બ્રાહ્મસમાજીઓ કહેતા : ‘પરમહંસદેવમાં ‘ફેકલ્ટી ઓફ ઓર્ગેનાઈઝેશન’ નથી. એટલે કે તેઓ સંઘ કે સંપ્રદાય ચલાવવાનું જાણતા નથી.’ (કથામૃત : ભાગ.૨, પૃ.૫૦) જેમણે અધ્યાત્મ સંબંધી વિવિધ ભાવોની, સિદ્ધાંતોની સત્યતા પ્રમાણિત કરી આપી, એવા સમન્વયકારીને સંપ્રદાય સ્થાપવાનું શું પ્રયોજન? સૂત્ર મોતીઓને પરોવે, મોતી ન બને. જેમાં સઘળું પ્રતિષ્ઠિત છે એ વળી શાની પ્રતિષ્ઠા કરે? યોગી અરવિંદે લખ્યું છે: ‘અગાઉના બે હજાર વર્ષ અને એથી પણ પહેલા – બુદ્ધ આવ્યા ત્યારથી જે વિકાસ સાધવામાં આવ્યો હતો તે દક્ષિણેશ્વરના અવતારનાં આધ્યાત્મિક દર્શન અને અનુભૂતિની તૈયારી રૂપ હતું. ભારતે, યુગો સુધી જે સાધના કરી તેનો હવે અંત આવી રહ્યો છે.’ આમ તેમણે શ્રીઠાકુરને ભારતવર્ષની તમામ આધ્યાત્મિકતાના પરિણામરૂપ ગણ્યા. ભારતવર્ષની યુગોની સાધનાનો પરિપાક કેવળ એક સંપ્રદાયનું સ્થાપન ન હોય, પણ શ્રીભગવાન એક એવી શક્તિ મૂકીને જવાના હતા કે જે સૈકાઓ સુધી ભારતને પરિચાલિત કરે, લુપ્ત આધ્યાત્મિકતાનું પુન: સ્થાપન કરે જાણે ત્રણેય કાળના ભારતીય જીવનને એટલે કે ‘ભારત જે હતું અને જે થઈ શકે’ એને શ્રીઠાકુરે પોતાનામાં એકત્ર કરી લીધું હતું. હવે એની વિધિવત્‌ સોંપણી જ કરવાની હતી. આ માટે જરૂરી હતું પોતાના આધ્યાત્મિક વારસ એવા ત્યાગી યુવકોનું સંઘ-ગઠન. આ કારણથી સંસારનો તાપહરનાર પ્રભુએ ગળાનો ભયાનક વ્યાધિ સ્વીકાર્યો.

વ્યાધિ અતિ ભયંકર હતો છતાં પણ ભક્તોને આશા હતી કે તેઓ (શ્રીઠાકુર) સ્વસ્થ થઈ જશે. કોઈ કહેતું કે બીજાઓની મલિનતા એમના નિતાંતશુદ્ધ દેહમાં પ્રવેશી છે, માટે રોગ થયો છે; વળી કોઈ કહેતું કે જગતના પાપગ્રહણ કરવાથી આ વ્યાધિ થયો છે; તો વળી કોઈ એમાં જગદંબાની વિરાટ ઇચ્છાથી જનકલ્યાણના કોઈ ગૂઢ અભિપ્રાયને જોતું. શ્રીઠાકુરના વ્યાધિસંબંધી-કાશીપુર નિવાસ સંબંધી અનેક કારણો મળે છે પણ એનું મુખ્ય કારણ તો નરેન્દ્રાદિ ત્યાગી યુવકોને સંઘબદ્ધ કરવાનું જ દેખાય છે. પરમાત્માનું ચરિત્ર અપાર છે, એનો કોણ પાર પામી શકે. ભક્તો વિવિધ રીતે એની લીલાનું સંકીર્તન કરે છે :

‘હરિ અનંત હરિકથા અનંતા, કહહિઁ સુનહિઁ બહુબિધિ સબ સંતા.’

