આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે ‘વૈશ્વિક ગ્રામ’ની કલ્પના કરી રહ્યા છીએ, પરંતુ આપણે જોઈએ છીએ કે જુદાં જુદાં દેશો અને સમાજ વચ્ચે ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ભૌતિક રીતે નજીક આવ્યા છીએ, પણ એકબીજાના મન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. જ્યાં સુધી આપણે વૈશ્વિક સભ્યતાનું નિર્માણ નહિ કરીએ, ત્યાં સુધી વિશ્વમાં શાંતિની સ્થાપના થઈ શક્શે નહીં. અત્યારે આપણે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. લોકો એવું વિચારીને ભયભીત છે કે, કયાંક વિશ્વયુદ્ધ ના ફાટી નીકળે! કેટલાક વૈજ્ઞાનિકોનો એવો મત છે કે, આનું કારણ જુદી જુદી સભ્યતાઓ વચ્ચેની ટકરામણ છે. જ્યાં સુધી જુદી જુદી સભ્યતાઓ વચ્ચે તાલમેલ સ્થાપિત નહિ થાય ત્યાં સુધી વિશ્વશાંતિ નહિ થાય. આ સભ્યતાઓના મૂળમાં ધર્મ છે, તેથી જ્યાં સુધી જુદા જુદા ધર્મો વચ્ચે સામંજસ્ય પેદા નહીં થાય, ત્યાં સુધી વિશ્વશાંતિ નહિ થઈ શકે.(વિશ્વશાંતિ માટેની સમસ્યાનું નિરાકરણ નહીં થઈ શકે.) માટે જ ‘સર્વધર્મ સમભાવ’ એ જ આપણા માટે મહત્ત્વનો વિષય છે. હવે, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આ ‘સર્વધર્મ સમભાવ’ આવે કેવી રીતે?

સૌ પ્રથમ તો આપણે પોતપોતાના ધર્મનું આચરણ જીવનમાં ઉતારવાનું છે. માત્ર આડંબર રાખીને નહિ, પણ અનુભૂતિ કરવી પડશે. આ રીતે ધર્મનું આચરણ કરવાથી, આપણી વચ્ચે રહેલા અંતરમાં પરિવર્તન આવશે, બીજા ધર્મના લોકો (ધર્માવલંબીઓ) પ્રત્યે મનમાં પ્રેમ અને સહૃદયતા વગેરે ભાવનાઓ ઉત્પન્ન થશે. બીજું, આપણે આપણા ધર્મનું આચરણ તો કરવાનું જ છે, પણ બીજા ધર્મોને પણ સન્માન આપવું પડશે. આપણે માત્ર બીજા ધર્મોને સહન જ કરવાના નથી, પરંતુ  સ્વીકાર પણ કરવાનો છે. આ ત્યારે જ થઈ શકે, જો આપણે બીજા ધર્મોની વિશેષતાઓ તરફ ધ્યાન આપીએ. જુદા જુદા ધર્મોનો તુલનાત્મક અભ્યાસ કરવાથી આપણે જોઈ શકીએ છીએ કે, કેટલાક એવા સામાન્ય સિદ્ધાંત છે, જેનું દરેક ધર્મમાં પ્રતિપાદન થયું છે તથા બધા ધર્મોમાં મહાન સંતો થઈ ગયા છે, જેમનાં જીવન પ્રેમ-સેવા-કરુણાનાં પ્રતીક છે, ત્યારે આપણા હૃદયમાં પણ બીજા ધર્મો પ્રત્યે આદરની ભાવના ઉત્પન્ન થશે. તે વખતે આપણે માત્ર સહન કરવાની વાતો નહીં કરીએ, પણ બધા ધર્મોનો સ્વીકાર કરીશું.

આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે-

‘एकं सद् विप्रा बहुधा वदन्ति’ — સત્ય એક છે, તેને પ્રાપ્ત કરવાના માર્ગો અલગ અલગ છે.

