‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે:
નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન।
નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥
આના બે અર્થો થઈ શકે. એક તો – “હે પ્રભુ, તમે નિર્ભય છો, તમે સંશયરહિત થઈ ગયા છો, તમે દૃઢ- નિશ્ચયવાળું મન ધરાવો છો, તમે નિષ્કારણ (કારણરહિત) છો, ભક્તોના શરણરૂપ છો, તમે જાતિ અને કુળનું અભિમાન ફગાવી દીધું છે.’’
અથવા તો – ‘‘હે પ્રભુ, તમે જાતિ-કુળનો ભેદભાવ રાખ્યા વગર વિના કા૨ણે સૌ ભક્તોને શરણ આપો છો, તેથી અમે નિર્ભય થઈ ગયા છીએ, અમારા સંશયો જતા રહ્યા છે, અમે હવે દૃઢનિશ્ચયવાળું મન ધરાવતા થઈ ગયા છીએ.”
‘તૈત્તિરીયોપનિષદ’માં કહ્યું છે:
ભીષાસ્માદ્વાતઃ પવતે। ભીષોદેતિ સૂર્ય:।
ભીષાસ્માદગ્નિશ્ચેન્દ્રશ્વ। મૃત્યુર્ધાવતિ પંચમ ઈતિ।
(તૈ.ઉ.૨૯૮)
‘‘એના (બ્રહ્મ)ના ભયથી જ પવન ચાલે છે, (એના જ) ભયથી સૂર્ય ઉદિત થાય છે, એના જ ભયથી અગ્નિ, ઈન્દ્ર અને પાંચમું મૃત્યુ પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે.’’
આવા પરબ્રહ્મ જ શ્રીરામકૃષ્ણરૂપે અવતરે ત્યારે તેઓ ‘ભયરહિત’ હોય તેમાં નવાઈ શી? વળી મનુષ્યરૂપમાં શ્રીરામકૃષ્ણદેવે અદ્વૈત વેદાંતની સાધના કરી આત્મ-સાક્ષાકાર કર્યો હતો. જે પોતાના જ આત્માને સર્વત્ર જુએ છે, તેને ભય ક્યાંથી આવી શકે? ‘બૃહદારણ્યકોપનિષદ’માં યાજ્ઞવલ્કય જનકને કહે છે- ‘‘અભયમ્ વૈ પ્રાપ્તોસિ જનક’’ ‘‘જનક, તમે અભયને પામ્યા છો!” (બૃ. ઉ. ૪|૧|૪)
નાનપણથી જ શ્રીરામકૃષ્ણદેવ નીડર હતા, કામારપુકુર ગામના સ્મશાનમાં મધરાતે ઊંડા ધ્યાનમાં મગ્ન રહેતા. નીડરતાથી સત્યનું પાલન કરતા, ધની લોકો કે મોટા લોકોની પરવા કરતા નહિ, નીડરતાથી પોતાના સિદ્ધાંતો પ્રમાણે વર્તન કરતા.
‘મુંડકોપનિષદ’માં કહ્યું છે:
ભિદ્યતે હૃદયગ્રંથિશ્છિદ્યન્તે સર્વસંશયાઃ।
ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન્દ્રષ્ટે પરાવરે।।
(મુ.ઉ.૨૮)
‘‘પરબ્રહ્મનાં દર્શન કર્યા પછી હૃદયની અવિદ્યારૂપી ગ્રંથિઓ ખૂલી જાય છે, બધા સંશયો દૂર થઈ જાય છે, સર્વ કર્મોનો ક્ષય થઈ જાય છે.”
શ્રીરામકૃષ્ણદેવે એ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હતો એટલે તેમના સર્વ સંશયો દૂર થઈ ગયા હતા.
