રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામનો અનોખો શિષ્યવૃત્તિ સમારંભ

રામકૃષ્ણ મિશન આશ્રમ બેલગામ દ્વારા પહેલાંનાં વર્ષોથી જેમ ઉચ્ચતર પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના બેલગામ અને ધારવાડ વિસ્તારના ૧૬૦ વિદ્યાર્થીઓ સહિત કર્ણાટક રાજ્યના ૩૭૦ તેજસ્વી અને ગરીબ જરૂરતમંદ વિદ્યાર્થીઓને રૂપિયા ૭ લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિનો સમારંભ યોજાયો હતો.

૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ યોજાયેલ આ સમારંભમાં સંસ્થાના અધ્યક્ષ સ્વામી રાઘવેશાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને અને કેન્ટોન્મેન્ટ બોર્ડ, બેલગામના મુખ્ય સંવાહક શ્રી વિજય રાજક, હિદુસ્તાન પેટ્રોલિયમ કોર્પો.લિ., બેલગામના મુખ્ય વિભાગીય મેનેજર શ્રી કૌશલ બેનર્જી; પોલિ હાઈડ્રોન પ્રા.લિ., બેલગામના નિયામક અને ચેરમેન શ્રી સુરેશ હુંદ્રે; એમએલઆઈઆરસી, બેલગામના પ્રશિક્ષણ બેટેલિયન કમાંડર, કર્નલ જયરામ અતિથિ વિશેષ સ્થાને હતા.

સ્વામી રાઘવેશાનંદજીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જો વાતચીત અને સંદેશ વ્યવહારનું વધારે સારું કૌશલ્ય કેળવે તો તેઓ ઘણી સારી સફળતા મેળવી શકે તેમ છે. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. અતિથિ વિશેષ શ્રીઓએ વિદ્યાર્થીઓને શિસ્ત, શાંતિ, સખત પુરુષાર્થ, આત્મવિશ્વાસ, આયોજનબદ્ધ કાર્ય, નૈતિક અને સદાચારનાં મૂલ્યોની વાતો સાથે જીવનમાં સંઘર્ષ અને સમર્પણની ભાવના કેળવવા હાકલ કરી હતી.

રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવપ્રચાર પરિષદ

ગુજરાત રાજ્યની રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવ-પ્રચાર પરિષદની અર્ધવાર્ષિક સભા ૪ અને ૫ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદના યજમાન પદે કેવડિયા કોલોની ખાતે સરકીટ હાઉસમાં યોજાઈ હતી. આ સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના યુક્ત પ્રતિનિધિ શ્રીમત્‌ સ્વામી વિશ્વાત્માનંદજી અધ્યક્ષ સ્થાને હતા. એમણે ભાવ-પ્રચારના કાર્યનું અધ્યાત્મદર્શન તથા સેવાકાર્યના વ્યવસ્થાપન માટેનાં આવશ્યક મૂલ્યોની વિગતે સમજણ આપી હતી. તથા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી વિશે માહિતી આપી હતી. ગુજરાતની ભાવપરિષદના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આદિભવાનંદજીએ કેન્દ્રો દ્વારા સેવાના સંસ્કારોનો વ્યાપ વધારવા હાકલ કરી હતી. ત્રણેય ઉપાધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજીએ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવા, ભાવપરિષદના દસસૂત્રીય કાર્ય પદ્ધતિનો નિષ્ઠાપૂર્વક અમલ કરવાની હાકલ કરી હતી. આ સભામાં આઠ સભ્ય કેન્દ્રો, ચાર આમંત્રિત કેન્દ્રોના ૫૧ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી તથા રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીની શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજના ઉપક્રમે સમગ્ર કચ્છમાં પ્રવચન યાત્રા યોજાઈ હતી. ૨૩ થી ૨૬ ઓગસ્ટ સુધીની આ પ્રવચન યાત્રામાં ભૂજના ૪૫૦ કેદીનારાયણને ‘જીવનમાં પ્રાર્થના ભક્તિથી આત્મસુધારણા’ એ વિષય પર સંબોધ્યા હતા. કુકમા હાઈસ્કુલમાં ૨૫૦, વિવેકાનંદ હાઈસ્કૂલ ધાણેટીના ૪૦૦, આદર્શ નિવાસી કન્યાશાળા ભૂજના ૧૨૦, વી.ડી. હાઈસ્કૂલ ભૂજના ૧૧૦૦, એમ. એસ. વી. હાઈસ્કૂલ માધાપરના ૩૦૦, વરસાણી હાઈસ્કૂલ ભૂજના ૭૦૦ વિદ્યાર્થીઓને વિવેકાનંદની આત્મશ્રદ્ધા અને ચારિત્ર્ય નિર્માણની કેળવણી વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૭ સપ્ટેમ્બરના રોજ ભૂજમાં કુકમા રોડ પરની બિસ્કિટ બનાવતી પાર્લે-જી કંપનીના કર્મચારીઓને ‘ઇચ્છાશક્તિ, મનોનિગ્રહ, એકાગ્રતા અને આજનું વ્યવસ્થાપન તંત્ર’ પર રાજકોટ આશ્રમના સ્વામી સર્વસ્થાનંદજીએ વ્યાખ્યાન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

