શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.
રાષ્ટ્રીય યુવા સંમેલન
રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ અને (દક્ષિણ) રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા એમ્પ્યુટી પદ્મશ્રી ડૉ. અરુણિમા સિન્હા;, ડેક્ષટરીટી ગ્લોબલ, પટનાના સ્થાપક સી.ઈ.ઓ. શ્રી શરદ સાગર; વડોદરાના યુથ કાઉન્સેલર ડૉ. જયેશ શાહ; વેદાંત સોસાયટી ઑફ જીનીવા (સ્વીટ્ઝર્લેંડ)ના (સૂચિત) સ્પિરિચ્યુયલ ડાયરેક્ટર સ્વામી વેદનિષ્ઠાનંદજી; રામકૃષ્ણ મિશન, જબલપુરના (સૂચિત) સચિવ, સ્વામી નિર્વિકલ્પાનંદજી, અને ઓસ્ટ્રેલિયાના દસ સર્વોચ્ચ શિખરો સર કરનાર સૌથી યુવા ભારતીય સુશ્રી સાચી સોનીએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યાં અને યુવાનોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી-સત્ર ખૂબ જ રસપ્રદ રહ્યું તથા યુવાનોને પ્રેરણાદાયી વીડિયો પણ બતાવવામાં આવ્યા. તમામ સહભાગીઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો. લગભગ ૪૫૦ યુવા ભાઈ-બહેનોએ સંમેલનમાં ભાગ લીધો.
ધ્યાન શિબિર
૩૦ જુલાઈના રોજ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ ૪૦૦ આધ્યાત્મિક પિપાસુઓએ ભાગ લીધો. ધ્યાન શિબિરમાં ભજનો, પ્રવચનો, દ્રશ્ય-શ્રાવ્ય, અને પ્રશ્નોત્તરી-સત્ર સાથે ધ્યાન પર પ્રેક્ટિકલ સત્ર કરવામાં આવ્યાં.
શિબિરમાં સ્વીટ્ઝરલેન્ડના વેદાંત સેન્ટર ઑફ જીનીવાના (સૂચિત) સ્પિરિચ્યુયલ ડાયરેક્ટર સ્વામી વેદનિષ્ઠાનંદજી; રામકૃષ્ણ મઠ, મુંબઈના સ્વામી દયાધિપાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ધ્યાન અને આધ્યાત્મિક જીવન તથા ધ્યાન અને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું.
આશ્રમના સંન્યાસીઓ દ્વારા ધ્યાન સંબંધિત ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના ઉપદેશો પર વાંચન પણ કરવામાં આવ્યું. તમામ સહભાગીઓને આધ્યાત્મિક જીવન સંબંધિત વિષયક પુસ્તકોનો સેટ પણ ભેટ આપવામાં આવ્યો.
નિવાસી યુવા શિબિર

૪ થી ૬ ઑગસ્ટ દરમિયાન ‘નિવાસી યુવા શિબિર’નું આયોજન થયું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ—પોરબંદર, જૂનાગઢ, આદિપુર, ભાવનગર અને રાજકોટના ૪૬ યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોએ આશ્રમની દિનચર્યા અનુસરીને આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, જેમાં ચારિત્ર્યનિર્માણને લગતા વિષયો પર સંન્યાસીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં પ્રવચનો, વૈદિક-મંત્રોચ્ચાર, ગીતાપાઠ, ભજનો સમાવિષ્ટ હતાં. સાંજે રમતો, પ્રશ્નોત્તરી, ઇન્ટરેક્ટિવ સત્રો વગેરે સમાવિષ્ટ હતાં. તેઓને પ્રેરણાદાયી વીડિયો પણ બતાવવામાં આવ્યા. અંતમાં, બધાને સ્વામીજીનાં પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો.
મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ
રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ધો. ૬ થી ૮ ના ૫૯૨ તેમજ ધો. ૯ અને ૧૧ ના ૧૧૧૦ વિદ્યાર્થીઓએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી.
વિદ્યાર્થીઓને આશ્રમ મુલાકાત દરમિયાન તેમની કક્ષા અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વામી વિવેકાનંદનું જીવન-પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્રનિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વીડિયો ક્લિપ, પુસ્તક-વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન-પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. તેઓને પુસ્તકો તથા નાસ્તો આપવામાં આવ્યાં.
શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો
રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ તથા ભાવનગર વિસ્તારની ૯ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના વર્ગો લેવામાં આવ્યા. આ કાર્યક્રમનો લગભગ ૪૦૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો. વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું. આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદનાં જીવન પર ચિત્રપ્રદર્શન અને પ્રેરણાદાયી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.
૧૫ ઑગસ્ટ-સ્વતંત્રતા દિવસની ઉજવણી

