ઘણાં વર્ષો સુધી એકનિષ્ઠ સેવાના વ્રતધારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પોતાના મૃત્યુના બે દિવસ પહેલાં આ અંક માટે એમણે પોતે લેખ લખીને જામનગરથી રવાના કર્યો હતો. બે દિવસ પછી એમના દેહાવસાનના દિવસે આ લેખ અમોને મળ્યો છે. સમાજમાં આવા ઉચ્ચકક્ષાના સજ્જન, વિદ્વાન, અનુભવીએ વિદાય લીધી છે. તેની ખોટ પૂરી શકાય તેમ નથી. – સં.

આપણા પ્રાચીન સાહિત્ય ઉપનિષદોમાં ક્યાંય ખંડનમંડન કે વાદાવાદી જોવા મળતાં નથી. ‘બૃહુદારણ્યક ઉપનિષદ’માં થોડી ચર્ચા છે પણ, ત્યાંયે ખંડનમંડન નથી. બુદ્ધદેવના આગમન પછીથી એ વાદાવાદી આરંભાઈ હોવાનો સંભવ છે. એમની આધ્યાત્મિક વિચારણા પારંપરિક વૈદિક વિચારણાથી જુદી હતી અને પોતાના શ્રોતાઓને ગળે એ વિચારણા ઊતરે નહીં ત્યાં સુધી, પોતાના અનુયાયીઓની સંખ્યા વૃદ્ધિ પામે નહીં. વળી વૈદિક પરંપરાથી એ ઠીક ઠીક અંશે જુદા પડતા. એ પારંપારિક વૈદિક ધરીથી અને, એમાંથી ફૂટેલી શાખાપ્રશાખાઓ કરતાં બુદ્ધની વિચારણા ઠીક ઠીક અંશે જુદી પડતી હતી. પ્રાચીન સનાતન ધર્મમાંથી જે ફાંટાઓ ફૂટયા હતા તેમાં યજ્ઞની અને યજ્ઞમાં હોમાતા બલિ તરીકે થતી પશુહિંસાની સામે બુદ્ધે પ્રચંડ અવાજ ઉઠાવ્યો હતો. બુદ્ધદેવે તથા મહાવીર સ્વામીએ એ હિંસા સામે જોરદાર વિરોધ કર્યો અને યજ્ઞોમાં પશુબલિ અપાતા બંધ થયા.

પુરાણોનું અસ્તિત્વ આવતાં દેવોની સંખ્યા વધી અને સનાતન હિન્દુ ધર્મના ફાંટાઓ પણ વધ્યા. એ પંથોની વૃદ્ધિની સાથે, સાંપ્રદાયિક પ્રચારનો અને બીજા સંપ્રદાયોના કરતાં પોતાનો પંથ ચડિયાતો છે એમ પુરવાર કરવાનો આગ્રહ પણ વધ્યો. ઈશુની સાતમી-આઠમી સદી સુધીમાં નાનામોટા કેટલાય ફાંટા પડી ગયા. એ કાળે, નર્મદા તટે આવેલી માહિષ્મતી નગરીમાં પંડિત મંડન મિશ્ર રહેતા હતા અને એ મિમાંસા યુગમાંથી બહાર નીકળ્યા ન હતા. દ્વૈતવાદનું પણ જોર ખૂબ હતું.

એ નગરીમાં આદિ શંકરાચાર્ય આવ્યા. પોતાના અદ્વૈત વેદાંતનો પ્રચાર કરી, સનાતન હિન્દુ ધર્મની નાનીમોટી શાખાઓને સ્થાને એકત્વની પુન:સ્થાપના કરવાની તેમની ઇચ્છા હતી. મંડનમિશ્ર સાથે વાદ કરી, પોતાના વેદાંતનો પ્રચાર કરવા એ ઇચ્છતા હતા. મંડન મિશ્રના ઘરનું ઠેકાણું એમણે પનિહારીઓને પૂછ્યું તો, એમને જવાબ મળ્યો કે ‘જે ઘરનાં શુકસારિકા ‘स्वत: प्रमाणं, परत: प्रमाणम्‌’ નો વાદ કર્યા કરતાં હોય તે ઘર મંડન મિશ્રનું, વાદનું સામ્ર્રાજ્ય આટલું વ્યાપક હતું!

