વેદાંતી કવિ અખાની આ પ્રસિદ્ધ પંક્તિ છે. ગૌતમ બુદ્ધની માફક સંસારનો ત્યાગ કરવો કે સંસારમાં રહીને ભક્તિ કરવી? ભગવાનની પ્રાપ્તિ શું વનમાં જઈને તપ કરનારને કે પર્વતની ગુફામાં બેસી ધ્યાન કરનારને જ થાય?

આ પ્રશ્ન સનાતન છે. ભગવાન શ્રીકૃષ્ણે કરેલી કર્મસંન્યાસ અને કર્મયોગની વાતથી અર્જુન પણ મૂંઝાઈ ગયો હતો. એણે ભગવાનને પૂછ્યું હતું : “એ બેમાં શું ચડિયાતું?” (ગીતા : અધ્યાય ૫/૧)

પ્રશ્નનો ઉત્તર સરળ નથી.

સંસાર તો માયાજાળ છે. એમાં રહી વ્યવહાર સાચવવો પડે એટલે બાંધછોડ કરવી પડે. અને બાંધછોડમાં ભોગ હંમેશાં સત્યનો જ દેવાય. બાંધછોડ કરી યુધિષ્ઠિરને પણ મોટેથી બોલવું પડ્યું હતું, ‘અશ્વત્થામા હણાયો.’ કારણ કે તે સિવાય ગુરુ દ્રોણાચાર્યનો વધ શક્ય ન હતો. ‘નરો વા કુંજરો વા’ યુધિષ્ઠિર એટલું ધીમેથી બોલ્યા હતા કે, યુદ્ધના ઘોર નિનાદમાં એ શબ્દો એમનો સારથિ પણ નહીં સાંભળી શક્યો હોય. તો, બિચારા દ્રોણાચાર્ય તો ક્યાંથી સાંભળી શકે?

વિજયલોભે યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પાસે આ બાંધછોડ કરાવી તો આપણે સામાન્ય માણસે બાંધછોડ કરતાં ચાલીએ – ને એટલા સત્યથી દૂર ભાગીએ એમાં નવાઈ શી? તો શું સંસારમાં રહી સત્યની ભગવાનની ઉપાસના થઈ જ ન શકે? થઈ શકે. સારી રીતે થઈ શકે.

રાજા હરિશ્ચન્દ્રની વાતને પુરાણની વાત માનીએ તેથી એ કંઈ મિથ્યા નથી બની જતી. અને ‘મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો’, એમ કરી, જીવનના જે ક્ષેત્રમાં સત્યના ઓછાયાની પણ કલ્પના કરી શકાતી નથી તે રાજકારણમાં પણ તલવારની ધાર જેવા સત્યને પંથે ચાલનાર, જીવનભર સત્યના પ્રયોગો કરનાર મહાત્મા ગાંધીજીના દાખલા ઉપરની ઇતિહાસની શાહી હજી નથી સુકાઈ.

સંસારમાં રહેવું અને એમાં લપેટાવું નહીં તે કેમ બને? જિંદગી આખી કબીર કપડું વણતા જ રહ્યા. પરંતુ એમના ધંધામાં છેતરપીંડી ન હતી. હલકી જાતનું સૂતર એ વાપરતા ન હતા. ભાવ વાજબી જ લેતા.

સંત નામદેવે જીવનભર દરજીકામ કર્યું હતું.

આ બંને સંતો સંસારનો વ્યવહાર બરાબર કરતા હતા. પણ, એમનાં મન, અખા ભગતે જણાવ્યા પ્રમાણે ‘મારી’ (ભગવાન) પાસે રહેતાં. હીરાનો વેપાર કરનાર શ્રીમદ્ રાજચંદ્રનું પણ તેમ જ હતું.

આમ કેવી રીતે કરવું તેનો રસ્તો શ્રીરામકૃષ્ણ પરમહંસે એક સાદા પણ સચોટ દૃષ્ટાંતથી સમજાવ્યો છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી ‘મ’. (મહેન્દ્રનાથ ગુપ્ત) શ્રીરામકૃષ્ણને પ્રશ્ન પૂછે છે : ‘સંસારમાં કેવી રીતે રહેવું?’ એ જ સનાતન પ્રશ્ન! શ્રીરામકૃષ્ણ એમને ઉત્તર આપે છે.

‘સંસારમાં બધાં કામ કરવાં. પણ મન ઈશ્વરમાં રાખવું.’

અખાની વાત બીજા શબ્દોમાં ‘મન મારી પાસ’

શ્રીરામકૃષ્ણ કહે છે કે, સંસારમાં સ્ત્રી, પુત્ર, મા-બાપ, કોઈ આપણું નથી. પછી એ દૃષ્ટાંત આપે છે,

એક મોટું ઘર. એ ઘરમાં એક બાઈ કામ કરે. પોતાના શેઠના એ ઘર કે એ ઘરનાં માણસો વિશે એ વાત કરે ત્યારે ‘મારું ઘર’, ‘મારાં શેઠાણી’, ‘મારો રામ’, ‘મારો હરિ’ (રામ-હરિ તે એ શેઠનાં બાળકો) એમ બોલતી ફરે ને એ સૌ માટે ગામના લોકોની સાથે વાત કરતાં ગર્વ પણ કરે.

પરંતુ એ બાઈ બરાબર સમજે છે કે, આ બધું પોતે આ ઘરની નોકરીમાં છે ત્યાં સુધી, આ બધા સંબંધો છે. અરે, રોજ સાંજે પોતાને ઘેર જાય ત્યારે પણ એ શેઠના ‘રામ-હરિ’ને વીસરી જઈ પોતાના ‘રામ-હરિ’ પોતાના દીકરાઓની જ ભક્તિ કરશે. કારણ કે એના સાચા ‘રામ-હરિ’ તો એ જ છે.

શ્રીરામકૃષ્ણ કહે છે કે, આ સંસારમાં આ રીતે રહેવાનું છે. સંસારનું કામ જ છે માયા લગાડવાનું. એ માયા લાગે નહીં એ માટે ‘હાથે તેલ લગાડ્યા પછી ફણસ કાપવાથી’ જેમ હાથમાં ખજવાળ ઉપાડતો ફણસના દૂધનો સ્પર્શ થતો નથી તેમ, સંસારની માયાનો પણ સ્પર્શ નહીં થાય. શ્રી બલરામ બોઝને ત્યાં બધા એકઠા મળ્યા હતા ત્યારે પ્રખ્યાત બ્રાહ્મસમાજી ત્રૈલોક્યનાથ સંન્યાલને શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘જ્ઞાનની પ્રાપ્તિ પછી જ મનુષ્યે જગતમાં રહેવાનું છે, ત્યાર પછી જ મનુષ્ય જગતમાં રહે તો પણ જગતથી અલિપ્ત રહી શકે.’ કબીર, નામદેવ, શ્રીમદ્ રાજચંદ્ર સૌ એ રીતે રહેતા હતા.

અરે! ખુદ શ્રીરામકૃષ્ણ પણ એમ જ રહ્યા હતા ને?

Total Views: 712

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.