શ્રીરામકૃષ્ણદેવનું મન નાનપણથી જ દૃઢ નિશ્ચયવાળું હતું. ઉપનયન વખતે તેમણે જીદ લીધી કે પ્રથમ ભિક્ષા ધની લુહારણ પાસેથી જ લેશે. ઘણા લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવા ઉચ્ચ વંશીય બ્રાહ્મણ હોવા છતાં નિમ્ન જાતિની સ્ત્રી પાસેથી જો તે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે તો બ્રાહ્મણધર્મ નષ્ટ થશે. પણ નાના બાળક ગદાધરનો તર્ક હતો કે તેમણે ધની લુહારણને વચન આપેલું કે તેના હાથેથી જ પ્રથમ ભિક્ષા ગ્રહણ ક૨શે, જો હવે તેઓ સત્યનું પાલન ન કરે તો બ્રાહ્મણનો મુખ્ય ધર્મ – સત્યપાલન – નહિ સચવાય, તો પછી ઉપનયન સંસ્કારથી લાભ શો? છેવટે સગાંવહાલાંઓને નમતું જોખવું પડ્યું. તોતાપુરી પાસેથી અદ્વૈત વેદાંતની સાધના શીખવાની ભૈરવી બ્રાહ્મણીએ શ્રીરામકૃષ્ણદેવને ના પાડી હતી, આથી તેમના ભક્તિભાવને હાનિ પહોંચશે એમ માનીને પણ શ્રીરામકૃષ્ણદેવ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. અદ્વૈત વેદાંતની ચરમસીમા – નિર્વિકલ્પ સમાધિ -માં આરૂઢ થયા. પોતાની ભક્તિને આંચ આવવા ન દીધી, એટલું જ નહિ, તોતાપુરીને પણ જગન્માતાના ભક્ત બનાવી દીધા.
ઈશ્વર સમસ્ત સૃષ્ટિના કારણરૂપ છે, ભલા તેના કારણરૂપ વળી બીજું કોણ હોઈ શકે? શ્રીરામકૃષ્ણદેવ પરબ્રહ્મરૂપે ‘નિષ્કારણ’ છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે –
ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્॥
(ગીતા: ૯/૧૮)
હું જ એ ૫૨મધામ, ભરણપોષણ કરવાવાળો પ્રભુ, સાક્ષી, નિવાસસ્થાન, શરણ લેવા યોગ્ય, સુહૃત, ઉત્પત્તિ અને પ્રલયનો આધાર અને નિધાન છું અને અવિનાશી કારણ હું જ છું”.
શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરરૂપે ભક્તોના શરણરૂપ તો છે જ, મનુષ્યરૂપ ધારણ કર્યું ત્યારે પણ તેઓ કેટલાય ભક્તોના શરણરૂપ બન્યા અને બની રહ્યા છે.
શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘‘‘હું’ અને ‘મારું’ એ જ અજ્ઞાન.” ‘કાચા આમિ’ (કાચો અહમ્) ‘પાકા આમિ’ (પાકો અહમ્)ની વાત કહેતા. કાચો ‘હું’ કહે છે ‘‘હું અમુક જાતિનો છું, અમુક કુળનો છું, હું આટલો બુદ્ધિમાન છું, મારી પાસે આટલું ધન છે, આવડો મોટો બંગલો છે” વગેરે. પાકો અહં કહે છે, “હું ઈશ્વરનો દાસ છું, સેવક છું.” વગેરે. પોતાના જીવન દ્વારા શ્રીરામકૃષ્ણદેવે પ્રદર્શિત કર્યું કે મનુષ્ય કેટલી હદ સુધી નિરહંકારી થઈ શકે અને કેવી રીતે ‘અહમ્’ના સકંજામાંથી નીકળી શકે. આવી અદ્ભુત નિરહંકારિતા વિશ્વના ઈતિહાસમાં અન્યત્ર જોવા મળતી નથી.
દક્ષિણેશ્વરના મંદિરની નજીક વસતા ભંગીના ઘરમાં શ્રીરામકૃષ્ણદેવ મધરાતે જતા અને પોતાના માથાના લાંબા વાળથી તેનું આંગણું સાફ કરતા અને સાથે સાથે પ્રાર્થના કરતા, ‘‘હે જગન્માતા, મને ભંગીનોય નોકર બનાવી દે, મને એ અનુભવ કરવા દે કે હું એ લોકોના કરતાંય ઊતરતો છું.” ક્યારેક તો મંદિરના કર્મચારીઓના જાજરૂ પણ પોતાના લાંબા વાળથી સાફ કરતા. મંદિરમાં ભિખારીઓ જ્યારે જમી પરવારતા ત્યારે તેઓની એંઠી પાતળો પોતાના માથા પર લઈ જતા. આવી રીતે સાધના કરતાં કરતાં એવી અવસ્થા આવી કે તેમનામાં ‘અહમ્’ લેશ માત્ર રહ્યો નહિ. પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહિ, પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા.
