શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ‘ભક્તિયોગ યુગધર્મ છે.’ ‘કલિયુગમાં અન્નગત પ્રાણ છે.’

ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે જેટલી ભક્તિ વધે છે, તેટલા આ વિકારો દુર્બળ થતા જાય છે. અંતે આ વિકારો છે એની ખબર જ નથી પડતી.

આપણે શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં જોયું છે કે જ્યાં શ્રીમદ્ ભાગવતની કથા થતી હોય અથવા ભગવદ્ પ્રસંગ થતો હોય ત્યાં શ્રીરામકૃષ્ણદેવ સ્વયં જાય છે. કેશવચંદ્ર સેનની પાસે, વેણીપાલના બગીચામાં, બલરામ બસુના ઘેર, બ્રાહ્મોસમાજમાં વગેરે સ્થળોએ શ્રીરામકૃષ્ણદેવ આપમેળે જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે : હું યોગીઓના હૃદયમાં નથી રહેતો. જ્યાં ભક્તો મારું ભજન-કીર્તન કરે છે ત્યાં હું વસું છું.

ભગવાન શ્રીરામ પણ વનવાસ સમયે સ્વયં ઋષિ-મુનિઓના આશ્રમમાં પધારે છે. ભક્તિની એવી શક્તિ છે કે ભગવાન સ્વયં ત્યાં ખેંચાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ક્યારેક ભગવાન ચુંબક બને છે અને ભક્ત સોય બને છે, અને ક્યારેક ભક્ત ચુંબક બને છે અને ભગવાન સ્વયં સોય બની જાય છે. ભક્તિથી એવું આકર્ષણ ઊભું થાય છે કે જેથી ભગવાનને દોડીને આવવું પડે છે. પ્રહ્‌લાદ સમક્ષ ભગવાન સ્વયં નૃસિંહ અવતાર ધારણ કરીને આવે છે.

રામચરિત માનસમાં આપણે જોઈએ છીએ કે શબરીની ભક્તિથી ભગવાન સ્વયં તેની ઝૂંપડી પાવન કરે છે. શબરી પોતાની ઝૂંપડીમાં બેઠાં બેઠાં ‘રામ.. રામ.. રામ..’નો જપ કર્યા કરે છે. શબરીએ વેદ-શાસ્ત્રાદિનું અધ્યયન કર્યું ન હતું. વેદ-શાસ્ત્રનું અધ્યયન કરીને પણ લોકો ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. શબરીની ભક્તિથી પ્રભુશ્રી રામ વશ થઈ ગયા છે. રામચરિત માનસમાં નવધા ભક્તિ એ ભક્તિયોગ જ છે. ભક્તિ પ્રાપ્ત કરવા માટે મનુષ્યમાં ક્યાં ક્યાં લક્ષણો હોવાં જોઈએ તે નવધા ભક્તિમાં જોવા મળે છે. રામચરિત માનસમાં ભગવાન શ્રીરામ સ્વયં નવધા ભક્તિમાં એ લક્ષણોની વર્ણના કરે છે. શ્રીરામ શબરીને કહે છે કે આ નવ ભક્તિમાંથી એક પ્રકારની પણ ભક્તિ જો કોઈ મનુષ્યમાં હોય તો તે મારો અત્યંત પ્રિય બની જાય છે અને હું જોઉં છું કે આ નવે નવ પ્રકારની ભક્તિ તારામાં દૃઢપણે વિદ્યમાન છે.

નવ મહુઁ એકઉ જિન્હ કેં હોઈ,

નારિ પુરુષ સચરાચર કોઈ.

સોઈ અતિસય પ્રિય ભામિનિ મોરેં,

સકલ પ્રકાર ભગતિ દૃઢ તોરેં.

