(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

૩૦-૦૪-૧૯૫૮

સંધ્યા સમયે ૭:૨૦ વાગ્યે સ્વામી વિશુદ્ધાનંદ મહારાજ મેદાનમાં ખુરશી ઉપર બેઠા હતા. તેઓ ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદ)ની વાત કરવા લાગ્યા. એમણે કહ્યું—બ્રહ્માનંદ મહારાજ, શિવાનંદ મહારાજ અને રામકૃષ્ણાનંદ મહારાજ એ ત્રણેય મહારાજનું અધિક સાન્નિધ્ય મને મળ્યું હતું. આ (ગંગાધર મહારાજ) તો અહીં જ રહેતા.

એક દિવસ હું બ્રહ્માનંદ મહારાજજીને મસાજ કરતો હતો. એમનું શરીર વિશાળ અને કસાયેલું હતું. તેઓ કુસ્તી રમ્યા કરતા હતા. હું મસાજ કરીને થાકી ગયો. હું બાળપણથી જ થોડો નબળો હતો, ખેલકૂદ કરતો નહીં. હું એમનું શરીર દબાવતાં દબાવતાં પરસેવે રેબઝેબ થઈ ગયો અને મનમાં વિચારતો હતો કે ક્યારે મહારાજજી ‘હવે રહેવા દે’ એમ કહે. એ વખતે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, ‘મહારાજજી શ્રીઠાકુરજીના માનસપુત્ર છે, હું એમની સેવા કરું છું. આ પરસેવો સાધુસેવામાં વહે છે. ગૃહસ્થ લોકો સંસાર માટે દિવસરાત શ્રમ કરીને કેટલો પરસેવો વહાવે છે! આજે હું કેટલા પુણ્યના ફળ સ્વરૂપે મહારાજજીની સેવા કરી રહ્યો છું.’ તરત જ મારો થાક દૂર થઈ ગયો. જે રીતે ભાર દઈને દબાવવાનું શરૂ કર્યું હતું એ જ રીતે દબાવવા લાગ્યો. થોડી વાર પછી મહારાજજીએ કહ્યું, ‘હવે રહેવા દે.’

૧૫-૦૬-૧૯૬૦

મહારાજ—જેમ કરોળિયો જાળ બિછાવીને તેની ભીતર બેસી રહે છે, એવી જ રીતે જીવ પણ દેહ-મન-બુદ્ધિને ફેલાવીને તેની ભીતર બેઠો છે.

પ્રશ્ન—મનુષ્યનું જીવન કેટલું અનિશ્ચિત છે! કોનું અન્ન ક્યાં છે, કોઈ ન કહી શકે, ઘણા જ આનંદની વાત છે.

મહારાજ—તમે યુવાન છો. સર્વત્ર આનંદમય જોઈ રહ્યા છો; હું વૃદ્ધ છું, સર્વત્ર દુઃખમય જોઉં છું.

પ્રશ્ન—માનસપુત્ર એટલે શું?

મહારાજ—મનમાં સંકલ્પજનિત પુત્રને ‘માનસપુત્ર’ કહે છે.

‘मद्‌भावा मानसा जाता येषां लोक इमाहा प्रजाः।’

કેવળ બ્રહ્માજીને જ માનસપુત્ર હોઈ શકે, બીજા કોઈને હોતા નથી. રાખાલ મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) વિશે જાણો છો ને?

શ્રીઠાકુરે જોયું કે ખોળામાં એક બાળક છે. તેઓ ચોંકી ઊઠ્યા, ‘મા, મારો છોકરો?’ ત્યારે એમને ખબર પડી કે એમનો માનસપુત્ર અર્થાત્ એમના મનમાં સંકલ્પ જન્મ્યો કે એક છોકરો એમની સાથે રહે, એટલે એવું લાગે છે કે એમનો સંકલ્પ રાખાલના રૂપે મૂર્તિમંત થયો. રાખાલ મહારાજ ઈશ્વરકોટિ હતા. એમનો જન્મ તો સામાન્ય રૂપે થયો ન હતો.

જેમ શ્રીમા કહે છે, ‘હું તમારા ઘરે આવી છું.’ બરાબર એવી જ રીતે આ લોકોનું પણ છે. શ્રીઠાકુરજી અને રાખાલ વચ્ચે માતૃભાવનો સંબંધ હતો. રાખાલ ખોળામાં રમતા, ખભે ચડી જતા, દૂધ પીતા, આવું તો બીજું કોઈ કરતું ન હતું. એટલે (રાખાલ મહારાજને) માનસપુત્ર કહેવામાં આવ્યા છે.

