જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં,
સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં,
વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને
નિશ્વાસ વાસના કેરો, વિત્તનો, કીર્તિનો વળી
હિમ્મત તોડવા કરે;
નિર્ઝર વહતો છે જ્યાં જ્ઞાન તે સત્યનો અને,
આનંદ દડતો પૂઠે. સંન્યાસી વીર! ગાન ગા,
ઊંચેરે સૂરથી બોલ, ‘ૐ તત્સત્ ૐ! તું.’
તોડ તું જંજીરો તારી! બંધનો બાંધતાં તને,
હોયે હિરણ્યનાં વા હો અન્ય હલકી ધાતુનાં;
રાગદ્વૈષ, શુભાશુભ – પડીકાં સર્વ દ્વન્દ્વનાં.
પંપાળે, ચાબખે મારે, દાસને દાસ જાણજે;
સાંકળી સ્વર્ણની તોયે, જકડી દૃઢ રાખતી;
તો એ નામ તોડી તું, સંન્યાસી વીર! ગાન ગા,
‘ૐ તત્સત્ ૐ! તું.’
આ અંધકાર જાવા દે; માયાવી ભડકા રહ્યા
દોરતા આંજીને આંખ, ઢાંકતા શોકના ઢગ.
જીવનની તૃષા તોખ; આત્માને જન્મમૃત્યુના
ચક્રે એ નાખતી. આત્મા જીતે તે જગ જીતતો
આ જાણી, વશ ના થા તું, સંન્યાસી વીર! ગાન ગા,
‘ૐ તત્સત્ ૐ! તું.’
‘વાવે તે લણશે નક્કી’, કહેવાયે એમ, ‘ને વળી
કારણથી જન્મે કાર્ય, સારું સારાનું, અકૃત
અકૃતનું, અને કોના બચી આ ધર્મથી શકે.
પરંતુ રૂપ ધારે જે પ્હેરે તે નક્કી શૃંખલા.
ખરું એ , કિન્તુ છે આત્મા નામરૂપીની પાટ ને,
નિત્યનો મુક્ત. તે તું છો-સંન્યાસી વીર! ગાન ગા,
‘ૐ તત્સત્ ૐ! તું.’
તાત, માતા અપત્યોને, ભાર્યા ને મિત્રનાં વૃથા
સ્વપ્નો જે સેવતા તે કો સત્યને ના પ્રમાણતા.
અલિંગી આત્મા! એ કોનો પિતા? એ પુત્ર કોણનો?
મિત્ર કોનો? વળી શત્રુ કોનો? જે એકમાત્ર છે!
આત્મા છે સર્વનું સર્વ, અસ્તિત્વ અન્ય કોનું ના;
અને તે તું જ છો વીર, સંન્યાસી! બોલી તું રહે-
‘ૐ તત્સત્ ૐ! તું.’
માત્ર છે વિલસે એક, મુક્ત એ, પ્રાજ્ઞ, આત્મા એ!
ના ધારે નામ કે રૂપ, ને એ અપાપવિદ્ય છે.
એનામાં રહી ને માયા જાળ આ રચતી બધી;
સાક્ષી, પ્રકૃતિરૂપે એ, આત્મા એ દીસતો વળી.
જાણ તે તું જ છો વીર, સંન્યાસી! બોલી તું રહે-
‘ૐ તત્સત્ ૐ! તું.’
ક્યાં શોધે? મુક્તિ એ, મિત્ર, આ લોક, પરલોક ના
આપી શકે તને. ગ્રંથો મહીં, મંદિરની મહીં
વૃથા છે શોધ તારી. ને છે માત્ર હાથ તાહરે
દોર તે ખેંચતો તુંને. તો છોડી દે તું રોદણાં,
ઝાલી ના શખ કાંઈએ, સંન્યાસી! બોલ તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
બોલ ‘હો સર્વને શાંતિ, ના હોજો હું થકી કદી
ભય કો જીવને. ઊંચે વસંતા સર્વ તે મહીં
અથવા જે અધ: ચાલે, આત્મા હું સર્વ તે મહીં!
ત્યાગું જીવન હું અત્ર, તત્ર, સર્વત્ર, સ્વર્ગ સૌ,
ધરતીઓ, યમલોકોને, આશાઓ, ભય સર્વને.’
બંધનો આમ તોડીને, સંન્યાસી! બોલ તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
જીવે આ દહ શી રીતે વા, દેહ જાય શી વિધે,
છોડ જંજાળ એની તું, એનું કાર્ય વિરામિયું.
એનાં કર્મે તરે એ; કો પુષ્પમાળા ચડાવશે,
અન્ય કો મારશે લાત, તું કાંઈ બોલજે નહીં.
નહીં નિંદાસ્તુતિ ત્યાં, જ્યાં સ્તુત્ય ને સ્તુતિકારને,
નિંદ્યનિંદક એક જ છે તો, રહી શાંત ને સ્થિર
વીર સંન્યાસી! બોલ તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
જ્યાં વસે કામ ને કીર્તિ, લોભ ને લાભ જ્યાં વસે,
ત્યાં સત્ય પાસ ઢૂંકે ના. સ્ત્રીને જે દાર માનતો
તે કદી પૂર્ણ હોયે ના; કે જે હોય દરિદ્ર, વા,
ક્રોધથી જે રહે બાંધ્યો માયામુક્ત ના થૈ શકે.
તો તું આ છાંડ દોષો સૌ, સંન્યાસી વીર! બોલ તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
તું અનિકેત થાજે, રે નિવાસ તુજને ક્યો
બાંધી શકે? વિશાળું આ આભ છે તુજ છાપરું,
ઘાસ શય્યા, પડે આવી હાથ ભોજન કાચું વા
પાકું, માથે ચડાવી લે; આત્મા જે જાત જાણતો
ને કશાથી ન હોમાય. વહેતી સરિતા સમો,
થા નિત્યમુક્ત સંન્યાસી, સંન્યાસી વીર! બોલ, તું,
‘ૐ તત્સત્ ૐ! તું.’
