‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા આંતરિક સંરચનામાં કોઈ પણ બે વ્યક્તિ એકસમાન નથી. એટલે એ બધા સમાન કેવી રીતે હોઈ શકે? એનો ઉત્તર વેદાંત આપે છે : ‘એ એક જ આત્મા બધામાં રહેલો છે, પરંતુ જ્યાં સુધી માનસિક અને શારીરિક ક્ષમતાઓ અને પ્રકૃતિનો પ્રશ્ન છે ત્યાં સુધી માનવ સમાન નથી, એક બીજાથી ઘણા ભિન્ન છે. આધ્યાત્મિક સ્તર પર સમાનતા છે પણ બીજાં બધાં સ્તરે અનંત પ્રભેદ પણ છે.’

મહાન સમાજસેવક અને પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એકવાર શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું: ‘શું ઈશ્વરે કોઈને ઓછી અને કોઈને વધારે શક્તિ આપી છે?’ શ્રીરામકૃષ્ણે જવાબમાં કહ્યું: ‘તે વિભુ રૂપે બધાં પ્રાણીઓમાં છે, કીડીઓમાં પણ છે. પણ શક્તિમાં ભેદ હોય છે. આમ ન હોય તો કોઈ દસ માણસોને હરાવી દે છે અને કોઈ એક જ માણસથી ભાગે છે! (એવું કેમ બને?) અને આવું ન હોય તો ભલા તમને બધા કેમ માને છે? શું તમારે બે શિંગડાં છે? બીજાના કરતાં તમારામાં વધારે દયા છે – વિદ્યા છે, એટલે તમને લોકો માને છે અને તમને મળવા આવે છે.’

હિંદુ દૃષ્ટિકોણ વસ્તુસ્થિતિને ઓળખવા-જાણવામાં, પોતાની ક્ષમતાને નાણવામાં, પોતાના નિજી સ્વરૂપની સત્તા શોધવામાં તેમજ ત્યાર પછી વ્યક્તિગત વિકાસનું વિધાન અથવા સ્વધર્મનું પાલન કરવાનું શિક્ષણ પ્રત્યેક માનવને આપે છે. ત્યારે જ એને પોતાના તેમજ સમાજ પ્રત્યેના સ્વકર્તવ્યની સ્પષ્ટ ધારણા થાય છે. એક યુવાન ગૃહસ્થ શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું કે એણે સંસાર ત્યાગ કરીને સંન્યાસી બનવાનો નિશ્ચય કર્યો છે. શ્રીરામકૃષ્ણે એને પોતાના પરિવારમાં ફરી પાછા જવા કહ્યું. સંન્યાસની અભિલાષા રાખનારે કહ્યું: ‘અરે, મારા સાસરા મારા પરિવારનું ભરણપોષણ કરી શકે તેમ છે.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણે પૂછ્યું: ‘શું તમારામાં આત્મસન્માન નથી?’ યુવકને ઠપકો આપ્યા પછી શ્રીરામકૃષ્ણે એને કોઈ કામધંધો શોધીને પરિવારનું ભરણપોષણ કરવા કહ્યું. પ્રત્યેક વ્યક્તિ માટે, સામાન્ય જીવનના પ્રત્યેક સ્તરે એક ધર્મ વિશેષ છે. અને ત્યાં સુધી કે દૈનંદિન જીવન પાછળ પણ એક ઈશ્વરીય વિધાન છે. જીવનનાં કર્તવ્યોનું સુચારુ રીતે પાલન કરીને પ્રત્યેક વ્યક્તિ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે. કર્મ અથવા જીવનની અવસ્થાઓમાં ઊંચનીચનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રત્યેક વ્યક્તિએ આધ્યાત્મિક પૂર્ણતા માટે સંઘર્ષ કરવો જોઈએ. ભગવદ્‌ ગીતાનો મૂળ સંદેશ આ જ છે. ગીતા (૧૮.૪૬)માં શ્રીકૃષ્ણે આમ કહ્યું છે:

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥

જેનાથી પ્રાણીઓ જન્મીને કર્મોમાં પ્રવૃત્ત રહે છે, જેનાથી આ સમસ્ત જગત વ્યાપ્ત થયેલું છે, તે (પરમાત્મા)ને પોતાનાં સ્વભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિ પામે છે.

