રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમદ્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે ‘વિવેક’નું મંગલ ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મઠ-મિશનનાં ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૯મી એપ્રિલ ૨૦૦૫ના રોજ રાત્રે મુંબઈથી હવાઈ માર્ગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પધાર્યા હતા. ભાવિકજનોએ અને આશ્રમનાં અંતેવાસીઓએ તેઓશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તા. ૧૦ એપ્રિલ, રવિવારે સવારે ૯ વાગ્યે ‘વિવેકાનંદ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ – ‘વિવેક’નું મંગલ ઉદ્‌ઘાટન તેમના વરદ્‌ હસ્તે થયું હતું. ‘વિવેક’માં સ્વામી વિવેકાનંદની ૩૦ દુર્લભ તસવીરોના પ્રદર્શનનું મંગલ ઉદ્‌ઘાટન પણ એમના વરદ હસ્તે થયું હતું. 

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોએ ‘વિવેક’ના પ્રાંગણમાં તેમનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું. એસ.એન.કે. સ્કૂલનાં શિક્ષકવૃંદ તથા વિદ્યાર્થીવૃંદે સમૂહગાનથી એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એસ.એન.કે. સ્કૂલના વૃંદગાન બાદ ઉદ્‌ઘાટન પછીના કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ પોતાના પ્રાસંગિક અને સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું : ‘આજે રામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશો સૌથી વધુ પ્રાસંગિક છે અને આપણાં પ્રાચીન મૂલ્યો આજની ઊગતી પેઢી ઝીલે અને જીરવે એ ઉદાત્ત હેતુથી મેં સેવેલું સ્વપ્ન શ્રીઠાકુર, શ્રીશ્રીમા અને સ્વામીજીની અમીકૃપા તેમજ ઉદાર દિલના દાનવીરોની સહાય આજે સાકાર થાય છે.’

આ મંગલ ઉદ્‌ઘાટન પ્રસંગે શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજીએ પોતાના પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું : ‘વિવેકાનંદ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ – ‘વિવેક’ – નું ઉદ્‌ઘાટન કરતાં હું આનંદ અનુભવું છું. સ્વામી વિવેકાનંદે આજથી ૧૦૦ વર્ષ પહેલાં સંસ્કૃતિ અને કેળવણી વચ્ચેના અત્યંત નિકટના સંબંધની વાત કરી હતી. જ્યાં જ્યાં મહાન સંસ્કૃતિ વિકસી છે તેની પૃષ્ઠભૂમિમાં સુવિકસિત અને ઉચ્ચ પ્રકારની શિક્ષણ પ્રણાલી રહી છે. અદ્‌ભુત ગુરુકુળ શિક્ષણ પ્રણાલીને લીધે ભારત એક મહાન સંસ્કૃતિ આપી શક્યું છે.

બાળક ૮ વર્ષનું થાય ત્યારે તેને ગુરુને ત્યાં મોકલવામાં આવતો. ગુરુના જ્ઞાનની શીતળ છાંયડી હેઠળ એ રહેતો. મનુએ કહ્યું છે કે : ‘૧૨ વર્ષ સુધી બાળકને ખલેલ ન પહોંચાડવી’ – એ યુગમાં લોકો ગંભીરતાથી શિક્ષણ લેતા. તૈતરીય ઉપનિષદમાં સાચા તપ વિષેની એક ચર્ચા છે. વૈદિક ઋષિની દૃષ્ટિએ ‘स्‍वाध्याय प्रवचन एव एति’ માત્ર અભ્યાસ અને શિક્ષણ જ સાચું તપ છે. શિક્ષણ પણ શ્રેષ્ઠ તપ છે, માનવીના પ્રયાસનું સર્વોત્તમ સ્વરૂપ છે.

