17-7-1959

મહારાજ –

આજે ફાલ્ગુનની હવાથી,

શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી!

પદ-તલ-મર્દિત લતામાં પણ,

પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !!

તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે?

સેવક – 1917માં રશિયાની ક્રાંતિ પછી શું આ ગીત લખાયું હતું?

મહારાજ – જુઓ છો ને, આપણા લોકોના સંઘમાં મુસલમાન, ખાસિયા, નિમ્નવર્ણના તેમજ વાળંદ પણ સાધુ બની રહ્યા છે, બધા સન્માન, પ્રણામ પ્રાપ્ત કરે છે. સામ્યવાદ (Communism) અને સમાજવાદ (Socialism)નું નામ સાંભળવા મળે છે. સ્વામીજી એ કહ્યું હતું કે નવી ક્રાંતિ રશિયા કે ચીનમાંથી થશે.

22-7-1959

મહારાજ –  તમે લોકો યોગનો અભ્યાસ કરજો.

સેવક – શું યોગાભ્યાસ એટલે પ્રાણાયામ જ છે?

મહારાજ – ના, આ દેહ, મન અને બુદ્ધિનાં બંધનથી મુક્ત થવું- સ્વયંને મુક્ત કરવા, આ યોગાભ્યાસ પ્રાણાયામ છે.

સેવક – એ જ તો લક્ષ્ય છે, પરંતુ જ્યાં સુધી મુક્તિ ન પામીએ, ત્યાં સુધી તો કષ્ટ ભોગવવું જ પડે.

મહારાજ – એ મુક્તિ માટે જ હું શીઘ્રતા રાખવા કહું છું. જુઓ, મારા શરીરને કષ્ટ થઈ રહ્યું છે, મન શરીર તરફ છે, કેવળ બુદ્ધિ જ બરાબર છે. આ જગતમાં સૌથી સુંદર માતાનો સ્નેહપ્રેમ છે. તે દુર્લભ વસ્તુ છે. માતૃભક્તિની અભિવ્યક્તિ ભગવાન શંકરાચાર્ય, શ્રીચૈતન્ય દેવ અને શ્રીરામકૃષ્ણમાં જોવા મળે છે. જ્યાં સુધી દેહબોધ છે ત્યાં સુધી માત-પિતાના પ્રેમમાં વિશ્વાસ રાખવો પડે. પરંતુ તમે જો સંન્યાસી હો તો એ યાદ રાખવું પડશે કે માત-પિતા પ્રત્યેના કર્તવ્યનું પાલન કેવી રીતે અને કેટલું કરશો.

જ્ઞાન, ભક્તિ અને કર્મ ઇત્યાદિ વિશે મહારાજે કહ્યું, ‘મહાપ્રભુ ચૈતન્યદેવે કહ્યું કે જીવો પર દયા અને ઠાકુર શ્રીરામકૃષ્ણે કહ્યું કે શિવજ્ઞાને સેવા. શિવજ્ઞાનથી સેવા કરવા જ્ઞાન-વિચારની આવશ્યકતા રહે છે. એમની સેવા કરવાથી જ ભક્તિ, યોગ અને તેની સાથે કર્મ પણ થઈ રહ્યું છે.’

સેવક – પરંતુ આંતરિકતા કે લક્ષ્ય બરાબર ન રહે તો, શું એનું કોઈ મૂલ્ય છે ખરું?

મહારાજ – કેવળ તત્ત્વત: હું જાણું છું કે આ બધું નારાયણ છે, કેવળ આવી રીતે જ જાણવાથી કંઈ થશે નહીં. વાસ્તવિકરૂપે સમાજમાં તેનું આચરણ કરીને બતાવવું પડે. આપણા લોકોનો આધાર જરાય ખરાબ નથી. આપણે લોકો એક સાથે કાર્ય કરીશું, એક સાથે ઊઠીશું અને ચાલીશું. મારો દોષ તમે બતાવી દેશો અને તમારો દોષ હું બતાવી દઈશ. એટલે જ તો સ્વામીજીએ બધાને સાથે રાખીને આ સંઘ બનાવ્યો છે. કાર્ય ન કરીને કેવળ બેઠા રહેવાથી તમારી બુદ્ધિ જડ થઈ જશે. પરંતુ ધ્યાન અને સ્વાધ્યાય બરાબર જાળવીને કાર્ય કરવું. હા, અચાનક કોઈ આવશ્યક કાર્ય આવી જાય તો એને પૂરો સમય ફાળવીને કરી શકો છો. ખાદ્ય-અખાદ્યમાં રુચિ સત્ત્વ, રજ અને તમોગુણ પર આધાર રાખે છે. સત્ત્વગુણી માનવ શુદ્ધ, તાજું, સહજ સુપાચ્ય ભોજન ઇચ્છે છે, રજોગુણી ઘણું ગરમ તેમજ તીખું ભોજન પસંદ કરે છે અને તમોગુણી વાસી, સડેલું અને દુર્ગંધ મારતું ભોજન ખાય છે.

02-08-1959

બ્રહ્મચારી – મહારાજ, શું ઠાકુરને ચંપાનાં ફૂલ પસંદ છે?