આપણી સમક્ષ બે માર્ગ છે. પ્રથમ ધર્મસંમત રીતિથી સાંસારિક ભોગ અને સમૃદ્ધિનો માર્ગ છે. ઉચિત રીતે નિયંત્રિત થવાથી આ માર્ગ સ્વાભાવિક રીતે બીજા માર્ગમાં પર્યવસિત થઈ જાય છે અને એ ઈશ્વર સાક્ષાત્કાર કે સમસ્ત બંધનોની મુક્તિનો માર્ગ છે. વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે આ બે માંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. અધર્મના માર્ગનો ગમે તે ભોગે ત્યાગ કરવો જોઈએ કે જે વાસના, અસત્ય અને લોભનો માર્ગ છે. ભલે સાંસારિક ગતિવિધિઓ દ્વારા ભૌતિક સમૃદ્ધિ આવે તો એને બીજા લોકોમાં વહેંચવી જોઈએ અને એનો ઉપયોગ બીજાના તથા સ્વયંના આધ્યાત્મિક કલ્યાણ માટે કરવો જોઈએ.

ગૃહસ્થનાં કર્તવ્યો

હિંદુસમાજ વ્યવસ્થામાં ગૃહસ્થને સમાજનો મુખ્ય આધાર ગણવામાં આવ્યો છે. સમાજનું સામાન્ય કલ્યાણ અને એનું સંરક્ષણ કરવામાં બાળકોને પોતાનું યોગદાન આપવા શીખવવું આવશ્યક છે. મનુસ્મૃતિમાં (૩.૭૭) કહેવામાં આવ્યું છે :

યથા વાયું સમાશ્રિત્ય સર્વે જીવન્તિ જન્તવ: ।
તથા ગૃહસ્થમાશ્રિત્ય વર્તન્તે સર્વ આશ્રમા: ॥

જેવી રીતે બધાં પ્રાણીજીવન વાયુ પર આશ્રિત છે એવી જ રીતે બધા આશ્રમ ગૃહસ્થાશ્રમ પર આશ્રિત છે. એટલે ગૃહસ્થનું જીવન ભોગવિલાસ માટે છે, એમ માનવામાં નથી આવ્યું. શિષ્ય ઉદ્ધવને શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશોમાં આ જ વાત પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે – ‘ગૃહસ્થે એ સદૈવ યાદ રાખવું જોઈએ કે પરમશ્રેય ભોગમાં નથી પણ જ્ઞાનલાભમાં છે, કારણ કે વ્યષ્ટિજીવન સમષ્ટિનું એક અંગ છે. ગૃહસ્થ ધર્મ દ્વારા પરમાત્માની આરાધના કરીને ભક્ત એકાંતિક આધ્યાત્મિક સાધના માટે વનમાં જઈને ચિત્તશુદ્ધિ માટે પ્રયત્ન કરે.’ (ભાગવત ૧૧.૧૭.૫૨,૫૫)

