ગતાંકથી આગળ…
એક વખત એવું બન્યું કે અમે બન્ને એક જ મકાનમાં રહેતા હતા. એક દિવસ તેમણે મને પૂછ્યું કે હું શું વાંચું છું. મેં ઈશ ઉપનિષદના ચોથા સૂક્તના વાચનની વાત કરી. તેમણે કહ્યું, ‘અરે, આ તો અદ્ભુત ! પ્રબુદ્ધ લોકો માટે આ શાસ્ત્રોના વાચનના અથાક પ્રયાસો વિશે એ સૂક્તમાં આચાર્ય શંકર શું કહે છે, એ જો.’ મેં આનો વિરોધ કરતાં કહ્યું ‘ના, આ સૂક્તમાં આવી કોઈ ટીકા નથી.’ તેઓ શાંત રહ્યા. પરંતુ પોતાનું પુસ્તક સાથે લઈને રાતના ૧૧ વાગ્યાની આસપાસ ત્રીજે માળે મારા ઓરડામાં તેઓ આવ્યા અને એ સંબંધિત વાક્ય તેમણે મને બતાવ્યું. મેં પણ મારું પુસ્તક ઉઘાડ્યું અને મને એ વિધાન જોવા મળ્યું. આ વિધાન વાસ્તવિક રીતે ચોથા અને પાંચમા સૂક્ત સાથે સંલગ્ન હતું અને એ બન્નેમાંથી ગમે તેને લાગુ પાડી શકાય તેવી રીતે છપાયું હતું. તેમણે મને કહ્યું, ‘તારા આ વિરોધાભાસી કથનને કારણે હું ઊંઘી ન શક્યો. એટલે મેં બરાબર ચકાસી જોયું અને તારી પાસે આવ્યો.’ એમના શબ્દોમાં ક્યાંય ડંખ ન હતો. તેમાં માત્ર શીખવવા પાછળનો ગહન આદર્શ હતો અને ૮૫ વર્ષની એમની આ ઉંમરનો વિચાર કરીને મને મારી મૂર્ખામી માટે શરમ આવી ગઈ!
એક રીતે પોતાના તર્કને કે વાદવિવાદને પૂર્ણ કરવાની એમની આ જૂની પુરાણી તેમજ સહજ-સરળ, ટૂંકી અને પ્રભાવક રીત હતી. શ્રીઠાકુરમાં અને શાસ્ત્રોમાં એમને જે અજબની શ્રદ્ધા હતી તેણે તેમને એક ભવ્ય વ્યક્તિત્વ આપ્યું હતું. એમની સાથેના મારા સુદીર્ઘકાળના સંગાથમાં મેં ક્યારેય એમને આધ્યાત્મિકતા કરતાં કોઈપણ વિષય પ્રત્યે કેન્દ્રિત થતા જોયા નથી. ૧૦૦ વર્ષ વટાવી ગયા પછી પણ જ્યારે જ્યારે હું એમના ઓરડામાં ગયો ત્યારે એમને મેં પોતાની પથારીમાં સૂતેલા કે ખુરશીમાં અઢેલીને બેઠેલા અને હંમેશાં જપ કરતા જોયા. આ સમયે જો કોઈ એમને મળવા આવતું તો તેઓ પોતાનો જપ બંધ કરીને તેમની સાથે વાતચીત કરતા. એ વ્યક્તિ જ્યારે ચાલી જતી ત્યારે જાણે કે વચ્ચે કોઈ વિઘ્ન જ ન આવ્યું હોય તેમ તેઓ વળી પાછા જપ કરવા માંડતા. મને એવું લાગ્યું કે તેઓ લોકોને પ્રભુના સંતાનરૂપે જોતા અને એવો વર્તાવ કરતા. એટલે જ એમને મન પ્રભુનાં આ સંતાનો સાથે વાતચીત કરવી એ ઈશ્વરનામ જપવા જેવું હતું.
થોડાં વર્ષો પહેલાં તેમને મંદિરે જતા અને કલાકોના કલાકો સુધી જપ માટે બેસતા જોવા તે સામાન્ય બાબત હતી. તેઓ પોતે જ પોતાનું આસન મંદિરમાં રાખતા કે જેથી કોઈ જિજ્ઞાસુનું ધ્યાન તેના તરફ ન જાય. આ અને બીજાં એવાં એમના જીવનનાં પાસાં હતાં કે જે મને આ એક સંઘની શક્તિ છે એવી અનુભૂતિ કરાવતાં. તેઓ બેલુર મઠની આસપાસ ચાલતા એક મહાન સંત, લોકોથી અજાણ્યા, વણપ્રશંસ્યા અને પોતાની મહાનતાને વીસરી જનારા સંન્યાસી હતા ! શ્રીમદ્ભાગવતમાં આ અવસ્થાને ‘જ્ઞાનખલા અવસ્થા’ એટલે કે એ વ્યક્તિ કે જે પોતાના જ્ઞાનને છૂપાવે છે તેવી અવસ્થા કહે છે. આ અવસ્થામાં વ્યક્તિ પોતે પોતાના જ્ઞાનને છૂપું રાખે છે. ખરેખર આ કંઈક મહાન વાત છે. હું જ્યારે સામાન્ય મુખવટાવાળા નિષ્કપટ લાગતા સાધુને જોઉં છું ત્યારે તેમની નજરે ઉપેન મહારાજની મહાનતા ચડી હશે કે કેમ એ વિશે હું આશ્ચર્ય અનુભવું છું.
