રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે
રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ કલકત્તાથી ૨૦મી ઑગસ્ટે વિમાનમાર્ગે રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. હવાઈમથકે અને આશ્રમના પટાંગણમાં ભાવિકોએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ૨૧મી ઑગસ્ટના રોજ તે લીંબડીના શ્રી રામકૃષ્ણ પ્રાર્થના મંદિરની મુલાકાતે ગયા હતા અને ત્યાં જાહેર પ્રવચન પણ યોજાયું હતું. તે જ દિવસે સાંજના રાજકોટના ભક્તજનો દ્વારા રામકૃષ્ણ આશ્રમમાં એમનો જાહેર સત્કાર સમારંભ યોજાયો હતો. એમના પ્રવચનનો લાભ ભાવિકજનોને પણ મળ્યો હતો. ૨૨મી ઑગસ્ટના રોજ તેઓશ્રી હવાઈ માર્ગે કલકત્તા જવા રવાના થયા હતા.
મહારાષ્ટ્રમાં દુષ્કાળ રાહતકાર્ય
સોલાપુર જિલ્લાના બરશી તાલુકાના ૩૦ દુષ્કાળગ્રસ્ત ગામોનાં ૪૩૬ પરિવારોમાં રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા ૨,૩૦૦ કિ. અનાજ અને ૧,૯૦૪ પશુઓ માટે ૪૮,૩૬૫ કિ. ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧થી ૬માં અભ્યાસ કરતા ૪૨૫ વિદ્યાર્થીઓમાં ૬૫૪ ગણવેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
તામિલનાડુ કુષ્ઠરોગ રાહતકાર્ય
રામકૃષ્ણ મિશનના સાલેમ કેન્દ્ર દ્વારા દેવિયા, કુરિચિ, થાલાઈવાસલના સરકારી કુષરોગી વિસ્થાપિત કેન્દ્ર (Government Leprosy Rehabilitation Centre)ના રોગીઓમાં ૩૦૦ ધાબળાં, ૩૦૦ ટુવાલ, ૩૦૦ ગંજી અને ૩૦૦ ફૂડપૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીને રાષ્ટ્રીય પુરસ્કાર
રામકૃષ્ણ મિશનના શારદાપીઠ વિદ્યામંદિર, બેલુર (કલકત્તા પાસે)ના એક વિદ્યાર્થીને ભારતના પ્રધાનમંત્રી શ્રી વી.પી. નરસિંહરાવે ‘સદ્ભાવ નિબંધ પ્રતિયોગિતા’માં બંગાળીમાં સર્વશ્રેષ્ઠ નિબંધ બદલ ‘રાષ્ટ્રીય માન્યતા પુરસ્કાર’ અને રૂ. ૪,૦૦૦ રોકડ પુરસ્કાર આપ્યા હતા. આ વિદ્યાર્થીને ૫ વર્ષ સુધી દર માસે રૂ. ૪૦૦ની સ્કોલરશીપ પણ મળશે.
હૈદરાબાદમાં ગ્રામીણ યુવા સંમેલન
રામકૃષ્ણ મઠના હૈદરાબાદ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમાના ઉપલક્ષમાં હૈદરાબાદથી ૧૦૦ કિ.મી. દૂરના જોગીપેઠમાં એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૩૦૦ ગ્રામીણ યુવાનોએ ભાગ લીધો હતો.
પુરીમાં નિ:શુલ્ક ચિકિત્સા શિબિર
રામકૃષ્ણ મિશનના પુરી કેન્દ્ર દ્વારા એક નિ:શુલ્ક ચિકિત્સા શિબિર યોજાઈ હતી જેમાં ૧૬૫ દાંતના દર્દીઓ અને ૧૯૦ અન્ય દર્દીઓની ચિકિત્સા કરવામાં આવી હતી.
અમદાવાદમાં આધ્યાત્મિક શિબિર
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર અમદાવાદ દ્વારા ૧૧, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસની આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી. રામકૃષ્ણ મિશન, ખેતડીના વડા સ્વામી સોમેશ્વરાનંદજી અને પ્રવચનો, ધ્યાન, ભજન, પ્રશ્નોત્તરી વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી ઉજવણી
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે ટાઉનહૉલના વિશાળ ભવ્ય સભાખંડમાં ૧૧મી સપ્ટેમ્બરના રોજ એક જાહેર સભાનું આયોજન થયું હતું. સ્વામી સોમેશ્વરાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો ઉપરાંત શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા “જનગણના ફિરશ્તા સ્વામી વિવેકાનંદ” નાટક ભજવવામાં આવ્યું હતું. આ સિવાય ૧૦મી સપ્ટેમ્બરે એક યુવા-શિબિરનું આયોજન થયું હતું જેમાં લગભગ ૧૫૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે નીચેની શાળા-કૉલેજોમાં સ્વામી વિવેકાનંદના સંદેશ વિષે પ્રવચન અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા:
મીઠાપુર હાઈસ્કૂલ, મીઠાપુર: ૨૬-૬-૯૨
જે.એચ.ભાલોડિયા વિમેન્સ કૉલેજ (બી.બી.એ.કોર્સ), રાજકોટ: ૨૭-૭-૯૨
આઈ.પી.સી.એલ.હાઈસ્કૂલ, વડોદરા: ૨૮-૮-૯૨
કણસાગરા કૉલેજ હોસ્ટેલ, રાજકોટ: ૦૧-૯-૯૨
ડી.કે.વી. કૉલેજ, જામનગર: ૦૭-૯-૯૨
એમ.પી.શાહ મેડિકલ કૉલેજ, જામનગર: ૦૭-૯-૯૨
મહિલા કૉલેજ, ગાંધીનગર: ૧૧-૯-૯૨
શ્રી મીનાબહેન કુંડલિયા કૉલેજ, રાજકોટ (અંગ્રેજી માધ્યમ): ૧૪-૯-૯૨
Your Content Goes Here




