કલકત્તાના ઝૂંપડપટીવાળાઓ (વસ્તીવાસીઓ) માટે આવાસ યોજના તથા ‘શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનું કલકત્તા’ એ વિષે પ્રદર્શન ગત ૫ મે ના રોજ બે વાગ્યે ક્લકત્તાના રામબાગ ખાતે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર આશ્રમ તૂરા સંચાલિત ઝૂંપડપીવાળાઓની આવાસ – યોજનાનું ઉદ્‌ઘાટન કર્યું. તે વખતે આયોજિત એક જનસભામાં (આઝાદ હિન્દ બાગમાં) ઉપસ્થિત સભાજનો સમક્ષ તેમણે શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા શારદા અને સ્વામી વિવેકાનંદજીના સેવાના આદર્શને અનુસરવાનું આહ્વાન – સ્વાગત પ્રવચનમાં નરેન્દ્રપુર રામકૃષ્ણ મિશન આશ્રમના અધ્યક્ષ સ્વામી અસકતાનંદજીએ રામકૃષ્ણ મિશનની કાર્ય પ્રણાલી વિષે સંક્ષેપમાં જણાવ્યું. ઝૂંપડાવાસીઓના પ્રતિનિધિ, સ્થાનીય જનકલ્યાણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી પન્નાલાલ માણિકે રામકૃષ્ણ મિશનના કાર્ય માટે ઝૂંપડાવાસીઓ વતી હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી. સ્વામી લોકેશ્વરાનંદજીએ રામબાગ વસતીમાં પાંચ દશકાની અંદર કેટલાક અવરોધ – વિપત્તિ વચ્ચે પાથુરિયાઘાટના વિદ્યાર્થીઓ માટેના પ્રથમ વિદ્યાર્થીગૃહ શરૂ થયાની વાતનો ઉલ્લેખ કર્યો. કલકત્તા કોર્પોરેશનના માજી સભાપતિ તેમ જ રામબાગ ખાતેના ‘વિવેકાનંદ પલ્લી’ જનકલ્યાણ સમિતિના સભાપતિ શ્રી ગોવિંદ ડેએ આભાર દર્શન કર્યું. એ દિવસે સાંજે ઈન્ડિયન એપિક કલ્ચર સેન્ટર (Indian Epic Culture Centre) દ્વારા મિ. ઈન્ડિયા વિશ્વનાથ દત્તની ‘સચ્ચિદાનંદ’ અને ‘માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ’ નામની બે નૃત્યનાટિકાઓ રજૂ કરવામાં આવી.

૬ મેના રોજ સાંજે પાંચ વાગ્યે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી જ્યોતિ બસુએ આઝાદ હિન્દ ભાગ ખાતે એક જનસભામાં ભાષણ આપ્યું. તેની પહેલાં “શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદનું કલકત્તા” એ શીર્ષક હેઠળ એક પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું. ત્યાં ઉપસ્થિત હજારો લોકોની સમક્ષ નરેન્દ્રપુર આશ્રમ દ્વારા પ્રકાશિત ‘કલકત્તાના વસ્તીવાળાઓની ઉન્નતિમાં રામકૃષ્ણ મિશન’ શીર્ષક હેઠળ એક સ્મારિકાનું વિમોચન થયું અને ૨૬ પરિવારોને, જનપ્રતિનિધિ દ્વારા નવાં બંધાયેલાં મકાનોની ચાવી તથા તે સંબંધી દસ્તાવેજ અર્પણ કરવામાં આવ્યા.

રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી સ્વામી ગહનાનંદજી તથા અન્ય સહમંત્રી સ્વામી આત્મસ્થાનંદજીએ મિશનના સેવાકાર્ય, તેના આદર્શ અને લક્ષ્ય વિષે પોતાના વિચારો રજૂ કર્યા. સ્વામી લોકેશ્વરાનંદજી અને વિધાયક શ્રી સાધન પાંડેએ બધાનો આભાર માન્યો હતો. એ સાંજે ‘વિવેકાનંદ પલ્લી’ ના રહેવાસીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો.