હિંદુ શાસ્ત્રો પ્રમાણે ગૃહસ્થનાં પાંચ પ્રકારનાં કર્તવ્ય છે. (૧) દેવપૂજા, (૨) શાસ્ત્રોનું અધ્યયન (પુરાતન ઋષિઓ પ્રત્યેનું કર્તવ્ય) (૩) અતિથિ અને અભ્યાગતોની સેવા અને સહાયતા (૪) પિતૃપુરુષોનું તર્પણ (૫) પશુઓની રક્ષા. (બૃહદારણ્યક ઉપનિષદ, ૧.૪.૧૬ અને શતપથ બ્રાહ્મણ, ૧.૭.૨.૬) અને બધાં કર્તવ્યો અનિચ્છાએ ઢોરઢસરડાની જેમ નહિ, પરંતુ સેવાની ભાવના અને પૂજાની ભાવના સાથે બજાવવાં જોઈએ. આ ભાવના સાથે કર્તવ્યોનું પાલન કરવાથી બંધનનું કારણ બનતા નથી. એને બદલે એ આધ્યાત્મિક જીવનમાં સહાયક બને છે. કર્તવ્ય સેવા અને પૂજાનો સમન્વય વેદાંતનું લક્ષ્ય છે. જો કોઈ કર્મ આધ્યાત્મિક જીવન સાથે જોડી ન શકાય તો તેને કર્તવ્ય ન કહી શકાય. જો તમને ખ્યાલ આવે કે કોઈ કર્મ તમને ભગવાનથી વિમુખ કરે છે તો એ કર્મ ન કરો. બધાં પ્રકારનાં કર્મો આપણને પરમાત્માની વધુ ને વધુ નજીક લઈ જાય એવાં હોવાં જોઈએ.

શ્રીમદ્‌ ભાગવતમાં (૧૧.૧૮.૪૪,૪૭) શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે : ‘જે નિરંતર નિષ્ઠાપૂર્વક પોતાના સ્વધર્મ દ્વારા મને પરમપુરુષાર્થ માનીને મારી આરાધના કરે છે તે જ્ઞાનવિજ્ઞાનનો અધિકારી બનીને તરત જ મને પ્રાપ્ત કરે છે. મારી ભક્તિથી યુક્ત બધાં કર્મ મુક્તિ આપે છે. આ જ કલ્યાણનો માર્ગ છે.’

માનવનું પોતાના પ્રત્યેનું કર્તવ્ય

ઉપર્યુક્ત પાંચ પ્રકારનાં કર્તવ્યો સિવાય પ્રત્યેક માનવને પોતાના પ્રત્યેનું એટલે કે પોતાના આત્મા પ્રત્યેનું પણ કર્તવ્ય છે. પ્રત્યેક આત્મા પરમાત્માનો એક અંશ છે. એટલે પોતાની આત્મસત્તા પ્રત્યેના કર્તવ્ય-પાલનથી બીજી બધી જવાબદારીઓનું પાલન થઈ જાય છે. માનવનો આત્મા અભિવ્યક્તિ અને વિકાસની પ્રતીક્ષા કરતો હોય છે. પરંતુ આ આત્મા નિરંતર ક્ષુદ્ર અહંકાર દ્વારા આવૃત્ત પણ થતો રહે છે. દૈનંદિન ભાગદોડમાં તેમજ ઈંદ્રિય વિષયભોગો પાછળ આંધળી દોટને લીધે માનવ પોતાના ભીતરના ધીમા અને ક્ષીણ પોકારને – આત્માના અવાજને વધુ અવગણે છે. પરિણામે એમનાં બધાં કાર્યો અંતે અસંતોષ અને હતાશાનું કારણ બની જાય છે અને એની કહેવાતી માનવસેવા પણ તેને થાક્યો-પાક્યો અને અસંતોષી બનાવી દે છે. આપણાં બધાં કર્તવ્યોનું લક્ષ્ય, ઉચ્ચતર આત્માની અભિવ્યક્તિરૂપ સમન્વિત લક્ષ્ય અવશ્ય હોવું જોઈએ, ત્યારે જ જીવન અર્થપૂર્ણ બનશે.