તો પણ એટલું નિશ્ચિત છે કે એમની દરેક ક્રિયાનો હેતુ જીવોનું કલ્યાણ જ હોય છે. રામચરિત માનસ કહે છે:

‘વ્યાપક વિશ્વરૂપ ભગવાનના, તેહિઁ ધારિદેહ ચરિત કૃત નાના.
સો કેવલ ભક્તન હિત લાગી, પરમકૃપાલ પ્રનત અનુરાગી.’ 

દરેકેદરેક વાતનો ખુલાસો આ ચોપાઈ આપે છે – ‘સો કેવલ ભક્તન હિત લાગી.’

સ્વામી પ્રેમાનંદે એક પત્રમાં લખ્યું છે : ‘રામકૃષ્ણ સંઘના નિર્માણ માટે ઠાકુરના કંઠમાં ઘાવ થયો હતો.’ (શ્રીરામકૃષ્ણદેવ કી અન્ત્યલીલા (અ.લી.) ૨૩૯)

ઠાકુરે પોતાના સ્વમુખે કહ્યું છે : ‘જો મારા ગળાનું દર્દ એક નિમિત્ત માત્ર છે. એને લઈને જ તમે બધા અહીં એકત્રિત થયા છો. (અ.લી.૨૩૯)

અંત્યલીલામાં શ્રીશ્રીમાના મુખેથી જાણવા મળે છે : ‘શ્રીઠાકુર કહેતા કે ‘એટલી યંત્રણા મારા ઉપરથી પસાર થઈ ચૂકી છે – હવે કોઈને આટલું કષ્ટ ભોગવવું નહિ પડે. જગતના બધા લોકો માટે મેં સહન કરી લીધું છે.’’ અહા, માનવ મોહથી પ્રેરાય છે, યશથી પ્રેરાય છે, કોઈ વળી ધનથી પ્રેરાય છે પણ કરુણાસ્વરૂપ પરમાત્મા કે જેને ત્રણેય લોકમાં કશું જ પ્રયોજન નથી એ શેનાથી પ્રેરાય છે? – કેવળ જીવો પરની કરુણાથી – ‘સો કેવલ ભક્તન હિત લાગી.’

શ્રીઠાકુર કહેતા: ‘હું કોઈમાં બંધાયેલ નથી. કેવળ દયા, બીજું બધું ગયું, કેવળ દયા છે… જો સેંકડોવાર જન્મધરીને કેવળ એક માણસનો ઉદ્ધાર કરી શકું તો એને હું સાર્થક માનું છું.’ (અં.લી. ૨૫૧) એમનો કાશીપુર નિવાસ દુ:ખીજીવો પ્રતિ કરુણાથી મહિમામંડિત છે અને આ કરુણાયજ્ઞના મુખ્ય સહાયકના રૂપે એમણે નરેન્દ્રનાથને નિયુક્ત કર્યા. અંતિમ દિવસોમાં એમણે સ્વામીજીને કહ્યું હતું: ‘જો નરેન, આ બધાને તારા હાથમાં સોંપતો જાઉં છું, કારણ તું જ બધાથી અધિક બુદ્ધિમાન અને શક્તિશાળી છે. બધા પર ખૂબ સ્નેહ રાખજે; એવી વ્યવસ્થા કરજે કે એ બધા ઘેર પાછાં ન ફરતા એક જ સ્થાનમાં રહીને, સાધન-ભજનમાં મન પરોવે. તું એ વ્યવસ્થા કરીશ.’ (અં.લી. ૪૧૫)

કાશીપુર ઉદ્યાનમાં વ્યાધિગ્રસ્ત શ્રીઠાકુરની સેવા માટે એકત્રિત યુવકો દ્વારા એક વિશાળ સંઘની સંભાવના બની ગઈ હતી. શ્રીઠાકુરની સેવા સાથે ત્યાં એવી તપશ્ચર્યા ચાલતી હતી કે ભૂત પણ ભાગી જાય અને ત્યાંના ઓરડામાં લખવામાં આવ્યા હતા બુદ્ધની પ્રતિજ્ઞાના પ્રખ્યાત શબ્દો : 