અંતિમ મોગલ સમ્રાટ બહાદુરશાહ જફર, જેઓ એક સૂફી સંત હતા, તેમણે તેમના સુંદર ગીતમાં આ ભાવોને પ્રગટ કરેલ છે—

તુજસે હમને દિલકો લગાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ
એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ
કાબા મેં ક્યા દેવલ મેં ક્યા, તેરી પરસ્તીશ હોગી સબ જા
સભીને તુજકો સિર હૈ ઝુકાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ

અત્યારે વર્તમાન યુગમાં શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયેલ છે. તેમનું જીવન આ આદર્શનું મૂર્ત સ્વરૂપ છે. તેમણે પોતાના જીવનની પ્રયોગશાળામાં જુદા જુદા ધર્મોની સાધના કરી. મા કાલીનાં દર્શન કર્યાં, વૈષ્ણવ ધર્મની સાધના કરી ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં, ભગવાન રામનાં પણ દર્શન કર્યાં અને ૬૪ (ચોસઠ) તંત્રોની સાધના કરી. ત્યાર પછી તોતાપુરી પાસે અદ્વૈત-વેદાંતની સાધના કરીને છ મહિના સુધી નિર્વિકલ્પ સમાધિમાં રહ્યા. ત્યાર પછી તેમણે ઇસ્લામ ધર્મની સાધના કરી. આ સાધના દરમ્યાન તેઓ દક્ષિણેશ્વર મંદિરની નજીકમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢતા અને એક મુસલમાનની જેમ જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. ત્યાર પછી આ સાધનાના અંતે દક્ષિણેશ્વરના આંગણામાં જ મહમ્મદ પયંગબર સાહેબનાં દર્શન થયાં હતાં. આ જ રીતે ઈસાઈ ધર્મની સાધના કરીને ઈશુ ખ્રિસ્તનાં દર્શન થયાં હતાં. ઈશુ ખ્રિસ્ત તેમને ગળે ભેટીને તેમનામાં વિલીન થઈ ગયા. આમ, બધા જ ધર્મોની સાધના કરીને શ્રીરામકૃષ્ણદેવે પોતાના અનુભવ પરથી તારણ કાઢ્યું કે, “જેટલા મત, તેટલા પથ”, “મંઝિલ એક છે, રસ્તા જુદા જુદા છે.”

