રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મપરિષદ શતાબ્દી વર્ષની ઉજવણી

રામકૃષ્ણ મઠ-મિશનના વડામથક દ્વારા કલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૧-૧૨ સપ્ટેમ્બર ’૯૩ અને ૧૮-૧૯ સપ્ટેમ્બર ’૯૩ એમ ચાર દિવસની વિશ્વધર્મ પરિષદનું આયોજન થયું હતું. સંઘાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મંગલ આશીર્વચનોથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ૧૨૦૦૦ જેટલાં પ્રતિનિધિઓ, સંન્યાસીઓ – બ્રહ્મચારીઓ, સંન્યાસિનીઓ – બ્રહ્મચારિણીઓથી ખીચોખીચ ભરેલી આ સભામાં સમગ્ર સંઘના ઉપાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. પશ્ચિમ બંગાળના સન્માનનીય રાજયપાલશ્રી રઘુનાથ રેડ્ડીના વરદ્હસ્તે સ્વામી વિવેકાનંદ વિશ્વ-ધર્મ-પરિષદ શિકાગો પોઝના મોટા કદના ચિત્રનો અનાવરણ વિધિ થયો હતો. આ ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને ભારતના ટપાલ ખાતાએ ખાસ ટિકિટ અને ફર્સ્ટ ડે કવર બહાર પાડયાં હતાં. માનવસંસાધન ખાતાના કેન્દ્રીયમંત્રી શ્રી અર્જુનસિંહ વિશ્વધર્મપરિષદના ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષસ્થાને હતા.

પ્રથમ દિવસના કાર્યક્રમનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને બૌદ્ધ ધર્મની પ્રાર્થનાથી થયો હતો. બીજા અને ત્રીજા દિવસે ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામ ધર્મની પ્રાર્થના થઈ હતી. દરરોજના ત્રણ તબક્કાના કાર્યક્રમમાં ‘સ્વામી વિવેકાનંદની સર્વધર્મસમભાવની સંકલ્પના અને તેની સંભાવના અને સમસ્યાઓ’ વિષે પરિચર્ચાઓ યોજાઈ હતી. આ પરિચર્ચામાં વિશ્વભરના એકસો વિદ્ગજજનોએ ભાગ લીધો હતો.

૧૯મી સપ્ટેમ્બરના આ વિશ્વ ધર્મપરિષદના સમાપન સમારંભમાં અતિથિવિશેષ તરીકે ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી ડૉ. શંકરદયાળ શર્મા રહ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલશ્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનાં પ્રવચનો પણ યોજાયાં હતા. વિશ્વધર્મપરિષદની સમિતિના કન્વીનર શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે આભારદર્શન વિધિ કર્યો હતો.

દરરોજના કાર્યક્રમના અંતે ભારતના મહાન નામાંકિત સંગીતજ્ઞોના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો સૌ કોઈના હૃદયનું સંભારણું બની ગયા હતા. આ વિશ્વધર્મપરિષદના ઉદ્ઘાટન અને સમાપન કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં દૂરદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદ શિકાગોમાં ઐતિહાસિક સીમા સ્તંભ સમું સંબોધન કરીને ભારતના નામને ઉજ્જવળ કર્યું. આ મહાન પર્વના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૧ સપ્ટેમ્બર, ૧૯૯૩ શનિવારે સવારે ૮.૩૦થી ૧૨ એક વિરાટ રેલી અને જાહેર સભાનું આયોજન થયું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમના પ્રારંભમાં સવારના ૮-૩૦ વાગ્યે કાલાવડ રોડ પરની સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાને સ્વામી જિતાત્માનંદજી, મેયર શ્રી વજુભાઈ વાળા અને ડેપ્યુટી મેયર શ્રી ગોવિંદભાઈ પટેલના વરદ્ હસ્તે પુષ્પહાર થયા હતા.

