઉન્નતિ તેમજ મળેલાં ફળોનો આ લોકમાં ઉપભોગ કરતો હતો.
આ પ્રકારે આ પ્રવૃત્તિવાળું જીવન હોય છે, જે ધર્મનાં પંચમહાયજ્ઞરૂપી નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મો દ્વારા સંયમિત રહે છે. આ રીતે જીવનના આ સમયમાં લૌકિકવિદ્યા અને ધર્મને વ્યાવહારિક જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ કરવાનો હોય છે.
એ પછી જેઓ સમર્થ હોય છે, તેઓ કામરૂપી પુરુષાર્થનો પ્રયત્ન કરે છે. આ લોકનાં સુખોનો ઉપભોગ તો અર્થરૂપી પુરુષાર્થમાં નિહિત હતો જ, તેથી કામ-પુરુષાર્થનો અર્થ લૌકિક કામનાઓની પૂર્તિ એવો કરવો યોગ્ય લાગતો નથી. હકીકતમાં કામ-પુરુષાર્થ વિષે યોગીઓનો સંકેત હતો, કરવા લાયક કર્મોનું સંપાદન એવો. આ એ યજ્ઞ આદિ કર્મો હતાં, જેના દ્વારા સ્વર્ગ વગેરે ઉચ્ચ લોકમાં સુખ-ઉપભોગ પ્રાપ્ત કરવા માટેનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય.
આ રીતે કાર્ય-પુરુષાર્થ આ જીવનના સુખોપભોગ નહિ પરંતુ મૃત્યુ પછી સ્વર્ગાદિ લોકમાં સુખ-ભોગ મેળવવાનું આશ્વાસન હતું. શાસ્ત્રોનો થોડો ઊંડાણથી અભ્યાસ કરીએ તો આપણે જાણીશું કે આ કામ્ય-કર્મોના સંપાદન માટે મનુષ્યે આ લોકના સુખ-ભોગોને ત્યજી અત્યંત કઠોર તપસ્યામય જીવનયાપન કરવું જરૂરી હતું. આ પ્રમાણે આ પુરુષાર્થમાં પ્રવૃત્તિમુખી મનને નિવૃત્તિ તરફ વાળવા માટેની ચેષ્ટા જોવા મળે છે. આ સરળ કાર્ય નથી.
કેટલાક દૃઢ-સંકલ્પવાળા અને સમર્થ મનુષ્ય જ આમાં સફળ થાય છે. એટલા માટે જ કહેવાયું છે – ‘नायमात्मा बलहीनेन लभ्य:’, આમાંથી પણ કેટલાક લોકો યથાર્થરૂપે નિવૃત્તિપરાયણ થઈ શકે છે અને લોક-પરલોકમાં મળવાવાળા સુખ-ભોગોની અનિત્યતા અને વ્યર્થતાને સમજીને તેનાથી વૈરાગ્યવાન થઈ શકે છે. આ જ ‘इहामुत्रार्थ-फल-भोग-विराग:’ અવસ્થા છે. આ લોકો જ મુમુક્ષુ કહેવાય છે અને જીવનમાં કોઈ પ્રતિષ્ઠા વગરના આ પરમપુરુષાર્થને માટે પ્રયત્ન કરે છે.
વર્તમાન સમયમાં આપણે તે ઉચિત વૈદિક સંસ્કૃતિને વિસરી ગયા છીએ, એટલા માટે મનને નિવૃત્તિમુખી કરવાની મનુષ્યની એ ચેષ્ટાના રૂપમાં કામ-પુરુષાર્થને સમજવાને બદલે તેને વધુ પ્રબળ પ્રવૃત્તિપ્રેરક માની બેઠા છીએ. આ પ્રકારની ભૂલભરેલી ધારણા સાથે મનુષ્ય મોક્ષ-પુરુષાર્થ માટે કેવી રીતે ઉપસ્થિત થઈ શકે?
યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવે આ યુગને અનુકૂળ આપણી સામે વિકલ્પના રૂપે સેવાનો પુરુષાર્થ રાખ્યો છે. પરંતુ આ સાધારણ સેવા નથી, આ છે ‘શિવજ્ઞાને જીવસેવા’. એટલે કે સેવા કરવાવાળાના મનમાં હંમેશાં એવો ભાવ રહે કે શિવત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવી એ જ આ સેવાનું લક્ષ્ય છે. સ્વામી વિવેકાનંદે આને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યું છે, ‘आत्मनो मोक्षार्थं जगद्धिताय च’ – સ્વયંની મુક્તિ અને જગતના હિત માટે. આ સેવા-પુરુષાર્થનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાસાં છે:
૧. સહેતુક કર્મ(કામ્યકર્મો)ની પાછળ મીમાંસક લોકો કર્મના સિદ્ધાંતને માનતા હતા, જેમાં ઈશ્વરના નિર્ધારણની આવશ્યકતા નહોતી, ન તો વેદાંતી એને જ્ઞાનપથના સહાયક માનતા હતા.
સેવા-પુરુષાર્થમાં બધા યોગો માટે સ્થાન છે, છતાં ભક્તિ તે બધામાં જ અનુસ્યૂત છે. એટલે શ્રીરામકૃષ્ણદેવ કહ્યા કરતા હતા કે આ યુગ માટે નારદીય ભક્તિ સૌથી સરળ માર્ગ છે.
૨. કામ્યકર્મો(સહેતુક-કર્મ)ના સંપાદનનો અધિકાર ઉચ્ચવર્ણના સંપન્ન લોકો સુધી જ સીમિત હતો, જ્યારે સેવાનો અધિકાર સહુનો છે.
૩. વાનપ્રસ્થાશ્રમમાં વાનપ્રસ્થી લોકો માનસિક યજ્ઞ કર્યા કરતા હતા, જેમાં સાચાં દ્રવ્યોને બદલે કાલ્પનિક દ્રવ્યોની આહુતિ આપવામાં આવતી હતી. ફળની આશાની પાછળ સ્વયંની અંદર સુષુપ્ત અવસ્થામાં રહેલ ભોગ-ઇચ્છાને ઓળખવાની આ પ્રક્રિયા હતી. નિરંતર અભ્યાસથી મનુષ્ય જ્યારે તે સૂક્ષ્મ વાસનાઓનો પણ ત્યાગ કરવામાં સફળ થઈ જાય, ત્યારે જ તે યોગ્ય રીતે સંન્યાસ-આશ્રમ માટે પ્રસ્તુત થઈ શકે અને પરમ પુરુષાર્થ—મોક્ષનો પ્રયત્ન કરી શકે.
આ જ રીતે સેવા કરવાવાળાના મનમાં કોઈ પણ પ્રકારનો ભૌતિક લાભ મેળવવાની ઇચ્છા ભલે ન હોય, પરંતુ નામ, યશ, અધિકાર, સુવિધા વગેરે મેળવવાની સૂક્ષ્મ વાસનાઓ હોઈ શકે છે. આવી માનસિક અવસ્થા હોય તો તેને વાનપ્રસ્થાશ્રમની સમકક્ષ માની શકીએ. જ્યારે આ સૂક્ષ્મ વાસના પણ ન રહે, એકમાત્ર ઈશ્વરની સેવાનો ભાવ રહે, ત્યારે સંન્યાસાશ્રમની અવસ્થા બની શકે અને શિવત્વ-લાભરૂપે મોક્ષરૂપી પુરુષાર્થ કરવાનો અધિકારી બનશે.
