ગતાંક થી આગળ…
સ્વામી નિર્મુક્તાનંદજી સાથેના એ વાર્તાલાપે મને તર્ક કરવાની કળા શીખવી હતી, ‘એને ટૂંકું કરો, તેને ધારદાર રાખો અને જ્યાં શ્રેષ્ઠ રીતે ડૂબી જાય ત્યાં જ ફટકારો.’ મજાની વાત તો એ છે કે આ સિદ્ધાંત પણ શીખવવાની સાચી રીત બની રહે છે. શિક્ષકે ઘણી બધી બાબતો કહેવી ન જોઈએ. એના કરતાં તો એણે શીખનાર શું વધારે જાણે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેણે તેને ત્યાંથી આગળ લઈ જવો જોઈએ.
સંન્યાસીઓ ઘણાનાં મનમાં જિજ્ઞાસાને જગાડે છે. જ્યારથી મારાં વલણ-રૂચિ વિદ્યાપીઠના અતિકઠિન જીવન સાથે અનુકૂળ બન્યાં ત્યારથી હું સંન્યાસીઓ વિશે જિજ્ઞાસા ભરી આતુરતા અનુભવવા લાગ્યો અને સંન્યાસજીવન દ્વારા મંત્રમુગ્ધ પણ બનતો ગયો. એ વખતે હું ૧૪ વર્ષનો હોઈશ. એક દિવસ મેં ઉપેન મહારાજને પૂછ્યું, ‘મહાન સંન્યાસીને કેવી રીતે ઓળખવા-જાણવા ? ઈશ્વરની અનુભૂતિ એટલે શું ?’
પ્રથમ તો મારો પ્રશ્ન સાંભળીને તેઓ હસ્યા, પછી ગંભીર મુદ્રા સાથે મને જવાબ આપ્યો, ‘જો ભાઈ, સજ્જનની મહાનતા એમના વર્તનની ભલાઈમાંથી આવે છે, પરંતુ સંન્યાસીની મહાનતા એની આધ્યાત્મિક અનુભૂતિમાંથી આવે છે. હું ખાતરીપૂર્વક કહું છું કે આ વિદ્યાપીઠમાં આધ્યાત્મિક સોપાનો સર કરેલ સાધુઓ છે. અલબત્ત, તારે માટે આ બધું ગ્રહણ કરવું અને આવી વ્યક્તિઓને ઓળખવી શક્ય નથી.’
હું અવાક્ બની ગયો અને એ વાર્તાલાપને જ્યારે યાદ કરું છું ત્યારે આજે પણ મારાં રુવાંટાં ઊભાં થઇ જાય છે. તેના પછી ઘણા સમયે જ્યારે હું થોડાં વર્ષોથી સંન્યાસી બન્યો હતો ત્યારે હું એમને પોતાના આધ્યાત્મિક જીવન વિશે મને વધુ ને વધુ કહેવા ભારપૂર્વક વિનંતી કરતો. આમ છતાં પણ પોતાના આધ્યાત્મિક અનુભવોની થોડી ઘણી રસિક વાતો કહેવાનું સ્વીકારીને તેઓ હંમેશાં હાસ્ય સાથે મને ટાળી દેતા. કદાચ તેઓ જાણતા હશે કે હું હજી આ બધી વસ્તુઓને પચાવવા અને તેની યોગ્ય કદર કરવા પૂરતો તૈયાર ન હતો.
કેટલાંક વર્ષો સુધી જીવનના પ્રવાહો અમને અલગ દિશામાં લઇ ગયા. ત્યાર પછી જ્યારે હું એમને ૧૯૮૧માં બેલુર મઠમાં ફરીથી મળ્યો ત્યારે હું આ પવિત્ર સંઘમાં સંન્યાસીરૂપે જોડાઈ ગયો હતો. એ સમયે મહારાજ મઠમાં જ કાયમી રીતે સ્થાયી થયા હતા.
