ભંજન દુઃખ ગુંજન . . . .
ભગવાન બુદ્ધ મહાપ્રસ્થાનની તૈયારી કરી રહ્યા છે. એક વૃક્ષ નીચે તેમના માટે એક કામળો પાથરવામાં આવ્યો છે અને તેઓ સિંહની માફક જમણું પડખું કરીને શય્યાસન થઈ મૃત્યુની વાટ જોઈ રહ્યા છે. બરાબર તે જ વખતે ઉપદેશ લેવા માટે એક માણસ એકાએક આવી ચડ્યો. પોતાના ગુરુદેવની મૃત્યુશય્યા પાસે ગમે તે ભોગે શાંતિ જાળવવા ઈચ્છતા શિષ્યોને આ આગંતુક ઘૂસણખોર લાગ્યો અને તેને કોઈ પણ પૂછતાછની મનાઈ કરી. પરંતુ પરમ કારુણ્યમૂર્તિ ભગવાન બુદ્ધ એમના શબ્દો સાંભળી ગયા અને બોલ્યા, ‘‘ના, ના, તથાગત તો ઉપદેશ માટે હંમેશાં સજ્જ છે.’’ એમણે પોતાના શરી૨ને કોણી ઉ૫૨ ટેકવ્યું અને ઉપદેશ આપ્યો. આવું તો ચાર ચાર વખત બન્યું અને ત્યાર પછી તેમણે મહાપ્રસ્થાન કર્યું.
ઉપર્યુક્ત ઘટનાનું વર્ણન કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ એક વાર કહ્યું હતું, ‘‘શ્રીરામકૃષ્ણ પરમહંસની બાબતમાં પણ આવું બનેલું મેં જોયું છે.” કાશીપુરમાં શ્રીરામકૃષ્ણદેવ મહાસમાધિની તૈયારીમાં છે. ગળામાં કૅન્સર થવાથી બોલવાની સખ્ત મનાઈ છે. એવે સમયે એક માણસ સો માઈલનો પ્રવાસ ખેડીને કાશીપુર આવ્યો છે. શ્રીરામકૃષ્ણદેવને મળવા આતુર છે પણ ભક્તોએ એ માણસને પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ વચ્ચે પડ્યા અને તેને આવવા દેવાનો અને ઉપદેશ આપવાનો એમણે આગ્રહ રાખ્યો. જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રીરામકૃષ્ણદેવ કરુણા વરસાવતા રહ્યા. સિસ્ટર નિવેદિતા લખે છે, ‘‘બુદ્ધમાં એમને (સ્વામી વિવેકાનંદજીને) શ્રીરામકૃષ્ણ ૫૨મહંસનાં દર્શન થતાં અને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં બુદ્ધનાં.”
ઈશ્વ૨ અવતાર ગ્રહણ કરે છે – બુદ્ધરૂપે, ઈશુખ્રિસ્તરૂપે, શ્રીરામરૂપે, શ્રીકૃષ્ણરૂપે – જીવોનાં દુ:ખ દૂર કરવા, કરુણાથી વિચલિત થઈ માનવદેહ ધારણ કરી અસંખ્ય કષ્ટો વેઠી કઠોર કર્મો કરે છે – અને તે માત્ર જગતના કલ્યાણાર્થે. આ વખતે શ્રીરામકૃષ્ણ આવ્યા છે પૃથ્વી પર પોતાની કરુણાગંગા વહેડાવવા. એટલે જ સ્વામી વિવેકાનંદજી ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની નવમી પંક્તિમાં કહે છે-
‘‘ભંજન દુ:ખ ગંજન કરુણાધન કર્મ કઠોર’’ – હે કરુણાધન! તમે જીવોનાં દુઃખો નાશ કરો છો, અને એ માટે કઠોર કર્મો કરો છો.’’
સંસારના તાપથી તપ્ત અગણિત નર-નારીનાં દુઃખ દૂર કરવા માટે કરુણામૂર્તિ શ્રીરામકૃષ્ણદેવ હંમેશાં વ્યાકુળ રહેતા. ફક્ત તેઓના ભવબંધનનું દુઃખ દૂર ક૨વા માટે જ નહિ, તેઓનાં લૌકિક દુઃખો દૂર કરવા માટે પણ તત્પર રહેતા. પોતાને શરણે આવેલા લોકસમુદાયના વ્યક્તિગત દુઃખ દૂર કરીને તેઓ અટકતા નહિ. પરંતુ સામૂહિક રીતે પણ તેઓનાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા.