૪. એકમાત્ર ‘શિવજ્ઞાને જીવસેવા’ની ભાવના જ મનુષ્યને સર્વ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક કટ્ટરતાથી પર જઈને ઉદાત્ત વિશ્વબંધુત્વના ભાવમાં પ્રતિષ્ઠિત કરી શકે છે. આમ તો દરેક ધાર્મિક સંપ્રદાયમાં સેવાની ભાવના જોવા મળે છે, પરંતુ તે માત્ર જે તે સંપ્રદાયના અનુયાયીઓ સુધી જ સીમિત રહે છે. બીજાઓ માટે કાં તો ઉપેક્ષાનો ભાવ હોય છે અથવા તો દયાનો, જે થોડી અમથી પ્રતિકૂળ ઉત્તેજનાથી કડવી નફરતમાં ફેરવાઈ જાય છે. આ મર્યાદિત સંકુચિતતાના ભાવનું સાર્વત્રિક ઉદાત્તીકરણ ત્યારે જ થઈ શકે, જ્યારે મનુષ્યની અંદર એવો વિશ્વાસ બની રહે કે તે જ ચૈતન્ય, શિવત્વ જે મારા ઇષ્ટ છે, તે જ બધા જીવોમાં વિદ્યમાન છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં આ સત્યની અનુભૂતિ કરી હતી અને ‘શિવજ્ઞાને જીવસેવા’થી તેમનો આ જ અભિપ્રાય હતો.
૫. સામાન્ય રીતે સેવા અને વેપાર બંને સમાન જેવાં લાગે છે. તફાવત માત્ર કાર્ય કરવાવાળાના મનોભાવમાં છે. સેવા નિવૃત્તિની દૃષ્ટિ છે અને વેપાર પ્રવૃત્તિની દૃષ્ટિ છે. જો કર્તાના મનમાં પ્રવૃત્તિ હોય તો તે જ કાર્ય વેપાર બની જાય છે અને નિવૃત્તિ હોય તો સેવા. વ્યક્તિગત જીવનમાં અથવા સેવાશ્રમોમાં આધ્યાત્મિકતા કાયમ રહે તે માટે કાર્યમાં સેવાનું સ્વરૂપ બનાવી રાખવું આવશ્યક છે અને તે સંબંધિત વ્યક્તિનું હંમેશાં સજાગ અને નિષ્ઠાવાન બની રહેવાથી જ સંભવ છે.
૬. મંદિરમાં ઈશ્વરની ચૈતન્ય-સત્તાના પ્રતિનિધિના રૂપમાં વિદ્યમાન શ્રીવિગ્રહને જોઈને લોકોને સ્વયંની ચૈતન્ય-સ્વરૂપતાની પ્રેરણા મળવી જોઈએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ના ભાવથી જેમ-જેમ ચૈતન્યનું ચિંતન મુખ્ય થતું જશે તેમ-તેમ સેવાની સાથે-સાથે સેવક પોતાને પણ શિવ-સ્વરૂપ અનુભવવા લાગશે, તેને જ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં’ કહ્યું છે.
૭. સેવાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? સેવા જગત-હિતાય હોય. જગતનું હિત જેમાં સમાયેલું છે, તે સેવા છે. તેમાં જગત જોડાયેલું છે અને જગત સ્થાન અને સમય પ્રમાણે પરિવર્તન પામતું રહેતું હોય છે. એટલા માટે સેવાનું સ્વરૂપ સેવ્ય, એટલે કે સેવા કરવાવાળાની પાસે ઉપલબ્ધ સાધન તેમજ સેવકના ઉત્સાહ અને શક્તિ પર આધાર રાખે છે.
૮. સંસારની દૃષ્ટિ કાર્યની વિશાળતા અને બાહ્ય પ્રદર્શન પર રહે છે અને આધ્યાત્મિકતાની માગ છે પવિત્રતા અને શાંતિ. સેવા જાણે કે આ બંનેના સમન્વય-રૂપ છે, જે જોઈને અજાણી વ્યક્તિ પણ સેવાની પાછળ રહેલા નિસ્વાર્થ-ભાવને જોઈને અભિભૂત થઈ જાય.
Your Content Goes Here