ભગવાન શ્રીરામ કહે છે કે પહેલી ભક્તિ સત્સંગ છે. શ્રીરામકૃષ્ણદેવ પણ કથામૃતમાં કહે છે, ‘સત્સંગ કરવાથી ઈશ્વર પ્રતિ અનુરાગ (પ્રેમ) જાગે છે.’ જ્યારે કોઈ મનુષ્યને કોઈના પ્રતિ પ્રેમ થઈ જાય તો પછી પ્રેમી વ્યક્તિને ભૂલવું કઠિન થઈ જાય છે. એવી જ રીતે જો ભગવાન પ્રતિ આપણને પ્રેમ થઈ જાય તો પછી ભગવાનને ભૂલવા કઠિન થઈ જશે.

બીજી ભક્તિ- ભગવાનની કથા સાંભળવાની પ્રબળ ઇચ્છા.

પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા,

દૂસરિ રતિ મમ કથા પ્રસંગા.

શ્રીરામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વાલ્મીકિ મુનિના આશ્રમમાં ગયાં ત્યારે ભગવાને વાલ્મીકિ મુનિને પૂછ્યું કે હું વનવાસ દરમિયાન અરણ્યમાં એક સ્થળે રહેવા માગું છું, તમે મને સ્થાન બતાવો. વાલ્મીકિ મુનિએ કહ્યું કે હે પ્રભુ! તમે ક્યાં નથી એ પહેલાં બતાવો. ભગવાન પણ હસવા લાગ્યા. વાલ્મીકિ મુનિએ કહ્યું કે :

જિન્હ કે શ્રવણ સમુદ્ર સમાના,

કથા તુમ્હારિ સુભગ સરિનાના.

ભરહિ નિરંતર હોઈ ન પૂરે,

તિન્હ કે હિય તુમ્હ કહુઁ ગૃહ રુરે.

જેવી રીતે ઘણી બધી નદીઓ આવીને સમુદ્રમાં સમાય છે પરંતુ સમુદ્ર તૃપ્ત થતો નથી, તેવી જ રીતે જેમના કાન સમુદ્ર જેવા છે અને તમારી કથા સરિતા જેવી છે, જેમને ક્યારેય કથા સાંભળતાં સાંભળતાં તૃપ્તિ નથી થતી તેમના હૃદયમાં તમે વાસ કરો.

ત્રીજી ભક્તિ- અહંકારનો ત્યાગ કરીને ગુરુના ચરણકમળની સેવા.

ગુર પદ પંકજ સેવા,

તીસરિ ભગતિ અમાન.

ચૌથિ ભગતિ મમ ગુન ગન,

કરઇ કપટ તજિ ગાન.

ગુરુના ચરણકમળની સેવા કરવી એટલે ગુરુના આદેશ અનુસાર ચાલવાનું અને તેમણે બતાવેલી પદ્ધતિ અનુસાર જપ-ધ્યાન કરવાનું. કહેવામાં આવે છે કે ગુરુ અને ઇષ્ટ એક જ છે. આપણા રામકૃષ્ણ સંઘમાં મહાપુરુષોએ કહ્યું છે કે રામકૃષ્ણ સંઘ એ શ્રીરામકૃષ્ણદેવનો દેહ છે. રામકૃષ્ણ સંઘની કોઈ પણ સેવા કરવી એ ગુરુની સેવા કર્યા બરાબર જ છે, અને આ સેવા પણ અહંકારનો ત્યાગ કરીને કરવાની છે.

ચોથી ભક્તિ- કપટનો ત્યાગ કરીને ભગવાનનાં નામ-ગુણગાન કરવાનાં.

મંત્ર જાપ મમ દૃઢ બિસ્વાસા,

પંચમ ભજન સો બેદ પ્રકાસા.

પાંચમી ભક્તિ- ભગવાનના મંત્રનો દૃઢ વિશ્વાસની સાથે જપ કરવાનો. શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘નામ અને નામી અભેદ છે.’ ભગવાન અને ભગવાનના નામમાં કોઈ ભેદ નથી. બન્ને એક જ છે. તુલસીદાસ કહે છે કે ભગવાનથી પણ ભગવાનના નામમાં વિશેષ શક્તિ છે. ભગવાને તો માત્ર એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો પરંતુ ભગવાનના નામથી કરોડો મનુષ્યોની બુદ્ધિ સુધરી ગઈ છે.