ઠાકુર શ્રીરામકૃષ્ણના સમકાલીન પણ, એમનાથી વયમાં થોડા મોટેરા, સ્વામી દયાનંદ સરસ્વતીને પણ કાશીમાં વાદનો સામનો કરવો પડયો હતો.

આમ વાદ આટલો વ્યાપક હોવા છતાં કોલકાતાવાસી ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ વાદથી પૂરા પર રહ્યા હતા, એનું કારણ એમની મૂળભૂત માન્યતા હતી. ‘મારી જ માન્યતા સાચી છે અને બીજી બધી જ ખોટી છે’, આ પૂર્વપક્ષથી વાદ આરંભાય છે. વાદ કરનાર વ્યક્તિ સંવાદમાં નહીં પણ વિવાદમાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે. પોતાના મતમાં જ, પોતાની માન્યતામાં જ સત્ય છે, અન્યત્ર નહીં, એ બાબતને એ વ્યક્તિ ગુંદ અને ગુગળ ચોપડીને વળગી રહે છે.

આ વિચારણા પૂરી સંકુચિત છે. સૃષ્ટિમાં ભેદો છે તેમ, સ્થળકાળસંજોગ અનુસાર ધર્મ સંબંધી માનવીની માન્યતાઓમાં પણ ભેદો હોઈ શકે અને એવા ભેદ તકરારના મુદ્દા બનવા જોઈએ નહીં.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સુપ્રસિદ્ધ લેખક શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત યુનિવર્સિટીના ઉચ્ચ કક્ષાના સ્નાતક, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક હાઈસ્કૂલના આચાર્ય અને કેશવ સેન સ્થાપિત બ્રાહ્મસમાજના સભ્ય હતા. કોઈ માનસિક ઉપાધિની અસર હેઠળ માસ્ટર મહેન્દ્રનાથ ગૃહત્યાગ કરી દક્ષિણેશ્વરમાં પાસે રહેતા પોતાના સ્નેહી સિધુ મજમુદારને ત્યાં ગયા હતા. બીજે દિવસે સાંજે એ ઠાકુરને ઓરડે ગયા હતા પણ, તે દિવસે યોગ નહીં હોય એટલે, ઠાકુર સાથે કશી લાંબી વાત એમને ના થઈ. પરંતુ, ભરચક્ક ઓરડામાં બેઠેલા ભક્તોને અને શિષ્યોને બોધ આપતા ઠાકુરમાં એમને શુકદેવનું દર્શન થયું હતું અને એ દર્શનના વળતે દિવસે સવારે સને ૧૮૮૨ના ફેબ્રુઆરીની અંતિમ કે માર્ચની પહેલી તારીખે સવારને સમયે એ ફરી કાલીમંદિરમાંથી ગંગાકાંઠા પરના ઠાકુરના ઓરડામાં આવ્યા. ઠાકુર તે સમયે હજામત કરાવતા હતા પણ એમની વાર્તાનો વિષય એક જ, ધર્મસંવાદનો.

માસ્ટર બ્રાહ્મસમાજી હતા અને એ બ્રાહ્મસમાજી માન્યતા અનુસાર ઈશ્વરના નિરાકાર રૂપને માનતા. ઠાકુરે માસ્ટરની એ વાતનો કશાય વાદ વિના સ્વીકાર કર્યો અને કહ્યું કે, ‘ઈશ્વર સાકાર પણ છે.’ માસ્ટર આશ્ચર્યમાં ગરક. ‘ઈશ્વર આમ પરસ્પર વિરોધી સ્વરૂપના કેવી રીતે હોઈ શકે? પણ, સદ્ભાગ્યે એમણે કશી દલીલ ના કરી. ઠાકુરે તો, આ બે બાબતોથી આગળ વધી ક્યાંક કહ્યું છે કે, ‘ઈશ્વર એ બે બાબતોથી પર પણ હોઈ શકે.’