મુખ્ય સમસ્યા તો એ છે કે લોકો કઠોર સાધના વિના, પરમાત્માના હાથનું પવિત્ર યંત્ર બન્યા વિના આચાર્ય બનવા ઇચ્છે છે. તેઓ (પરમાત્મા) માનવદેહ રૂપી મંદિરમાં વસે છે. પહેલાં આપણે સ્વયં ભગવાનને જાણવા જોઈએ અને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે સમર્થ બનવું જોઈએ; ત્યારે જ બીજાની સહાયતા કરવી જોઈએ. આપણે પોતાના અસ્તિત્વથી અજ્ઞાતપણે જ સત્યને પ્રકાશિત કરતાં કરતાં બીજાની મૂક સહાય કરી શકીએ છીએ. પરંતુ કોઈ વ્યક્તિએ પોતે સ્વયં આધ્યાત્મિક અનુભૂતિ કર્યા વિના બીજાને આધ્યાત્મિક સહાય કરવી કે એ વિશે વિચારવું એ કેવળ હાસ્યાસ્પદ વાત છે. સાચી પવિત્રતા અને અનાસક્તિ મેળવ્યા પછી તમે સંસારમાં આસક્ત થતા નથી. સંસાર તમારાં મન અને સ્નાયુઓને પ્રભાવિત કરી શકતા નથી અને ત્યારે જ તમે પરમાત્માના હાથનું યંત્રમાત્ર છો, એમ જાણીને બીજાની સહાયતાની વાત કરી શકો છો.

એક બીજી વાત છે, જેણે કર્તવ્ય સમજવું છે તેણે વિદ્યાર્થી જીવન પછી પણ થોડા ઘણા પ્રમાણમાં વિદ્યાર્થી બની રહેવું જોઈએ. જો પઠન-પાઠન કે ગહન અધ્યાપનનો અભ્યાસ છૂટી જાય એ વાત આપણાં મન-મસ્તિષ્ક તેમજ ચિંતનની ક્ષમતાના વિકાસ માટે ઘણી માઠી છે. મોટા ભાગના લોકો શાળામહાશાળામાંથી નીકળી ગયા પછી તથા ઉંમર વધવાને લીધે ચિંતનની ટેવ ગુમાવી દે છે. આ ખરેખર ઘણી ખરાબ બાબત છે. અસ્પષ્ટ, અસંબંધ ચિંતન જેવું ભયંકર બીજું કંઈ નથી. ચિંતનનો અભ્યાસ ન રહેવાથી તેઓ માત્ર કર્મઠ જ રહી જાય છે, ચિંતનશીલ રહેતા નથી. બંનેનો સમન્વય તથા સમતુલન રહેવું જોઈએ, નહિતર એનું પરિણામ ઘણું માઠું આવે. મોટા ભાગના લોકો માટે વ્યવધાન પછી પુન: અભ્યાસ કે અધ્યયનનો પ્રારંભ કરવો ઘણું કઠિન બની રહે છે. જે થોડા ઘણા લોકો એમાં સફળ થાય છે, એમને પણ ઠીક ઠીક પ્રમાણમાં સંઘર્ષ અને તણાવમાંથી પસાર થવું પડે છે. એનું કારણ એ છે કે એમના ચિંતનનો અભ્યાસ કે એની ટેવ છૂટી ગઈ. એમનું ઉપરછલ્લું અને નિમ્નકક્ષાનું અધ્યયન, એમની ક્ષુદ્ર વાતચીત અને એમની વિચારહીન બાહ્ય પ્રવૃત્તિએ એમની ચિંતન-મનન શક્તિને ઘણા પ્રમાણમાં નષ્ટ કરી દીધી છે. આંખો ખોલીને એને જોવાથી એનો પ્રભાવ આપણા આ આધુનિક જગતમાં જોવા મળશે.

ઉચ્ચ આદર્શવિહીન, ઋત અને સત્યને સમજ્યા વિના કરેલ વિચારરહિત ક્રિયાશીલતા; માત્ર કામ કરવાનું છે એટલે જ કરવું – એ પ્રમાદ અને માત્ર પ્રમાદ છે, એ કોઈ પણ પ્રકારે શ્રેષ્ઠ નથી, પછી ભલે એવા કર્મઠ જીવનમાં લોકો ગર્વનો અનુભવ કરતા રહે. હું કંઈક નિર્માણ કરું છું, એ જ પૂરતું નથી. હું જે નિર્માણ કરું છું એ શુભ-સર્જનાત્મક હોવું જોઈએ. તે વિનાશાત્મક કે માનવતાને હાનિ કરનારું ન હોવું જોઈએ.

