(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે. પોતાની વિકલાંગતાની વ્યથાને વિસ્મૃત કરીને તેઓએ હકારાત્મક અભિગમ સાથે જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે અને તેઓ આ સંકલ્પ સાથે જીવનનો સાચો આનંદ માણી રહ્યા છે. એમણે લખેલ આ માર્ગદર્શક સૂચનો તેમનું જીવનદર્શન પ્રગટ કરે છે. – સં.)

આપણા દરેકનું એ ખૂબ મોટું સૌભાગ્ય છે કે આપણો જન્મ ભારત જેવા મહાન દેશમાં થયો છે. આવો મહાન દેશ હજુ વધુ મહાન બને એ માટે આપણે દરેકે સતત પ્રયાસો કરતા રહેવું જોઈએ અને આવા પ્રયાસો કરવા એ આપણો કર્તવ્ય-ધર્મ છે. આપણો દેશ હજુ વધુ મહાન, હજુ વધુ સશક્ત, હજુ વધુ સમૃદ્ધ બને એ માટે આપણે આપણા સમાજને પણ હજુ વધુ મહાન, હજુ વધુ સશક્ત, હજુ વધુ સમૃદ્ધ બનાવવા પ્રયાસો કરવા જોઈએ.

આમ તો આપણે સમાજ માટે કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કરતા જ હોઈએ છીએ, જો કે આપણે હજુ વધુ સારા પ્રયાસો કરી શકીએ એમ છીએ. સમાજ-કલ્યાણ માટેનાં અનેક કાર્યોને આપણે આપણા જીવનમાં વણી લઈ શકીએ એમ છીએ. આ માટે કોઈ વિશેષ ધન કે પુરુષાર્થની પણ જરૂર નથી. હા, સમાજ પ્રત્યે આપણામાં ભાવના તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છાશક્તિ હોવી જોઈએ. આપણે આપણા જીવનમાં સમાજ-કલ્યાણના ધ્યેયને વણી લેવા પ્રયાસો કરવા જોઈએ. આપણા જીવનમાં અનેક એવા પ્રસંગો આવ્યે જતા હોય છે કે જેમાં આપણે સમાજ-કલ્યાણ માટે ઘણું બધું યોગદાન આપી શકીએ એમ છીએ.

(૦૧) શિક્ષણ એ કોઈ પણ દેશની પ્રગતિ માટે ખૂબ નોંધપાત્ર પરિબળ છે. આપણે આપણા પરિવારને શિક્ષિત બનાવીએ. આપણે શિક્ષિત હોઈએ તો શિક્ષણ પાછળ થોડો સમય આપીને આપણી આજુબાજુના અશિક્ષિત લોકોને શિક્ષિત કરીએ. તેમજ ગરીબ બાળકોના શિક્ષણ માટે પણ થોડી ઘણી આર્થિક મદદ કરીએ.

(૦૨) ઊર્જાના તમામે તમામ સ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, વેડફીએ નહીં. એર-કંડિશનર, રેફ્રિજરેટર (ફ્રિજ) , વોશિંગ મશીન, ડ્રાયર, વગેરેનો શક્ય એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. સૂર્યશક્તિ જેવાં કુદરતી ઊર્જા સ્રોતોનો વધુ ઉપયોગ કરીએ. પોતાનાં દ્વિ-ચક્રીય કે ચાર પૈડાંવાળાં વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ, તથા સાયકલ અને જાહેર પરિવહનનાં વાહનોનો વધુને વધુ ઉપયોગ કરીએ.

(૦૩) પાણીનો પણ ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરીએ, વેડફીએ નહિ. જળસંચય તરફ પૂરતું ધ્યાન આપીએ. આ માટેના દરેક પ્રયાસને પૂર્ણ સહયોગ આપીએ.

(૦૪) વૃક્ષો કાપીએ નહીં. વૃક્ષોને કાપવા દઈએ નહીં. વૃક્ષોને કપાતાં અટકાવીએ. વૃક્ષો વાવીએ, વધુને વધુ વાવીએ. વાવ્યા બાદ ઉછેર માટે પણ યોગ્ય કાળજી લઈએ.

(૦૫) પ્લાસ્ટિક કે પોલિથીનનો ઉપયોગ શક્ય એટલો ઘટાડીએ. પોલિથીનની પાતળી થેલીને બદલે કપડાની થેલી વગેરે ‘ઇકો-ફ્રેન્ડલી’ વસ્તુઓનો ઉપયોગ કરીએ. કાગળનો પણ ખૂબ કરકસરયુક્ત ઉપયોગ કરીએ. પર્યાવરણ માટેના સંનિષ્ઠ પ્રયાસોને વધુ સતેજ કરીએ.

(૦૬) જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ વધે એવો કોઈ પણ પ્રયાસ ના કરીએ. એટલું જ નહિ, આ ત્રણેય ક્ષેત્રોએ પ્રદૂષણ ઘટે એવા સંનિષ્ઠ પ્રયાસો કરીએ. પર્યાવરણ માટે 3R (Reduce, Reuse, Recycle એટલે ઘટાડો, પુનઃ ઉપયોગ, પુનઃ ઉત્પાદન)નો શક્ય એટલો વધુ ને વધુ પ્રસાર-પ્રચાર કરીએ, આ માટે અભિયાન ચલાવીએ અને આ અભિયાનને તન-મન-ધનથી સાથ-સહકાર-સહયોગ કરીએ.

(૦૭) રાષ્ટ્રીય સંપત્તિનું જતન કરીએ. આવી સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ કે તેમ ન થવા દઈએ.