શ્રી વજુભાઈ વાળા અને સ્વામી જિતાત્માનંદજીના નેતૃત્વ હેઠળ અગ્રગણ્ય નાગરિકો તેમજ શહેરની ૫૦ જેટલી શાળાઓનાં ૫૦૦૦ ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યોની એક વિરાટ રેલી કાલાવડ રોડ, રેઈસ કોર્સ, યાજ્ઞિક રોડ થઈને આશ્રમમાં સભાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. આ સભાને મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઈન્દ્રજીત ગૌતમ, મેયર શ્રી વજુભાઈ વાળા, N.C.C.ના વડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી જયેશભાઈ દેસાઈ અને સ્વામી જિતાત્માનંદજીએ સંબોધન કર્યું હતું. શાળાના બાળકો દ્વારા ગીતસંગીત તેમ જ સ્વાર્મી વિવેકાનંદના શિકાગોના સંબોધનના ભાવવાહી અભિનય સાથે પઠન – જેવા કાર્યક્રમ સૌને આકર્ષી ગયા હતા. બધા બાળકોને આશ્રમ દ્વારા પ્રસાદનું વિતરણ થયું હતું.

૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૩ શનિવારની સાંજે જાહેરસભામાં “શિકાગો ધર્મ પરિષદ – ૧૮૯૩ અને સ્વામી વિવેકાનંદનો વિશ્વધર્મ સંદેશ” એ વિષય પર મેયર શ્રી વજુભાઈ વાળા, ઉપકુલપતિ શ્રી જયેશભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી એસ. જગદીશન, શ્રી ક્રાંતિકુમાર જોષી, પ્રો. શ્રી યોગેશભાઈ મહેતા, ડૉ. વી. આર. કથીરિયા, શ્રીમતી લાલાણી, પ્રો. હસુમતીબહેન સેદાણી, પ્રો. ભાનુબહેન દેસાઈનાં મનનીય પ્રવચનોનું આયોજન થયું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને ભારતીય-સાહિત્ય-સંસ્કૃતિ-સંસ્થાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યું હતું.

હૉલીવુડ: હૉલીવુડ કેન્દ્રમાં સાંતા બાર્બરા ટેમ્પલમાં ૧૪મી ઑગસ્ટે એક શિબિરનું આયોજન થયું હતું. વિશ્વના મુખ્ય ધર્મના તજ્ઞો દ્વારા “સર્વ ધર્મ સમભાવ” વિશે પ્રેરક પ્રવચનો અપાયાં હતાં. વિવિધ ધર્મોની પ્રાર્થના પ્રસંગને અનુરૂપ રચાયેલાં ગીત-સંગીતનો વિશેષ સંગીતમય કાર્યક્રમ સૌને આકર્ષી ગયો. સાંજની સભામાં “સ્વામી વિવેકાનંદનો જીવન સંદેશ” એ વિષય પર ચાર વક્તવ્યો રજૂ થયાં હતાં. ઘણી મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિક્જનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

પોર્ટલેન્ડ: પોર્ટલેન્ડ કેન્દ્ર દ્વારા ૧૦મી ઑગસ્ટે યોજાયેલા કાર્યક્રમમાં રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજીએ “વેદાંત અને પશ્ચિમ” વિષય પર પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે “મારી દૃષ્ટિએ વેદાંત” નામની પુસ્તિકાનું વિમોચન થયું હતું. આ પર્વ નિમિત્તે મહેમાન સ્વામીજીઓનાં પ્રવચનો, સ્કૂલના બાળકોના મુખપાઠ, નાટ્યાભિનય, સ્લાઈડ શો જેવા કાર્યક્રમો યોજાયા હતા.

શિકાગો: વિશ્વધર્મ પરિષદ ૧૮૯૩ની ધર્મ પરિષદ જે હાલમાં યોજાઈ હતી તે જ આર્ટ ઈન્સ્ટિટ્યુટ હોલમાં શિકાગો કેન્દ્ર દ્વારા ૧૧મી સપ્ટેમ્બર ’૯૩ના રોજ એક કાર્યક્રમનું આયોજન થયું હતું. ભારતના કૉન્સલ જનરલ શ્રી કે.એન. સિંહા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચનો- શિકાગો વ્યાખ્યાનનું પઠન, સ્વામીજીના જીવન પરના નાટયાભિનય અને ભક્તિસંગીતનો કાર્યક્રમ સૌનું આકર્ષણ બની ગયા. આ પહેલાં ૨૭મી અને ૨૯મી ઑગસ્ટે સ્વામીજીઓનાં પ્રવચનો પણ યોજાયાં હતાં. શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે “સ્વામી વિવેકાનંદનું દર્શન” એ વિષે મુખ્ય પ્રવચન આપ્યું હતું.