થોડા જ સત્યને જાણે. બીજા ધિક્કારશે સહુ
ને હાંસી કરશે તારી કિંતુ, લક્ષ ન લૈશ તે.
મુક્ત તું, ભમ હ્યાં ને ત્યાં લૌજાનું તપથી તેજમાં
લોકને, પડદો ભેદી માયાનો. સુખદુ:ખના
ભયને છાંડ, જા પાર એમની, બોલ વીર! તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
કર્મનું બળ થૈ પૂરું આત્માને મુક્ત ના કરે
ત્યાં સુધી નિત્ય તું આમ રહેજે. પછી જન્મના,
ના હું, ના તું, નહીં ઈશ, નહીં માનવ. ‘હું’ બન્યો
‘સર્વ’ને ‘સર્વ’ ‘હું’ને એ પરમાનંદ છે બન્યું.
જાણ તું તે જ છો વીર, સંન્યાસી વીર! બોલ તું –
‘ૐ તત્સત્ ૐ! તું.’
સ્વામી વિવેકાનંદ
સને ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા માટે થયેલું સ્વામી વિવેકાનંદનું અમેરિકાગમન, એમનાં પ્રિય શિષ્યા ભગિની નિવેદિતાએ ‘હિંદુ ધર્મના જેવું, ઢંગધડા વગરનું સંપૂર્ણપણે અવ્યવસ્થિત’ કહ્યું છે. તેમાં ઘણું તથ્ય છે.
આવી કોઈ નાનીમોટી પરિષદમાં ભાગ લેવા વિદેશ જનાર વ્યક્તિ એ પરિષદમાં ભાગ લે, પછી થોડા દિવસ હરી ફરી પાછી ઘરભેગી થઈ જાય અને, પોતાને કામધંધે લાગી જાય. ત્યારે સ્વામીજીની બાબતમાં બધું ઊંધું ને વિચિત્ર હતું: વિશ્વધર્મ પરિષદનો આરંભ જે તારીખે થવાનો હતો તેનાથી એ દોઢપોણાબે મહિના વહેલા શિકાગો પહોંચી ગયા હતા અને, આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારતની કોઈ જ ધર્મ સંસ્થાએ એમને પોતાના અધિકૃત પ્રતિનિધિ તરીકે મોકલ્યા ન હતા એટલે, પ્રથમ તો એમને પરિષદના આયોજકોએ ચોક્ખો નનૈયો સંભળાવ્યો. તદ્દન આકસ્મિક રીતે એ હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક રાઈટના સંપર્કમાં આવ્યા અને, એ પ્રો. રાઈટે સ્વામીજી માટે પરિષદમાં પ્રવેશ આસાન બનાવી દીધો. કશી જ પૂર્વ તૈયારી વગર ગયેલા સ્વામીજી પોતાના પહેલા જ પ્રવચનથી જગપ્રસિદ્ધ બની ગયા અને, અમેરિકામાં જ ત્રણેક વર્ષ રોકાઈ ગયા.
ત્યાં પણ એ પરિવ્રાજક જ હતા. એ જ સ્થળે એ લાંબો સમય ન રહેતાં સતત વ્યાખ્યાનો માટે, વર્ગો માટે, વાર્તાલાપો માટે ભમતા રહ્યા. અને આ પરિભ્રમણ દરમિયાન એમણે આપેલાં વ્યાખ્યાનોમાં એમણે કરેલી ખ્રિસ્તી પાદરીઓની ટીકાને કારણે એમણે કેટલાક મિશનરીઓનો ખોફ વહોરી લીધો તો, હેય્લ કુટુંબ, મિસ વાલ્ડો, શ્રીમતી મેક્લેઓડ, ગુડવિન, લેગેટ કુટુંબ, સિસ્ટર ક્રિસ્ટીન જેવું નિષ્ઠાવાન શિષ્યમંડળ પણ એમને સાંપડ્યું.
આ શિષ્યમંડળની ભૂખ માત્ર પ્રવચનોથી નહીં સંતોષાઈ. એમણે સ્વામીજીનું વધારે નૈકથ્ય ચાહ્યું અને તે ન્યુયોર્ક કે શિકાગો જેવા ઘોંઘાટિયા અને ધમાલિયા શહેરમાં નહીં પણ, કોઈ શાંત, નિર્જન સ્થળે, અરણ્યોમાંના ઋષિમુનિઓના આશ્રમ જેવે સ્થળે.
સતત પ્રવાસથી, વ્યાખ્યાનોથી અને વર્ગોથી થાકેલા તથા ખાવાપીવાથી અનિયમિતતાથી ત્રાસેલા સ્વામી વિવેકાનંદે આ વાત વધાવી લીધી. એક તરફ આ પ્રવૃત્તિમય અને અનિયમિત જીવન અને બીજી તરફથી કેટલાક મિશનરી તરફથી ઉડાડાતો કાદવ; આ કારણે સ્વામી વિવેકાનંદના જ્ઞાનતંતુઓ પણ તંગ બની ગયા હતા. એટલે, એમણે આ વાત વધારે ગમી.