એટલે અધ્યયન માટે વધારે સમય ન મળે તો પણ ગહનચિંતનનો અભ્યાસ દરરોજ કરવો જોઈએ. આટલો સમય વ્યર્થચિંતનમાં જ નહિ પણ અહિતકર ચિંતનમાં ગુમાવી દઈએ છીએ. એનો ઉપયોગ ઉચ્ચતર સર્જનાત્મક ચિંતનમાં જ કરી શકાય છે. આખા દિવસમાં ઘણી ફાલતુ પળો હોય છે. આ ફાલતુ સમયનો ઘણી આસાનીથી ઉચ્ચચિંતનમાં ઉપયોગ કરી શકાય. વ્યર્થ ચિંતનને બદલે આવા સમયનો આપણે ઉચ્ચતર ઉપયોગ કરવો જોઈએ. કોઈ ખૂણામાં ખાલી બેસી રહેવાને બદલે થોડા વધુ ઉચ્ચતર અને યથાર્થ ચિંતન દ્વારા આપણે આવી ક્ષણોનો સદુપયોગ કરી શકીએ છીએ. ખરેખર આવું કરવાથી જ આપણને જોવા મળશે કે સાધના, સ્વાધ્યાય અને બૌદ્ધિક ચિંતન માટે પૂરતો સમય છે ખરો. આપણા વિચારોને ક્યારેય લક્ષ્યવિહોણા ભટકવા દેવા ન જોઈએ.

પ્રાય: કલાક-અડધો કલાક વિચારહીન દશામાં આપણે બેઠા રહીએ છીએ, અથવા હલકું સાહિત્ય વાંચીએ છીએ અને છીછરી કે વ્યર્થ વાતો સાંભળીએ છીએ. આવી વાતો આપણે મૂર્ખાની જેમ કરીએ છીએ. આપણે એમાં સુખ પણ અનુભવીએ છીએ. એ બધું આપણને સારું પણ લાગે છે. એને બદલે જો આ અડધા કલાકને ભક્તિશાસ્ત્ર વાંચવાના ગહન અધ્યયન માટે અથવા કોઈ ઉપયોગી અને સ્વસ્થ સાહિત્ય વાચવા આપણે આપણી જાતને લગાડવા ઇચ્છીએ તો આપણું સમગ્ર મનમસ્તિષ્ક વિદ્રોહ અને વિરોધ કરવા લાગે છે.

બુદ્ધની એક પ્રસિદ્ધ ઉક્તિ પર ચિંતન-મનન કરવાથી આપણને ફાયદો થઈ શકે તેમ છે : ‘હવે ભિક્ષુઓ તમને યાદ અપાવું છું, બધી નિર્મિત વસ્તુઓ ક્ષર છે એટલે સદા સાવધાન રહેજો.’ આ ઉપદેશ દૃશ્ય જગતની અનિત્યતાનો આપણને અનુભવ કરાવીને વ્યર્થ કામ-ધંધા અને અનિયંત્રિત ચિંતનને દૂર કરવામાં બહુ ઉપયોગી નીવડે છે. આપણે આ જીવનમાં નિત્ય પરિવર્તનશીલ અને સદા અસંખ્ય રૂપ ધારણ કરનારા જગતને બદલે અપરિવર્તનશીલ સત્તાને વધારે મહત્ત્વ આપતાં રહેવું જોઈએ અને માનવનો પરમ પુરુષાર્થ અહીં આજીવનમાં એ સત્તાનો સાક્ષાત્કાર કરવામાં અને ત્યાર પછી બીજાને એનો સાક્ષાત્કાર કરાવવામાં મદદ કરવાનો છે.

જો આપણે નિરર્થક બકવાસ, અર્થહીન કાર્ય અને ચિંતનમાં નષ્ટ થતા સમયનો સમજી વિચારીને સદુપયોગ કરીએ તો આપણને જરૂર કરતાં પણ વધારે સમય મળશે. બે કલાકનું સામાન્ય ચિંતન અડધા કલાકમાં કરી શકાય છે – અભ્યાસ દ્વારા આવી ગહન વિચારશીલતાનો વિકાસ કરી શકાય છે. બે વાતો છે માત્રા અને ગુણવત્તા. જો તમે માત્રા વધારી ન શકો તો ગુણવત્તામાં પોતાનું ધ્યાન આપો અને સ્વાધ્યાયની ગુણવત્તામાં સુધારણા કરો.

