(ન્યુયૉર્ક, રીજલે મૅનૉરમાં ૧૮૯૯માં રચેલું કાવ્ય)

નિહાળ, આવે બલથી ભરેલ એ.

એ શક્તિ જે માનવકેરી શક્તિ ના;

પ્રકાશ એ જે તિમિજે નિગૂઢ;

પ્રભા જ્વલંતી મહીં છાય જે વળી.

એ છે મહાનંદ, સુમૂક જે સદા;

વિષાદ ઘેરો, અનુભૂત ના કદી;

અમર્ત્ય એ જીવન ના જિવાયું;

વિલાપવ્હોણું ચિર મૃત્યુ છે એ.

એ છે નહીં આ સુખ, દુઃખ આ નહીં,

આ બેઉથી છે જ અતીત એ ક્યહીં;

એ છે નહીં દિવસ, એ ન રાત્રિ,

એ બેઉને એક કરંત તત્ત્વ એ.

સંગીતમાં એ મધુરો વિરામ;

એ અંતરો સર્જનમાં કલાના;

વાણી વચાળે રહી મૂકતા એ;

બે ક્ષોભ વચ્ચેની ઉરપ્રશાન્તિ એ.

સૌન્દર્ય એ જે નહીં દૃષ્ટિએ પડ્યું;

એકાકી, ફૂટસ્થ મહાન પ્રેમ એ;

એ ગીત છે જે ન હજી ગવાયું;

ને જ્ઞાન એ જે ન હજી જણાયું.

બે જિન્દગીની વચમાંનું મૃત્યુ એ;

બે સિન્ધુતોફાન વચાળ શાંતિ એ;

એ શૂન્ય છે સૃષ્ટિ જહીંથી ઉદ્ભવી,

અને જહીં અંત મહીં મળી જતી.

વિષાદનાં અશ્રુ બધાં તહીં વહે;

પ્રસન્ન કોઈ સ્મિત પ્રસ્ફુરાવવા;

આ જિન્દગીનું બસ લક્ષ્ય એ જ,

એ એકમેવ ગૃહ એનું – શાન્તિ !

-સ્વામી વિવેકાનંદ

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.