[સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત નથી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદ માંડ સોળ વરસ જીવ્યા. આ વર્ષો દરમિયાન, ભારતના આ મહાન દેશભક્ત સંત, પોતાની માતૃભૂમિનો ખૂણેખૂણો ખૂંદી વળ્યા. ત્યાર બાદ સને 1893 પછીનો ઘણોખરો સમય તેમણે પશ્ચિમમાં ગાળ્યો. અને આમ હોવા છતાં આટલો બધો લાંબો સમય તેમણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગૂજરાતમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘૂમતાં-ઘૂમતાં, ત્યારના કેટલાંક રાજ્યોના રાજાઓને ઉપદેશતાં, તેમના દીવાનોને અને અન્ય શિક્ષિતજનોને કેળવતાં તેમ જ પવિત્ર મંદિરોની મુલાકાત લેવામાં ગાળ્યો હતો ! ખરેખર, આ ઘણી જ મહત્ત્વની બાબત છે. આ પ્રદેશની સત્ત્વશીલતાને કોઈપણ ઉવેખી શકે તેમ નથી, કે જેણે વિવેકાનંદને પોતાની તરફ કેવળ આકર્ષ્યા, એટલું જ નહિ, પણ આટલા લાંબા સમય સુધી તેમને અહીં રોકી રાખ્યા ! અહીં તેમના કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાંના નિવાસનું વિવરણ સહર્ષ પ્રસ્તુત કરીએ છીએ. –સં.]
‘ખેતડી’ની માયા છોડી ઐતિહાસિક અમદાવાદ શહેર તરફ સ્વામી વિવેકાનંદે પ્રયાણ કર્યું. અમદાવાદમાં સ્વામીજીએ થોડાક દિવસ ભિક્ષા વૃત્તિથી કાઢ્યા. પછી એક સબ-જજ શ્રીયુત લાલશંકર ઉમિયાશંકરે એમનો આદર સત્કાર કરેલો. મંદિરો અને મસ્જિદોથી ભરેલું એ શહેર જોઈને સ્વામીજીને આનંદ થતો. એમના અમદાવાદ નિવાસ દરમિયાન તેમણે જૈન ધર્મનો અભ્યાસ કર્યો. એ સમયે અનેક જૈન પંડિતો ત્યાં વસતા હતા; ઘણી વખત સ્વામીજી તેઓની સાથે જૈન સિદ્ધાંતોની ઊંડી ચર્ચા કરતા.
અમદાવાદથી વઢવાણ થઈને સ્વામીજી લીંબડી આવી પહોંચ્યા. મુસાફરીના પરિશ્રમથી એ થાકી ગયા હતા, એટલે શહેરની બહાર એક સાધુની જગ્યામાં એમણે ઉતારો રાખ્યો. થોડા દિવસો પછી એમને ખબર પડી કે એ તો વામમાર્ગીઓનો અડ્ડો છે. બાવાઓ કંઈ ઓછા ચબરાક ન હતા. તેઓએ એક દિવસ સ્વામીજીની ઓરડીને બહારથી સાંકળ ચડાવી દીધી, એટલે સ્વામીજીથી નાસી જવાનું અશક્ય બન્યું. જગ્યાના મહંતની વિચિત્ર માંગણીથી સ્વામીજી એકદમ ભડકી ગયા. મહંતે સ્વામીજીને કહ્યું : “તમે કોઈ પ્રભાવશાળી સાધુ છો. વર્ષોથી બ્રહ્મચર્યનું પાલન કરો છો. તો તમારી લાંબી તપશ્ચર્યાનું ફળ અમને આપો. અમારે એક ખાસ સિદ્ધિ માટે તમારા બ્રહ્મચર્યનો ભંગ કરાવવો પડશે; તેના વડે અમને અમુક સિદ્ધિની શક્તિ પ્રાપ્તિ થશે.” સ્વામીજી ગભરાયા, પરંતુ સમય સૂચકતા વાપરી કશું બોલ્યા નહીં. કંઈક યુક્તિ કરી તેમણે એક છોકરા સાથે લીંબડીના ઠાકોર સાહેબ ઉપર સંદેશો મોકલ્યો. ઠાકોર સાહેબે માણસો મોકલીને સ્વામીજીને છોડાવ્યા અને પોતાના મહેલમાં જ ઉતારો આપ્યો. એ વખતે લીંબડીમાં આવેલા, ગોવર્ધનમઠના શંકરાચાર્ય સ્વામીજીની વિદ્વત્તા અને ધર્મની બાબતમાં મનની અસાધારણ ઉદારતા જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગયા હતા. લીંબડીમાં થોડા દિવસો રહીને તેઓ જૂનાગઢ જવા ઊપડ્યા. વામમાર્ગીઓના અખાડાએ એમને સાવચેત કરી દીધા હતા. એટલે ત્યારથી ઉતારા માટેનું સ્થળ પસંદ કરવામાં એ ખૂબ ધ્યાન રાખતા.