તેમણે કહ્યું કે: “ મેં બધા ધર્મોની સાધના કરીને જોયું કે સત્ય એક જ છે.” આ વાતને તેમણે સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી: એક તળાવ છે, તેના ચાર ઘાટ છે. એક ઘાટ પર હિન્દુ જાય છે ને કહે છે, ‘હું જળ લાવ્યો’, બીજા ઘાટ પર મુસલમાન જાય છે ને ‘હું પાની લાવ્યો’ તેમ કહ્યું! ત્રીજા ઘાટ પર ઈસાઈ લોકો ગયા ને કહ્યું, ‘નહીં, નહીં, હું તો water લઈ આવ્યો અને ચોથા ઘાટ પર અન્ય કોઈ વ્યક્તિ ગયો ને બોલ્યો, ‘હું તો aqua લાવ્યો છું.’ આમ, નામ અલગ અલગ છે પણ વસ્તુ એક જ છે. આ પ્રમાણે એક જ પરમ સત્ય છે, જેને કોઈ અલ્લાહ, કોઈ ગોડ, કોઈ રામ , કોઈ કૃષ્ણ, કોઈ કહે છે કાલી, તો કોઈ કહે છે દુર્ગા. નામ અલગ અલગ છે, પણ સત્ય એક જ છે. આ જ વિષયમાં શ્રીરામકૃષ્ણદેવની એક વાર્તા પ્રસિદ્ધ છે. એક વાર ચાર આંધળા હાથીને જોવા માટે ગયા. તેમાંના એકે હાથીના પગને સ્પર્શ કર્યો, ને કહેવા લાગ્યો, ‘હાથી થાંભલા જેવો છે.’ બીજાએ હાથીની સૂંઢને સ્પર્શ કરીને કહ્યું, “હાથી અજગર જેવો છે”, ત્રીજાએ પેટને સ્પર્શીને કહ્યું, “હાથી મોટી નાંદ જેવો છે.” અને ચોથાએ હાથીના કાનનો સ્પર્શ કરીને કહ્યું, “હાથી સૂપડા જેવો છે.” આમ, ચારેય હાથીના રૂપ વિષે વાદવિવાદ કરવા લાગ્યા. તેમનો કોલાહલ સાંભળીને એક વ્યક્તિએ પૂછયું, “તમે શા માટે ઝગડો કરો છો?” તેમણે બધી વાત જણાવી. આ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું, “તમારામાંથી કોઈએ હાથીને સરખી રીતે જોયો નથી. હાથી થાંભલા જેવો નથી પણ તેના પગ થાંભલા જેવા છે. તે અજગર જેવો નહીં પણ તેની સૂંઢ અજગર જેવી છે, તે નાંદ જેવો નથી, તેનું પેટ નાંદ જેવું છે, તે સૂપડા જેવો નથી પણ તેના કાન સૂપડા જેવા છે. આ બધાંને ભેગાં કરીએ, એટલે હાથી બને છે.” શ્રીરામકૃષ્ણદેવ કહે છે, “જેમણે ઈશ્વરની માત્ર એક જ બાજુ જોઈ છે, તેઓ અંદરોઅંદર ઝગડા કરે છે.” તેથી, જેમણે ઈશ્વરનાં જુદાં જુદાં રૂપોનાં સાક્ષાત્‌ દર્શન કર્યાં છે, તેમની વાતોને આપણે સાંભળવી પડશે અને બધા જ ધર્મોને સમાન રૂપથી મહાન સમજીને સ્વીકાર કરવો પડશે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૩માં શિકાગોની વિશ્વ ધર્મસભામાં જે કહ્યું હતું, તે આજે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહેલું કે, “શું હું એમ ઇચ્છું છું કે  ખ્રિસ્તીઓ હિન્દુ થઈ જાય? કદાપિ નહીં. ઈશ્વર એવું ન કરે. શું મારી ઇચ્છા એવી છે કે હિન્દુ અને બોદ્ધ લોકો ખ્રિસ્તી થઈ જાય? ઈશ્વર મને આવી ઇચ્છાઓથી બચાવે. ખ્રિસ્તીઓએ  હિન્દુ કે બૌદ્ધ થવાની અને બૌદ્ધ અને હિન્દુઓેએ ખ્રિસ્તી થવાની જરૂર નથી પણ હા, દરેકે બીજામાંથી સારતત્ત્વને આત્મસાત્‌ કરી, પુષ્ટિ લાભ કરે અને પોતાની વિશિષ્ટતાની રક્ષા કરીને, પોતાની પ્રકૃતિ અનુસાર વિકાસને પંથે જાય.”

સ્વામી વિવેકાનંદજીએ જણાવ્યું છે કે વિશ્વ ધર્મસભાએ એવું સિદ્ધ કરી બતાવ્યું છે કે વિશુદ્ધતા, પવિત્રતા અને દયાશીલતા કોઈ સંપ્રદાયની વિશિષ્ટ સંપત્તિ નથી, કારણ કે ધર્મમાં શ્રેષ્ઠ અને અતિશય ઉન્નત ચારિત્ર્યવાન પુરુષના જન્મ થયા છે. સભાના અંતે સ્વામીજીએ આવેગપૂર્વક કહ્યું, “પ્રત્યક્ષ કોઈ પુરાવા કે સાબિતી વગર કોઈ એવું સ્વપ્ન જુએ કે પોતાનો ધર્મ જ તેની શ્રેષ્ઠતાને લીધે જીવિત રહેશે, તો હું તેવા લોકોની મારા હૃદયથી દયા ખાઉં છું. અને તેમને સ્પષ્ટ રૂપે બતાવવા માગું છું કે એવા દિવસો દૂર નહીં હોય, જ્યારે એવા અડંગોને બદલે દરેક ધર્મની પતાકા ઉપર એવું સ્વર્ણ અક્ષરોથી લખાશે કે વિરોધ નહિ સહયોગ, પરભાવ વિનાશ નહીં, પરભાવ ગ્રહણ; મતભેદ અને કલહ નહીં પણ સમન્વય અને શાંતિ.”

તો આવો, આપણે બધા પ્રાર્થના કરીએ કે એવો દિવસ જલદી આવે, જ્યારે ‘સર્વધર્મ સમભાવ’નો પ્રચાર વિશ્વમાં થાય અને બધા સુખ-શાંતિ પ્રાપ્ત કરે.

અનુવાદક: ડૉ. મુન્નીબહેન માંડવિયા

Total Views: 392

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.