ઈહાસને શુષ્યતુ મેં શરીરં ત્વગસ્થિમાંસં પ્રલયંચ યાતુ ।
અપ્રાપ્ય બોધિ બહુકલ્પદુર્લભાં નૈવાસનાત્‌ કાયમતશ્ચલિષ્યતે ॥ 

‘ભલે આ આસને દેહ સૂકાઈ જાય, ચર્માસ્થિ અને માંસ વિલીન થાય; બહુકલ્પ દુર્લભ બોધિસત્ત્વને જ્યાં લગી હું ન પામું ત્યાં લગી આ આસનથી દેહ હટશે નહિ.’

કાશીપુર ઉદ્યાનમાં રોગશય્યા પર સૂતેલા શ્રીઠાકુરે નિર્માણ કર્યું – વિવેકાનંદનું, મૂર્તિમંત ભારતનું, ત્યાગીશ્વર યતિરાજ શિવનું, રામાજ્ઞાથી સમુદ્ર ઉલ્લંઘનાર મહાવીર હનુમાનનું. હવે દિશાઓ ધ્રજવાની હતી, ફણા પર પ્રહાર થતા ફૂત્કાર કરતા ફણિધરની માફક હવે ભારત જાગવાનું હતું; કારણ, વજ્ર આકાશથી છૂટી ચૂક્યું હતું; કેવળ તે આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપી રહ્યું હતું!

એક સાંજે શ્રીઠાકુરે હુકમનામું લખી આપ્યું: ‘જય રાધે પ્રેમમયી! નરેન ઉપદેશ આપશે, જ્યારે તે ઘરે (દેશમાં) અને બહાર (વિદેશમાં) હુંકાર કરશે. જય રાધે!’  (અ.લી.૨૮૫) આમ કાશીપુર ઉદ્યાનમાં વિશ્વમંગલનો શંખ ફૂંકાઈ ગયો. શ્રીઠાકુરની મહાસમાધિના ત્રણચાર દિવસ પહેલાંની ઘટના વિશે સ્વામીજી લખે છે: ‘‘ઠાકુરનું શરીર જવાના ત્રણચાર દિવસ પહેલાં એમણે મને એકાંતમાં પાસે બોલાવ્યો. મને પોતાની સામે બેસાડીને મારા તરફ પોતાની દૃષ્ટિ સ્થિર રાખી તેઓ સમાધિમગ્ન થઈ ગયા. મેં અનુભવ કર્યો કે એમના શરીરમાંથી એક સૂક્ષ્મતેજ, વિદ્યુતના તરંગની જેવી એક શક્તિ નીકળી અને મારા શરીરમાં પ્રવેશી રહી છે. ધીરે ધીરે હું મારું બાહ્યભાન ખોઈ બેઠો. હું સ્થિર બની ગયો. મને યાદ નથી કે હું કેટલીવાર એ જ રીતે બેઠો રહ્યો. જ્યારે બાહ્ય ચેતના પાછી આવી ત્યારે જોયું તો ઠાકુર રડી રહ્યા હતા. મારા પૂછવાથી તેમણે બહુ જ પ્રેમથી કહ્યું: ‘આજે તને મારું સર્વસ્વ આપીને હું ફકીર થઈ ગયો છું. આ શક્તિ દ્વારા તું જગતનું ઘણું જ કાર્ય કરીશ. કાર્ય પૂરું થયે તું પાછો ફરીશ.’’  (અ.લી.૪૧૫)