જ્યારે જ્યારે હું ઉપેન મહારાજને થોડી પળોથી વધારે સમય સુધી મળ્યો છું ત્યારે તેઓ અચૂક મને મારી સાધના વિશે પ્રશ્ન કરતા અને મારો જવાબ આવો રહેતો, ‘બહુ વધારે સાધના થતી નથી, મહારાજ.’ તેઓ કહેતા, ‘આ વાત સારી નથી, તારે એ માટે ગંભીર બનવું જોઈએ. સાથે ને સાથે શ્રીઠાકુરની થોડી સેવાપૂજા કરજે. તેમને તારી સેવાપૂજાની જરૂર નથી, પરંતુ તું જો કરીશ તો તેઓ રાજી થશે. આ કર્મયોગ છે. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાનાં જોડાં પોલીશ કરતો. એવા લોકો પણ છે કે આજે પણ આવું કામ કરે છે, પરંતુ એ કામ કરવા હું ટેવાયેલો હતો કારણ કે મને એનાથી આનંદ થતો. આ જોઈને મારા પિતા હસતા અને રાજી થતા તેમજ મને પ્રેમથી ભેટી પડતા.’
એમના આ વલણે ઘણાનાં હૃદયને જીતી લીધાં હતાં. એમાં ત્રણ વર્ષ સુધી જેમની સેવા કરી હતી તેવા સ્વામી અખંડાનંદજી મહારાજનો સમાવેશ થાય છે. સ્વામી અખંડાનંદજી સ્વામી વિવેકાનંદના સેવાના સંદેશનું આદર્શ અને મહાન ઉદાહરણ છે અને તેઓ સખત અને કઠિન પુરુષાર્થભર્યું કામ કરાવવામાં નિષ્ણાત હતા. પોતાના કામથી એમને સંતોષવા એ કોઈ ૫ણ માટે મુશ્કેલ હતું. આમ છતાં પણ ઉપેન મહારાજ શ્રીરામકૃષ્ણના આ મહાન આધ્યાત્મિક સંતાન પાસેથી પ્રશંસાનો હકારાત્મક ભાવ મેળવવામાં સફળ નીવડ્યા.
સ્વામી શિવાનંદજી મહારાજના શિષ્ય ઉપેન મહારાજે શ્રીઠાકુરના અનેક સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને જબરી વિભૂતિઓને રામકૃષ્ણ સંઘના પ્રારંભના દિવસોમાં જોયા હતા. એટલે જ હું એમનો હાથ પકડતો અને બળપૂર્વક મારા મસ્તક પર રાખતો અને કહેતો, ‘મહારાજ, આપના આ હાથે કેટલાય મહાન આત્માઓનાં ચરણકમળનો સ્પર્શ કર્યો છે. મને આ હાથથી આશીર્વાદ આપો.’ તેઓ મારી બાળક જેવી આજીજી જોઈને કહેતા, ‘આત્મદીપો ભવ’.
ઘણી વખત તેઓ મારો હાથ મારી હસ્તરેખા વાંચવા માટે પોતાના હાથમાં લેતા. મને એ વિશે ગહન શંકા હતી કે તેઓ આ હસ્તરેખા જાણે છે કે કેમ. છતાં પણ એમને હસ્તરેખા વાંચતા જોઈને મને ગમ્મત પડતી અને તેઓ અવારનવાર એક જ વાત કહેતા, ‘હા, ૮૦ વર્ષની આયુની અપેક્ષાએ સારી તંદુરસ્તી’. અને પછી તેઓ પોતાના હાથની હસ્તરેખા વાંચવાનું શરૂ કરતા અને કહેતા, ‘બહુ રેખા ભવેદ્ દુ:ખમ્’ – ઘણી રેખાઓ દુ:ખની નિશાની છે. જો આવી બધી બિનજરૂરી વ્યાધિઓ સાથે મારે આટલું લાંબું જીવવાનું છે. આવી લાંબી જિંદગીનો અર્થ શું ? કંઈ નહીં. આ દેહ સાથે મારે વધારે કંઈ મેળવવાનું નથી. ઠાકુરે મને અહીં હજી સુધી રાખ્યો શા માટે, એની મને નવાઈ લાગે છે. પણ એમની ઇચ્છાને કોણ જાણી શકે?’ આ સાંભળીને હું જવાબ આપતો, ‘અમને બધાને પ્રબોધવા.’
