શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં વિવિધ રાહત સેવાકાર્યો
* બિહાર : પૂરગ્રસ્ત દરભંગા, હાયાઘાટ, સિંઘવારા તાલુકાના ૧૧ ગામડાંના ૫૬૬ કુટુંબોમાં ૨૮૩૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ અને તૈયાર કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
*કૉન્તાઈ : શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા મિદનાપુર જિલ્લાના નાઈપુર અને ગોકુલપુર આંચલના ૧૪ ગામડાંના ૬૦૪ કુટુંબોમાં ૪૮૦૦ કિ. ચોખા, ૧૨૫૦ લિ. દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું.
* નરેન્દ્રપુર : શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર, જલાંગી અને બીજાં ૬ ગામડાંના પૂરગ્રસ્ત કુટુંબો માટે બંધાનારાં ૬૭૬ મકાનોમાંથી ૩૫૨ મકાનનું બાંધકામ પૂર્ણ થયું છે. ૪૭ મકાનો પૂર્ણ થવાને આરે છે. આ ઉપરાંત ૧૧૦૦ જાજરૂ, ૩૧ ડંકીનું કામકાજ પણ ચાલુ છે.
મહોત્સવ અને શિલાન્યાસ
*આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન.ચંદ્રાબાબુ નાયડુના વરદ્ હસ્તે ૧૫મી ઑગસ્ટ ૧૯૯૯ના રોજ યુવાનોમાં નૈતિક આધ્યાત્મિક મૂલ્યોની તાલીમ માટે ‘વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન ઍક્સલન્સ’ભવનનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.
*રાંચીના હાઈકૉર્ટ ચૉકથી હિનૂ ચૉક ક્રૉસિંગ સુધીના માર્ગને ‘વિવેકાનંદ પથ’ એવું નામ અપાયું છે.
*નાદી-ફિજીમાં શ્રીવિવેકાનંદ કૉલેજ (જૂની વિવેકાનંદ હાઈસ્કૂલ)નો ત્રણ દિવસનો સુવર્ણજયંતી મહોત્સવ તા. ૨૯ થી ૩૧જુલાઈ સુધી શ્રીરામકૃષ્ણ સંઘના જનરલ સૅક્રૅટરી સ્વામી સ્મરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ મહોત્સવનું ઉદ્ઘાટન ફિજીના વડાપ્રધાન અને આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી મહેન્દ્રપાલ ચૌધરીના વરદ્ હસ્તે થયું હતું. આ પ્રસંગે ફિજીની સરકારના મંત્રીશ્રીઓ, સંસદસભ્યો અને સદ્ગૃહસ્થો ઉપસ્થિત રહ્યા હતા. ૩૦ મી જુલાઈના રોજ પાયોનિયર ડેની ઉજવણીમાં ભારતના ફિજી ખાતેના રાજદૂત પ્રૉ. આઈ.એસ.ચૌહાણ મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સંસ્થાના સંસ્થાપકોનાં સેવા, સહકાર અને નિષ્ઠાને સૌએ યાદ કર્યાં હતાં. એક કમ્પ્યુટર લૅબૉરેટરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ૩૧મી જુલાઈએ ફિજીના યુવા અને રોજગારી વિભાગના મંત્રીશ્રીના અતિથિવિશેષપદે સ્પૉર્ટ્સ ડેની ઉજવણી થઈ હતી.
વિદ્યાકીય
*મેઘાલય સ્કૂલ ઍજ્યુકેશન બૉર્ડમાં ચેરાપુંજી રામકૃષ્ણ મિશનની શાળાના વિદ્યાર્થીએ ૮મો નંબર મેળવ્યો છે.
*કલકત્તા યુનિ.ની બી.એસસી. પરીક્ષામાં બેલૂર વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ રસાયણ વિજ્ઞાનમાં ૩, ૪, ૫, ૬, ૮, ૯ અને ૧૦મું સ્થાન; ગણિતશાસ્ત્રમાં ૧,૬,૮,૧૦મું સ્થાન અને ભૌતિક વિજ્ઞાનમાં ૧,૨,૫ (બે વિદ્યાર્થીઓ)મું સ્થાન મેળવ્યું છે.
*નરેન્દ્રપુર રામકૃષ્ણ મિશન કૉલેજના વિદ્યાર્થીઓએ રસાયણવિજ્ઞાનમાં ૨જું અને ૭મું, ગણિતમાં ૩જું અને ૪થું અને આંકડાંશાસ્ત્રમાં ૧લું અને ૯મું સ્થાન મેળવ્યું છે.