બધા ભક્તો એકનિષ્ઠભાવથી શ્રીઠાકુરની સેવા કરી રહ્યા છે. પણ આ બધામાં શશી (સ્વામી રામકૃષ્ણાનંદ)નો ભાવ અનન્ય છે. તેઓ ક્ષણ માટે પણ શ્રીઠાકુરથી દૂર જવા રાજી નથી. શશી મહારાજનું સ્મરણ કરતાં મન: ચક્ષુ સમક્ષ લક્ષ્મણનું ચિત્ર આવે છે: વીરાસનવાળી, ધનુષ્યનું સંધાન કરી, પર્ણકુટિની બહાર પ્રભુની ચોકી કરતા સાવધાન લક્ષ્મણ! જેમણે ચૌદ વર્ષ નિદ્રા ત્યજી. શ્રીઠાકુરના દેહમાં દાહ છે અને શશી પંખો લઈ એને પવન ઢોળી રહ્યા છે ત્યારથી લઈને પ્રભુના પવિત્રદેહને જ્યારે અગ્નિ અપાયો ત્યારે પણ તેઓ નિ:શબ્દપણે ચિતા પાસે હાથમાં પંખો લઈને બેઠા છે. વળી જ્યારે ઠાકુરના પવિત્ર અસ્થિઓ કાકુડગાચ્છી યોગોદ્યાને પૃથ્વીગર્ભમાં સ્થાપિત કરીને માટી નાખવામાં આવી ત્યારે શશી રોઈ પડ્યા અને કરુણ સ્વરમાં બોલ્યા: ‘અરે, શ્રીઠાકુરના દેહ પર મોટો પ્રહાર થઈ રહ્યો છે!’ (અ.લી.૪૩૨) એમની વાત બધાની આંખો ભીંજવી ગઈ. શશી મહારાજની એકનિષ્ઠ ભક્તિ માટે ‘જીવનવૃત્તાંત’માં લખાયું છે: ‘લાગે છે કે ઠાકુરની સેવા કરવા માટે તું જન્મજન્માંતરથી કઠિન તપસ્યા કરી રહ્યો હોઈશ. તારા માટે જ પ્રભુ ભીષણવ્યાધિગ્રસ્ત થઈને સૂતા છે. આ કારણે તું પ્રભુનો વિશેષ કૃપાપાત્ર છે. એમની કૃપાથી તું સેવકમંડળનો ચૂડામણિ છે.  (અ.લી.૪૦૪) અને આવું જ રામાયણમાં લક્ષ્મણજી વિશે કહેવાયું છે: લક્ષ્મણ વનવાસ માટે જ્યારે માતા સુમિત્રાની આજ્ઞા માગવા જાય છે ત્યારે માતા કહે છે : બેટા, તું ભાગ્યવાન છે, પ્રભુ તને સેવાનો અવસર આપવા જ વનમાં જાય છે. 

‘તુમ્હરેં હી ભાગ રામ વન જાહીં, દુસર હેતુ તાત કછુ નાહીં.’

ઠાકુર તેમના ત્યાગી યુવા શિષ્યો માટે કહેતા: ‘આ બધા મારા સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી છે, મારા હમદર્દ છે. જ્યારે તેઓ (શ્રીઠાકુર) આવે છે, ત્યારે બધા હાજર થઈ જાય છે.’  (અ.લી.૩૩૦) 

શ્રીઠાકુરને વ્યાધિમુક્ત કરવા માટે બધા જ ભક્તો પ્રાણપણથી પ્રયાસ કરી રહ્યા હતા. ભક્તોના હૃદયની ઉત્કટતા જાણવા માટે એક જ ઉદાહરણ પૂરતું થઈ રહેશે. ઠાકુર અચાનક એકવાર નિરંજનને પૂછે છે: ‘નિરંજન, મારો વ્યાધિ મટી જાય તો તું શું કરીશ?’ આ સાંભળીને નિરંજન એકદમ બોલ્યા: ‘બગીચામાં જેટલા ઝાડ છે તે બધાંને મૂળિયાં સહિત ઉખેડીને ગંગામાં નાખી દઈશ.’ શ્રીઠાકુર હસતાં હસતાં કહે છે : ‘તારા માટે આ કામ અશક્ય નથી, તું આ કરી શકે છે.’ (અ.લી.૪૦૦) 