ધ્યાન, જપ અને પ્રાર્થનાને સમય ફાળવવાની સાથે જ પ્રત્યેકે નિયમિત સ્વાધ્યાયને માટે પણ સમય દેવો આવશ્યક છે. સાધના પછી ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ઉપનિષદોમાંના કેટલાક પસંદગીના અંશોનો પાઠ કરવો જોઈએ. પ્રમાદ અને આળસ આધ્યાત્મિક જીવનની બધી અવસ્થાઓમાં આડે આવતા બે મહાન શત્રુ છે. મોટા ભાગના લોકો શારીરિક અને માનસિક નિષ્ક્રિયતાના શિકાર બની જાય છે અને એ અત્યંત ઘાતક છે. આ પ્રમાદના ભાવને પોતાના પર સવાર થવા દેવાથી આપણને સાધના કે સ્વાધ્યાય કે અધ્યયન માટે સમય જરાય મળતો નથી. આવી મન:સ્થિતિમાં સમય હોવા છતાં પણ તે આપણને દેખાતો નથી. આપણે એટલા બધા મૂઢ બની જઈએ છીએ કે એનું આપણને ધ્યાન જ રહેતું નથી.

ઈંદ્રિય સંયમ આપણને ગહન-ચિંતન તથા તીવ્રતા સાથે, ઉદ્દેશ્ય સહિત જીવનયાપન કરવામાં સહાયક બને છે. ઈંદ્રિય વિષયોના જગતમાં શા માટે વિચરણ કરવું? ઈંદ્રિય સંયમ રહેવાથી ચિંતનના સ્તરે સરળતાથી રહી શકાય છે. બાહ્ય જગતના ગડદાપાટુ શા માટે ખાતા રહો છો? વિક્ષેપોના દૂર રહેવાથી આપણે તીવ્રતર ચેતનાવાળું જીવનયાપન કરી શકીશું. સાથે ને સાથે બધી અવસ્થાઓમાં યથાસંભવ જાગ્રત અને સચેત પણ રહી શકીશું. પરંતુ પ્રાય: એવું જોવા મળે છે કે લોકો લાકડા અને પથ્થરની જેમ વધારે ને વધારે જડ અને નિષ્ક્રિય થતા જાય છે. બાહ્ય આકર્ષણ અને સાંસારિક લક્ષ્યોની પ્રેરણા… હટતાં જ તેઓ પોતાની સાધના અને સ્વાધ્યાય માટે ધીરે ધીરે અલ્પ સમય મેળવવા માંડે છે.