યુ.એસ.એ. અને કેનેડાની વચ્ચે પાંચ મોટાં સરોવરો આવેલાં છે. હ્યુરોન સરોવરનાં પાણી નાયગરા નદીનું રૂપ ધારણ કરી ઈરિ સરોવરમાં પડે છે તે આખા જગતને આકર્ષે છે. પણ ધબધબાના ઘોર રવ વિનાનું, પ્રમાણમાં ઘણા પ્રવાસીઓને આકર્ષતું, શાંત, નિતાન્ત સુંદર સ્થાન, એકદમ પૂર્વ તરફનું સરોવર ઓંટેરિયો પૂરું થઈ સેંટ લોરેન્સ નદીનું રૂપ ધારણ કરે છે ત્યાં આવેલું છે. એ સ્થાન સહસ્રદ્વીપ-થાઉઝણ્ડ આઈલૅંડ-તરીકે ઓળખાય છે. એ ટાપુઓ હજાર કે થોડા ઓછા કે વધારે , એ તો કોણ જાણે પણ, પશ્ચિમ તરફના વિશાળ સરોવરમાંથી ઈશાન તરફ વહેતી સેંટ લોરેન્સ નદી, ઊંચાનીચા ખડકો ઉપર આવેલા આ નાનામોટા ટાપુઓ, નદીને દક્ષિણ કાંઠે-ન્યુયોર્ક રાજ્યની એકદમ ઉત્તરે-આવેલી ગિરિમાળા અને નદીને બેઉ તટે આવેલાં વૃક્ષોનાં અરણ્યો નૈમિષારણ્ય કે દંડકારણ્ય કરતાં ભિન્ન નથી. આવા એક શાંત, એકાંતભર્યા, નિર્જન દ્વીપ ઉપર સ્વામીજીની એક શિષ્યાનું રૂપકડું અને સગવડભર્યું મકાન આવેલું હતું. સ્વામીજી માટે એણે એક ખાસ સગવડવાળો ઓરડો બાંધ્યો અને ત્યાં ૧૮૯૫ના જૂનની ૧૯ની તારીખથી આ અરણ્ય આશ્રમવાસ આરંભાયો. અહીં સેંટ લોરેન્સ સરિતાનું મનોરમ દર્શન હતું. નદીતટે વર્ષોથી ધ્યાનસ્થ બેઠેલા સ્થિર ઋષિઓની જેમ ત્યાં શિલાઓ પડી હતી. સરિતા પરથી આવતો મૃદુ પવન વાતાવરણ વિશુદ્ધ કરતો હતો. સેંકડો વર્ષોથી ઊભેલાં તોતિંગ દૃઢમૂળ વૃક્ષો યોગીઓની નિશ્ચયાત્મક્તાના નિર્દેશતાં હતાં અને આકાશ અનંત વિસ્તરતું હતું. આવું નિર્જન, શાંત, રમ્ય સ્થળ અધ્યાત્મવાર્તા માટે ઉત્તમ હતું. સ્વામી વિવેકાનંદ જેવા વેદાંતવાગીશ ગુરુ હતાં અને, એમનો પડ્યો બોલ ઝીલવાને ઉત્કંઠ, બાર સંનિષ્ઠ, વિવેકી શિષ્ય મંડળ હતું.
આ પરમ શાંતિધામમાં, જનકોલાહલથી દૂર, પૂરાં સાત અઠવાડિયાં આ ગુરુશિષ્ય મંડળ રહ્યું. ગુરુ અને શિષ્યમંડળ, બંને તૃપ્ત થયાં હતાં. આ પવિત્ર, પ્રેરક વાતાવરણમાં સ્વામીજીએ અનેક વાતો કરી હશે. કુમારી વાલ્ડો-પછીથી એ હરિદાસી નામે ઓળખાતાં-કુમારી ગ્રીનસ્ટાઈડેલ-પછીથી સિસ્ટર ક્રિસ્ટીન બની ભારત આવ્યાં હતાં તે-અને બીજાં બે બહેનો હતાં તે સૌ, ભલે ત્યાં ખુરશીઓ પર બેસી પ્રવચનો સાંભળતાં હોય પણ, લાક્ષણિક અર્થમાં ગુરુચરણે અને, ગુરુશરણે હતાં. એમનામાંથી કોઈકે જે થોડી નોંધો ત્યાં લખી તેને આધારે ‘દિવ્યવાણી’ -Inspired Talks-નામનું નાનું પણ અદ્ભુત પુસ્તક પ્રગટ થયું.
સ્વામીજીનું આ અદ્ભુત કાવ્ય પણ ત્યાં જ પ્રગટ્યું.
સહસ્રદ્વીપના ઉપનિષદનો આરંભ સ્વામીજીએ સર્વથા ઊચિત, બાઈબલના નવા કરારમાંથી સંત યોહાનની સુવાર્તાથી કરેલો. એ સુવાર્તાના આરંભના શબ્દો છે: ‘પ્રારંભમાં ઈશ્વર હતો જ. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર હતો.’
આ શબ્દ બ્રહ્મની ચાવીથી સ્વામીજીએ ભારતીય તત્ત્વજ્ઞાનનાં દ્વાર ઉઘાડ્યાં. અમેરિકામાં પહેલી વાર, આ અધિકારી શિષ્યો સમક્ષ એમણે પોતાના ગુરુની વાત કરી. અને એમના ગુરુનો મહિમા એટલે ત્યાગનું, સંન્યાસનું મહિમાગાન. શિષ્યાઓ સાથે આવી ત્યાગની વાત કરતાં અચાનક એ ઊઠીને ઉપરને માળે એમને માટે ખાસ કરાયેલા પોતાના ઓરડામાં ગયા અને પ્રજ્વલિત જ્ઞાનાગ્નિ પ્રદીપ્ત મુખે, ત્યાગ અને બલિદાનનું આ કાવ્ય લખી એ ફરી નીચે ઊતર્યા.
ચાલો આપણે પણ કેનેડા અને યુ.એસ.એ.ની સરહદે આવેલી સેંટ લૉરેન્સ સરિતાતટના સહસ્રદ્વીપ ઉદ્યાનમાં. સ્વામીજીના આ રૌદ્ર ગાનમાં એમના ગુરુની ગરિમા ઝબકે છે. અને સ્વામીજી સ્વયં આદર્શ સંન્યાસી તો હતા. હાથમાં દંડ લઈને ઊભેલી, કૌપીન ધારી, તેજસ્વી, ભવ્ય વિવેકાનંદની મૂર્તિ આપણી દૃષ્ટિ સમક્ષ ખડી થાય છે.
સંસારમાં જ જન્મ્યો હોવા છતાં, સંન્યાસી સંસારથી દૂરસુદૂર ગાઢ અરણ્યોમાં, ગિરિકંદરાઓમાં ચાલ્યો જાય છે. કેરળના નાના ગામડામાં જન્મેલો બાળ શંકર બાળવયે તો ગુરુ ગોવિંદપાદ પાસે રેવાતટે પહોંચી જાય છે અને, એ ગુરુ પોતાના શિષ્યની પ્રતિભાથી પ્રભાવિત થઈ એને પોતાના ગુરુ ગૌડપાદ પાસે હિમાલયમાં, બદરીનારાયણમાં લઈ જાય છે.