મહારાજ – મને શી ખબર! હું એટલું જાણું છું કે એમને કોઈ વસ્તુ પસંદ કે નાપસંદ ન હતી. તેઓ પણ મનુષ્ય દેહે જ આવ્યા હતા. એક વ્યક્તિ માત્ર જલેબી જ લાવતો હતો. મેં પૂછ્યું- શું એમને બીજી મીઠાઈ સારી લાગતી ન હતી?

12-08-1959

મહારાજ – જુઓ, તમે ભલે ગમે તે કરો, મૂળ હેતુ છે આ દેહ, મન અને બુદ્ધિથી બહાર નીકળી જવું. એ જ છે ધર્મનું તાત્પર્ય. એ સિવાયનું સર્વ કંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ જેવું છે. પરંતુ જો તમારે એમાંથી બહાર નીકળવાનું હોય તો મહામાયાની કૃપા સિવાય બીજો કોઈ ઉપાય નથી. વ્યાકુળ થઈને પ્રાર્થના કરો જેનાથી તેઓ આ દેહ, મન અને બુદ્ધિનાં બંધન તોડી નાખે. એવો વિચાર કરવો કે જેને હું મારી સામે જોઉં છું, તેણે આ ઘરમાં જન્મ લીધો નથી.

જેવી રીતે એક પછી એક સ્કૂલ-કોલેજને બદલતા રહીએ છીએ અને અંતે કોઈપણ સ્કૂલ-કોલેજ રહેતાં નથી. એટલે તમે જુઓ છો કે તમે ઘણાં દૃશ્યોનાં દ્રષ્ટા માત્ર છો. તમારા મનમાં શક્તિ છે, બુદ્ધિ છે તથા હૃદય છે. તમારામાં સાંસારિક બુદ્ધિ જરાય નથી. તમે લોકો પ્રયત્ન કરો તો આ જીવનમાં જીવનમુક્ત થઈ શકો.

22-8-1959

રાતે સેવક દ્વારા પ્રેમેશ મહારાજ માટે ભોજન લાવવામાં મોડું થવાથી મહારાજજી ખૂબ વ્યગ્ર બની ગયા.

મહારાજજીએ સેવકને જોઈને કહ્યું, ‘ જુઓ, કનાઈ મહારાજ(સ્વામી નિર્ભયાનંદ)ને એક દિવસ કોઈ કામ માટે કોલકાતા જવું પડ્યું. એમના આવવાનો સમય વીતી જતાં સ્વામીજી ટહેલે છે અને આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. કોઈ અવાજ સાંભળતાં જ તેઓ વારંવાર કનાઈ આવ્યો કે નહીં, એવી નજરે જોઈ રહ્યા છે. એ લોકોને પણ એવું થતું હતું તો, આપણા લોકોની તો શી વાત!

જીવન કેટલું ભયંકર છે! એને હવે સમજી રહ્યો છું. જીવ અને જીવન વિશે જો અત્યારે કંઈ લખું તો બરાબર લખી શકું. હવે તમારી સામે વિરાટ ભવિષ્ય છે. તમે લોકો વિપરીત દિશામાં ચાલતા હો તો પછીથી મજા આવશે! જ્યારે શરીરમાં શક્તિ ઓછી થઈ જશે ત્યારે સમજાશે!

24-8-1959

સવારે પ્રેમેશ મહારાજ પોતાના સ્વપ્નની વાત કરી રહ્યા છે, ‘શ્રીશ્રીમા આવ્યાં, શું શું કહી રહ્યાં હતાં, તે બધું સારી રીતે યાદ આવે છે; હા, પરંતુ તેઓ શું બોલી રહ્યાં હતાં, તે કહી શકું તેમ નથી.’

પછીથી સેવકે એક બીજા પ્રસંગ વિશે કહ્યું – આપણા વિદ્યાલયમાં એક છોકરાએ કોઈના ખિસ્સામાંથી ચોરી કરી હતી. એટલે એને ગધેડાની ટોપી પહેરાવીને રાખ્યો હતો. એના પિતાજીને બોલાવીને તેમને પણ ઠપકો આપ્યો હતો.

મહારાજ – છી ! છી ! કેટલી શરમજનક વાત! છોકરાએ ચોરી કરી એટલે શિક્ષકે પિતાને સજા કરી, એમનું અપમાન કર્યું ! બધાંમાં ભગવાન છે, કઈ પરિસ્થિતિને લીધે તેણે આ કાર્ય કર્યું છે! એને સમજાવ્યો હોત તો તે અવશ્ય સમજી જાત. આ એક પ્રકારની Kleptomania (ચોરવૃત્તિ)ની બીમારી છે. આજ-કાલ તો એને ઠીક કરી શકાય છે. મેં જોયું છે કે સજા કરીને તેને સુધારી ન શકાય. પરંતુ પ્રેમથી વ્યક્તિને વશ કરી શકાય છે. જેવી રીતે આપણો સાધુવૃંદ પ્રેમને કારણે આ સંઘમાં આવીને રહે છે.                                                               (ક્રમશ:)

Total Views: 503

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.