શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ભક્ત-સંમેલન

૩૦ માર્ચ, ૨૦૨૫, રવિવારના રોજ આશ્રમના વિવેક હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ભક્ત-સંમેલનનું આયોજન થયું હતું.

કાર્યક્રમનો શુભારંભ સ્વામી શંકરેશાનંદજીનાં ગીતાપાઠ, સ્તોત્રપાઠ અને ભજનથી થયો હતો. સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘ભક્ત-સંમેલનનો ઉદ્દેશ્ય’ એ વિષય પર રજૂઆત કરી હતી. સ્વામી મેધજાનંદજી મહારાજે ‘સાધનાનું મહત્ત્વ’ એ વિષય પર પ્રવચન આપ્યું હતું. ‘મંત્રદીક્ષાનું મહત્ત્વ’ એ વિષય પર આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે વ્યાખ્યાન આપ્યું હતું. ચા-વિરામ બાદ શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન પછી શ્રી કૌશિકભાઈ ગોસ્વામી, શ્રીમતી પન્નાબહેન પંડ્યા અને શ્રી ચિરાગભાઈ એરડાએ અનુક્રમે વાંચન કર્યું હતું. ત્યાર બાદ સ્વામી નિખિલેશ્વરાનંદજી સાથે પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. અંતે તેઓશ્રીએ સમાપન વક્તવ્ય આપ્યું હતું અને શ્રીરામકૃષ્ણ શરણમ્‌ ધૂન બાદ સંમેલનની પૂર્ણાહુતિ થઈ હતી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી

ઈ.સ. ૧૯૨૭માં સ્થપાયેલ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૩૦ માર્ચ થી ૯ એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો મંગલ પ્રારંભ દેશ-વિદેશમાં ૨૫૦૦થી વધુ આખ્યાનો કરનાર અને અનેક એવોર્ડોથી વિભૂષિત એવા વડોદરાના સુવિખ્યાત આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડ્યાના સંગીતમય આખ્યાનથી થયો હતો. શ્રી ધાર્મિકલાલ પંડ્યા લોકપ્રિય આખ્યાનકાર અને કવિ પ્રેમાનંદ દ્વારા શરૂ કરવામાં આવેલ માણભટ્ટ કલા એટલે કે માણ તથા સંગીત સાથે પૌરાણિક કથા રસપૂર્વક રજૂ કરવાની અનોખી કલા ધરાવે છે. ૯૩ વર્ષની ઉંમરે તેમણે આ લુપ્ત થતી કલાને જાળવી રાખી છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે.

તેઓશ્રીએ તા. ૩૦ માર્ચ થી ૧ એપ્રિલ દરમિયાન રોજ સાંજે ૭:૩૦ થી ૯:૦૦ સુધી આશ્રમ પ્રાંગણના વિવેક હૉલમાં રસિકો સમક્ષ સંગીતમય આખ્યાન પ્રસ્તુત કર્યું હતું.

આ ઉપરાંત ઉપરોક્ત સ્થળે અને સમયે તા. ૨ થી ૪ એપ્રિલ દરમિયાન આશ્રમના સ્વામી ગુણેશાનંદજી મહારાજના શ્રીમદ્ ભાગવત સત્સંગનો આનંદ ભાવિકોએ મન ભરીને માણ્યો હતો.

૫ એપ્રિલના રોજ આશ્રમ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહનાં સંસ્મરણોને દૃશ્યશ્રાવ્ય માધ્યમથી તાજાં કરવામાં આવ્યાં હતાં. ૭ એપ્રિલના રોજ વડોદરાના શ્રી પાર્થ પંડ્યાનાં ભાવસભર ભજનો રહ્યાં અને ૮ એપ્રિલના રોજ શ્રીરામકૃષ્ણદેવ વિષેની નવરચિત ફિલ્મ ‘હે યુગ ઈશ્વર’નું પ્રદર્શન યોજાયું હતું.

વાર્ષિક મહોત્સવનું સમાપન તા. ૯ એપ્રિલના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્યાનાં ભજનોથી થયું હતું. બહોળી સંખ્યામાં નગરજનોએ આ કાર્યક્રમોનો લાભ લીધો હતો.

૧૩ એપ્રિલના રોજ યુવા સંમેલનનું આયોજન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રવિવાર, તા. ૧૩ એપ્રિલના રોજ આશ્રમ પરિસરમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનનું ઉદ્‌ઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) ઉત્પલ જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં જણાવ્યું કે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રેરણા-સ્ત્રોત સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો જ હતાં, આથી યુવાનો સ્વામીજીનાં પુસ્તકો વાંચે અને પોતાનું જીવન પરિપૂર્ણ બનાવે. તેમણે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં આધ્યાત્મિકતાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રો. (ડૉ.) ઉત્પલ જોષીએ યુવાનોને વ્યક્તિગત ચરિત્ર-નિર્માણથી જ રાષ્ટ્ર-નિર્માણની સંકલ્પના સમજાવી તથા સખત પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો.

લોકપ્રિય સાહિત્યકાર, ગુજરાત સરકારના સેવા-નિવૃત્ત આઈ.એ.એસ. ઑફિસર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાએ માતૃભાષા અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈ રહીને જીવનમાં ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવા પ્રેરણા આપી. તેમણે ‘યુવાન’ શબ્દની વ્યાખ્યા આપી અને રમુજી પ્રસંગો દ્વારા સફળતાની ચાવી યુવાનોને સમજાવી.  ઉપરોક્ત વક્તાઓ દ્વારા યુવાનોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા.

આ ઉપરાંત સંમેલનમાં ઉપરોક્ત મહાનુભાવોના વરદ હસ્તે ‘શાંતિ પ્રાપ્તિના સરળ ઉપાયો’, ‘શિક્ષક તો છે રાષ્ટ્રનિર્માતા’, ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ અને ‘પ્રાર્થના’ એમ ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, જે ટૂંક સમયમાં આશ્રમના વિવેકાનંદ બૂક વર્લ્ડમાં ઉપલબ્ધ થશે.

શિબિરમાં ૪૦૦થી વધુ યુવાનો જોડાયા હતા. શિબિરના અંતે સહુને ભોજન-પ્રસાદ ઉપરાંત સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો, પોસ્ટર, સ્ટિકર સહિતની કીટ ભેટ આપવામાં આવી.

એચ. એન્ડ એન. શુક્લા કોલેજ ઓફ નર્સિંગની બહેનો માટે વિશેષ કાર્યક્રમ

એચ. એન્ડ એન. શુક્લા કોલેજ ઓફ નર્સિંગની બહેનો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓને માનવજીવન કેટલું અમૂલ્ય છે અને જીવનમાં સુખ-શાંતિ કેવી રીતે મળી શકે તેમજ જીવનની સમસ્યાઓનો સામનો બહાદુરીપૂર્વક કેવી રીતે કરી શકાય એ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૨૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે દરેક બહેનને નાસ્તાનું પેકેટ આપવામાં આવ્યુું હતું. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોના સંપુટની ભેટ આપવામાં આવી હતી.

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.