લોકો નિંદા કરે ત્યારે શું કરવું?
માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હરક્ષણે તેમના જ વિચાર આવ્યા કરે છે, અને તેમની એ અમૃતમય મૂર્તિને જ જોયા કરે છે, અને તેમની એ અમૃતમય કથા સાંભળી રહ્યા છે. તે વિચાર કરવા લાગ્યા કે આ ગરીબ બ્રાહ્મણે કેવી રીતે આ બધાં ગંભીર તત્ત્વોની શોધ કરી અને સમજ્યા? આ બધી વાતો આટલી સહેલાઈથી સમજાવતાં તેમણે આજ સુધી કોઈને ક્યારેય જોયા નથી. ક્યારે તેમની પાસે જવાય અને ફરી તેમનાં દર્શન થાય, એ જ વિચાર મનમાં રાતદિવસ ઘોળાયા કરે છે. જોતજોતામાં 5મી માર્ચ, રવિવાર આવી ગયો. વરાહનગરના નેપાલ બાબુની સાથે બપોરના ચાર વાગ્યે દક્ષિણેશ્વરના બગીચામાં માસ્ટર આવી પહોંચ્યા. આવીને જોયું તો એ જ પૂર્વપરિચિત ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર બેઠેલા છે. ઓરડો આખો ભક્તોથી ભરેલો છે. રવિવારની રજા હોવાથી ભક્તો દર્શને આવેલા છે, હજી સુધી માસ્ટરની કોઈની સાથે ઓળખાણ થઈ નથી. તેમણે ભક્તમંડળીમાં એક બાજુએ આસન લીધું. જોયું તો ભક્તો સાથે હસતે ચહેરે ઠાકુર વાત કરી રહ્યા છે.
એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદ્દેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર. કૉલેજમાં ભણે અને સાધારણ-બ્રાહ્મસમાજમાં આવજા કરે. તેની વાતો તેજસ્વી, આંખો ચમકતી અને ચહેરો ભક્ત જેવો.
અનુમાને માસ્ટર સમજ્યા કે સંસારવ્યવહારમાં રચ્યા-પચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલતી હતી, જેઓ ઈશ્વર-ઈશ્વર અને ધર્મ-ધર્મ કર્યા કરે તેમની એ લોકો નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય, તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલે છે.
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – નરેન્દ્ર! તું શું કહે છે? સંસારી લોકો તો કેટલુંય બોલે; પણ જો, હાથી જ્યારે રસ્તામાં જતો હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે?
નરેન્દ્ર – હું માનું કે, કૂતરાં હાઉ હાઉ કરે છે.
શ્રીરામકૃષ્ણ (હસીને) – નારે ના એટલું બધું નહિ. (સૌનું હાસ્ય.) ઈશ્વર પ્રાણીમાત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું-મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ! (સૌનું હાસ્ય.) જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે કે ભાગી જાઓ તેઓ પણ નારાયણ છે, તો એમની વાત કેમ ન સાંભળવી?
એક વાત સાંભળો. એક જગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ સારું લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે!’ આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નાઠો નહીં. તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યો છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ!’ તોય શિષ્ય હટ્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો રહ્યો.
આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને બીજા શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા, અને સારવાર કરવા લાગ્યા. થોડી વારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યું: “હાથી આવે છે તે સાંભળવા છતાં તમે કેમ નાસી ગયા નહિ?” તે બોલ્યો, “ગુરુદેવે કહ્યું છે કે, નારાયણ જ માણસ, જીવ, જંતુ બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.” ત્યારે ગુરુએ કહ્યું, “બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યું હતું ને? જો બધાય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને?” (સૌનું હાસ્ય.)
શાસ્ત્રમાં કહે છે ‘आपो नारायणः’ – ‘જળ નારાયણનું સ્વરૂપ છે!’ પરંતુ, કોઈક જળ ભગવાનની પૂજામાં ચાલે; તો કોઈક જળથી હાથપગ ધોવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું માત્ર ચાલે, પણ પીવામાં અથવા ઠાકોરજીની સેવામાં ન ચાલે. તેમ સાધુ, અસાધુ, ભક્ત, અભક્ત, સૌના અંતરમાં નારાયણ છે, પણ અસાધુ, અભક્ત, દુષ્ટ માણસની સાથે વ્યવહાર રાખવો ચાલે નહિ, હળવુંમળવું ચાલે નહિ. કોઈકની સાથે કેવળ મોઢાની વાતચીતનો જ વ્યવહાર પરવડે; તો વળી કોઈકની સાથે એ પણ ચાલે નહિ. એવા માણસથી દૂર રહેવું જોઈએ.
(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ 1, પૃ. સં. 18-20)
Your Content Goes Here