૨ ઓક્ટોબરને શનિવારે સવારે ૯ વાગ્યે ‘મા સારદા સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ દ્વારા સેરેબ્રલપાલ્સીનાં બાળકો માટે ૧૫ સ્પર્ધાઓનું

આયોજન થયું હતું. કાર્યક્રમનું ઉદ્‌ઘાટન સ્વામી વિનિર્મુક્તાનંદજીએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં રાજકોટ શહેરનાં બાળકોએ ભાગ લીધો હતો અને ૬૧ વિજેતા બાળકોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. રાજકોટ શહેરમાં આવો કાર્યક્રમ સર્વપ્રથમવાર યોજાયો હતો.

૩ ઓક્ટોબરને રવિવારે બપોરે ૩ વાગ્યે સેરેબ્રલપાલ્સી બાળકો વિશેના એક વિશેષ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન રાજકોટના જાણીતા ફિઝિશ્યન ડો. નીલાંગ વસાવડાના વરદ્‌ હસ્તે થયું હતું. તે જ દિવસે સાંજના પાંચ વાગ્યે રાજકોટ જિલ્લાના આસિ. એડિશ્નલ કલેક્ટરશ્રીના વરદ્‌ હસ્તે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ સેરેબ્રલપાલ્સીનાં બાળકોને પારિતોષિકો અર્પણ કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજ રાજકોટ આશ્રમની મુલાકાતે ૮ થી ૧૧ ઓક્ટોબર સુધી પધાર્યા હતા.

૯ ઓક્ટોબર, શનિવારે સવારે ૧૦ વાગ્યે નવનિર્મિત સાધુનિવાસનાં મકાનો તથા કર્મચારી ભવનોનું મંગલ ઉદ્‌ઘાટન એમનાં વરદ્‌ હસ્તે થયું હતું. રામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ, ઉપલેટાના નવા સંકુલ ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરના મકાન’નો શિલાન્યાસવિધિ ૧૦ ઓક્ટોબર, રવિવારે સવારે ૯ વાગ્યે એમના વરદ્‌ હસ્તે થયો હતો.

તે જ દિવસે સાંજે ૭.૩૦ વાગ્યે શ્રીમંદિરના હોલમાં યોજાયેલ જાહેરસભામાં ‘શ્રીરામકૃષ્ણ મહિમા’ અને ‘સચિત્ર બાળવાર્તાઓ’ ‘દિવ્ય બાળકોની વાર્તાઓ’ નામનાં પુસ્તકોનો વિમોચનવિધિ એમના વરદ્‌ હસ્તે થયો હતો. આ પ્રસંગે એમણે આપેલા વ્યાખ્યાનનો લાભ ભાવિકજનોએ લીધો હતો.

આ ઉપરાંત વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીના પુસ્તક વિશેના ભાવ-વિચારો ભાવિકજનોએ માણ્યા હતા.

નવરાત્રી મહોત્સવ નિમિત્તે ૮  ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સંધ્યા આરતી પછી આગમનીનું ભક્તિ સંગીત, મહિષાસુર મર્દિની સ્તોત્રપાઠ વગેરે થયાં હતાં. ૧૫ ઓક્ટોબર મહા-અષ્ટમીના દિવસે શ્રીમંદિરમાં વિશેષપૂજા, ચંડીપાઠ, ભજન અને હવન, પુષ્પાંજલિ, પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો.