તા. ૧૩ ઑગસ્ટના રોજ રાજકોટ આશ્રમ દ્વારા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી, જેમાં આશ્રમના વ્યક્તિત્વ-વિકાસ-વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા આઝાદીના લડવૈયાઓની શૌર્યગાથાને ઉજાગર કરતું નાટક, એકપાત્રીય અભિનય, શહીદોને સમર્પિત ગીતો, રાષ્ટ્રગૌરવ, રાષ્ટ્રવંદના, રાષ્ટ્રપ્રેમ પર અનેકવિધ અદ્ભુત કૃતિઓ રજૂ કરવામાં આવી. ૧૫ ઑગસ્ટના રોજ આશ્રમ પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
આશ્રમ પરિસરમાં 11 ઓગસ્ટના રોજ યોજાયેલ નિ:શુલ્ક નેત્રશિબિરમાં 92 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી. ડી.કે. ગજેરાની ઓજસ આંખની હોસ્પિટલમાં જરૂરતમંદ 51 દર્દીઓના મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગ રૂપે 15 ઓગસ્ટના રોજ 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ. અમારા કોચિંગ સેન્ટરનાં શિક્ષકો, 150 વિદ્યાર્થીઓ અને તેનાં માતા-પિતાએ આ કાર્યક્રમમાં હાજરી આપી. સવારે ધ્વજવંદન અને સાંજે આશ્રમના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંન્યાસીઓ દ્વારા રાષ્ટ્રીય ગીતો પર નૃત્ય, મીમ્સ, વક્તવ્ય સાથેનો એક સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.

રામકૃષ્ણ સેવા કેન્દ્ર ,આદિપુર
૧ ઓગસ્ટને મંગળવારના રોજ શ્રીરામકૃષ્ણ યોગા કેન્દ્ર, આદિપુરનાં બહેનોની સહાયતાથી પુરુષોત્તમ માસ તથા પૂર્ણિમાના શુભદિવસે નવનિર્મિત ચબૂતરાની પૂજા સ્વામી મંત્રેશાનંદ, ગીતાબેન ઠક્કર, આશાબેન ઠક્કર દ્વારા કરવામાં આવી. સાંજે શ્યામનામ-સંકીર્તન તથા પ્રસાદ વિતરણ થયું હતું. ૩ ઓગસ્ટના રોજ અંધજન મંડળ, ભૂજના સહયોગથી નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. ૧૩૨ જરૂરતમંદ દર્દીઓએ લાભ લીધો, ૨૨ દર્દીઓનાં ઓપરેશન ભૂજની કેસીઆરસી આંખની હોસ્પિટલમાં થશે.
૧૦ ઓગસ્ટના રોજ આદિપુરના સ્વામી અલિપ્તેશાનંદજી અંજારની બે વિદ્યાલયોમાં ‘મૂલ્યલક્ષી શિક્ષણ’ વિષય પર પ્રવચન યોજાયું હતું. ૧૨ ઓગસ્ટે રામકૃષ્ણ શારદા સેવાશ્રમ, અંજારમાં ‘મા શારદા ટ્યુશન ક્લાસ’નું ઉદ્ઘાટન થયું હતું. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકો સાથે કરવામાં આવી.
Your Content Goes Here