પહેલાં ભાવનગર અને શિહોરની મુલાકાત લઈને સ્વામીજી જૂનાગઢ આવી પહોંચ્યા. ત્યાંના દીવાન શ્રીયુત હરિદાસ બિહારીદાસના તેઓ અતિથિ બન્યા. ત્યાં મોડી રાત સુધી જ્ઞાનચર્ચા ચાલતી અને ઘણા જિજ્ઞાસુઓ એનો લાભ લેતા. દીવાન સાહેબ તો ભક્ત બની ગયા. જૂનાગઢ તથા તેની આસપાસમાં એમણે બધું જોયું. ગિરનારની ગુફાઓમાં એમણે ખાસ રસ લીધો. પવહારી બાબાએ જ્યાં કઠિન સાધના કરી હતી એ ગિરનારે સ્વામીજીને પણ આકર્ષ્યા હતા. સ્વામીજી ત્યાંની એક ગુફામાં દિવસો સુધી રહ્યા.
જૂનાગઢમાં કેટલાક દિવસો રહ્યા બાદ સ્વામીજી ભૂજ ગયા. ત્યાં દીવાન સાહેબે પોતાને ઘેર સ્વામીજીને ઉતારો આપ્યો. તેમની સાથે ધર્મચર્ચા ઉપરાંત દેશની ઔદ્યોગિક અને ખેતીવિષયક સમસ્યાઓની સ્વામીજી ચર્ચા કરતા. લોકોમાં કેળવણીના પ્રચારની જરૂર ઉપર ખાસભાર મૂક્યો. દીવાન સાહેબે કચ્છના મહારાવ સાથે સ્વામીજીનો પરિચય કરાવ્યો. બંને વચ્ચે ઘણી વાર લાંબી ચર્ચાઓ ચાલતી. મહારાવ ઉપર સ્વામીજીનો સારો પ્રભાવ પડ્યો અને તેઓ તેમના પ્રશંસક બન્યા.
કચ્છનાં ધર્મસ્થાનો, નારાયણ સરોવર, જાડેજાની કુલદેવી આશાપુરા વગેરે જોઈને સ્વામીજી કચ્છથી પાછા જૂનાગઢ આવ્યા.
જૂનાગઢમાં થોડો સમય આરામ લઈને સ્વામીજી સોમનાથ પ્રભાસ-પાટણ તરફ પર્યટને ગયા. સોમનાથની ખ્યાતિ અતિપ્રાચીન છે. સ્વામીજી એનો ઇતિહાસ જાણતા હતા. ઇતિહાસ કહે છે કે એ ભવ્ય મંદિર ત્રણ વાર તૂટ્યું ને ત્રણ વાર ઊભું થયું. તેના નિભાવખર્ચ માટે દસ હજાર ગામોની જાગીર એ સમયના રાજ્યકર્તાએ ભેટ આપેલી. મંદિરની પૂજા માટે એક હજાર પૂજારીઓ હતા અને અનેક સંગીતકારો ભજનકીર્તન ચલાવતા. સોમનાથના ખંડેરના ઢગલા ઉપર સ્વામીજી બેઠા અને મંદિરના ભવ્ય ભૂતકાળનું સ્મરણ કરતા-કરતા ધ્યાનમગ્ન બન્યા.
પ્રભાસમાં કચ્છના મહારાવ ફરીથી સ્વામીજીને મળ્યા. ત્યાં તેમણે સ્વામીજીને કહ્યું : “આપની આટલી બધી અથાક શક્તિ આપને હાથે અદ્ભુત કાર્યો કરાવશે. તે સિવાય શાંત નહીં થઈ શકો.” થોડા સમયમાં જ મહારાવની એ ભવિષ્યવાણી સાચી પડી.