સંન્યાસીનું ગાન મુક્તનું ગાન છે. એ શહેરના સ્ટુડિયોમાં ન જન્મે. એ કૃત્રિમ વાતાવરણમાં ન પાંગરે. એ પ્રકૃત્તિમાં પ્રગટે. પહાડની કોતર, દડદડ વહેતાં ઝરણાં, નાયગરા જેવો પ્રચંડ પ્રપાત, વનની ભૂલભુલામણીમાં જ એ જન્મે. સંસારી જનોની કીર્તિ પાછળ આંધળી દોટ, બધા નીતિનિયમો નેવે મૂકી એકઠી કરેલી સંપત્તિ (વિત્ત) કે, વાસનાનાં કાળાં ડિબાંગ વાદળ મનુષ્યની વિવેકબુદ્ધિને અંધ કરી એને ભાન ભુલાવે; આવી મેલી વાસનાનો, અનીતિનો, સમૃદ્ધિનો અને છાપાંગરી કીર્તિનો નિશ્વાસ જ્યાં પહોંચી શકતો નથી એવા નિર્જન, શાંત, મનોરમ સ્થાનમાં જ્યાં વહેતા ઝરણાના જળ સાથે જ્ઞાન, સત્ય અને આનંદનો-સચ્ચિદાનંદનો-ફુવારો ફૂટે છે ત્યાં, હે વીર સંન્યાસી! તું ઊંચે સૂરથી બોલ, ‘ૐ, તત્સત્ ૐ!’
સંન્યાસી ને વળી વીર? પણ વીરતા વિના સંસાર ત્યજી શકાતો નથી. ‘હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ એમ ભક્તકવિ પ્રીતમે ગાયું છે તે સાચું જ છે. બધું મેળવવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના કરતાં ક્યાંય વધારે આકરો સંઘર્ષ બધું છોડતાં કરવો પડે છે. શ્રીરામકૃષ્ણના પ્રિય શિષ્ય સ્વામી બ્રહ્માનંદે યુવાનવયે-૨૩મે વર્ષે-સંન્યાસ લીધો હતો. તે પછી બાળક પુત્ર અને યુવાન પત્નીના અવસાનના સમાચાર એમને મળ્યા હતા ત્યારે, એ સંસારી સંબંધો ઉપર મોટી હિમશિલા એમણે મૂકી દીધી હતી. સ્વામી વિવેકાનંદને ખુદને પણ ઓછા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું ન હતું.
સંસારમાં આપણને જકડી રાખતાં અનેક બંધનો છે. સંબંધોનાં, મોહનાં, પદનાં, કીર્તિનાં, વાસનાનાં, વિત્તનાં, અનેક બંધનો આપણને બાંધી રાખે છે. ખરેખરી રીતે તો, આ બંધનો આપણને જકડી રાખતાં નથી, આપણે એમને છોડતા નથી. ઝાડ પર ચીટકી જઈને, બંધનથી મુક્ત થવા માગનાર શિષ્યને સંત કબીરે સ્પષ્ટ રીતે આ સમજાવ્યું હતું. એટલે, સ્વામીજી કહે છે, ‘તોડ તું જંજીરો તારી.’ સોનાનું હોય તેયે એ બંધન જ છે, કદાચ, વધારે જોરદાર બંધન છે. બંગલો, મોટર, ક્લબનું સભ્યપદ, ટેલીફોન, મફત પ્રવાસ વગેરેના ‘પર્ક’-લાભ-મેળવતો મૅનૅજર સરળતાથી એ નોકરી છોડી શકતો નથી. બંધન માત્ર બંધ છે અને એ દ્વન્દ્વમાંથી જ જન્મે છે. દ્વન્દ્વ એટલે ભેદ, પક્ષાપક્ષી, ‘આ મારું ને પેલું તારું’ એ ભાવ. તમે પંપાળો કે ચાબૂકે મારો, દાસ એ દાસ જ છે. આ બધાં બંધનો આપણને ગુલામીમાં જ રાખનારાં છે. કૂતરાના ગળામાં તમે સોનાની સાંકળ બાંધો તેથી બીજા કૂતરાઓમાં તમારા કૂતરાનું સ્ટેટસ નથી વધતું. શેરીનો ખડસલિયો કૂતરો એને ભસીને કહેવાનો જ, ‘તું દાસ છો.’ ‘તો એ નાખ તોડી તું’, એમ સ્વામીજી કહે છે.
પુનરપિ જન્મ, પુનરપિ મરણ અને પુનરપિ જનની જઠરે શયન — આમ સંસારના ચક્રમાં આત્મા બદ્ધ રહ્યા કરે છે. જન્મનો આનંદ અને મૃત્યુનો શોક સઘળું માયા છે. માયામાં ફસાયો તે જન્મમૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી. માટે, આત્માને માયાના બંધનમાં ફસાતાં તું રોક. તું મનબુદ્ધિચિત્તઅહંકાર નથી, ઇંદ્રિયો નથી, તું પંચપ્રાણ કે પંચકોશ નથી, તું કોઈનો પુત્ર નથી પિતા નથી…. તું ‘ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્’ જ છો. પણ આ સ્થિતિએ પહોંચતાં પહેલાં મનુષ્યે સંપૂર્ણપણે આત્મા પર વિજય મેળવવો રહ્યો.