કાશીપુર ઉદ્યાનનો સારવાર ખર્ચ અમુક ગૃહસ્થ ભક્તો ઉપાડતા હતા. એકવાર ગૃહસ્થોને ત્યાગી યુવા ભક્તો સાથે મનદુ:ખ થયું. નરેન્દ્રે ઠાકુરને બધી વાત કરી. શ્રીઠાકુર એમને કહેતા: ‘જુઓ, ગૃહસ્થો આ પૈસો પરસેવો પાડીને કમાયા છે, નિરર્થક ખર્ચ ન કરતા. અહીં દાન દેવું પડતું નથી એટલે બધા આવે છે.’ (અ.લી.૩૧૫) બહુ જ પ્રયત્ન કરવા છતાં ખર્ચ વધતો જ જતો હતો. તેથી ગૃહસ્થોએ સૂચન કર્યું કે શ્રીઠાકુરની સેવામાં ત્રણ સેવકો રહે. બાકીના પોતપોતાના ઘરે ચાલ્યા જાય એમની સગવડતા પ્રમાણે કાશીપુર આવતાજતા રહે. નરેન્દ્રનાથે આ સૂચન ન સ્વીકાર્યું. આને લીધે થોડી કટુતા ઊભી થઈ. પૂંથીમાં આવું વર્ણન છે : 

નરેન્દ્રનાથ કહે છે : ‘હું તમને (ઠાકુરને) ખભા પર રાખીને ફરીશ. દ્વારે દ્વારે ભિક્ષા માગીને તમારી સેવા કરીશ. નરેન્દ્રને અપ્રસન્ન જોઈને પ્રભુએ કહ્યું: ચાલો, હું ત્યાં આવીશ જ્યાં તમે બધા જશો, જ્યાં તમે મને રાખશો ત્યાં રહીશ અને જેમ રાખશો તેમ રહીશ.’ ઠાકુરની સંમતિ મેળવીને યુવકોએ નિશ્ચય કર્યો કે ભિક્ષા માગીને પણ કાશીપુર ઉદ્યાનનિવાસનો ખર્ચ ચલાવવો. ગૃહસ્થોને દર્શન માટે આવવા ન દેવા. જરૂર જણાય તો દંડો લઈને દ્વાર પર ચોકી પહેરો કરવો.

આ કટુતા પણ શ્રીઠાકુરની લીલાનો જ ભાગ હતી. તેઓ ઇચ્છતા હતા કે એમના ત્યાગી સંતાનો બધાં અવલંબન છોડીને પૂર્ણપણે ઈશ્વરનિર્ભર બને. આમ થોડા દિવસ ટકરાવ કરાવી એ બધાને પાછા પ્રેમસૂત્રમાં પરોવી દીધા.

૯મી ડિસેમ્બર, ૧૮૯૮માં અનુષ્ઠાનપૂર્વક મઠનો આરંભ થયો. પોતાના જમણા ખભા પર શ્રીઠાકુરના પવિત્ર અસ્થિનો તામ્રકુંભ લઈને સ્વામીજીએ શ્રીઠાકુરને નવા મઠની જમીન પર પ્રતિષ્ઠિત કર્યા ત્યારે શ્રીઠાકુરના શબ્દોને યાદ કરતાં સ્વામીજીએ કહ્યું: ‘‘ઠાકુરે મને કહ્યું હતું : ‘તું મને ખભે બેસાડીને જ્યાં લઈ જઈશ હું ત્યાં જઈશ અને રહીશ, ભલે એ સ્થાન વૃક્ષની નીચે હોય કે ઝૂંપડામાં.’ એટલા માટે હું સ્વયં ખભા પર ઉઠાવીને નવા મઠની ભૂમિમાં એમને લઈ જઈ રહ્યો છું અને એ નિશ્ચિત માનજો કે શ્રીઠાકુર અહીંયા દીર્ઘકાળ સુધી બહુજનહિતાય સ્થિરનિવાસ કરશે.’’ (અ.લી.૪૧૬)

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.