*નટ્ટરામપલ્લી રામકૃષ્ણ આશ્રમ દ્વારા ૧૦૫ શાળાના ૯૦૬ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તક તથા નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
*માનસાદ્વીપ રામકૃષ્ણ આશ્રમે ૩૦૦ ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો આપ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની પ્રવૃત્તિઓ
તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા તા.૧૮મી સપ્ટે.૯૯ના રોજ ગુજરાત બૉર્ડ તેમજ સૅન્ટ્રલ બૉર્ડની પરીક્ષાઓમાં સમસ્ત પોરબંદરમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક કક્ષાની વિભિન્ન શાખાઓની અંતિમ વર્ષની પરીક્ષાઓમાં પોરબંદરમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ આ પ્રસંગે ‘એકવીસમી સદીનું શિક્ષણ’ વિષય પર સારગર્ભિત વક્તવ્ય આપ્યું હતું. તેમના વરદ્ હસ્તે કુલ ૬૫ તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનપત્ર સહિત શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાના પુસ્તકો, ફોટાઓ વગેરે ભેટ આપવામાં આવ્યાંં હતાં.
આ સભામાં વિભિન્ન શાળા-કૉલેજોના આચાર્યો, શિક્ષક ભાઈ-બહેનો તેમજ પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નેત્રયજ્ઞ
૧૬મી સપ્ટે.૯૯ના રોજ રામકૃષ્ણ મિશન પોરબંદર દ્વારા એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૬૫ દર્દીઓની ચિકિત્સા કરવામાં આવી હતી અને ૮ દર્દીઓને ઑપરેશન માટે શિવાનંદ મિશન, વીરનગર લઈ જવામાં આવ્યા હતા.
આધ્યાત્મિક શિબિર
તા.૧૯મી સપ્ટે.૯૯ના રોજ રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા એક આધ્યાત્મિક શિબિરનું આયોજન સવારના ૮થી૧૨ સુધી થયું હતું, જેનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. આશ્રમના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘દૈનિક જીવનમાં સફળતા માટે આધ્યાત્મિક શક્તિની આવશ્યકતા’ વિષય પર પ્રવચન આપ્યા બાદ ઉપસ્થિત ભક્તોને ધ્યાનની મહત્તા અને ધ્યાનના પ્રકારો વિશે સમજણ આપી ધ્યાન કરાવ્યું હતું, તેમજ સાધકોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક અનેરી વિદ્યાર્થી શિબિર
રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા ૧૧મી સપ્ટે. ૯૯ના રોજ એક વિશેષ વિદ્યાર્થી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરની વિભિન્ન શાળાઓના ધો.૧૦ અને ૧૨ના લગભગ ૩૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો. આશ્રમના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના ઉપાયો’ વિષય પર પ્રવચન આપ્યું હતું અને વિદ્યાર્થીઓની પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. બૉર્ડની પરીક્ષાઓમાં પોરબંદરના વિદ્યાર્થીઓના નિકૃષ્ટ પરિણામો વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના સંદેશને અનુસરીને એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું તેમજ અગામી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટેની હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરી હતી.
વડાળામાં વાવાઝોડાગ્રસ્ત પરિવારોના પુનર્વસવાટ માટે નવી વસાહતનો શિલાન્યાસ
પોરબંદર તાલુકાના વડાળા ગામે પાછલા વર્ષે વાવાઝોડા દરમિયાન અસર પામેલા નબળા વર્ગના લોકોના પુનર્વસવાટ માટે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર દ્વારા પાંચ એકર વિસ્તારમાં આશરે ૨૨ લાખના ખર્ચે ૨૦ મકાનો, સામુદાયિક ભવન, પ્રાર્થના મંદિર, ઉદ્યાન તથા જરૂરી ચિકિત્સા, પુસ્તકાલય, વગેરે સગવડો સહિતની નિર્મિત થનારી વસાહતનો શિલાન્યાસ ૧૮મી સપ્ટે.૯૯ના રોજ યોજાયો હતો.
આ પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી બાબુભાઈ બોખરિયાએ સંગઠન અને સહિયારા પુરુષાર્થ દ્વારા કોઈ કાર્ય અશક્ય નથી, તેમ જણાવ્યું હતું. વ્યસન મુક્ત બની, શિક્ષા, શાંતિ અને જ્ઞાનના દીપક વડે રાષ્ટ્રના ઘડતર કાર્યમાં પોતાનું યોગદાન આપી, સુસંસ્કૃત સમાજની રચના માટે, ગરીબોના આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે આગળ આવવા તેમણે દરેકને અપીલ કરી હતી.
આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ શિલાન્યાસ કરતાં જણાવ્યું કે, મંદિરના પત્થરમાં ભગવાનનાં દર્શન થતાં હોય તો મનુષ્યમાં તો સાચે જ ભગવાન છે. માત્ર અંતરાત્માને ઓળખવાની જરૂર છે. સમગ્ર વિશ્વ જ્યારે ૨૧મે સદીના ઉંબરે આવીને ઊભું છે, ત્યારે ભારત દેશ જ વિશ્વનું રાહબર બને તે માટે નવી પેઢીએ સાચો રાહ બતાવવા દરેકે પોતાનું યોગદાન આપવા આગળ આવવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજશીભાઈ પરમારે રામકૃષ્ણ મિશન દ્વારા પોરબંદર તાલુકાની પસંદગી માટે આભાર માની સ્વામી વિવેકાનંદના વિચારો સાથે સુસંગતમય બની દરિદ્રતા દૂર કરવા નક્કર આયોજન સાથે કામે લાગવા આજની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સૅક્રૅટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ નિર્માણ થનાર નગરની વિસ્તૃત માહિતી આપી હતી. શિલાન્યાસ પ્રસંગે પોરબંદરના અગ્રણી નગરજનો, સરપંચ શ્રી જેસાભાઈ મોઢવાડીયા, ગામ આગેવાનો, ગ્રામજનો તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતી યુવાનોને નેવીમાં જોડાવા ગુજરાતના નેવલ ઑફિસર ઈન્ચાર્જ શ્રી અજય ચિટનીશની અપીલ
ગુજરાતને વિશાળ સમુદ્ર કિનારાની સવલત પ્રાપ્ત થઈ છે. સેંકડો વર્ષથી ગુજરાતીઓ પોતાના ધંધાર્થે દરિયા સાથે નાતો ધરાવે છે. આમ છતાં આશ્ચર્યની બાબત એ છે કે ઘણા ઓછા ગુજરાતી યુવાનો નેવીમાં જોડાય છે. વધુ ને વધુ ગુજરાતી યુવાનો નેવીમાં જોડાવા માટે આગળ આવે એવી અપેક્ષા, સમસ્ત ગુજરાતના નેવલ ઑફિસર-ઈન્ચાર્જ કોમોડોરે (Commodore) કરી છે.
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના ઉપક્રમે ૧૧મી સપ્ટે.૯૯ના રોજ યોજાયેલ યુવા શિબિરમાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા અજય ચીટનીશે ઉપર મુજબ જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીએ તા.૧૧મી સપ્ટે.૯૩ના રોજ શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મસભામાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું તે પ્રસંગને અનુલક્ષીને રામકૃષ્ણ મિશન, પોરબંદર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગો રામકૃષ્ણ મિશન પોરબંદરના સૅક્રૅટરી સ્વામી નિખિલેશ્વરાનંદે યુવાનોને વ્યક્તિત્વ વિકાસ સાધી પોતાની સેવા દેશની સમૃદ્ધિ માટે સમર્પિત કરી સ્વામી વિવેકાનંદનુ સ્વપ્ન સાકાર કરવા જણાવ્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાનોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું અને સ્વામી વિવેકાનંદનો સંદેશો આપ્યો હતો. શરૂઆતમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના આસિ. સૅક્રેટરી શ્રી પી.એમ.જોશીએ સૌનું સ્વાગત કરી આશ્રમની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો અને યુવાનોને આશ્રમની લાયબ્રેરી તથા વાચનાલયનો લાભ લેવા જણાવ્યું હતું. આ શિબિરમાં માધવાણી આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ગુરુકુળ, મહિલા કૉલેજના લગભગ ૨૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પ્રવૃત્તિઓ
તા. ૨ ઑક્ટોબર,૧૯૯૯, શનિવારે સાંજના ૬થી ૮ દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમંદિરની નીચેના હૉલમાં, ધો.૧૦,૧૨(સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ના રાજકોટ કેન્દ્રમાં પ્રથમ દસ ક્રમે આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષના કે છેલ્લા સેમેસ્ટરમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા ૭૦ તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધારેલા ડૉ. વલ્લભભાઈ કથીરિયા (સંસદ સભ્ય), કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યશ્રી પરાશર સાહેબ અને સ્વામી જિતાત્માનંદજીએ ‘૨૧મી સદીના શિક્ષણ’ વિશે પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. દરેક વિદ્યાર્થીને રૂ.૧૧૦ ની કીમતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો, શ્રીરામકૃષ્ણ જ્યોતનું વાર્ષિક સભ્યપદ તેમજ સ્વામી વિવેકાનંદની છબી પારિતોષિક રૂપે આપવામાં આવ્યાં હતાં.