આત્માદ પર વિજય પ્રાપ્ત કરવો એટલે કશા જ પ્રલોભનને વશ ન થવું. કોઈ મારવાડી ભક્ત ઠાકુરને દસ હજાર રૂપિયા આપવા માગતો હતો. ઠાકુર કે મા કોઈ એ રૂપિયા લેવા તૈયાર ન થયું. પછીથી રામેશ્વર ગયેલાં પૂજ્ય માને, એ મંદિર જેનું હતું તે રામનદના રાજાએ, મંદિરનો ઘરેણાંનો પટારો ઉઘાડી તેમાંથી જે કંઈ જોઈએ તે લઈ લેવા વિનંતી કરી. મીરાંની માફક શામળાને જ સાચું ઘરેણું માનનાર શારદામા એ ઘરેણાંથી થોડાં લોભાવાનાં હતાં? સ્વામી વિવેકાનંદને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અને કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસરપદ મળતું હતું. એ ન લોભાયા. એ સૌએ આત્માને વશ કર્યો હતો. એટલે તો, મુક્તપણે એ ‘ૐ તત્સત્ ૐ’ બોલી શકતાં હતાં.
પછીની ૪થી કડીમાં સ્વામીજી સંસારના અવિનાભાવિ નિયમ તરફ લક્ષ દોરે છે. સ્વામીજી કહે છે: ‘કારણથી જન્મે કાર્ય.’ આનું સમાનાર્થી વાક્ય જ ‘વાવે તેવું લણે’ છે. ‘વાવે તેવું લણે’માં જે અધ્યાહાર રાખવામાં આવ્યું છે તેને સ્પષ્ટ કરતાં સ્વામીજી કહે છે કે, સારા કારણનું સારું કાર્ય અને ખરાબ-અકૃત-નું ખરાબ કાર્ય પરિણમે. આ અફર નિયમમાંથી કોઈ બચી શકે નહીં. બાવળ વાવી તેના ઉપર ગુલાબ ઉગાડી શકાતાં નથી. આ કાર્યકારણની શૃંખલામાં નામરૂપ ધારણ કરે, પોતાનું અલગ અસ્તિત્વ સ્થાપિત કરે, તે સર્વ ફસાય. ખરું. પરંતુ, નામરૂપ દેહને છે, દેહી-આત્મા-ને નથી. આત્મા નામરૂપથી પર છે. એ નિત્ય છે, મુજબ છે. આ જ્ઞાન જેને થયું તે જ બુલંદ લલકાર કરી શકે, ‘ૐ તત્સત્ ૐ.’
બધા માનવ સંબંધો કેવા માયાવી ને વૃથા છે તે શંકરાચાર્યે પોતાનાં જુદાં જુદાં સ્તોત્રોમાં સરસ રીતે સમજાવ્યું છે: ‘પિતા નૈવ મે નૈવ માતા ચ જન્મ; ન બન્ધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્ય’ આમ એક સ્તોત્રમાં, ‘ન માતા પિતા વા ન દેવા ન લોકા,’ બીજામાં ‘કાં તે કાંતા કસ્તે પુત્ર:’ ત્રીજામાં, એક વિવિધ સ્થળોએ શંકરાચાર્યે આ માયાવીપણા પર ધ્યાન દોર્યું છે. પૂજ્ય સ્વામી વિવેકાનંદે આ સંબંધોને ‘વૃથા સ્વપ્નો’ કહ્યા છે. આત્માને જાતિ-લિંગ-નથી. એ અલિંગી છે. આગળ ચાલતાં સ્વામી વિવેકાનંદ એક અતિ અગત્યની વાત કરે છે: ‘આત્મા છે સર્વનું સર્વ, અસ્તિત્વ અન્ય કોનું ના.’ આત્માનું એકલાનું જ અસ્તિત્વ છે, બીજા કોઈનું અસ્તિત્વ નથી એમ, અદ્વૈત વેદાન્તને અનુસરી સ્વામીજી આપણને કહે છે. અને એક બ્રિટિશ વૈજ્ઞાનિક આજે કહે છે કે ચૈતન્ય માત્ર એક અને અખંડ છે. અર્થાત્, આખા વિશ્વમાં વિલસતું ચૈતન્ય એક અને અવિચ્છિન્ન છે. વિભક્ત-જુદાં જુદાં નામરૂપે- દેખાય છે તે આપણો ભ્રમ છે. આપણે સૌ એ ચૈતન્ય સ્વરૂપ છીએ: ચિદાનંદરૂપ: શિવોઽહં શિવોઽહમ્. માટે વીર સંન્યાસીએ પોકારવાનું છે, ‘ૐ તત્સત્ ૐ.’
આત્મતત્ત્વ નિત્ય છે, મુક્ત છે, પ્રાજ્ઞ છે. ઉપરની કડીમાં કહ્યાં પ્રમાણે એ એક જ તત્ત્વ વિલસી રહ્યું છે. બીજું જે કંઈ દેખાય છે તે સર્વ માયા છે. કવિ દલપતરામ લખેલી પંક્તિઓ
વા વાયાથી નળિયું ખસ્યું,
તે દેખીને કૂતરું ભસ્યું;
બહુ થયો ત્યાં શોરબકોર,
કોઈ કહે, ‘મેં દીઠો ચોર’-
આ માયાની રમતને સુસ્પષ્ટ કરે છે.
એ માયા ઈશ્વરથી સ્વતંત્ર નથી. ઈશ્વરની અંદર જ રહેલી છે. કરોળિયાની જાળ કરોળિયામાંથી જ ઉત્પન્ન થયેલી છે તે રીતે, માયા પણ ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થાય છે. ત્યાંથી જ એ આ જાળની રચના કરે છે.
‘ગીતા’ના ૯મા અધ્યાયના ૧૬-૧૭-૧૮ શ્લોકોમાં આ જ વાત કહેવામાં આવી છે. ‘હું મંત્ર છું. (મંત્રના ઉચ્ચારણ સાથે હોમાતું) ઘી હું છું, (જેમાં દેખાય છે તે) અગ્નિ હું છું અને, હોમવાની વસ્તુ-હુત-પણ હું છું. જગતનો પિતા, એની માતા, કર્મફળ અપનારા ધાતા અને પિતામહ છું… (સકલ જગતની) ગતિ (એનો) પોષણકર્તા, સાક્ષી, નિવાસ, શરણ, સુહૃદ (મિત્ર), ઉત્પત્તિ, પ્રલય, નિધાન (આધાર) તેમજ અવિનાશી બીજ પણ હું જ છું.’