મોરેશિયસ: મોરેશિયસ કેન્દ્રમાં આ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોરેશિયસના સન્માનનીય વડાપ્રધાન શ્રી અનિરુદ્ધ જગન્નાથ અને ત્યાંના વિજ્ઞાન અને શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી અરમુગમ પરશુરામન તેમ જ ભારતના એલચીનાં પ્રવચનો વિવિધ પ્રસંગોમાં યોજાયાં હતાં.

હૈદરાબાદ: ૧૧મી સપ્ટેમ્બરે હૈદરાબાદથી ૧૧૦ કિલોમિટર દૂર આવેલા કરીમનગરમાં હૈદરાબાદ કેન્દ્ર અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે ૧૦,૦૦૦ યુવાનોની વિરાટ રેલી અને કન્વેનશનનું આયોજન થયું હતું. કેન્દ્ર સરકારના માનવ સંસાધન ખાતાના સહકારથી ૧૩ અને ૧૪મી સપ્ટેમ્બરે પસંદગી પામેલા ૧૫૦ વિદ્યાર્થી માટે યુવ-સંમેલનનું આયોજન થયું હતું.

અરુણાચલ પ્રદેશ: આલોંગ અને ઈટાનગર કેન્દ્ર દ્વારા અરુણાચલ રાજ્યની રાષ્ટ્રીય એકતા વર્ષ ઉજવણી સમિતિની સાથે રહીને જિલ્લા અને રાજ્યકક્ષાની બધી શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતાઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં. બધા જિલ્લાના મુખ્ય મથકે યુવા-રેલીનું આયોજન થયું હતું. “આજના ભારત માટે સ્વામી વિવેકાનંદની સુસંગતતા” વિશે પરિસંવાદ પણ યોજાયો હતો. અરુણાચલના મુખ્યમંત્રીના વરદ્ હસ્તે આ પરિસંવાદનું ઉદ્ઘાટન થયું હતું. આ સમારંભના અધ્યક્ષ સ્થાને શિક્ષણમંત્રીશ્રી અને અતિથિ વિશેષપદે ગ્રહપ્રધાન ઉપસ્થિત હતા. આ પરિસંવાદમાં ધારાસભ્યો, શિક્ષણશાસ્ત્રીઓ અને અગ્રણી નાગરિકો જોડાયા હતા. ૨૪થી ૨૬ સપ્ટેમ્બર સુધીના ત્રણ દિવસના કાર્યક્રમમાં આલીઁગ શાળાના વિદ્યાર્થીના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ સુખ્યાત સંગીતકલાકારોના સંગીતમય કાર્યક્રમો મુખ્ય આકર્ષણ હતા.

મહારાષ્ટ્ર ભૂકંપ રાહત સેવા કાર્ય

મહારાષ્ટ્ર રાજ્યના લાત્તુર અને ઉસ્માનાબાદ જિલ્લામાં તાજેતરમાં ભૂકંપે વેરેલા વિનાશથી પીડિત દેશબાંધવોની સેવામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના બે સંન્યાસીઓ સહિત મિશનના ૧૧ સંન્યાસીઓએ લાત્તુર જિલ્લામાં તત્કાલ પહોંચીને વિના મૂલ્યે ભોજન વ્યવસ્થાનું આયોજન કર્યું હતું. લાત્તુર જિલ્લાના હરેગાંવ, જવલગાંવ, લીંબાલામાં રાહતસેવા પહોંચાડી હતી. હરેગાંવના ૨૫૦૦ માણસો માટે બંને સમયના ભોજનની વ્યવસ્થા કરી હતી. લીંબાલા ગામનાં આફતગ્રસ્ત ૨૬૫ કુટુંબોમાં ઘઉં – ચોખા – બાજરો – જુવાર – ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફરીથી હરેગાંવનાં ૪૫૬ કુટુંબોને ઘઉંનો લોટ અને દાળ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત હરેગાંવ – લીંબાલા, જવલગાંવના ૧૧૫૬ કુટુંબોમાં તૈયાર કપડાં, ઠામ – વાસણ, સ્ટવ, પ્લાસ્ટિકની ડોલ જેવી દૈનંદિન ઉપયોગની ઘરવખરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના લાત્તુર જિલ્લાનાં હરેગાંવ, બાનેગાંવ, જવલગાંવ, દાપેગાંવ સંપૂર્ણ દત્તક લીધાં છે. આ ગામોના પુનર્વસવાટની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આ ભગીરથ કાર્યમાં સહાયરૂપ થવા ઇચ્છતા ભાવિકજનોને ચેક / ડ્રાફ્ટ / M.O./ “શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ” નામે, શ્રીરામકૃષ્ણ આશ્રમ ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ- – ૩૬૦ ૦૦૧, એ સરનામે મોકલવા નમ્ર વિનંતી. –