એક વાર શ્રીરામકૃષ્ણદેવ રાણી રાસમણિના જમાઈ શ્રીમથુરનાથ વિશ્વાસની સાથે તેમની નદિયા જિલ્લામાં આવેલ જમીનદારીની જાગીર જોવા કલાઈઘાટા (રાણાઘાટ) ગયા હતા. તે સમયે પ્રજાગણ પાસેથી વેરો વસૂલ કરવાનો સમય હતો પરંતુ સતત બે વર્ષથી પાક ન થવાથી લોકો દુર્દશાની ચરમ સીમાએ પહોંચી ગયાં હતાં. ભૂખના દુઃખે દીન દુર્બળ લોકોનાં જર્જરિત શરી૨ જોઈ શ્રીરામકૃષ્ણદેવનું હૃદય કરુણાભાવથી આર્દ્ર બની ગયું. તેમણે મથુરબાબુને બોલાવીને એ દુર્ભાગી લોકોની મહેસૂલ માફ કરવા માટે અને તેઓને પેટ ભરીને ખવડાવી વસ્ત્રદાન ક૨વા માટે કહ્યું. મથુરબાબુ બોલ્યા, ‘‘બાપુ, તમને ખબર નથી કે પૃથ્વી પર કેટલાં બધાં દુઃખ કષ્ટ છે! એ કારણસર પ્રજાનો મહેસૂલ માફ થાય નહિ.’’ શ્રીરામકૃષ્ણદેવ આર્દ્રભાવે બોલ્યા ‘‘મથુર, તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે. તેઓ જગંદબાનાં સંતાન છે. તેમનાં અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વા૫૨વી જોઈએ.’’ મથુરબાબુને શ્રીરામકૃષ્ણદેવના દુઃખીઓને સહાયરૂપ થવાના સદાગ્રહ આગળ નમતું જોખવું પડ્યું. આજે આપણે ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટની વાત કરીએ છીએ. શ્રીરામકૃષ્ણદેવે કેટલાંય વર્ષો પૂર્વે મથુરબાબુના માધ્યમથી આ વાત કરી હતી તેને જો આપણે અનુસર્યા હોત તો ટ્રેડ યુનિયન અને મૅનૅજમૅન્ટના વચ્ચેનાં ઘર્ષણો ઓછા થવાથી દેશની ‘ઉત્પાદકતા’માં કેટલો વધારો થયો હોત! અને કેટલાં લોકોનું કલ્યાણ કરી શકયા હોત!.
શ્રીરામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે તીર્થભ્રમણ કરી રહ્યા હતા ત્યારે બિહાર રાજ્યના દેવધર (વૈદ્યનાથ) પાસે આવી જ એક ઘટના ઘટી હતી. ગામના સંથાલ – આદિવાસી જાતિનાં લોકો ભૂખનાં દુઃખથી પીડિત, ક્ષીણકાય અને વસ્ત્રહીન અવસ્થામાં હતાં. એ પ્રદેશમાં બે વર્ષથી દુષ્કાળ પડ્યો હતો. ગ્રામવાસીઓનાં દુઃખદારિદ્રય જોઈને શ્રીરામકૃષ્ણદેવનું હૃદય એકદમ કરુણાથી ભરાઈ ગયું. તેમણે મથુરબાબુને કહ્યું, ‘‘તમે તો માના દીવાન છો. આ બધાંને માથાદીઠ તેલ અને એક પહેરવાનું વસ્ત્ર આપો અને એક દિવસ ભરપેટ જમાડી દો.’’ મથુરબાબુ બોલ્યા ‘‘બાપુ, તીર્થોમાં ઘણોય ખર્ચ થશે. આ લોકો તો આટલાં બધાં છે. આમ કરવા જતાં પૈસા ખૂટી પડશે.” આ વાત સાંભળી શ્રીરામકૃષ્ણદેવ દુઃખિત થયા, ગ્રામવાસીઓની દશા જોઈને અશ્રુની ઘાર ચાલી. હૃદયની અપૂર્વ કરુણાના આવેશ સાથે તેઓ બોલી ઊઠ્યા ‘‘જા, તારી કાશીએ મારે નથી જવું. હું તો આ બધાંની સાથે જ રહીશ, એમનું કોઈ નથી. એમને છોડીને હું નથી જવાનો.” એમ બોલીને બાળકની જેમ રીસાઈ જઈને કંગાળોની વચમાં જઈને બેસી ગયા! હવે શું થાય? ન છૂટકે મથુરબાબુએ કલકત્તાથી વસ્ત્રો મગાવ્યાં અને શ્રીરામકૃષ્ણદેવની ઈચ્છા પૂર્ણ કરી. ગ્રામવાસીઓને આનંદિત જોઈને શ્રીરામકૃષ્ણદેવ રાજી રાજી થઈ ગયા અને તીર્થયાત્રા કરવા આગળ વધ્યા. આજે તો રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સમસ્ત દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે અનેક રાહત કાર્યો ચાલે છે, પણ તેના પ્રેરણાસ્રોત તો શ્રીરામકૃષ્ણદેવ પોતે જ છે.