નામયશની લેશમાત્ર સ્પૃહા શ્રીરામકૃષ્ણદેવના મનમાં નહોતી. બ્રાહ્મસમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન તેમના ૫૨મ અનુયાયી હતા. તેમની પ્રશંસા પોતાના સામયિકોમાં પ્રકાશિત કરતા. શ્રીરામકૃષ્ણદેવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આમ કરવાની ના પાડી. શ્રી કેશવચંદ્ર સેને જ્યારે કહ્યું કે આ બધી વાતો લોકોને ખબર પડવાથી તેઓનું કલ્યાણ થશે. ત્યારે શ્રીરામકૃષ્ણદેવે ઉચ્ચ ભાવાવસ્થામાં આવી કહ્યું, “અહીંનો (મારો) સંદેશો ફેલાવવાનો સમય હજુ પાક્યો નથી. આ દેહમાં જે શક્તિ અને ભાવો છે તેઓ પોતાની મેળે જ સમસ્ત જગતમાં ફેલાશે. સેંકડો હિમાલયો પણ તે શક્તિને ખાળી શકશે નહિ.” આટલું કહેતાં કહેતાં તેઓ સમાધિમાં ચાલ્યા ગયા.
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી પ્રેમાનંદજી એક વાર દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં સૂતા હતા. મધરાતે તેમની ઊંઘ ઊડી ગઈ. જોયું તો શ્રીરામકૃષ્ણદેવ ઉન્માદની જેમ ઓરડામાં આંટા મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, ‘મા, આ કીર્તિનું પોટલું પાછું લઈ જા. મારે નામ-યશ નથી જોઈતા. દઈશ નહિ, દઈશ નહિ, મા હું તેના પર થુંકું છું.”
એક વાર કૈલાશ ડૉક્ટર દક્ષિણેશ્વરના મંદિરમાં આવ્યા. બગીચામાં ભાતભાતનાં ફૂલો જોઈ આનંદિત થઈ ગયા. બગીચાની પાસે એક માણસ લટાર મારતો હતો. તેને માળી સમજી તેને બે ચાર ફૂલો ચૂંટી આપવાનું કહ્યું. તેણે નમ્રતાપર્વક ફૂલો આપ્યાં. થોડા દિવસો પછી પરમહંસદેવનું નામ સાંભળી તેમનાં દર્શન કરવા આવ્યા ત્યારે તેઓ લજ્જિત થઈ ગયા. એ માળી બીજા કોઈ નહિ, શ્રીરામકૃષ્ણદેવ પોતે હતા!
રાણી રાસમણિના જમાઈ મથુ૨બાબુ શ્રીરામકૃષ્ણદેવ પ૨ અનન્ય શ્રદ્ધા ધરાવતા. તેમના કુળગુરુ ચંદ્ર હાલદાર આ સાંખી શક્યા નહિ. એક વાર શ્રીરામકૃષ્ણદેવને એકલા જોઈને તેમને પૂછવા લાગ્યા, ‘‘સાચું બોલી દે, તેં કઈ ત૨કીબથી મથુરબાબુને પોતાના કબજામાં કરી લીધા છે?” શ્રીરામકૃષ્ણદેવે નમ્રતાપૂર્વક હાથ જોડી કહ્યું કે તેઓ કોઈ તરકીબ, કોઈ કીમિયો જાણતા નથી; અને તેમની ઈચ્છા મથુરબાબુને કબજે કરવાની નથી. પણ ચંદ્ર હાલદાર એથી વધુ ગુસ્સે થઈ ગયો. ક્રોધના આવેશમાં અંધકારમાં એક ખૂણે તેમને ઢસડીને ‘આજે તો તારે તરકીબ બતાવવી જ પડશે’ એમ કહેતાં કહેતાં પાટુ મારવા માંડ્યો. શ્રીરામકૃષ્ણદેવે મૂંગે મોઢે બધું સહન કરી લીધું, આ વાતની કોઈને જાણ ન કરી. પાછળથી જ્યારે મથુરબાબુને આ વાતની ખબર પડી ત્યારે ક્રોધમાં આવી તેમણે શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું ‘‘બાપુ, તમે આ વાત ત્યારે કેમ ન કરી? એનું માથું ધડથી અલગ કરી દેત!” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું ‘‘હું જાણતો હતો, તારાથી આ વાત સહન નહિ થાય. ૨ખે તું આવું કંઈ કરી બેસે એમ વિચારીને જ મેં વાત ન કરી.’’ કેવી અદ્ભુત ક્ષમા, સહનશીલતા અને નિરહંકારિતા!