પ્રશ્ન—તો શું સ્વામી વિવેકાનંદજી માનસપુત્ર નથી?

મહારાજ—ના, જે રીતે રાખાલ મહારાજની સાથે શ્રીઠાકુરજીનો વ્યવહાર હતો, તેવો વ્યવહાર બીજા કોઈ સાથે ન હતો.

પ્રશ્ન—શબ્દથી આ સંસારની સૃષ્ટિ થઈ છે. એ કેવી રીતે?

મહારાજ—પ્રકૃતિની સૃષ્ટિની પહેલી અવસ્થામાં અ, ઉ, મ, શબ્દધ્વનિ થયો. એ શબ્દ-તરંગથી સૃષ્ટિ થઈ રહી છે. દક્ષિણમાં એક સાધુ. એમને સમાધિ થતી હતી. તેઓ કહેતા-(હુમ) શબ્દ થયો. સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની એમની સાથે મુલાકાત થઈ હતી. એમણે જ એમની વાતો લખી છે.

૧૮-૦૬-૧૯૬૦

કેટલાક દિવસોથી એક બ્રહ્મચારી ઘણાં કાર્યોમાં વ્યસ્ત છે અને અનેક સમસ્યાઓમાં પણ ફસાઈ ગયો છે. તેનું કાર્ય પણ સારી રીતે થતું નથી અને ઘણા લોકો સાથે સંબંધ બગડતો જાય છે. બ્રહ્મચારીએ પ્રેમેશ મહારાજજીને સરળ ભાવમાં બધી વાત સ્પષ્ટરૂપે કહી. ત્યાર પછી મહારાજજીએ તેને સાંત્વના દેતાં કહ્યું કે સંન્યાસનો અર્થ છે, આ જગતની બધી વસ્તુઓ-બાબતો વિશે કોઈ પણ પ્રકારે ઉત્તેજિત ન થવું. આ સિવાય બીજું કંઈ નથી.

આ જગત સળગી જાય, મરી જાય, પરંતુ તું કોઈ પણ રીતે ઉત્તેજિત ન થતો, ત્યારે જ સંન્યાસ છે. જો બીજા દેશમાં ખૂનામરકી થાય, તો આપણે લોકો ઉત્તેજિત થતા નથી.

કેટલાક લોકો તો ખુશ થાય છે. પરંતુ ભારતમાં આવી સમસ્યા થાય, તો આપણે લોકો ઉત્તેજિત થઈ જઈએ છીએ. સાધુતા અને લોકવ્યવહાર બન્ને અલગ અલગ બાબતો છે. કેટલાક સાધુતામાં સારા છે, પરંતુ વ્યવહાર કરવાનું જાણતા નથી. એમને વાત કરતાં આવડતી નથી.

પ્રશ્ન—જે સાધુ સારા છે, શું એમનો વ્યવહાર પણ સારો ન હોય? શાસ્ત્રો તો આમ કહે છે- ‘मार्दवं ह्रीरचापलम्।’

મહારાજ—જુઓ, વ્યક્તિને બળપૂર્વક સંન્યાસી રૂપે સજાવવાથી શું થાય! અંદર તો બે મન છે. અચેતન મન ભોગી છે. એ સાંસારિક લોકોના ઘરોમાં હરતું-ફરતું રહે છે અને ભક્તના છોકરાને ખોળામાં બેસાડીને વહાલ કરે છે, આવી રીતે તે સંસાર ભોગવે છે. રૂપિયાનો સ્પર્શ કેટલો વિલક્ષણ છે!

આ જ હાથે ૪૦,૦૦૦ રૂપિયા વપરાયા છે. એક વ્યક્તિ કહે છે અને ગદ્‌ગદ પણ થાય છે. આ જગત આવી બધી બાબતોથી ભરપૂર છે. જો મુક્તિ મેળવવા ઇચ્છતા હો તો બધાથી અલગ થઈ જાઓ. મુક્તિનો એક માત્ર માર્ગ છે—આ દેહ-મન-બુદ્ધિથી દૂર ચાલ્યા જાઓ. જો એક દિવસ તમે શ્રીરામકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં સમજી જાઓ કે તમે અલગ છો અને આ શરીર-મન-બુદ્ધિ અલગ છે, તો સંપૂર્ણ જીવન આટલું બધું કષ્ટ વેઠવું નહીં પડે.

૨૪-૦૬-૧૯૬૦

પ્રશ્ન—શું નિર્વિકલ્પ અવસ્થામાં પણ શ્રીઠાકુરજીના મુખ પર હાસ્ય રહેતું?