જ્યારે તેમણે મને જોયો ત્યારે હું રામકૃષ્ણ સંઘમાં સંન્યાસીરૂપે જોડાયો હતો તે જાણીને તેઓ ખૂબ રાજી થયા. તે વખતે સંન્યાસી જીવનનાં મૂલ્યો વિશે કશું જાણી શકું એવી મારી ઉંમર ન હતી. એટલે જે બીજા વરિષ્ઠ સંન્યાસીઓએ મને કહ્યું તેને હું ભાગ્યે જ યાદ રાખી શકતો. આમ છતાં ઉપેન મહારાજના આ શબ્દો મને સ્પષ્ટપણે યાદ છે, ‘શ્રીઠાકુરમાં પૂર્ણ શ્રદ્ધા રાખજે અને કોઈના દેહના અંગને મશ્કરી કે ગુસ્સામાં ક્યારેય સ્પર્શતો નહીં. તારા વિદ્યાર્થીઓના ખભે હાથ પણ ન મૂકતો.’ આ બોધપાઠ હતો સહજ સરળ, ૫ણ તેમાં સંસ્કારિતા અને પૂર્ણતા પણ હતાં. સંન્યાસીના જીવનનાં સમગ્ર મૂલ્યનો જાણે કે એ સરવાળો હતો.
શ્રીઠાકુર વિશેની શ્રદ્ધા બાબતમાં મને આ વાત કરી હતી. તેઓ એક વખત સંપૂર્ણ અંધારામાં એક વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. કોઈ કારણે તેમને ડર લાગ્યો. એ જ સમયે જાણે કે કોઈએ એમનો હાથ પકડ્યો અને કાનમાં કહ્યું, ‘ડર નહીં.’ જ્યારે તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો તેમની આસપાસ કોઈ હતું નહીં. ત્યારથી તેઓ માનવા લાગ્યા કે જે લોકો શ્રીઠાકુર પર અવલંબન રાખે છે તેમનો હાથ તેઓ પકડે છે.
બેલુર મઠમાં પ્રોબેશનર્સ ટ્રેનીંગ સેન્ટરમાં મારા બે વર્ષના રોકાણ દરમિયાન હું એમને નિયમિત મળતો. અમારી પાસે અઘરા અભ્યાસ અને એ રોકાણના સમય દરમિયાન નિયમિત-નિયત સંન્યાસી જીવન જીવવાની અપેક્ષા રખાતી હતી. એટલે જ જ્યારે જ્યારે અમે મળતા ત્યારે ઉપેન મહારાજ મને પૂછતા કે હું શું શું વાંચું છું કે શેનો અભ્યાસ કરું છું. મારી વાત સાંભળીને તેઓ મને કહેતા, ‘તું તારી તાલીમ પૂર્ણ થયા પછી પણ એવી રીતે વાંચજે કે તને તે વિષયના શિક્ષક થવાનું કહેવામાં આવે તો તું તારું અધ્યાપન કાર્ય બહુ સારી રીતે કરી શકે.’ હું એમની આ અસંભવ સલાહ ને હસી કાઢતો. સાથે ને સાથે એમણે અભ્યાસ માટે મૂકેલા આ ઉન્નતભાવથી હું મુગ્ધ બની ગયો.
એક બીજી વખત એમણે મને કહ્યું, ‘શાસ્ત્રગ્રંથોનો સારી રીતે અભ્યાસ કરજે. પરંતુ આટલું યાદ રાખજે કે બધાં શાસ્ત્રોને સમજવા કરતાં તેની આવૃત્તિ (નિયમિત પુન :પઠન) વધારે ચડિયાતી છે. આ આવૃત્તિ એ શાસ્ત્રોની સેવાપૂજા છે અને આવા વિરલ ગ્રંથોને સેવનારને તેમના આશીર્વાદ સાંપડે છે. જ્યાં સુધી આવી શાસ્ત્રકૃપા ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ તેમને પૂરેપૂરાં સમજી શકતી નથી.’ જો કે હું આ શબ્દોનો એ સમયે તાગ ન મેળવી શક્યો પણ એમણે કહ્યું તેનું મેં આચરણ કર્યું. પોતાની આવૃત્તિ માટેની ચાહના એટલી ગહન હતી કે તેઓ નિયમિત રીતે શંકરાચાર્યની ટીકા સાથેનાં ભગવદ્ ગીતા અને ઉપનિષદ વાંચતા. વર્ષો વીતતાં એમના ગ્રંથો પણ પીળા પડી ગયા હતા અને એમને જાડા ૫ૂંઠાવાળા કવરમાં મૂકવા પડતા. (ક્રમશ 🙂
Your Content Goes Here