એક વાર કોઢથી પીડાતા એક માણસે આવીને શ્રીરામકૃષ્ણદેવને અત્યંત કાલાવાલા કરીને કહ્યું કે તેઓ જો એક વાર હાથ ફેરવી દે તો એનો રોગમાંથી છુટકારો થઈ જાય. એના તરફ કૃપાવશ થઈને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘‘હું તો કશુંયે જાણતો નથી ભાઈ, પણ તમે જ્યારે એવું કહો છો તો લાવો, હાથ ફેરવી દઉં, માની ઈચ્છા હશે તો મટી જશે.” એમ બોલીને હાથ ફેરવી દીધો. એ દિવસે એમના હાથમાં આખોયે દિવસ એવી તો પીડા થયા કરી કે આકુળવ્યાકુળ થઈને તેઓ જગંદબાને કહેવા લાગ્યા, ‘‘મા, ફરી કોઈ દિવસ આવું કામ નહીં કરું.” પેલા રોગીનો રોગ તો મટી ગયો પણ એનો ભોગ શ્રીરામકૃષ્ણદેવને પોતાના દેહમાં ભોગવવો પડ્યો. આમ છતાં કરુણામય શ્રીરામકૃષ્ણદેવ સંસ્પર્શથી દુઃખીઓ ૫૨ કૃપા વરસાવતા રહ્યા. પાપીઓના પાપની પીડા પોતે ભોગવતા રહ્યા. એટલું જ નહિ અંતે ગળાના કેન્સરની પીડા ય ભોગવવી પડી પણ આ બધું વેઠ્યું, ‘‘સર્વજન હિતાય, સર્વજન સુખાય, સર્વજન મોક્ષાય.’’
એક વાર દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવે જોયું કે એક વૃદ્ધા નિઃશુલ્ક ભોજનાલયમાંથી પ્રસાદ મેળવવા માટેની કતારમાં ઊભી હતી. તે ધક્કામુક્કીમાં નીચે પડી ગઈ અને રડવા લાગી. વૃદ્ધાની નિઃસહાય દશા વિચારતા શ્રીરામકૃષ્ણદેવ કરુણાથી વિચલિત થઈ રડવા લાગ્યા. જ્યાં સુધી એ અજાણી વૃદ્ધાને શોધીને તેને ભરપેટ ભોજન આપવામાં ન આવ્યું ત્યાં સુધી શ્રીરામકૃષ્ણદેવ બેચેન રહ્યા. એક વાર એક વૃદ્ધા દક્ષિણેશ્વ૨ના ઓરડાના પગથિયાં ચડતી વખતે પડી ગઈ. શ્રીરામકૃષ્ણદેવને જ્યારે ખબર પડી કે એકાદશીનો ઉપવાસ કરવાથી અશક્તિને કારણે આમ બન્યું હતું ત્યારે તેમણે કરુણાપૂર્ણ શબ્દોમાં એ વૃદ્ધાને કહ્યું, ‘‘જુઓ સ્ત્રીઓ ઉપવાસનું દુ:ખ વેઠે એ હું સહન કરી શકતો નથી. તમારે ફળ વગેરે કાંઈ લઈ લેવું, સાવ નિરાહાર ન રહેવું.” શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘‘કળિયુગમાં જીવ અન્નગત છે, નિર્જળા ઉપવાસ વગેરે કઠોર તપસ્યા પાલવે નહિ.” એટલે જ તો કેટલાક ભક્તો કહેતા, ‘‘આપણા ઠાકુર (શ્રીરામકૃષ્ણદેવ) બહુ મજાના. કઠોર તપસ્યા કરવાનું નથી કહેતા.’’
શ્રીરામકૃષ્ણદેવના ભક્ત શ્રી મણિમલ્લિકનો એક જુવાન પુત્ર અચાનક મૃત્યુ પામ્યો. પુત્રશોકથી અત્યંત વ્યથિત થઈ ભગ્નહૃદયે તેઓ પુત્રના અગ્નિસંસ્કાર કરી સીધા જ શ્રીરામકૃષ્ણદેવ પાસે આવ્યા. શ્રીરામકૃષ્ણદેવ તેમના શોક પ્રત્યે ઊંડી સહાનુભૂતિ દર્શાવી કહેવા લાગ્યા, ‘‘અહા! પુત્રશોક સ૨ખી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’’ એમ કહીને તેઓ પોતાના ભત્રીજા અક્ષયના મૃત્યુની વાત એમને દાખલારૂપે કહેવા લાગ્યા. એવા તો દુઃખિત ગંભીર ભાવે એ બધી વાતો કરવા લાગ્યા કે ખરેખર જાણે પોતાના સ્વજનનું મૃત્યુ એઓ નજર સામે ફરી દેખી રહ્યા હોય એમ લાગવા માંડ્યું. આ પછી સંસાર કેવો અનિત્ય અને અસાર છે તથા શ્રીભગવાનના શરણાગત બનીને રહેવામાં જ માત્ર સુખ છે – વગેરે અનેક વાતો કહીને અને પ્રેરણાદાયી ગીત ગાઈને મણિમલ્લિકને સમજાવવા લાગ્યા. આશ્વાસન પામીને જતી વખતે મણિમલ્લિકે કહ્યું, ‘‘આના માટે જ તો આપની પાસે દોડીને આવ્યો. જાણતો હતો કે આ આગને બીજું કોઈ ઠારી શકશે નહિ.’’