કર્તવ્ય અને આસક્તિ

વ્યક્તિઓ તથા વસ્તુઓની આસક્તિને કારણે, કર્તવ્યબોધને લીધે, અંતર્યામી પરમાત્માની ભક્તિને લીધે – આપણે કર્મ કરીએ છીએ. પ્રાય: પહેલા બે હેતુ એક બીજા સાથે મળી જાય તેવા છે. મોટા ભાગના લોકો સાચા કર્તવ્યબોધને આસક્તિથી અલગ પાડી શકતા નથી. ત્યારે કર્તવ્ય આપણી આસક્તિઓની પૂર્તિનું બહાનું બની જાય છે. એટલે એક વિચારકે કહ્યું છે: ‘કર્તવ્ય એ દંડ છે કે જે આપણને પોતાની આસક્તિ માટે ભરવો પડે છે.’ એક રીતે જોતાં આ પરિભાષા ઠીક ઠીક પ્રમાણમાં વિચિત્ર અને અસંતોષજનક લાગે છે; પણ એને એક ઉચ્ચતર દૃષ્ટિકોણથી સમજવી જોઈએ. બુદ્ધ, ઈશુ, રામકૃષ્ણ, વગેરે માટે કોઈ પણ કર્તવ્ય હોતું નથી. એમને માટે કેવળ પ્રેમપૂર્ણ સેવા હોય છે, કર્તવ્ય નહિ. એમની ક્રિયાઓમાં કોઈ બંધન નથી હોતું, એમાં કોઈ લાભેચ્છા પણ નથી હોતી અને કર્મ ફલેચ્છા પણ નહિ. સિદ્ધપુરુષને કોઈ કર્તવ્ય કે એમને કોઈ આસક્તિ હોતી નથી. એટલા માટે તેને કોઈ કર્તવ્ય હોતું નથી – તસ્ય કાર્ય ન વિદ્યતે – (ભગવદ્‌ ગીતા ૩.૧૭.) તેઓ કોઈ પણ પ્રકારની બાધ્યતા, અહંતા કે મમતા રહિત પૂર્ણ સ્વતંત્રતા સાથે પ્રેમપૂર્ણ સેવા કરે છે.

પોતાના અહંકારને આ નાના સંસારથી, પોતાના દેહાત્મભાવે, પોતાના વિચારો આદિથી આસક્ત રહેવું અથવા એને વળગી રહેવું એ કર્તવ્ય ન કહેવાય. આસક્તિ દ્વારા કે કોઈ વાસનાની પૂર્તિ માટે કરેલ કોઈ પણ કાર્યને પછી ભલે એનું સ્વરૂપ ગમે તેવું હોય, હું એને કર્તવ્યની સંજ્ઞા કે કર્તવ્યનું સ્થાન આપી શકતો નથી. આવું કર્મ આસક્તિ તથા આપણા ક્ષુદ્ર વ્યક્તિત્વના મોહનું પરિણામ છે, સ્વતંત્રતા અને કર્તવ્યની ઉચ્ચ ભાવનાનું ફળ તો તે નથી જ.

ઈંદ્રિય સંયમ, નિ:સ્વાર્થતા, પ્રેમપૂર્ણ સેવા, ચિત્તશુદ્ધિ, ચિત્તની ઉપયુક્ત એકાગ્રતા અને આપણી બધી ક્ષમતાઓને ઉચ્ચતર દિશા આપીને પરમાત્માનું યોગ્ય યંત્ર બનાવવું એ જ વાસ્તવિક કર્તવ્ય છે. આપણે જેટલા પ્રમાણમાં પવિત્ર હોઈશું એટલા જ પ્રમાણમાં સર્વવ્યાપી પરમાત્માની શ્રેષ્ઠતા અને પ્રેમપૂર્ણ સેવાને રૂપે આપણે પોતાનાં કર્મ કરી શકીશું; પરંતુ આપણે એ જોવું જોઈએ કે એમાં ક્યાંય આસક્તિ તો નથી ને! આસક્તિને ક્યારેય કર્તવ્યની સંજ્ઞા આપવી ન જોઈએ, પછી એ ભલે બીજું ગમે તે હોય. મોટા ભાગના લોકો પોતાના ઈંદ્રિય વિષયો પ્રતિ સૂક્ષ્મ કે સ્થૂળ લગાવને કારણે, વ્યક્તિઓ તથા વસ્તુઓની આસક્તિના કારણે કહેવાતાં કર્તવ્ય કરે છે. આમ છતાં પણ આ કર્તવ્ય નથી. આ સંદર્ભમાં આપણે યથાર્થ રીતે કોઈ પણ પ્રકારનો દૃઢમૂલ અહંકાર અને વાસ્તવિક કર્તવ્ય – એ બંનેની વચ્ચેનું અંતર અત્યંત સ્પષ્ટ રૂપે સમજી લેવું જોઈએ.