છઠ્ઠી ભક્તિ- ઇન્દ્રિય સંયમ (પવિત્રતા), સત્ ચરિત્ર. એટલાં બધાં કામ નહીં કરવાનાં કે જેથી ભગવાનને જ ભૂલી જઈએ. અને જે કંઈ કર્મ કરીએ એમાં બીજાનું કલ્યાણ થાય એવાં કર્મ કરવાનાં.

છઠ દમ સીલ બિરતિ બહુ કરમા,

નિરત નિરંતર સજ્જન ધરમા.

સાતમી ભક્તિ- ભગવાન કહે છે કે હું જ બધાંમાં છું એવી ભાવનાથી કર્મ કરો અને મારા સંતોને મારાથી પણ વધારે સન્માન આપો.

સાતવઁ સમ મોહિ મય જગ દેખા,

મોતેં સંત અધિક કરિ લેખા.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘શિવજ્ઞાને જીવસેવા.’

બધામાં ઈશ્વર જ છે એવું જાણીને બધાની સેવા કરવાની. જે લોકો સંસારમાં છે તેમને ત્યાગ કરવાની જરૂર નથી. તેમનાં માતા-પિતા, પતિ-પત્ની, બાળકો, મિત્રો બધાંમાં મારા જ પ્રભુ વિદ્યમાન છે એવું વિચારીને સર્વની સેવા કરવાની. શ્રીરામકૃષ્ણદેવની પાસે એક મહિલાએ આવીને કહ્યું કે, ‘હું જ્યારે ભગવાનનું નામ લઉં છું ત્યારે મને મારા ભત્રીજાની યાદ આવે છે.’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘ખૂબ જ સારું. તમે જ્યારે તમારા ભત્રીજાને સ્નાન કરાવો ત્યારે વિચારજો કે હું બાળગોપાલ શ્રીકૃષ્ણની સેવા કરું છું. તમારા ભત્રીજાની કોઈ પણ સેવા કરો ત્યારે વિચારજો કે હું શ્રીકૃષ્ણની સેવા કરું છું.’ એવી રીતે સેવા કરતાં કરતાં એ મહિલાને ભાવસમાધિ થવા લાગી.

આઠમી ભક્તિ- જે મળે તેમાં સંતોષ રાખવાનો અને સ્વપ્નમાં પણ કોઈના દોષ નહીં જોવાના.

આપણે જો વિચારીએ તો આપણા જીવનમાં અશાંતિનું કારણ છે- હજુ આપણને વધારે જોઈએ છીએ અને આપણે બીજાના દોષ જોઈએ છીએ. શ્રીમા શારદાદેવીએ પણ કહ્યું છે કે જો શાંતિ પામવા ઇચ્છતા હો તો કોઈના દોષ ન જોતા. દોષ જોજો પોતાના.

આપણે જો આપણા પોતાના દોષ જોઈશું તો ધીરે ધીરે એ દોષોને દૂર કરવાનો પ્રયત્ન પણ થશે અને દોષો દૂર થઈ જશે.

આઠવઁ જથાલાભ સંતોષા,

સપનેહુઁ નહિં દેખઇ પરદોષા.

નવમી ભક્તિ- જીવનમાં સરળતા, બધાની સાથે કપટ રહિત વ્યવહાર અને સુખ-દુ:ખમાં ભગવાન ઉપર ભરોસો રાખવાનો.

