મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ રહ્યા છે. સુંદર અને આકર્ષક ગૅટઅપ રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરના આકર્ષક સ્થાપત્યના બહિરંગવાળો ગૅટઅપ અને પાછળના ભાગમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની છબી કહેવા લાગે છે કે, સ્વામી રામકૃષ્ણ પરમહંસની અને સ્વામી વિવેકાનંદની તત્ત્વદૃષ્ટિને અને મૂલ્યસૃષ્ટિને ગુજરાતીભાષી વાચક સમાજ સુધી પહોંચાડવાની આ સામયિકની નેમ છે અને તેમ થવું સ્વાભાવિક પણ છે, કેમ કે એ શ્રીરામકૃષ્ણ મિશનનું પ્રકાશન છે. આ નેમ પૂરી કરવા સુંદર અર્થવાહી ગુજરાતીમાં આપણી ચેતનાને ઊંડેથી સ્પર્શે તેવા આધ્યાત્મિક અનુભવોની, સ્વામી રામકૃષ્ણ પરમહંસની, સ્વામી વિવેકાનંદની અને શ્રી મા શારદામણિદેવીની અનુભૂતિઓની અને વિચારધારાઓની એ લ્હાણ કરે છે. શ્રીરામકૃષ્ણ મિશનનાં અન્ય અંગ્રેજી સામયિકો ‘પ્રબુધ્ધ ભારત’ અને ‘વેદાન્તકેસરી’ તેમજ બંગાળી સામયિક ‘ઉદ્‌બોધન’માં પ્રગટ થયેલા ઉત્તમ લેખોનું પ્રાસાદિક ભાષાંતર પણ સુલભ કરે છે. સ્વામી મુમુક્ષાનંદજી એના સંપાદક છે અને સ્વામી નિખિલેશ્વરાનંદજી એના સહસંપાદક છે.

અહીં નોંધવું જોઈએ કે શ્રીરામકૃષ્ણ મિશન એક ધર્મસંસ્થા અચૂક છે પણ એ કંઈ સાંપ્રદાયિક પરંપરાને જીવાડવા મથતું એક આંદોલન નથી. આપણા દેશના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને એક વખતના માનનીય પ્રધાન પ્રો. વી. કે. આર. વી. રાવે હમણાં જ એક વ્યાખ્યાનમાં કહેલું તેમ રામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલનમાં ‘પૉઝિટિવ સેક્યુલરિઝમ’ અર્થાત્ વિધાયક સંપ્રદાય-નિરપેક્ષતા છે જેને પર્યાયે આપણે સર્વધર્મ-સમભાવ અથવા જગતના સઘળા મહાન ધર્મોના કેન્દ્રીય મૂલ્યોની સ્વીકૃતિ કહી શકીએ એટલે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં આપણને બોદ્ધધર્મની કેન્દ્રીય મૂલ્યસૃષ્ટિનો ખ્યાલ આપતા લેખો, શ્રીમદ્ ભગવદ્‌ગીતાના વ્યાપક સિદ્ધાંતોની પાર્શ્વભૂમિકાની સાથોસાથ જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામ, જૈન ધર્મ આદિ વિશે પણ ક્રમે-ક્રમે અભ્યાસલેખો મળતા થશે. જેમ કે જૈન તત્ત્વદર્શનમાં ધ્યાનની પ્રક્રિયાઓ વિશેનો તલસ્પર્શી લેખ ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકમાં અંગ્રેજીમાં પ્રગટ થયેલો જ છે. આમ આપણને આશ્ચર્ય થાય એટલું બધું વૈચારિક ખુલ્લાપણું આ સામયિકોમાં જોવા મળે છે. જેમ કે, સ્વામી સત્યરૂપાનંદજીનો એક લેખ કાર્લ માર્કસના ધર્મવિષયક વિચારોની આલોચના કરે છે. તો જ્હૉન ડૉબ્સન જેવો પશ્ચિમી લેખક ‘આઈન્સ્ટાઈન અને સ્વામી વિવેકાનંદ’ જેવો તુલનાત્મક વૈજ્ઞાનિક સિદ્ધાંતનિરૂપણનો લેખ એ જ સામયિકમાં આપે છે. નીના સ્ટાર્ક સમી પશ્ચિમી લેખિકા ‘સ્વામી વિવેકાનંદ અને યુદ્ધત્રસ્ત જગત’ જેવો વિષય છેડે છે. આવા ધ્યાનાર્હ વિચારપ્રેરક લેખો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ ક્રમે-ક્રમે પીરસાતા જશે. એ અનુવાદો હશે તેથી એનું મૂલ્ય ઓછું નહીં આંકીએ, કેમકે ગુજરાતીમાં જે ભાવાનુવાદો થતા રહ્યા છે તે સારી પેઠે પ્રાસાદિક અને મૂળની બરાબરી કરનારા સમર્થ અનુવાદો છે. આશા છે કે ગુજરાતીમાં સુદ્ધાં મૌલિક ચિન્તનના પરિપાક સમા લેખો આ નવા સામયિક દ્વારા મળ્યા કરશે. સામાન્ય સામયિકો કરતાં એનું લક્ષ્ય જુદું હોય એ સ્વાભાવિક છે, તથાપિ વિવિધ વિષયો અને સમસ્યાઓ પરત્વે ગુજરાતના વિચારજીવનને સંકોરનારા મર્મસ્પર્શી લેખો આ સામયિકના માધ્યમ દ્વારા આપણને ભરપેટે મળ્યા કરે એવી આશા બંધાય છે.

  યશવંત શુક્લ ” ‘સંદેશ’ (14-8-1989)

*

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામે માસિક પત્ર એપ્રિલ ’89થી શરૂ થયું છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પ્રેરક સાહિત્યનાં પ્રકાશન અને પ્રચારમાં આ સામયિકથી વેગ આવશે એ લાભ તો છે જ, પરંતુ આજે ચટાકેદાર વાચન પીરસતાં લોકપ્રિય સામયિકોના યુગમાં વિચાર પ્રેરક અને ઉન્નત જીવન આદર્શ ચીંધનાર સામયિક પ્રગટ કરવાનો ઉપક્રમ સ્વીકારીને રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમે ગુજરાતના સંસ્કાર પ્રિય પ્રજાજનોની સેવા કરી છે. અહીં રજૂ થતું સાહિત્ય બે ઘડી મોજ માટે નથી. પણ વાંચીને વિચારવા અને પચાવવા માટે છે. આ સામયિકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી ચયન કરીને લેખો અપાય છે. રામકૃષ્ણ મિશનના વિદ્વાન સ્વામીજીઓનાં લખાણ પણ પ્રગટ કરવામાં આવે છે. તે સાથે કાકા કાલેલકર, મેરી લુઈ બર્ક જેવાના શ્રીરામકૃષ્ણ વિષયક લખાણો પ્રગટ થાય છે. શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીનો નરસિંહ મહેતાને મળેલ ‘ભક્ત કવિનું બિરૂદ’ કેટલું સાર્થક હતું તે દર્શાવતો લેખ પણ છે. પુસ્તક સમીક્ષા કોલમમાં અધિકારી વ્યક્તિઓએ કરેલી સમીક્ષા પ્રગટ થાય છે. ને ‘સમાચાર દર્શનમાં’ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટની વિવિધ સેવા પ્રવૃત્તિઓનો ખ્યાલ આપવામાં આવે છે.

  જેરામ સ. રાઠોડ “ફૂલછાબ” (4-9-89)

Total Views: 604

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.