‘ઉદ્‌બોધન’ પત્રિકાને ‘વિશ્વનાયક વિવેકાનંદ પ્રેમી પુરસ્કાર – ૧૯૯૦’ પ્રદાન

ગત ૪ જુલાઈની સાંજે ૭ વાગીને ૧૫ મિનિટે કલકત્તામાં ઉદ્‌બોધન કાર્યાલયના સારદાનંદ હોલમાં એક ભવ્ય સમારોહમાં ‘ઈન્ડિયન એપિક કલ્ચર સેન્ટર’ (Indian Epic Culture Centre)ના ઉપક્રમે ‘વિશ્વનાયક વિવેકાનંદ પ્રેમી પુરસ્કાર’ રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ને અર્પણ કરવામાં આવ્યો. ‘ઉદ્‌બોધન’ તરફથી ‘ઉદ્‌બોધન’ના સહસંપાદક સ્વામી પૂર્ણાત્માનંદજીએ પુરસ્કાર ગ્રહણ કર્યો. પુરસ્કાર રાશિ રૂ ૧૦,૦૦૧ /- (દસ હજાર એક), તે સાથે એક માનપત્ર તેમ જ પૃથ્વીના ગોળા પર ઊભેલા સ્વામી વિવેકાનંદની પરિવ્રાજક વેશમાં એક સુંદર પ્રતિમા અર્પણ કરવામાં આવી.

પ્રારંભિક ભાષણ આપતાં શ્રી વિશ્વનાથ દત્તે જણાવ્યું કે, “સ્વામી વિવેકાનંદની ૧૨૫મી જન્મશતાબ્દીના ઉપલક્ષમાં સ્વામીજીના આદર્શ પ્રમાણે સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન માટે કોઈ પણ સંસ્થા કે વ્યક્તિને ૧૯૮૮થી પ્રતિવર્ષ આ પુરસ્કાર આપવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના મુખ્ય બંગાળી પત્ર ‘ઉદ્‌બોધન’ને આ વર્ષે વિશ્વનાયક વિવેકાનંદ પ્રેમી પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર સ્વદેશી ભાષામાં પ્રકાશિત થતા ભારતીય સામાયિકમાં ઉદ્‌બોધન જૂનામાં જૂનું છે.”

પુરસ્કાર ગ્રહણ કરતાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ જણાવ્યું કે, ‘ઉદ્‌બોધન’ એ સ્વામીજીનું વાણીશરીર છે. ઉદ્‌બોધન એકસાથે બે ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરે છે – એક તો મહાદેવની, અને બીજી ભગીરથની. મહાદેવની રીતે ‘ઉદ્‌બોધન’ શ્રીરામકૃષ્ણ – ભાવતરંગ ધારણ કરે છે. તેમ જ ભગીરથની રીતે તે તરંગને પ્રવાહિત કરી લોકકલ્યાણનું કાર્ય કરે છે. આ પ્રસંગે તેમણે ઉદ્‌બોધનના સ્થાપક સ્વામી વિવેકાનંદ તેમ જ પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતાનંદના સ્વપ્ન અને સાધનાની વાતનો ઉલ્લેખ કર્યો. તેમ જ સ્વામી સારદાનંદ અને સ્વામી શુદ્ધાનંદના વિશેષ જતનથી તેનું સંચાલન થયાની વાત કરી. ઉદ્‌બોધન સાથે જોડાયેલા સંન્યાસીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સેવાભાવી કાર્યકરો અને અગણિત શુભેચ્છકો પ્રતિ તેમણે આભારની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “આ પુરસ્કાર ગ્રહણ કરવાની સાથે ઉદ્‌બોધનના આદર્શ પ્રતિ મારી પ્રતિબદ્ધતામાં વધારો થાય છે.”