*૧૩મી ઑક્ટો.૧૯૯૯ની રાત્રે શ્રીરામકૃષ્ણ મંદિરની નીચેના હૉલમાં ૨૦૦ જેટલા ભાવિકજનોની ઉપસ્થિતિમાં ભારતના કંઠ્ય સંગીતના સુખ્યાત કલાકાર પંડિત શ્રી સમરેશ ચૌધરીના શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમણે રાગ યમનકલ્યાણ, ધર્માવતી અને ભાવપૂર્ણ ભજનોથી ભાવિકોને ભીંજવી દીધા હતા.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રાહબરી હેઠળ શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ રાજકોટની આજુબાજુનાં ગામડાંમાં શિક્ષણ, આરોગ્યસેવા, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના શિક્ષણ માટે છેલ્લાં ૬ વર્ષથી કામ કરે છે. દર રવિવારે વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનોને સ્વચ્છતા, આરોગ્યની તાલીમ આપે છે, આધ્યાત્મિક ભાવનાના ગીતો અને સંસ્કૃતના શ્લોકો વગેરેનું શિક્ષણ અપાય છે. ૩ થી ૪ ડૉક્ટરોની ટુકડી રાજકોટથી ૧૮ કિ.મિ. દૂર આવેલા અણિયારા ગામે જઈને આજુબાજુના દસ થી પંદર ગામડાંના દર્દીઓને તપાસીને તેમને વિનામૂલ્યે દવાઓ આપે છે. આ ઉપરાંત બાળરોગ, સ્ત્રીરોગ તથા અન્ય સામાન્ય રોગોના કૅમ્પનું આયોજન પણ અવારનવાર થાય છે. રાજકોટના ખ્યાતનામ આંખના ડૉક્ટરોની સહાયથી નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થાય છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘૨૧મી સદીમાં મૅનૅજમૅન્ટ ક્ષેત્રના પડકારોનો ભારતનો સામનો અને ભારતનું પ્રદાન’-વિશેતા.૨૨-૨૩ ઑક્ટોબર,૧૯૯૯ના રોજ સવારના ૯.૦૦થી સાંજના ૪.૦૦ સુધી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભારતના સુખ્યાત નિષ્ણાતો મુંબઈના ડૉ.એન.એચ અથ્રેય, શ્રી જી.નારાયણ, શ્રી સુરેશ પંડિત, બઁગલોરના શ્રીધર રેડી, વડોદરાના શ્રી મયંક ધોળકિયા, શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી સ્વામી જિતાત્માનંદ અને સ્વામી નિખિલેશ્વરાનંદનાં પ્રવચનો, પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ સૌએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં વ્યાપારી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, બૅન્ક, શૈક્ષણિક સંસ્થાઓના ૩૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીની સેવા પ્રવૃત્તિઓ
*શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે ૨૨મી સપ્ટે.’૯૯ના રોજ સુપ્રસિદ્ધ લેખક શ્રી યશવંતભાઈ મહેતાનો જ્ઞાન, ગમ્મત અને વાર્તા-પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો.
*ગુજરાતની ૨૦ જેટલી શાળા કૉલેજોમાં હજારો વિદ્યાર્થીઓ માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની અમૃતવાણી અને રસપ્રદ પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા.
*૨૬ સપ્ટે.’૯૯ રવિવારે ૯ થી ૪ સુધી ૧૦ ડૉક્ટરોની સહાયથી એક મૅડિકલ કૅમ્પનું આયોજન કર્યું હતું. આ મૅડિકલ કૅમ્પનો લાભ ૧૦૦૦ દર્દીઓએ લીધો હતો. હરસ-મસાના નિષ્ણાત ડૉ. કૃષ્ણકાંત ચિતાણિયાએ ૧૦૧ દર્દીઓને તપાસીને ૬૬ દર્દીઓનાં ઑપરેશન કર્યાં હતાં.
તા. ૨૧ થી તા. ૨૬ ઑક્ટો. સુધી યોજાયેલ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીનું વ્યાખ્યાન-પર્વ
શ્રીરામકૃષ્ણ મિશન, રાયપુર (મ.પ્ર.)ના સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનાં અમદાવાદ, સુરેન્દ્રનગર, લીંબડી અને ગાંધીનગરમાં ભક્તજનો અને શાળાઓ-કૉલેજોના વિદ્યાર્થીઓ સમક્ષ ૭ પ્રવચનો તેમજ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી કેન્દ્રમાં ‘નારદીય ભક્તિસૂત્ર’ વિશે ૪ પ્રવચનો અને દરબારગઢ હૉલમાં ‘ભગવદ્ગીતા’ વિશેનાં પ્રવચનો યોજાયાં હતાં. તા. ૨૪ ઑક્ટો. ’૯૯ના રોજ ૯ થી ૧૨:૩૦ સ્વામી સત્યરૂપાનંદજી અને સ્વામી જિતાત્માનંદજીના સાંનિધ્યમાં એક ભક્ત સંમેલન યોજાયું હતું. તા. ૨૬ ઑક્ટો.’૯૯ સવારે ૯ થી ૧૧ શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીમાં યુવસંમેલનનું આયોજન થયું હતું.
Your Content Goes Here