દ્વારકાના દુષ્કાળ પીડિતોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ. રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જામનગર જિલ્લાના દ્વારકાના આજુબાજુ વિસ્તારના પશુધન માટે ૧૦૫ ગાંસડી ઘાસ, દુષ્કાળ પીડિતજનો માટે ૩૫ ગૂણી ઘઉંનો લોટ, ૧૪ ગૂણી બટેટા, ૮ ડબા ગોળનું વિતરણ /- સેવાકાર્ય ૧૯મી ઑક્ટોબરના રોજ થયું હતું.

નેધરલેન્ડ

રામકૃષ્ણ વેદાંત સોસાયટી નેધરલેન્ડનું હવે સ્થાનાંતર થયું છે એ ગર્વની વાત છે. આ પ્રસંગે ૧૮મી જુલાઈના સવારના પોતાના પ્રાંગણમાં: હોમ, પૂજા અને આરતી વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં રામકૃષ્ણ મઠના ઇંગ્લૅન્ડના કેન્દ્રના વડા સ્વામી ભવ્યાનંદજી મહારાજે ભાગ લીધો હતો. છ બીજા સ્વામીજીઓ અને બીજા સો એક જેટલા ભક્તો, ઇંગ્લૅન્ડ, જર્મની, બેલ્જિયમ, સ્વીડન અને નેધરલેન્ડમાંથી ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને કીર્તનનો વિશેષ કાર્યક્રમ રખાયો હતો. બધાને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.

ઉપરનો આ પ્રસંગ યોગાનુયોગે શિકાગોની સર્વધર્મપરિષદ શતાબ્દી નિમિત્તે યોજાયેલ યુરોપિયન વેદાંત કોન્ફરન્સના ધર્મ મહાસભાના દિવસે જ યોજાયો હતો. આ પ્રસંગનું મહત્ત્વ અધિક રહ્યું હતું. પૂ. સ્વામી ભવ્યાનંદજીએ ઉપસ્થિત રહી પ્રવચન કરીને જાણે શિકાગોનું એ વખતનું વાતાવરણ ખડું કરી દીધું હતું. પૂ. સ્વામી વિદ્યાત્માનંદજી અને સ્વામી વિતમોહાનંદજી, સ્વામી દયાત્માનંદજી અને ત્રિપુરાનંદજી અને અમરાનંદજી, ચિદ્ભાસાનંદજી વગેરે સ્વામીજીઓ જુદાંજુદાં કેન્દ્રોમાંથી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય વિદ્વાન પ્રાધ્યાપકો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તે સૌએ પોતાના વક્તવ્ય વડે અસાધારણ પ્રભાવક વાતાવરણ સર્જ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો

રાષ્ટ્રીય ચેતના વર્ષ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વિષે પ્રવચન અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો નીચેની સંસ્થાઓમાં યોજાયા:

૧. તોલાની પોલિટેકનીક કૉલેજ, આદિપુર, તા. 7-7-93

૨. શ્રી એમ.એમ. કન્યા વિદ્યાલય, પાલીતાણા, તા. 12-7-93

૩. ફાતિમા કૉન્વેન્ટ સ્કૂલ, ભાવનગર, તા. 13-7-93

૪. કુમારશાળા, ભાવનગર, તા. 13-7-93

૫. નંદકુંવરબા શાળા, ભાવનગર, તા. 13-7-93

૬. આયુર્વેદિક કૉલેજ, જામનગર, તા. 2-9-93

૭. અંકુર સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), અમદાવાદ, તા. 9-10-93

૮. અંકુર સ્કૂલ (ગુજરાતી માધ્યમ), અમદાવાદ, તા. 23-10-93

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.