કોઈ પણ ધાર્મિક માન્યતાનો, ઈશ્વરના સ્વરૂપ વિશેના કોઈ પણ મતનો કે ઈશ્વરની પૂજાના કોઈ પણ પ્રકારનો છેદ ઉડાવવામાં ઠાકુર માનતા ન હતા. વધારે પડતા વિચિત્ર એવા કોઈ ‘કર્તાભજા’ સંપ્રદાયની ટીકા એક વાર ઠાકુરના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથે કરી. તો પોતાના પ્રિય શિષ્યને અટકાવી ઠાકુર બોલ્યા: ‘નરેન, મોટા બંગલામાં પાછળને ભાગેથી ઉપલે માળે સંડાસ સાફ કરવા આવવા માટે સીડી હોય છે. એ સીડી વાટે આવનાર પણ એ જ બંગલામાં પ્રવેશે છે ને? કર્તાભજા સંપ્રદાય પણ એ રીતે એના અનુયાયીને ઈશ્વર તરફ જ લઈ જાય છે’, ઠાકુરને વામમાર્ગ નિષિદ્ધ ન હતો. આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીને મૂર્તિપૂજા નિષિદ્ધ હતી. ઠાકુર શ્રીરામકૃષ્ણને માટે તમામે તમામ મૂર્તિઓ ઈશ્વરનાં વિધવિધ સ્વરૂપોનું દર્શન કરાવતી હતી.

‘અમારા હરિ સઘળે રે’ બોલીને જ નહીં પણ તે અનુસાર આચરણ કરીને જીવવું કઠિન છે. મા કાલીનું દર્શન કરીને ઠાકુર બેસી ના રહ્યા. પ્રથમ તો એ માતાજીનું દર્શન સતત ઝંખવા લાગ્યા. એ માટેનું એમનું તપ પણ કેવું વિચિત્ર હતું? તપ માટે એ કોઈ વનજંગલમાં નહીં ગયા. મંદિરની ધરતી પર એ નાક ઘસવા લાગ્યા, શરીરને ઘસવા લાગ્યા અને અંતરમાંની બળતરાને ઠારવા નદીના પાણીમાં એ ગળાડૂબ ઊભા રહેવા લાગ્યા. આ અરૂઢ તપસ્યાનો સ્વીકાર માતાજીએ કર્યો. એ જ સમયની આસપાસ ત્યાં આવેલાં ભૈરવી બ્રાહ્મણીએ ચંદનના લેપથી અને ફૂલમાળાથી ઠાકુરને પીડતો દાહ મટાડ્યો અને એમને ભક્તિને વ્યવસ્થિત પંથે ચડાવ્યા. પણ ઠાકુર ‘એક ધોયા’ થઈને સંતુષ્ટ ન થયા. ભક્તિમાર્ગનાં બીજાં કેટલાંક લક્ષ્યો એમણે સિદ્ધ કર્યાં. શ્રીકૃષ્ણને પામવા માટે એ ગોપી બન્યા. રામની અનુભૂતિ માટે એ વાનર બન્યા અને એમને સીતાનું દર્શન થયું. આપણા ધર્મની આવી મુખ્ય શાખાઓ અનુસાર એ વિવિધ પંથો તરફ વળ્યા અને અનુભવે નક્કી કર્યું કે ‘તળાવને ગમે તે ઘાટેથી પાણી ભરવામાં આવે અને એ પાણીને ‘જલમ્’, ‘વોટર’, ‘પાની’, એમ ગમે તે નામે ઓળખવામાં આવે. એ માત્ર ‘નામરૂપ જુજવાં છે’ ને ‘અંતે તો હેમનું હેમ’ જ છે.

એમની અનોખી અને અરૂઢ પ્રકૃતિ એમને હિન્દુ ધર્મના મોટા કુંડાળાની બહાર લઈ ગઈ. મુસલમાન બન્યા વગર, વટલાયા વગર, ઠાકુરે સૂફી સંપ્રદાય અનુસાર ઈસ્લામની સાધના કરી અને એમને કોઈ પયગંબર સમી પાક વિભૂતિનું દર્શન થયું. ગોવિન્દરાય નામના કોઈ સૂફી માર્ગદર્શકના માર્ગદર્શનનો લાભ ઠાકુરને સાંપડ્યો હતો. એ સાધનાકાળ દરમિયાન ઠાકુર માતાજીના કે રાધાકાંતનાં દર્શન માટે મંદિરોમાં ન જતા. પોતાના ધોતિયાને એમણે લુંગીમાં ફેરવી દીધું હતું. અને પોતાના આહારમાં પણ એમણે પરિવર્તન કર્યું હતું. એકદમ ટૂંકા સાધનાકાળમાં એમને પયગંબર સમી પાક મૂર્તિનું દર્શન થયું હતું ને એ ધન્ય બન્યા હતા.