એક વાર શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે એક જગ્યાએ એક યજમાનના નિમંત્રણથી ગયા હતા. યજમાને તેમના તરફ કોઈ ધ્યાન ન આપ્યું. તેથી ભક્તો નારાજ થઈ કહેવા લાગ્યા, ‘‘ચાલો, ચાલ્યા જઈએ, અહીં આપણી તરફ કોઈ ધ્યાન દેતું નથી.” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં કહ્યું, ‘‘ધૈર્ય રાખો, અત્યારે જવાથી ગાડીભાડું કોણ આપશે?” ગૃહસ્થને ત્યાંથી સાધુ કંઈ ગ્રહણ કર્યા વગર આવે તો તેનું અકલ્યાણ થાય એ વિચારથી શ્રીરામકૃષ્ણદેવે અપમાનની પરવા ન કરી, એક ગંદી જગ્યામાં તેમને બેસાડવામાં આવ્યા હતા ત્યાં થોડું ભોજન કેમે કરી ગ્રહણ કર્યું પછી જ ગયા.
એક વાર કોન્નગરના એક પ્રસિદ્ધ નૈયાયિક પંડિત દીનબંધ ન્યાયરત્ન શ્રીરામકૃષ્ણદેવને મળવા આવ્યા. શ્રીરામકૃષ્ણદેવે તેમને નમસ્કાર કર્યા. પંડિતજીએ નમસ્કાર ક૨વાને બદલે પૂછ્યું, “આપ શું અમારા પ્રણામને યોગ્ય છો?” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘‘હું બધાનો દાસ છું. મારા માટે સૌ પ્રણામ કરવાને યોગ્ય છે.” પંડિતજીએ ફરી પૂછ્યું, “આપે મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. મારો પ્રશ્ન છે, આપ અમારા પ્રણામને યોગ્ય છો કે નહિ?” શ્રીરામકૃષ્ણદેવ બોલ્યા, ‘‘આ વિશ્વસૃષ્ટિમાં હું પોતાને સૌથી નાનો માનું છું. સૌનો દાસાનુદાસ છું, મારા માટે સૌ પ્રણમ્ય છે.’’ પંડિતજીએ નારાજગીથી કહ્યું, “મારો પ્રશ્ન હજી તમે સમજતા નથી. આપના ગળામાં યજ્ઞોપવિત નથી. માટે આપ બ્રાહ્મણોના પ્રણમ્ય નથી, પણ જો આપ સંન્યાસી હો તો પ્રણમ્ય છો, એટલે પૂછું છું હું આપ સંન્યાસી છો?’’ પણ શ્રીરામકૃષ્ણદેવે ફરી એનો એ જ જવાબ આપ્યો. ‘‘હું સંન્યાસી છું.” એમ તેઓ કહી ન શક્યા.
એક વાર પ્રખ્યાત નાટ્યકાર કવિ ગિરીશ ઘોષના સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ નાટક જોવા શ્રીરામકૃષ્ણદેવ ગયા હતા. ગિરીશ ઘોષનો તેમને મળવાનો આ પ્રથમ અવસર હતો. સાધુ સંતો ૫૨ કે ધર્મ પર તેમની શ્રદ્ધા તો હતી જ નહિ. પ્રણામ ક૨વા કે નહિ તેનો વિચાર કરતા ગિરીશ ઘોષ ઊભા હતા. ત્યાં તો શ્રીરામકૃષ્ણદેવે ઘોડાગાડીમાંથી ઊતરતાની સાથે પોતે જ સામેથી પ્રણામ કર્યા. હવે શું થાય? શિષ્ટતાને ખાતર ગિરીશ ઘોષે પણ સામા પ્રણામ કર્યા. આના જવાબમાં શ્રીરામકૃષ્ણદેવે વધુ નમીને પ્રમાણ કર્યા. ગિરીશ ઘોષે પણ નમીને પ્રણામ કર્યા. શ્રીરામકૃષ્ણદેવે ભોંય ૫૨ માથું ટેકાવીને પ્રણામ કર્યા. હવે ગિરીશ ઘોષને હાર સ્વીકારવી પડી અને પ્રણામનો કાર્યક્રમ બંધ ક૨વો પડ્યો. એટલે જ ગિરીશ ઘોષ કહેતા કે પૂર્વ અવતારોમાં ભગવાન ધનુષ્યબાણ, સુદર્શન ચક્ર વગેરે અસ્ત્રો લઈને પૃથ્વી પર આવ્યા હતા, પણ આ અવતારમાં તો તેઓ પ્રણામ અસ્ત્ર લઈને આવ્યા છે દુષ્ટોનો વિનાશ કરવા નહિ, દુષ્ટોની દુષ્ટતાનો, તેઓના અહંકારનો વિનાશ ક૨વા, તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
Your Content Goes Here