અને અદ્વૈત વેદાન્તને અનુસરી સ્વામીજી કહે છે, ‘જાણ તે તું જ છો.’ અખિલ વિશ્વનું ચૈતન્ય એક જ હોય તો આત્મા પરમાત્મા વચ્ચે ભેદ ન જ હોય. બંને એક જ હોય. એનું જ નામ અદ્વૈત. ‘તત્ત્વમસિ’.
બીજાને માન આપી શકાય છે, વચન આપી શકાય છે, આનંદ આપી શકાય છે, મોત આપી શકાય છે. મુક્તિ કોઈ આપી શકતું નથી. એની ખોજ વૃથા છે. માનવી યત્ન કરે તો પણ ઈશની કૃપા વગર મુક્તિ મળતી નથી. ‘કઠ’ ઉપનિષદમાં કહ્યું છે: ‘यमेवैष वृणुते तेन लभ्यस्तषयैष आत्मा विवृणुते तनुं स्वाम्’- જેને એ આત્મા (પરમાત્મા) જાતે પસંદ કરે છે તેને જ એ પ્રાપ્ત થાય છે. અર્થાત્ એની કૃપાદૃષ્ટિ વિના કશું જ પામવાનું શક્ય નથી. એની કૃપાદૃષ્ટિ જ યાચવી રહી. એને પામવા માટે મંદિરોની દોડાદોડી કે ગ્રંથો કંઈ કામ આવતા નથી. જે દોર તારે હાથ છે એ તને ખેંચે છે. એ દોરના યોગ્ય સમયે યોગ્ય રીતે ખેંચાવાથી જ તને મુક્તિ મળશે. તારે તો માત્ર રટવાનું છે: ‘ૐ તત્સત્ ૐ.’
કાવ્યની આઠમી કડીમાં બંધનો-માયાનાં જ તો-તોડવાની વાત છે. એક ખૂબ પૈસાદાર સ્ત્રી થિયેટરમાં ફિલ્મ જોવાને ગઈ. ફિલ્મમાં કોઈ ગરીબ ભિખારીના જીવનની અનુકંપા ઉપજાવે એવી વાતથી એ દ્રવિત થઈ ગઈ અને એની આંખમાં ખૂબ આંસુ આવી ગયાં. ફિલ્મ પૂરી થયે એ થિયેટરની બહાર આવી ત્યારે વરસાદ પડતો હતો. શોફરને ગાડી લાવતાં થોડી વાર લાગી એ અકળાઈ. ગાડી ચાલી ત્યાં કોઈ માણસ આડો આવતાં જોરથી બ્રેક મારી ડ્રાઈવરે ગાડી થંભાવી. બહેન જરા આગળ આવી ગયાં. તપાસ કરતાં ખબર પડી કે આડો આવનાર માણસ કોઈ અંધ ભિખારી હતો. આ રીતે ચાલતા વાહનને ખલેલ પાડવા બદલ એ બાનુનો રોબ ભભૂકી ઊઠ્યો. આમ, ફિલ્મ જોઈને ઊપજેલી કરુણા થિયેટરની બહાર નીકળતાં ઊડી ગઈ.
પોતાની જાહેરસભામાં સન્મુખે બેઠેલી માહિલાની સાડી ખૂબ મેલી જોઈ ગાંધીજીએ ઓછામાં ઓછું, એ મેલી સાડીને ધોવા કહ્યું. આંખમાં આંસુ સાથે એ બાઈ બોલી, ‘આ ધોતી વખતે અને એ સુકાય ત્યાં સુધી બીજું પહેરવું શું?’ આ દારિદ્ય્ર જોઈ ગાંધીજીના હૃદયમાં ચોટ વાગી અને, ધોતિયું, ઝબ્બો, ટોપી વગેરે વસ્ત્રોનો ત્યાગ કરી તેમણે માત્ર ટૂંકી પોતડી અપનાવી. ગંગા પરની હોડીના એક માછીને બીજો માણસ મારતો હતો તેના સોળ શ્રીરામકૃષ્ણ પરમહંસના વાંસામાં ઊઠ્યા હતા. આનું નામ સાચો અદ્વૈતભાવ. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી આપણા તરફથી બીજાને ભય થવાનો સંભવ છે. અભેદ સ્થપાયો પછી, બીજાને ઈજા પહોંચાડવી તો દૂર રહી, એનો વિચાર સરખો પણ મનમાં ઊભો ન થવા પામે. ‘મારી તરફથી આ લોકમાં કે પરલોકમાં, જીવમાત્રને કદી કોઈ ભય ન હોજો,’ આ સંકલ્પ અદ્વૈતવિના શક્ય નથી. આવું અદ્વૈત સાધનાર કોઈ સંત ફ્રાન્સિસ જ હિંસક પ્રાણીઓ સાથે પ્રેમથી રહી શકે.
સને ૧૮૮૬માં શ્રીરામકૃષ્ણ ગળાના કૅન્સરથી ગ્રસ્ત થઈ ગયા. ખોરાક નહીં લઈ શકવાને લીધે એ ખૂબ કૃશ થઈ ગયા હતા. ભક્તોએ અને શિષ્યોએ ખૂબ આજીજી કરી, ‘કૃપા કરી માને પ્રાર્થના કરો કે આપ થોડું ખાઈ શકો.’ થોડી વાર પછી ઠાકુર બોલ્યા: ‘માએ કહ્યું કે આ બધા ખાય છે એ તું જ નથી ખાતો?’ આ અભેદની સ્થિતિ. એ અભેદ સ્થપાયા પછી દેહનું શું મહત્ત્વ? એ દેહ રહે કે પડે. એની જંજાળ છોડી દેવાની. ઝેરની સજા પામેલા સૉક્રૅટિસે ચોક્ખી ના પાડી. આ અભેદમાં સૉક્રૅટિસની દૃઢ માન્યતા હતી. પૂરાં ૭૭ વર્ષની વયે નોઆખલીમાં પદયાત્રા કરનાર ગાંધીજીએ પોતાના દેહની પરવા જ કરી ન હતી. ફૂલમાળા અને પત્થર બંને એમને મન સમાન હતાં. ‘જે રામે માર્યો એ જ રામે સારવાર આપી અને એ જ રામ મને અહીં લઈ આવ્યો,’ આમ કહેનાર કોઈ ભગતનું દૃષ્ટાંત શ્રીરામકૃષ્ણે આપેલું છે. મારનાર અને પરિચર્યા કરનાર એક જ છે, નિંદા અને નિંદક (નિંદાનો વિષય અને નિંદા કરનાર) એક જ છે, સ્તુતિ કરનાર અને જેની સ્તુતિ કરાય છે તે પણ એક જ છે. આ પરિસ્થિતિમાં ખોટા ખળભળાટ શા? શાંત અને સ્થિર જ રહેવાનું.