જ્યાં સુધી આપણે ક્ષુદ્ર અહંકાર અને તેની તુચ્છ કામનાઓ પ્રત્યે પોતાના અસ્વાભાવિક આકર્ષણને, બધા પ્રકારના ઈંદ્રિયભોગો તથા વસ્તુઓની અત્યધિક લાલસાને ત્યાગવા તૈયાર નહિ થઈએ ત્યાં સુધી ઉચ્ચસ્તર પર આપણે આગળ નહિ વધી શકીએ. તેમજ ‘કર્તવ્ય પણ એક દંડ છે જે આપણે આસક્તિ માટે ચુકવવો પડે છે’ ના અર્થને આપણે સમજી નહિ શકીએ. વસ્તુત: જે આપણી આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને તે જ કર્તવ્ય છે. આ બધા માટે સામાન્ય નિયમ છે. પોતાની દૈહિક આવશ્યકતાઓની પૂર્તિ કરતાં કરતાં બીજાની સહાયતા કરીને અથવા પરમાત્માની સેવા વગેરે વિભિન્ન કર્તવ્યોનું પાલન કરીને આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવી જોઈએ. જો આપણે આધ્યાત્મિક પ્રગતિ ન કરી શકીએ તો આપણે આપણાં કર્તવ્યબોધ તેમજ જે ભાવે આપણે કાર્ય કરી રહ્યા છીએ એમાં કંઈક ખામી હોવી જોઈએ.

એવા પણ લોકો હોય છે જે ઉપેક્ષાના ભાવને પોષવા લાગે છે. સંભવત: તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિવાય બીજી બધી બાબતો પ્રત્યે ઉદાસીન રહે છે. મોટા ભાગે આ ઉદાસીનતા, સ્વાર્થપરાયણતા તેમજ પ્રમાદને કારણે થાય છે. એ એક તામસિક અવસ્થા છે. એને આધ્યાત્મિક વ્યક્તિની સાચી અનાસક્તિ ન સમજવી જોઈએ. આવા આળસુ અને મૂઢ માનવો જીવતા કરતાં મરેલા વધુ છે. વાસ્તવિક અનાસક્તિ સાચા સાક્ષીભાવને સજાગ બનાવે છે. સાથે ને સાથે તમે જે બધાં કાર્યો કરવાનો નિશ્ચય કરો પછી ભલે એ ધ્યાન હોય કે કર્મ એમાં તીવ્રતા પણ અર્પે છે.

કર્તવ્યોનું દ્વન્દ્વ

આપણું અમુક કર્તવ્ય છે, પણ તે આપણા સામર્થ્યની બહાર છે, તે આપણા માટે ઘણું મહાન છે એવું આપણને પ્રાય: લાગે છે. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? એક કાર્યકારી આપાત કર્તવ્યની સહાય લો. લક્ષ્ય માટે એક ચરણ રૂપે એનો ઉપયોગ કરો. કર્તવ્ય માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી. આપણા વિકાસના ક્રમમાં કર્તવ્ય નિરંતર પરિવર્તિત થતાં રહે છે. યુવકનું કર્તવ્ય બાળક માટે નથી. વૃદ્ધનું કર્તવ્ય યુવક માટે નથી. ગૃહસ્થનાં કર્તવ્ય સંન્યાસીનાં કર્તવ્યથી ભિન્ન છે. તેથી પ્રત્યેકના કર્તવ્યના નિર્ણય અલગ અલગ રીતે કરવા જોઈએ.

અનેક વખતે આપણું કર્તવ્યજ્ઞાન આપણી રુચિ સાથે મેળ ખાતું નથી. આમ છતાં પણ આપણે પોતાના કર્તવ્યનું પોતાની રુચિઓ સાથે સામંજસ્ય સાધવાનું શીખવું જોઈએ. સાથે ને સાથે પોતાના વિચારો અને ઇચ્છાઓનો તાલમેલ કરી લેવો જોઈએ. આ રીતે મોટા ભાગની અનાવશ્યક ચિંતાઓ અને સંઘર્ષમાંથી બચી શકીએ છીએ. આવી ચિંતાઓ અને સંઘર્ષ ઘણી માનસિક શક્તિના ક્ષયનું કારણ બની શકે છે.

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.