શ્રીરામકૃષ્ણદેવનું હૃદય અત્યંત કોમળ હતું. ઘોડાગાડીમાં જતી વખતે જો કોચમેન ઘોડાઓને ચાબુક મારતો તો તેઓ વ્યાકુળ થઈ પોકારી ઊઠતા, ‘‘એ મને મારે છે!’’
શ્રીરામકૃષ્ણદેવનો દેહ પણ અત્યંત કોમળ હતો. અતિ ઉચ્ચ ભાવાવસ્થામાં નિરંતર રહેવાથી દેહ એટલો કોમળ થઈ ગયો હતો કે એક વાર એક કડક લુચી (બંગાળી પુરી) તોડતી વખતે તેમની આંગળી કપાઈ ગઈ! ચાલીને જવું તેમના માટે શક્ય નહોતું તેથી ઘોડાગાડીમાં જવું પડતું. તેઓ રડતાં રડતાં કહેતા, ‘‘નિતાઈ (શ્રીચૈતન્ય મહાપ્રભુ)ની જેમ હું ઘે૨ ઘેર જઈ હરિનામ લેવડાવી શકતો નથી, ઘોડાગાડી વગર ક્યાંય જઈ શકતો નથી.’’ આટલાં કઠોર કર્મો જીવોના કલ્યાણાર્થે કરવા છતાં તેમને સંતોષ નહોતો! શ્રીરામ કે શ્રીકૃષ્ણની જેમ શ્રીરામકૃષ્ણદેવે બાહ્ય શત્રુઓનો સંહાર નહોતો કર્યો, પણ અંતરના શત્રુઓના વધ કરવા કેવી કઠો૨ સાધના બાર વર્ષો સુધી કરી હતી! વિશ્વના ઈતિહાસમાં આવી અપૂર્વ સાધનાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આ બધી સાધના વિશ્વના કલ્યાણાર્થે સમસ્ત જગતની બ્રહ્મ કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે, સમસ્ત જગતમાં આધ્યાત્મિક મોજાંઓને પ્રસારિત કરવા માટે હતી. સાધનાને અંતે પ્રાપ્ત જ્ઞાનામૃત સમસ્ત વિશ્વમાં વિવરણ ક૨વા તેઓ વ્યાકુળ થઈ ગયા. ધોમધખતા તડકામાં તેઓ દક્ષિણેશ્વરનો મનો૨મ બગીચો છોડી સમાધિ અવસ્થાનો આનંદ ત્યાગી આ જ્ઞાનામૃતનું વિતરણ કરવા માટે, લોકોનાં દુઃખ દૂર ક૨વા માટે કલકત્તાની ગલી ગલીએ ફરતા. કેટકેટલાં ઘરે તેઓ આવી રીતે ગયા હતા તેનો કોઈ હિસાબ નથી. શ્રીરામકૃષ્ણદેવના ભક્ત બલરામ બોઝના ઘે૨ જ એકસોથી વધુ વાર તેઓ ગયા હતા. ભક્તોનાં દુઃખોમાં સહભાગી થયા હતા, અને દિવ્ય આનંદની લહાણી કરાવી હતી.
આજે સંસાર દુઃખની જ્વાળાથી બળીઝળી રહ્યું છે. ભૌતિક સુખનાં સાધનોમાં આશ્ચર્યજનક વધારો થવાની સાથે સાથે માનસિક અશાંતિમાં એટલો જ વધારો થયો છે. આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, માનસિક રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ યુગના અવતાર શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થીએ ‘‘હે કરુણામય પ્રભુ, આ યુગમાં તમારો આવિર્ભાવ જીવોનાં દુઃખ દૂર કરવા થયો છે, વિશ્વમાં સમસ્ત લોકોનાં દુઃખો દૂર કરી દો, તેઓના મનમાં શાંતિ અર્પો.’’
Your Content Goes Here