કાવ્યની પછીની, ૧૦મી કડી સંત તુલસીદાસની ‘જહાઁ કામ વહાઁ રામ નહીં, જહાઁ રામ તિહાઁ નહીં કામ’ની યાદ આપે છે. બાઈબલમાં પણ કહે છે કે ઈશ્વર અને ધનતૃષ્ણા સાથે રહી શકે નહીં. આ કડીમાં સ્વામીજી પણ આ વાત પોતાની વિશિષ્ટ રીતે કહે છે: ‘જ્યાં વસે કામ ને કીર્તિ, લોભ ને લાભ જ્યાં વસે, ત્યાં સત્ય પાસ ઢૂંકે ના.’ પોતે માંસ ખાધેલું, બીડીઓ પીધેલી અને એના પૈસા આપવા માટે હાથ પરના કડામાંથી થોડું સોનું ચોરેલું, આ એકરાર પિતા પાસે કુમાર મોહને કર્યો અને એ સત્યના ઉપાસક બન્યા. યુદ્ધ જીતવા માટેની, રાજ્ય પાછું મેળવવા માટેની કામનાએ જ યુધિષ્ઠિર પાસે ‘નરો વા કુંજરો વા’ બોલાવ્યું હતું. ભલે એમને રાજ્ય મળ્યું પણ એની કિંમત એમને ચુકવવી પડી. સ્ત્રી પ્રત્યે જોવાની દૃષ્ટિ પણ સ્વામીજી ચીંધે છે. કૉલૅજમાં અભ્યાસ કરતા હતા ત્યારે, નરેંદ્રનાથ પોતાના મોસાળને ઘેર વાંચવા માટે જતા. વૃદ્ધ નાનીમા સિવાય બીજાં વધારે માણસો એ ઘરમાં નહીં હોય. એ ઘરને પહેલે માળે નરેંદ્રનાથ અભ્યાસ માટે જતા. એમની આકર્ષક, સૌષ્ઠવપૂર્ણ દેહયષ્ટિ, વિશાળ મોહક આંખો અને, મધુર કંઠે ગવાતાં ગીતોથી, એ ઘરની સામે રહેતી કોઈ યુવાન વિધવા આકર્ષાઈ અને, પોતાની જાતને નરેંદ્રનાથને સોંપવા આવી. એ યુવતીની ગણતરીમાં એક જ ભૂલ જ હતી. પોતે ભવિષ્યના સ્વામી વિવેકાનંદ પાસે જઈ રહી છે એ એક જ વાત એ ભૂલી ગઈ. ‘તું તો મારી બહેન છો’, એ શબ્દો આત્મસમર્પણ કરવા જતી ભ્રમવશ યુવતીને બીજે કોને મુખેથી સાંભળવા મળે? સંન્યાસી થયા ન હતા ત્યારે પણ, નરેંદ્રનાથ, પોતાની રીતે, પૂર્ણ હતા. માનસિક દારિદ્ય્રથી પીડાતો કે ક્રોધને વશ હોય તે મનુષ્ય માયાયુક્ત ન થઈ શકે. આ બધા દોષો હોય ત્યાં સુધી સાચો સંન્યાસ પ્રગટ થાય નહીં.
મહારાષ્ટ્રમાં અષાઢી એકાદશીએ વારકરીઓ અને અસંખ્ય લોકો પંઢલપુર વિઠોબાની યાત્રાએ જાય છે. પંઢરપુરની દૂર વસતા એક સંત દર વર્ષે પંઢરપુર જવા નીકળે ત્યારે, પોતાની ઝૂંપડી સળગાવીને જ જતા. એ સાચા અર્થમાં અનિકેત હતા. ‘આ મારું ઘર, મારો વિલા, મારું કોટેજ, મારો બંગલો’… આ સર્વ માનવીને આસક્ત રાખે છે. ઘર મોટું બંધન છે. સાચો સંન્યાસી – કે ભક્ત – ઘરના મોહમાં ફસાતો નથી. ‘શય્યા ભૂમિતલં.’ પછી, ઉપર તારાઓના હીરામઢ્યું, આભનું છાપરું. ભોજન જે મળ્યું તે ‘માથે ચડાવી લેવાનું.’ આ રીતે રહેનાર આત્મા કશાથી લેપાતો નથી. તદ્દન નિર્લેપ. નદીનાં જળ, સાધુની માફક, વહેતાં જ હોય છે. વહે છે તે જ નિત્યમુક્ત છે. ન વહે તે ‘અસ્પંદ તીર્થ’ બની જાય છે.