દક્ષિણેશ્વરના કાલીમંદિરની ભીંતને અડીને જ આવેલા શંભુ મલ્લિકના દીવાનખાનામાં ઈશુ ખ્ર્રિસ્તનાં માતા, મેરી બાળ ઈશુને રમાડી રહ્યાં છે તેનું આકર્ષક ચિત્ર હતું. એ અદ્ભુત ચિત્રે ઠાકુર ઉપર કામણ કર્યું અને, ‘બાઈબલના ‘જૂના કરાર’ને કે ‘નવા કરાર’ને વાંચ્યા વિના ઈશુ ખ્ર્રિસ્ત પ્રત્યે તથા એમના બોધ પ્રત્યે ઠાકુર આકર્ષાયા. ઈશુ દર્શનની અનુભૂતિ એમને થઈ અને, પ્રચલિત ઈશુ ચિત્રોમાંના ઈશુના કરતાં થોડા જુદા ઈશુ સ્વરૂપનું દર્શન ઠાકુરને થયું. ઠાકુરને જરુસલેમ ના જવું પડ્યું. એ જરુસલેમ સામેથી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં મનોનયન સમક્ષ પ્રગટ થયું.

આવી વિધવિધ અનુભૂતિઓને આધારે ઠાકુર એકાંગી બનવામાંથી બચી ગયા. એ યુગની માંગ એવા સર્વાંગી દર્શનની, સર્વાંગી અનુભૂતિની હતી. ધાર્મિક ભિન્નતાના ઝઘડાઓમાં અને વાદપ્રવાહોમાં, અખા ભગતે જણાવ્યા પ્રમાણે, ‘અંધે અંધ અંધારે મળ્યા જ ઝઘડો ભાંગી કોઈ ન મૂવા’ની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. આ મતભેદોની રાડારાડી હેઠળ ‘સાચું ધર્મતત્ત્વ, ઝઘડતા પક્ષકારોના પાય નીચે કચડાતું પીલાતું જ રહેતું હતું. ઠાકુરની સમન્વયકારિણી દૃષ્ટિએ ઝઘડા માટે કશું કારણ ન હતું. કારણ કે, સ્થળકાળ તથા માનવરુચિ અનુસાર ભિન્ન ભિન્ન નામે ઓળખાતું એ તત્ત્વ એક જ હતું.

આ સત્ય સમજાવવા માટેનો ઠાકુરનો કાચિંડાનો દૃષ્ટાન્ત જાણીતો છે. એક માણસને એ લીલો દેખાયો હતો. બીજાને એ પીળો દેખાયો હતો. કોઈને એ લાલ પણ દેખાયો હતો. આ રંગભેદ ઝઘડાનુંકારણ બન્યો પણ એ ટંટા ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે અને કોઈનાં હાડકાં ખોખરાં થાય તે પહેલાં, જે ઝાડ પર એ કાચિંડો દેખાતો હતો તે ઝાડની નીચે, કે પાસે, રહેતો માણસ ત્યાંથી પસાર થતો હતો તે ઊભો રહી ગયો અને, ઝઘડાનું કારણ જાણી એણે સૌને શાંત પાડયા અને, પોતાના દેહનો રંગ બદલતા રહેતા કાચિંડા વિશે સમજણ આપી.

ઠાકુરનું આ દૃષ્ટાંત દર્શાવે છે કે, જ્ઞાનના અધૂરા ઘડા છલકાય છે, ઝઘડતા રહે છે અને પોતાના કક્કાને જ ખરો અને બીજા સૌને ખોટા માનવાનું વલણ ધરાવે છે. બધા કલહ કંકાસનું મૂળ આ અધૂરી સમજણ છે અને, એ અધૂરપને જ ગુંદ અને ગુગળ ચોપડી વળગી રહેવાનું જિદ્દી વલણ છે. આ લેખના આરંભમાં માસ્ટર મહેન્દ્રનાથની ‘નિરાકાર પરની શ્રદ્ધા’નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ, એમના એ મતનો સ્વીકાર કર્યા પછી ઠાકુરે સાકાર તત્ત્વને પણ સાચું કહ્યું ત્યારે, મહેન્દ્રનાથ નવાઈ જરૂર પામ્યા પણ એમણે સામો પ્રત્યવાય કર્યો નહીં. અને ધીમે ધીમે, એમનામાં ઠાકુરની સર્વધર્મ સ્વીકૃતિના અમીનું સિંચન થવા લાગ્યું. આપણે જેમ જેમ ‘કથામૃત’ આગળ ને આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ માસ્ટરમાં આવેલા એ સૂક્ષ્મ પરિવર્તન પરનો પડદો આસ્તે આસ્તે ઊંચેરો ચડતો જાય છે.