સભાપતિ સ્થાનેથી સ્વામી વિવેકાનંદ પરના વિશિષ્ટ સંશોધન માટે પ્રખ્યાત એવા અધ્યાપક પ્રો. શંકરીપ્રસાદ બસુએ વક્તવ્ય આપતાં જણાવ્યું કે, ‘ઉદ્‌બોધન’ એ સ્વામી વિવેકાનંદનો શંખ છે. શંખની અંદર તેમ જ બહાર સમુદ્રમાંથી ઊઠતા તરંગોનો ધ્વનિ સમાયેલ છે. શંખ વાગવાથી તે સમુદ્રનો ધ્વનિ તેની અંદર સાંભળી શકાય છે. તે રીતે ૯૧ વર્ષોથી વિવેકાનંદ સમુદ્રનો ધ્વનિ ઉદ્‌બોધનના પ્રકાશનથી ઊઠે છે. વિવેકાનંદની ચિંતા કોઈ વ્યક્તિગત ચિંતા નથી. તે તો વિશ્વચિંતા છે. ભારતવર્ષના નવજાગરણ ક્ષેત્રે ઉદ્‌બોધનની એક મોટી ભૂમિકા છે. તેમ જ બંગાળી સાહિત્યનો નવો રાહ નિર્માણ કરવામાં અને સાંસ્કૃતિક તેમ જ આધ્યાત્મિક ચેતના જગાડવામાં પણ તેણે મોટી ભૂમિકા ભજવી છે.”

આ સમારોહમાં કલકત્તાની વિશિષ્ટ ગણમાન્ય વ્યક્તિઓ, બેલુડ મઠનાં વિવિધ કેન્દ્રોના સંન્યાસીઓ, શારદા મઠના વિવિધ કેન્દ્રોનાં સંન્યાસિનીઓ તેમ જ બહુ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા. વસ્તુતઃ વિપુલ પ્રમાણમાં શ્રોતાસમુદાયને સમાવવા માટે સારદાનંદ હોલની બહાર પણ અતિરિક્ત બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓનું ઉજ્જ્વળ પરીક્ષાફળ

રામકૃષ્ણ મિશન, નારાયણપુર (મધ્ય પ્રદેશ) દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાપીઠના આદિવાસી વિદ્યાર્થીઓએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી છે. કાંકેર જિલ્લાની પ્રાથમિક પ્રમાણ પત્ર પરીક્ષામાં આ વર્ષે વિદ્યાપીઠના કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં અબુઝમાડ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થી ચમરુરામે ૯૮% અંક મેળવી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ૧૧ વિદ્યાર્થીઓએ પ્રાવીણ્ય સૂચીનાં પ્રથમ નવ સ્થાન પ્રાપ્ત કરી લીધાં છે. (બીજા અને ત્રીજા સ્થાન પર બે-બે વિદ્યાર્થીઓ આવ્યા છે.) આ વર્ષે બસ્તર જિલ્લાની માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષામાં વિદ્યાપીઠના નવ વિદ્યાર્થીઓ પહેલી વાર બેઠા હતા. આ બધા જ ઉચ્ચ પ્રથમ શ્રેણીમાં પાસ થયા છે અને પાંચ વિદ્યાર્થીઓએ પ્રાવીણ્ય સૂચિમાં ત્રીજું, છઠ્ઠું, સાતમું, ઓગણીસમું અને ત્રેવીસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર (કલકત્તા, પાસે) દ્વારા સંચાલિત જુનિયર ટેકનિકલ શાળાના વિદ્યાર્થીઓએ ફાયનલ જુનિયર ડિપ્લોમા પરીક્ષામાં પહેલું, ચોથું (બે વિદ્યાર્થીઓ) છઠ્ઠું, સાતમું અને દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આંધ્ર પ્રદેશ વાવાઝોડા – રાહત કાર્ય

વિશાખાપટનમ જિલ્લાના અચ્યુતપુરમ્ અને યેલ્લામાનચીલ્લી મંડળોનાં ૪ ગામોના વાવાઝોડાગ્રસ્ત ૧૮૯ પરિવારોમાં રામકૃષ્ણ મિશન દ્વારા નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. – ૧૫૪ સાડીઓ, ૧૦૨૬ વસ્ત્રો અને ૮૪ ધાબળા.

ગુંટુર જિલ્લાના અડવીપાલેમ, ગંગાડીપાલેમ, લંકાવાની ડિબ્બા અને ૨૦ અન્ય ગ્રામોમાં વાવાઝોડાગ્રસ્ત લોકોમાં નીચેની વસ્તુઓનું વિતરણ રામકૃષ્ણ મિશન દ્વારા કરવામાં આવ્યું છેઃ ૩,૮૯૨ ધાબળા, ૧૨,૧૯૨ વસ્ત્રો.

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.