(૦૮) સ્વચ્છ તેમજ સ્વસ્થ અભિયાન માટે સંનિષ્ઠ પ્રયાસો કરીએ. અઠવાડિયાના કેટલાક કલાકો આ અભિયાનને આપીએ.

(૦૯) ટ્રાફિકના નિયમોનું હંમેશાં પાલન કરીએ. ઓવરટેક કરતી વખતે પૂરતી સતર્કતા રાખીએ. વાહન ‘રોંગ સાઇડ’માં કદી ન ચલાવીએ. જાહેર સ્થળોએ કે જાહેર માર્ગો પર લોકોને કે વાહનચાલકોને અગવડ પડે એ રીતે વાહન ‘પાર્ક’ ન કરીએ.

(૧૦) પરિવારમાં આવતા તમામે તમામ પ્રસંગો ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવીએ. હા, ખોટી દેખાદેખીમાં આવીને નાહકના ખર્ચા ન કરીએ. તમામે તમામ પ્રસંગોમાં અન્નનો બગાડ થતો અટકે એ માટે પ્રયાસો કરીએ.

(૧૧) અનાથાશ્રમો તેમજ વૃદ્ધાશ્રમોની મુલાકાતો લઈએ, પોતાનો કેટલોક સમય ત્યાં વિતાવીએ, જેથી બાળકો અને વૃદ્ધોને પારિવારિક હૂંફ મળે. શક્ય હોય તો જન્મદિવસ કે લગ્નતિથિ જેવા પ્રસંગો તેઓ સાથે ઊજવીએ. અનાથાશ્રમો તેમજ વૃદ્ધાશ્રમોને આર્થિક મદદ પણ કરીએ.

(૧૨) આતંકવાદ સામે લડવા માટે રાષ્ટ્રીય એકતા સદાય જાળવીએ.

(૧૩) કોમવાદ વધે એવા પ્રયાસોને સફળ ન થવા દઈએ. ધાર્મિક સદ્‌ભાવના વધે એવા સંનિષ્ઠ પ્રયાસો કરીએ.

(૧૪) સોશિયલ મીડિયાનો ખૂબ સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ. કોઈપણ પોસ્ટને શેર કરતી વખતે સાવધાની રાખીએ, અફવાઓ ન ફેલાવીએ.

(૧૫) બાળકો, વૃદ્ધો તેમજ વિકલાંગોને સહાયરૂપ થવાનો હંમેશાં પ્રયાસ કરીએ, તેઓને પૂરતો સાથ-સહકાર-સહયોગ આપીએ. સ્ત્રીઓ સાથે પણ હંમેશાં સન્માનપૂર્ણ વ્યવહાર કરીએ.

(૧૬) જૂનાં (પણ સારી સ્થિતિમાં રહેલ) કપડાં, સ્વેટર, જૅકેટ, શાલ, મફલર કે ટોપી, ચાદર, રેઈન કોટ, છત્રી, બૂટ, ચંપલ, વાસણો હોય તો તેનો કચરારૂપે નિકાલ ન કરતાં કે વ્યર્થ સંગ્રહ ન કરતાં જરૂરિયાતમંદ લોકોને આપીએ.

(૧૭) સ્વદેશી બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરીએ. નાના ફેરિયા સાથે ભાવમાં બહુ માથાકૂટ-રકઝક ન કરીએ. જૈવિક કૃષિ, સ્વરોજગારો, હસ્ત-ઉદ્યોગો, લઘુ-ઉદ્યોગો તેમજ કુટિર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ.

(૧૮) એવા પણ અનેક લોકો છે કે જેઓને સરકારી લાભોની ખૂબ જરૂર છે પણ આ લાભો મેળવવા માટેની પ્રક્રિયા કરવા તેઓ અસક્ષમ છે. આવા લોકો તેમજ પરિવારને સરકારી લાભો મળે એ માટે શક્ય એટલી મદદ કરીએ, માર્ગદર્શન આપીએ તેમજ પ્રક્રિયામાં થોડો ઘણો સાથ પણ આપીએ.

(૧૯) રમતગમત, સાહિત્ય તેમજ કળા સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપીએ.

(૨૦) જે પણ ક્ષેત્રમાં હોઈએ તે ક્ષેત્રમાં કર્તવ્યપરાયણતા દેખાડીએ, શક્ય એટલું સારું કામ કરવા પ્રયાસ કરીએ.

(૨૧) દેશ પર કુદરતી કે પછી અન્ય કોઈ પણ આફત (મુશ્કેલી) આવે ત્યારે તન-મન-ધનથી સહાય કરવા દોડી જઈએ.

(૨૨) દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરીએ; ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોભિત થયા વિના યોગ્ય-સક્ષમ ઉમેદવારને મત આપીએ.

(૨૩) સમાજ માટે “હું શું કરી શકું?” એવી ભાવના હૃદયમાં સદાય રાખીએ. ભાવના હશે તો જ સમાજ-કલ્યાણ માટે કાર્યો થશે.

સમાજ-કલ્યાણ માટે આપણાથી થઈ શકે એવાં કેટલાંક કાર્યોની વિગતો આપવા પ્રયાસ કર્યો છે. તમે વિચારશો તો હજુ વધુ બીજાં અનેક કાર્યો પણ મળશે કે જેઓ આપણે કરી શકીએ એમ છીએ. હું હોઉં કે તમે, આપણે સૌ સમાજ માટે કંઈ ને કંઈ કાર્ય તો કરતા જ હોઈએ છીએ. ચાલો ! સમાજ-કલ્યાણ માટે વધુ સારું કાર્ય કરવા પ્રયાસો કરીએ.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.