આવું ગહન ને મૂળગામી પરિવર્તન માત્ર મહેન્દ્રનાથમાં આવ્યું હતું એમ ન હતું. એમના ભક્ત- વૃંદમાંના બધા ભક્તો પણ ઠાકુરના પ્રભાવ હેઠળ સર્વધર્મ સમભાવ તરફ વળ્યા હતા અને, ઠાકુરના શિષ્યો તો બધા જ અનેકતામાં એકતાની આ ઠાકુરમાન્યતાને સ્વીકારે ને અનુસરે એમાં નવાઈ નથી. સને ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં દિગ્વિજય કરી, વિદેશમાં જ ત્રણ વર્ષ કરતાં વધારે સમય રોકાઈ, સને ૧૮૯૬ના અંતમાં સને ૧૮૯૭ના પ્રારંભમાં સ્વદેશ પાછા આવનાર સ્વામી વિવેકાનંદ રોમમાં વેટિકનમાં દર્શન કરવા જાય છે અને સ્વિત્ઝર્લેન્ડમાં કોઈ પર્વતની ટોચે આવેલા દેવળમાંની મેડોના – ઈશુ ખ્ર્રિસ્તનાં માતાને ચરણે પુષ્પો અર્પણ કરવા કોઈ મહિલાને અંદર મોકલે છે. એ મૂર્તિઓ કોઈ પણ ધર્મની હોય, સ્વામી વિવેકાનંદને મન તે પૂરા આદરને પાત્ર છે.

ઠાકુર બોધિત આ સર્વધર્મ પ્રત્યે આદરની અને સર્વધર્મસમન્વયની ભાવના સ્વામી વિવેકાનંદ આદિ ઠાકુરના શિષ્યોમાં અને એ પરંપરામાં તો પૂરી ઊતરી છે. પણ, ઠાકુરના કે સ્વામીજીના પ્રત્યક્ષ પરિચયનો લાભ જેમને જરા પણ મળ્યો ન હતો તે મહાત્મા ગાંધીમાં અને એમના ઉચ્ચ કોટિના અનુયાયી વિનોબા ભાવેમાં સહજ રીતે પ્રગટ થતી જોવા મળે છે. ગાંધીજીની દૈનિક પ્રાર્થનામાં બીજી પ્રાર્થના સાથે કુરાનમાંથી આયત અને બૌદ્ધ મંત્રનું પઠન નિયમિત રીતે કરવામાં આવતું. જીવનના અંતિમ શ્વાસ સુધી મહાત્માજી એને વળગી રહ્યા હતા. એ સર્વધર્મ પ્રાર્થના જાણે કે એમના શ્વાસની સાથે વણાઈ ગઈ હતી.

સંત વિનોબા ભાવેના જીવન સાથે પણ સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ આદર તાણાવાણાની જેમ વણાઈ ગયા હતા. બધા ધર્મોને આવરી લેતો વિનોબાજીનો ધ્યાનમંત્ર પણ સર્વધર્મ આદરનો જ બોધ આપે છે. હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રાધ્યાપક ડાયાના એકે જણાવ્યા પ્રમાણે, સને ૧૮૯૩માં શિકાગોમાં માત્ર ખ્ર્રિસ્તી દેવળો જ હતાં ત્યાં, આજે કેટલીક મસ્જિદો અને કેટલાંક મંદિર ઊભાં થયાં છે અને, સ્વામી વિવેકાનંદનું વેદાંત કેન્દ્ર પણ કાર્યરત છે. દુનિયાભરની અનેક યુનિવર્સિટીઓમાં ધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિષય અભ્યાસક્રમમાં સ્થાન પામ્યો છે.

આ સર્વની પાછળ પ્રત્યક્ષ પરિબળ ભલે સ્વામી વિવેકાનંદનું વિશ્વધર્મ પરિષદ ગમન અને ત્યાર પછીનાં ત્રણ વર્ષો દરમિયાનનો એમનો વેદાંત વિચારણાનો પ્રચાર હોય પણ, એ ચિંતન વારસો સ્વામીજીને આપનાર હતા એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ. આપણે એ મહાન શિષ્યને અને એ શિષ્યના મહાન ગુરુ ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસને પ્રણમીએ.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.