જ્યારે જ્યારે મેં એમની મુક્તિ વિશેની વાત ઉપાડી ત્યારે તેઓ એ પ્રશ્નને ઉડાડી દેતા. એટલે હું તેમને પૂછતો, ‘મહારાજ, આટલું મને કહો કે તમે જીવન-મુક્ત છો એ વિશે કેવી લાગણી અનુભવો છો?’ આ સાથે એક ખડખડાટ હાસ્ય સરી પડતું અને એ જ હાસ્ય ઘણું ઘણું કહી જતું.
તેઓ પોતે ઉચ્ચતર અવસ્થાએ સતત રહેતા છતાં પણ તેઓ અમારી સમસ્યાઓનું સમાધાન શોધવા માટે હંમેશાં તત્પર રહેતા. મારાં કેટલાંક દુ:સાહસોને કારણે લાગણીના ઊંડા કળણમાં જ્યારે મારા પર વેરાનપણું ખાબક્યું અને મારા બધા શુભચિંતકો જ્યારે મારી સલામતી માટે ચિંતા સેવતા બન્યા ત્યારે મેં મારા કાળામેશ ચહેરા સાથે જે કંઈ પણ બન્યું હતું તે બધું મેં મહારાજને કહ્યું. ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું, ‘શું ? જ્યારે તેં માફી માગી લીધી છે ત્યારે તેઓ તને સજા કેવી રીતે કરી શકે ? મઠના નિયમોમાં આવું ન થઈ શકે એવી વાત સ્વામીજીએ સ્પષ્ટપણે દર્શાવી છેે. ના, તેઓ તને હાનિ પહોંચાડી ન શકે.’ તેમના આ શબ્દો પયગંબરી વાણી સાબિત થયા. જે વ્યક્તિ પોતાના અસ્તિત્વ અને મનના સાબૂતપણા માટે સંઘર્ષ કરી રહી હતી એવા મારા માટે આજે આ બાબત કદાચ સામાન્ય લાગે, પણ એમના આ શબ્દો જીવન બક્ષનારા બની ગયા. કોઈપણ, મારા ઉત્તમ મિત્રો સુધ્ધાંય મારા અંધકારમય દિવસોમાં સુનિશ્ચિતરીતે કોઈ હકારાત્મક અભિગમ ધરાવતા ન હતા. આ મહાન સંન્યાસીના એ શબ્દો ખરેખર મારા અસ્તિત્વ માટે સહાયરૂપ બની રહ્યા.
જ્યારે હું બેલુર મઠમાં પાછો આવ્યો ત્યારે મારી જાતને હું સ્થિર કરી શકું તે પહેલાં લાંબા સમય સુધી મારે ક્રૂર પ્રારબ્ધરૂપી રાક્ષસ સામે ઝઝૂમવું પડ્યું. આ સમગ્ર સમયગાળા દરમિયાન તેઓ મારી પડખે ઊભા રહ્યા અને એ પણ મારા કે મારી સમસ્યાઓ વિશે ક્યારેય વાત ન ઉચ્ચારતા પણ હંમેશાં માનવજીવનના ધ્યેય વિશે અને એને લગતી બાબતોની વાત કરતા. એ વખતે તેઓ પોતાના ૧૦૦ વર્ષની આયુની નજીક હતા. આમ છતાં પણ તેઓ પોતાની આસપાસની બધી બાબતો માટે સંપૂર્ણપણે સચેત અને જાગૃત હતા. ‘આ અઠવાડીએ કેટલાં વક્તવ્યો થયાં ? કેટલાં વક્તવ્યો શ્રોતાઓ સમક્ષ થયાં ? વક્તવ્યો કઈ કઈ ભાષમાં થયાં ? કયા કયા વિષય વિશે ?’ હું જાણતો હતો કે થોડો વધારે પ્રશંસાપૂર્ણ જવાબ એમને રાજી કરી દેશે એટલે હું મારા જવાબમાં થોડાં શૂન્યનો ઉમેરો કરી દેતાં અચકાતો નહીં. તેઓ એક નિર્દાેષ અને સરળ માનવની જેમ ખડખડાટ હસી પડતા અને કહેતા, ‘બેટા, શ્રીઠાકુર સિવાય બીજું કંઈ મહત્ત્વનું નથી. એમના સંદેશ અને ઉપદેશનો પ્રચાર-પ્રસાર કરીને તેમની સેવા કરો. તમારા પ્રયત્નોમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવો.’
જ્યારે ‘ટીયા’ નામનું પુસ્તક બહાર પડ્યું ત્યારે તેમણે આનંદથી તાળીઓ પાડી. તેઓ તે પુસ્તકના બધા ભાગ વાંચી ગયા અને તેનાથી તેઓ ખૂબ રાજી થયા. તે સમય પછી જ્યારે જ્યારે તેઓ મને જોતા ત્યારે તેઓ આશ્ચર્ય સાથે કહેતા, ‘ટીયા’ !’ અને પછી વધુ ઉમેરીને કહેતા, ‘તેં પોપટ વિશે વાર્તા લખી છે. હવે હંસ વિશે (શ્રીરામકૃષ્ણ વિશે) લખજે.’ (ક્રમશ:)
Your Content Goes Here