મહારાજ—પહેલાં આટલું સમજો, એ અવસ્થામાં શું દેહ, મન અને બુદ્ધિ રહે છે! બની શકે કે સમાધિ થતાં પહેલાં શ્રીઠાકુરજીના મુખ પર જે ભાવ રહેતો, તે જ અભિવ્યક્ત થતો. શ્રીઠાકુરે કહ્યું હતું કે ભાવાવસ્થામાં સીતાજીને જોયાં, કેટલું કષ્ટ!

મેં કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું, સીતાજીના મુખ પર હાસ્ય હતું. આ એક વિલક્ષણ હાસ્ય હતું. આવું હાસ્ય સત્ત્વગુણીઓમાં જોવા મળે છે. એ એમની આંખોમાંથી જાણે કે આનંદ ઝરી રહ્યો છે. કેટલાક લોકો દેખાડા માટે નિરસ હાસ્ય કરે છે. કેટલાક લોકો સ્વામીને ખુશ કરવા શુષ્ક હાસ્ય કરે છે.

૨૫-૦૬-૧૯૬૦

કોઈ યુવાન સંન્યાસી બીજા આશ્રમમાંથી આવ્યા છે. એ આશ્રમમાં તેઓ અનેક મુસીબતોમાંથી પસાર થયા છે. આ બધી વાતો સાંભળીને મહારાજજી કહેવા લાગ્યા કે આવી બધી સમસ્યાઓ તો રહેશે જ, એકેય દિવસ સંસારને તમે પોતાના મનને અનુકૂળ નહીં અનુભવો. જો કોઈ એકને તૈયાર કરી શકું એવો પ્રયત્ન હું સમગ્ર જીવનભર કરતો રહ્યો છું.

વાસ્તવિક લક્ષ્યને ધ્યાનમાં રાખો—સંન્યાસ શું છે, તેનું સાધ્ય, સાધન અને ઉપાય શા છે, એમાં જ ધ્યાન રાખવું.

આ જગતમાં જોવા જેવું કંઈ નથી. બધું મિથ્યા લાગી રહ્યું છે. પરંતુ શું કરું, ભાગી જવાનો કોઈ રસ્તો નથી. અરે, રાજા મરી જવાથી જે થાય છે, ભિખારી મરવાથી પણ એવું જ થાય છે. પહેલાં બુદ્ધિવૃત્તિની આવશ્યકતા છે. બુદ્ધિ દ્વારા પ્રત્યાહાર અને ધારણા સુધ્ધાં કરી શકાય છે. પરંતુ ધ્યાન કરવા માટે પોલાદી સ્નાયુ તથા લોખંડ જેવી દૃઢ માંસપેશીઓ જોઈએ. ઘણી વાર સુધી સ્થિર બેસીને સંપૂર્ણ મનને બળપૂર્વક ખેંચીને ‘नकिंचिदपि चिन्तयेत्’- કંઈ પણ વિચાર્યા વિના, આવો ભાવ રાખ્યા પછી ધ્યાન થાય છે. જોયું નથી, ગણિત વખતે કોઈકનું મસ્તિષ્ક ‘ટન ટન’ કરે છે. જો કોઈપણ પ્રકારે મનને ધ્યાનમાં લગાડી શકો, તો પછી જગત તમને નચાવી નહીં શકે. તમે રાજા બની જશો.

આ બધું જે અનિયંત્રિત કાર્ય(રૂપે) જુએ છે, તે બધું તમોગુણનો રજોગુણ છે. સત્ત્વગુણના રજસમાં આશ્રમ નાનો બને છે અને તેને સુંદર સજાવીને રાખે છે. જે લોકો બહિર્મુખી છે, તેઓ વાદ્યયંત્રના ધ્વનિથી મુગ્ધ થઈ જાય છે, જે લોકો સંસ્કૃતિપ્રિય હોય છે, તેઓ મધુર સંગીત સાંભળવા ઇચ્છે છે અને સંન્યાસી નીરવતા, શાંતિ ઇચ્છે છે.

સામાન્ય વ્યક્તિ ધર્મનો અર્થ શું છે એ જાણતી નથી. ધર્મ—ધૃ અર્થાત્ જે પકડી રાખે છે, ધારણ કરે છે. જેવી રીતે પાણીનો ધર્મ શીતળતા છે, અગ્નિનો દાહકતા છે, એવી જ રીતે મનુષ્યનો કોઈ ધર્મ છે, કે જેનાથી તેનું મનુષ્યત્વ જળવાઈ રહે છે.