સૉક્રૅટિસ, ઈસુ, ગાંધી હંમેશાં લઘુમતિમાં જ હોય છે ને હાંસીપાત્ર બનતા હોય છે. ઈસુની ઠઠ્ઠા કરનારઓનો તોટો ન હતો. વતન ફ્રાન્સની આઝાદી માટે લડનાર આર્કની કુમારી જોનને ડાકણ માની તેની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકામાં જનરલ સ્મટ્સને વશ કરી, ૧૯૧૫માં ગાંધીજી મુંબઈ આવ્યા અને ત્યાં એક જાહેર સભામાં સંબોધન કરવા ગયા ત્યારે, એમનો દેશી પહેરવેશ જોઈ એક પારસીબાનુ બોલી ઊઠ્યાં હતાં, ‘ધનો દરજી!’ આ પ્રખ્યાત ગાનની ઉપાંત્ય કડીમાં સ્વામીજી આ વાત કરતાં કહે છે: ‘થોડા જ સત્યને જાણે.’ એમના ગુરુ શ્રીરામકૃષ્ણને ઘણા લોકો પાગલ જ માનતા હતા ને? સત્યનો આ અસ્વીકાર સત્યાન્વેષકના ધિક્કારમાં પરિણમે છે. ધિક્કાર પાછળ કશો તર્ક હોતો નથી. એ ધિક્કાર સૉક્રૅટિસનું કે ઈસુનું કાયદેસર ખૂન કરાવે કે કોઈ તિરસ્કારમૂર્તિ ગૉડસે ગાંધીજીને ગોળીએ મારે. બધું સમાન જ છે. સ્વામી વિવેકાનંદજીએ આપેલી સલાહ, ‘લક્ષ ન લૈશ તું.’ એ સર્વેએ માની હતી.’ (મારી આ દશા કરનાર) એ સૌ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે માટે, હે પ્રભુ! એમનો અપરાધ ક્ષમા કરજે.’ આમ ઈસુ બોલ્યા હતા. ‘હે રામ!’ બોલી ગાંધીજી પૌત્રી સમાં મનુબહેન ગાંધીના દેહ પર ઢળી પડ્યા હતા. એ કોઈને દેહનો મોહ ન હતો. લોકોને તમસ-અંધકાર-માંથી તેજમાં લઈ જવાનું કાર્ય જ એ સૌ કરતા હતા. માયાનો પડદો એમણે ભેદી નાખ્યો હતો. સુખ દુ:ખ, લાભાલાભ, જયાજય, વગેરે દ્વન્દ્વોની પાર ગયા હોઈ, એ દ્વન્દ્વનો એમને ભય ન હતો. અદ્વૈતમાં વિહરનારને કશાનો ભય હોતો નથી.
આ સંસારનું ચક્ર, જન્મમરણનું ચક્ર, આપણાં શાસ્ત્રો કહે છે કે, કર્મને આધારે ચાલે છે. ઓગણીસવીસ વર્ષનો યુવાન ઈંગ્લૅંડ ભણવા જતાં આગબોટમાં સમય પસાર કરતાં કરતાં અવકાશ વિશે એક સિદ્ધાંત તારવે છે. એના કરતાં વયમાં ક્યાંય મોટા અને વિખ્યાત વૈજ્ઞાનિક એડિંગ્ટન સમક્ષ એ જુવાન પોતાનો સિદ્ધાંત રજૂ કરે છે ત્યારે, ભરી સભામાં એ યુવકની રેવડી દાણાદાળ કરવામાં આવે છે. અઢી-ત્રણ દાયકા પછી, એડિંગ્ટન નહીં, એ જુવાન સાચો પુરવાર થાય છે અને શોધ કર્યા પછી પૂરાં પચાસ વર્ષે નોબલ પુરસ્કાર એને મળે છે. એ યુવાન-ચંદ્રશેખર સુબ્રહ્મણયમ્- ભારતને બદલે યુરોપના કોઈ દેશમાં જન્મ્યો હોત તો? બાળવયથી જ રામાનુજમમાં ગણિતશાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન ક્યાંથી પ્રગટ થયું હતું? રવીન્દ્રનાથમાં શૈશવથી કવિતા ક્યાંથી ફૂટી હતી? પોતાના સંદેશના પ્રચાર માટેની જવાબદારી ઠાકુરે સોળ જુવાનિયાઓને જ શા માટે સોંપી? આપણાં શાસ્ત્રો આ માટેનું એક જ કારણ આપે છે: પૂર્વ કર્મ. આ કર્મની શક્તિ ખલાસ થઈ ગઈ પછી સ્વામીજી કહે છે, ‘જન્મ ના; ના હું, ના તું, નહીં ઈશ, નહીં માનવ.’ કર્મની જાળ ભેદાઈ એટલે ‘હું-તું’ નું ત્રૂટી રહિતનું અદ્વૈત સધાઈ ગયું. પછી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના, વ્યક્તિ સમષ્ટિ વચ્ચેના, આત્મા પરમાત્માના ભેદ દૂર થઈ એક અખંડ અભેદ સ્થપાઈ જાય છે. નરસિંહ મહેતા કહે છે તેમ, ‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, હેમના પારણામાંહીં ઝૂલે.’
આ અભેદની જાગ્રતિ થઈ એટલે, ઊંઘમાં ભાસતા અટપટા ભોગ બધા દૂર થઈ જાય છે અને નરસૈંયો કહે છે તે પ્રમાણે, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’- એ અનુભૂતિ થાય છે.
પ્રાચીન ભારત વર્ણાશ્રમ આધારિત હતું. વર્ણનો એનો આદર્શ બ્રાહ્મણ હતો અને આશ્રમધર્મનો એનો આદર્શ સંન્યાસી હતો. પોતાનાં પાશ્ચાત્ય શિષ્યો સમક્ષ સંન્યાસીના ત્યાગનું, એની માયામુક્તિનું, એના આત્મવિજયનું, સ્વાર્થયુક્ત સંબંધોથી ઉપર ઊઠી સમગ્ર વિશ્વ સાથે એણે બાંધવાના એકાત્મતાના સંબંધનું, સર્વ જીવો સાથે અને એ રીતે, પરમાત્મા સાથે સાધવાના એના અભેદનું આ ભવ્ય ચિત્ર સ્વામી વિવેકાનંદ રજૂ કરે છે. સ્વામીજીના આ કાવ્યમાં, સહસ્રદ્વીપ ભૂમિની પ્રસન્ન સરલતા છે, એનાથી થોડે દૂર પૂર્વમાં આવેલા નાયગરા ધોધની ભવ્યતા છે અને પશ્ચિમે આવેલા મહાસાગરની અનંતતા છે. સ્વામીજીના વિરાટ વ્યક્તિત્વના સંસ્કારથી અંકિત આ કાવ્ય એક નાનું પણ મહાન ઉપનિષદ છે.
Your Content Goes Here