નવમ સરલ સબ સન છલહીના,

મમ ભરોસ હિયઁ હરષ ન દીના.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે અનેક જન્મની તપસ્યા પછી જીવનમાં સરળતા આવે. આપણે ક્યારેય સરળ માણસને જોઈને તેને મૂર્ખ સમજીએ છીએ પરંતુ હંમેશાં એવું હોતું નથી. સરળ થવું કઠિન છે. ભગવાન કહે છે કે સુખ-દુ:ખમાં મારા પર ભરોસો રાખો. ક્યારેક માણસ ઉપર ખૂબ દુ:ખ આવે ત્યારે ભગવાન પ્રત્યે ભરોસો ચાલ્યો જાય છે. પરંતુ શ્રીમા શારદાદેવી કહે છે કે દુ:ખ દયાનું દાન છે. જ્યારે આપણા ઉપર દુ:ખ આવે છે ત્યારે આપણાં પાપોનો નાશ થાય છે, આપણું ચિત્ત ધીરે ધીરે નિર્મળ થાય છે.

ભગવાન શ્રીરામ કહે છે કે આ નવ ભક્તિમાંથી એક પણ ભક્તિ જો મનુષ્યમાં હોય તો એ મારો અત્યંત પ્રિય છે. આપણે સૌ ભગવાનને પ્રિય થવા માગીએ છીએ. આપણામાં કેવી રીતે ભક્તિ આવશે? પહેલાં આપણે વિચારવાનું છે કે આ નવ ભક્તિમાંથી આપણને ક્યા પ્રકારની ભક્તિ અનુકૂળ છે. જો કોઈ પણ એક પ્રકારની ભક્તિનું આપણે દૃઢતાપૂર્વક અવલંબન કરીશું તો ભક્તિના બીજા પ્રકારો પણ આપણામાં ધીરે ધીરે ઉદિત થતા જશે.

શબરી માતાએ પોતાના ગુરુ મતંગ મુનિની ખૂબ સેવા કરી. મતંગ મુનિએ કહ્યું કે ‘શબરી, હું તો દેહત્યાગ કરી રહ્યો છું પરંતુ તારે નિરાશ થવાની જરૂર નથી. મેં જે તને ‘રામ’ મંત્ર આપ્યો છે તેનું તું સતત સ્મરણ કર. હું તને આશીર્વાદ આપું છું કે તારે ભગવાનની પાસે જવાની જરૂર નથી. ભગવાન સ્વયં તારી પાસે આવશે.’ શબરીને ગુરુવાક્યમાં દૃઢ વિશ્વાસ હતો. શબરીએ વિચાર્યું, ‘અહા! ભગવાન સ્વયં મારી ઝૂંપડીએ આવશે!’ શબરી દિવસ-રાત રામ-નામનું સ્મરણ કરવા લાગી. ઘણાં વર્ષો વીતી ગયાં. શબરી વૃદ્ધ થઈ ગઈ પરંતુ ગુરુના વાક્યમાં પ્રચંડ વિશ્વાસ. આંખે સારી રીતે દેખાતું નથી. દરરોજ ફળ-ફૂલ લઈ આવે છે. પથમાં ફૂલની પથારી કરે છે અને ભગવાન શ્રીરામની પ્રતીક્ષા કરે છે. શબરીએ એક દિવસ જોયું :

સબરી દેખી રામ ગૃહઁ આએ,

મુનિકે બચન સમુઝિ જિયઁ ભાએ.

ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ શબરીની પાસે આવ્યા છે. શબરી આનંદથી અધીર બની ગઈ.

પ્રેમ મગન મેખ બચન ન આવા,

પુનિ પુનિ પદ સરોજ સિર નાવા.

સાદર જલ લૈ ચરન પખારે,

પુનિ સુંદર આસન બૈઠારે.

ભગવાનના ચરણોમાં શબરી એ મસ્તક રાખ્યું છે, આંખોમાંથી અશ્રુધાર વહે છે, ગળું રુંધાઈ ગયું છે, કંઈ જ બોલી શકતી નથી. અંતે શબરીએ ભગવાન શ્રીરામને આસન આપ્યું. ભગવાન બેઠાં બેઠાં શબરીની

પ્રેમ-અવસ્થા નિહાળે છે. શબરી ભગવાનને આરોગવા ફળ આપે છે. પરંતુ તે પહેલાં શબરી વિચારે છે કે મને તો આંખે બરાબર દેખાતું નથી. ફળ કડવાં કે ખાટાં તો નહીં હોયને? તેથી ભગવાનને ફળ આરોગવા આપતાં પહેલાં શબરી ચાખી ચાખીને એઠાં ફળ ભગવાનને નિવેદિત કરે છે.