‘…विद्या सत्यमक्रोधः दशकं धर्मलक्षणम्।’ બહિર્મુખી લોકો એક એવી વસ્તુ ધર્મમાં જોવા માગે છે કે જે એ લોકોના મસ્તિષ્કમાં પ્રવેશીને આઘાત કરે. ઘણી લાંબી જટા, દાઢી, પાદુકા વગેરે રહે તો એમનું મન સમજે છે, એમની બુદ્ધિ સમજે છે. નહીંતર આપણા જેવાં સામાન્ય વસ્ત્ર એ લોકોના મસ્તિષ્કમાં કોઈ વિચાર જ જાગૃત નહીં કરે. થોડી વિલક્ષણતા જોઈએ ને! આપણે લોકોએ તો શ્રીઠાકુરજીનાં સંતાનોને જોયાં છે, તેઓ બહારથી સાવ સાધારણ દેખાતાં હતાં.

૨૭-૦૬-૧૯૬૦

બપોરે ગીતાના ૧૮મા અધ્યાયનો પાઠ થતો હતો, મહારાજ બાજુમાં જ બેઠા છે. એમણે આ શ્લોક સાંભળીને કહ્યું:

न जायते म्रियते वा कदाचित्,
नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो,
न हन्यते हन्यमाने शरीरे॥

સ્વામી બ્રહ્માનંદજી મહારાજ મઠમાં આવેલ તળાવમાંથી માછલી પકડતા હતા, એ જોઈને બ્રહ્મચારી અને સંન્યાસીઓ ઘુસપુસ કરતા હતા. એ લોકોએ બીજા કોઈ શાસ્ત્રનું અધ્યયન તો કર્યું ન હતું. નહીંતર, એ બધા આવી રીતે વાતો ન કરે.

એક વ્યક્તિને ઘણું સમજાવ્યો. તે કહ્યા કરતો હતો કે પહેલાં યોજના બનાવી લો અને અંદાજિત ખર્ચ નક્કી કરી લો. શું કરવા ઇચ્છો છો, કેટલો ખર્ચ કરી શકશો, કેટલા રૂપિયા ખર્ચ થશે, આ બધું પહેલાં નક્કી કરીને કાર્યમાં લાગી જવું.

કોઈ આદર્શ પ્રત્યે પ્રેમ ન હોય તો સૌંદર્યબોધનું જ્ઞાન થતું નથી. તે આટલું પણ આમ તેમ સહન કરી શકતો નથી. મંદિરની સીડી સામે પગરખાં રાખવાની સુવિધા ન હતી. પહેલાં હું મારાં પોતાનાં પગરખાં થોડે દૂર રાખતો હતો. એ જોઈને બીજા લોકો પણ દૂર રાખવા લાગ્યા.

૨૮-૦૬-૧૯૬૦

પ્રશ્ન—જો હું જોઉં કે કોઈ મહિલા મરણાસન્ન અથવા અતિ સંકટમાં છે અને ત્યાં બીજું કોઈ નથી, તો શું સહાયતા કરવી એ કર્તવ્ય છે?

મહારાજ—હા, સહાયતા કરવી. સામાન્યરૂપે સેવા કરીને તેને આસપાસનું ગામ દેખાડીને પછી કહી દેવું કે અહીંથી ચાલ્યાં જાઓ. અર્થાત્ ત્યાર પછી જાણે એને કોઈ ઓળખતું ન હોય એવો વ્યવહાર કરવો.

અસલ વાત તો એ છે કે તમારે પોતાના મનને સમજીને ચાલવું પડે. જો તમને લાગે કે તમારા સંન્યાસ-જીવનમાં મુશ્કેલી ઊભી થાય છે, તો એ કરવું જ નહીં.

શાળામાં જે કાર્યો કરો છો, તેને સેવાની જેમ કરવાં પડશે, જાણે કે મારા ઠાકુરજી જ વિદ્યાર્થીઓના  રૂપે મારી પાસે સેવા મેળવવા આવ્યા છે. જો આ બોધ કે જ્ઞાનથી શાળાનું કાર્ય ન કરો, તો પછી તમારામાં અને સામાન્ય શિક્ષકમાં શો ભેદ? શાળાને પણ મંદિર માનવું જોઈએ.

પરંતુ આજે એ થતું નથી, એમ વિચારીને નિરાશ થવાને બદલે એ સમજવું પડશે કે તમારું મન શાળાને મંદિર માનવા ચાહતું નથી. આપણે તો મરવા માટે બેઠા છીએ, પરંતુ હજી પણ નિરાશ નથી થયા.

(ક્રમશ:)

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.