૧૭ ઓક્ટોબર, રવિવારે શ્રીમંદિરમાં સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

૫ નવેમ્બરે, શુક્રવારે શ્રીમંદિરમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી શ્રીશ્રી કાલીપૂજાના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન, કીર્તન અને હવનનું આયોજન થયું હતું.

૬ નવેમ્બરે, સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

વાંચે ગુજરાતના અનુસંધાને મુરલીધર હાઈસ્કૂલના ‘સ્વામી વિવેકાનંદ સંક્ષિપ્ત જીવન’ પુસ્તકનું વાચન, પુસ્તકના આધારે કસોટી પરીક્ષા અને ક્વીઝનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, લીંબડી – નેત્રયજ્ઞ

૧૫ ઓક્ટોબર, શુક્રવારે નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, લીંબડીમાં થયું હતું.

કુલ ૨૭ પુરુષ અને ૨૫ સ્ત્રીઓ મળીને ૫૨ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. એમાંના ૩૬ શહેરી વિસ્તારનાં અને ૧૬ ગ્રામ્ય વિસ્તારના હતા.

વીરનગરની આંખની હોસ્પિટલમાં ૪ પુરુષો અને બે સ્ત્રીઓનાં મોતિયાનાં ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ મિશન, વદોડરા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન

૨ અને ૩ ઓક્ટોબરે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ગુજરાત બોર્ડના તેમજ સેન્ટ્રલ બોર્ડના ધો.૧૦ અને ૧૨ના વડોદરા શહેરના પ્રથમ દસ ક્રમે આવનાર વિદ્યાર્થીઓના સન્માનાર્થે બે દિવસ સમારંભો યોજાયા હતા. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ સ્વામી સર્વલોકાનંદજી મહારાજે કહ્યું હતું : ‘આજના સમાજના બધાં ક્ષેત્રમાં વ્યાપેલ ભ્રષ્ટાચારને જોતાં માનવ ઘડતર કરનારી અને ચારિત્ર્ય ઘડતર કરનારી કેળવણી આપવાની તાતી આવશ્યકતા છે.’ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. એસ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે જીવનમાં આઈ.ક્યૂની સાથે વ્યક્તિના સાર્વત્રિક વિકાસની આવશ્યકતા છે.

રેલવેના ડિવિઝન મેનેજર શ્રી એ.કે.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સ્વામીજીના આ પ્રેરક ઉદ્‌ગારો ‘ઊઠો, જાગો  અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ને યાદ રાખવા અને જીવનમાં ઊતારવાની હાકલ કરી હતી. ઉપરોક્ત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓને શ્રી જમનાદાસ નાનજી રૂપારેલ, નાઈરોબીના આર્થિક સહકારથી સ્વામી વિવેકાનંદનાં પ્રેરક પુસ્તકો અને સ્વામી વિવેકાનંદની સુંદર છબિ એમના સન્માનાર્થે અપાયાં હતાં.

આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આઈ.ક્યૂ, ઈ.ક્યૂની સાથે એસ.ક્યૂના મહત્ત્વની વાત વિદ્યાર્થીઓેને કરી હતી. માનવ ઘડતર કરનારી અને ચારિત્ર્ય ઘડતર કરનારી કેળવણી દ્વારા આપણે સારા સમાજની અને સારા રાષ્ટ્રની સંરચના કરી શકીશું એવો સંદેશો પાઠવ્યો હતો. ‘વાંચે ગુજરાત’ અભિયાનમાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાનો અને આ અભિયાનને સફળ બનાવવાની હાકલ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરી હતી.

૩૦ ઓક્ટોબર, શનિવારના રોજ સવારે ૯ થી ૧૦ દરમિયાન ‘એકીસાથે વાંચે ગુજરાત’ અભિયાન અનુસંધાને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વિવિધ શાળાઓના ક્રમશ: ૭૫૦ તથા ૧૨૫ વિદ્યાર્થીઓએ વાચન કરીને ભાગ લીધો હતો.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.