પ્રભાસથી સ્વામીજી પાછા જૂનાગઢ આવ્યા અને ત્યાંથી પોરબંદર ગયા. પોરબંદરની મુલાકાત ઐતિહાસિક બની. એ વખતના રાજ્યના ઍડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામીજીની સારી મૈત્રી જામી. શંકર પંડિત વેદના અડંગ અભ્યાસી હતા; એ વખતે તેઓ વેદોનો અનુવાદ કરી રહ્યા હતા. સ્વામીજીની મહાન શાસ્ત્રમાં પ્રવીણતા જોઈ તેઓ મુગ્ધ બન્યા. વેદોના અનુવાદના કઠિન કાર્યમાં તેમણે સ્વામીજીની સહાય માગી. સ્વામીજીએ આનંદપૂર્વક તેમને મદદ કરી. તેઓ પોરબંદરમાં અગિયાર માસ રોકાયા. એથી સ્વામીજીને પોતાને પણ લાભ થયો. પતંજલિના મહાભાષ્યનો અભ્યાસ એમણે ત્યાં પૂરો કર્યો. શ્રી પંડિતના કહેવાથી એમણે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ પણ શરૂ કર્યો. શ્રી પંડિતે કહ્યું : “સ્વામીજી ! આ અભ્યાસ તમને ખૂબ ઉપયોગી થઈ પડશે.” પરિચય વધતાં, એક દિવસ પંડિતે જાણે કે સ્વામીજીના અંતરના અવાજનો પડઘો પાડતા હોય તેમ કહ્યું : “સ્વામીજી ! લાગે છે કે આ દેશમાં તમારી કિંમત થશે નહીં; તમારે પશ્ચિમના દેશોમાં જવું જોઈએ. ત્યાંના લોકો તમને સમજી શકશે અને તમારી કદર કરશે. ખરેખર ! પશ્ચિમમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને તમે ત્યાંની સંસ્કૃતિ ઉપર ઘણો પ્રકાશ નાખી શકશો.” શ્રી પંડિતે સ્વામીજીના પશ્ચિમમાં જવાના વિચારનું બીજારોપણ કર્યું. ભૂમિ અનુકૂળ હતી અને આગળ જતાં એ બીજમાંથી મહાવૃક્ષ થયું. પ્રવાસ દરમ્યાન ભારતની દુર્દશા જોઈને સ્વામીજીને એના ઉદ્ધાર માટે કંઈ ને કંઈ કરી નાખવાની પ્રબળ ઇચ્છા થઈ આવતી હતી.
પોતે ઇચ્છતા ન હોવા છતાં ગુરુભાઈઓનો મેળાપ એમને કોઈ ને કોઈ રીતે થયા કરતો હતો; અહીં પણ વિચિત્ર સંયોગોમાં એમને સ્વામી ત્રિગુણાતીતાનંદજી મળી ગયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજી તીર્થ યાત્રાએ ફરતા-ફરતા ગૂજરાતમાં થઈને પોરબંદર આવ્યા અને કેટલાક પરિવ્રાજક સંન્યાસીઓની સાથે રોકાયા. તે સંન્યાસીઓ હિંગળાજ જવાની ઇચ્છાથી પોરબંદરથી કરાંચી સુધી અને ત્યાંથી ઊંટ ઉપર હિંગળાજ જવા માટે, કોઈ સાધુના સૂચનથી ‘મહેલમાં રહેતા, એક અંગ્રેજી જાણનાર પરમહંસ’ પાસે પ્રવાસ ખર્ચ મેળવવા સારુ ભલામણ કરાવવા સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આગળ કરીને મહેલમાં પહોંચ્યા. સ્વામી ત્રિગુણાતીતાનંદજીને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે એ ‘અંગ્રેજી જાણનાર પરમહંસ’ પોતાના ગુરુભાઈ જ હશે ! મહેલમાં જતાં જ તેમને સ્વામીજીનો ભેટો થયો. સ્વામીજીએ એ વખતે પૈસાની જોગવાઈ તો કરી આપી, પણ ફરી વાર આ રીતે કોઈની પાસે પૈસા ન માગવાની ચેતવણી પણ આપી.
સ્વામીજી પોરબંદરથી દ્વારકા ગયા અને ત્યાંથી કચ્છ-માંડવી પહોંચ્યા. ત્યાં વળી એમને સ્વામી અખંડાનંદ સાથે મેળાપ થયો અને પંદરેક દિવસ તેમની સાથે ગાળીને બંનેએ પરસ્પરની વિદાય લીધી. મહારાવના આગ્રહથી સ્વામીજી ફરી વાર ભૂજ આવ્યા; થોડા દિવસ રોકાયા. પછી શત્રુંજ્યનાં વિખ્યાત જૈન મંદિરો જોવા માટે તેઓ પાલિતાણા આવ્યા અને પાલિતાણાથી વડોદરા ગયા.
વડોદરામાં દીવાનબહાદુર મણિભાઈ જશાભાઈના અતિથિ બનીને સ્વામીજી થોડો વખત ત્યાં રોકાયા.
[સંકલિત : “સ્વામી વિવેકાનંદ” (વિસ્તૃત જીવનચરિત્રમાંથી), પૃ. 128-130]
Your Content Goes Here