કંદ મૂલ ફલ સુરસ અતિ,

દિએ રામ કહુઁ આનિ.

પ્રેમ સહિત પ્રભુ ખાએ,

બારંબાર બખાની.

ભગવાન વારંવાર વખાણ કરતાં કરતાં શબરીનાં ફળ આરોગે છે.

એક લોકવાર્તા છે કે ભગવાને શબરીનાં એઠાં ફળ ખાધાં, પણ લક્ષ્મણે ન ખાધાં. ચૌદ વર્ષના વનવાસ પછી શ્રીરામ અયોધ્યા પધાર્યા, પ્રભુનો રાજ્યાભિષેક થયો. ત્યાર પછી લક્ષ્મણે એક દિવસ પ્રભુને પ્રશ્ન કર્યો કે ‘પ્રભુ! મેં પણ રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું અને તમે પણ. પરંતુ હું મેઘનાદના બાણથી મૂર્છિત થઈ ગયો પરંતુ તમે તો રાવણ અથવા કુંભકર્ણના બાણથી પણ ક્યારેય મૂર્છિત ન થયા તેનું કારણ શું છે?’ ભગવાને હસતાં હસતાં લક્ષ્મણને પૂછ્યું, ‘લક્ષ્મણ, મેં શબરી માતાનાં એઠાં ફળ આરોગ્યાં હતાં તેથી એની ભક્તિના પ્રતાપે રાક્ષસોનાં બાણ મને કંઈ કરી ન શક્યાં. શબરીની ભક્તિના કવચે મારી રક્ષા કરી છે અને તું પણ આજે જીવતો છે તે પણ શબરી માતાની ભક્તિનો પ્રતાપ છે. શબરીનાં એઠાં ફળ ખાઈને મેં જે બીજ ત્યાં રાખ્યાં હતાં એ બીજ પક્ષીઓએ લઈ જઈને હિમાલયની કંદરામાં રાખ્યાં હતાં. તે બીજમાંથી જે વનસ્પતિ અંકુરિત થઈ એ જ સંજીવની છે, જે હનુમાનજી ઔષધિરૂપે તમારા પુનર્જીવન માટે લઈ આવ્યા હતા. આ બધો શબરી માતાની ભક્તિનો પ્રતાપ છે.’

શ્રીરામ ભગવાનની નવધા ભક્તિની કથા એ શબરીની સ્તુતિ છે કારણ કે શબરીમાં તો એ ભક્તિ પહેલેથી જ હતી. નવધા ભક્તિની કથા પછી ભગવાન શબરીને પૂછે છે, ‘શબરી, મને સીતા કેવી રીતે મળશે?’ શબરી કહે છે-

પંપા સરહિ જાહુ રઘુરાઈ,

તહઁ હોઇહિ સુગ્રીવ મિતાઇ.

તમે પંપા સરોવર જાઓ. ત્યાં તમારી સુગ્રીવની સાથે મિત્રતા થશે. તે તમને સીતાની શોધમાં મદદ કરશે.ભગવાનને પણ પથ દેખાડે એ ભક્તિની તાકાત છે.

યોગ એટલે જોડાવું અથવા યુક્ત થવું. યોગ એટલે જોડાણ. ભગવાનની સાથે કેવી રીતે જોડાવું એ આપણને સ્વયં ભગવાન શ્રીરામ શબરીના માધ્યમથી બતાવે છે. શબરીનું જીવન ભક્તિમય જીવન છે. આપણે પણ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે આપણું જીવન ભક્તિમય બને એવી શક્તિ પ્રભુ આપણને પ્રદાન કરે.

Total Views: 791

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.