આજે આપણે આ સાંસ્કૃતિક મૂલ્યોની કટોકટીના કાળનો સામનો કરી રહ્યા છીએ. તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે મૂલ્યોનો આ દુષ્કાળ આપણી ખામી ભરેલી શિક્ષણ પ્રણાલીને લીધે ઊભો થયો છે. ભારત અનેક જાતિઓ, વિવિધ ભાષાઓ, ઘણા ધર્મો અને સંપ્રદાયોનો દેશ છે.’ આ દેશને એક તાંતણે બાંધનાર તેની પોતાની સંસ્કૃતિ છે. પરંતુ સામાન્ય માનવ અને એમાંય ખાસ કરીને યુવાનને આ સર્વ સમભાવવાળી સંસ્કૃતિના વિચારનો બહુ અલ્પ પ્રમાણમાં ખ્યાલ છે. મોટા ભાગના તો આ દેશની મહાન સંસ્કૃતિથી દૂર રહ્યા છે અને એનું મૂળ કારણ આ ખામી ભરેલી શિક્ષણ પ્રણાલી છે. ભારતમાં અંગ્રેજોએ આ શિક્ષણ પ્રણાલી દાખલ કરેલી એ સરકાર ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય તેમાં રસ ધરાવતી નહોતી. સાથે ને સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ તેને રસ-રુચિ ન હતાં. ભારતની આઝાદી પછી વિજ્ઞાન અને ટેકનોલોજીને વિશાળ ફલક પર દાખલ કરાયાં, પરંતુ એની સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને શિક્ષણમાં સામેલ ન કર્યો, પરિણામે મૂલ્યો વિશે દ્વિધા ઊભી થઈ છે. અને વ્યક્તિગત જીવન તેમજ સામુહિક જીવન જીવવામાં દિશાનિર્દેશનો અભાવ પણ છે. સંસ્કૃતિ અને શિક્ષણ વચ્ચેનો આવો સંઘર્ષ પશ્ચિમના દેશોમાં ગંભીર પ્રકારનો નથી કારણ કે છેલ્લાં ૩૦૦ વર્ષથી તેઓ ભૌતિકવાદી, પ્રાદ્યોગિકીકરણવાળી સંસ્કૃતિને વિકસાવી રહ્યા છે. ભારતની વાત જુદી છે આપણો દેશ પ્રાચીન છે અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવનારો છે. આજની કેળવણીનાં મૂળિયાં એમાં નથી. ભારતીય સંસ્કૃતિ શું છે? ભારતીય સંસ્કૃતિનું અનન્ય લક્ષણ ક્યું છે? – ‘આધ્યાત્મિકતા’.. આધ્યાત્મિકતા એ ભારતીય સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ છે.. ભારતીય સંસ્કૃતિએ જેવું મહત્ત્વ આધ્યાત્મિક જીવનને આપ્યું છે તેટલું મહત્ત્વ વિશ્વની બીજી સંસ્કૃતિએ આપ્યું નથી.. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો, ‘સર્વ પ્રથમ તો ભારતીય મન ધાર્મિક છે અને ત્યાર પછી બીજું બધું એટલે એને જ પ્રબળ બનાવવું જોઈએ.’ – બીજા એક પ્રસંગે સ્વામીજી કહે છે ‘ધર્મ અને માત્ર ધર્મ જ ભારતનું જીવન છે અને જ્યારે એ જાય ત્યારે ભારત મરી જશે. રાજનીતિઓ, સામાજિક સુધારાઓ અને દરેક ભારતવાસી પર કુબેરનો ધનભંડાર વરસતો રહે તો પણ ભારત ટકી ન શકે.’ અહીં સ્વામીજીની દૃષ્ટિએ ધર્મ એટલે આધ્યાત્મિકતા, તદુપરાંત પ્રભુના સાક્ષાત્કાર સાથે સંકળાયેલી બધી બાબતો એટલે આધ્યાત્મિકતા. ભારતના પ્રાચીન ઋષિઓએ આધ્યાત્મિક જગત માટે નિયમો અને સત્યો શોધી કાઢ્યાં છે. એમાં ધર્મોનાં સારભૂત તત્ત્વો રહેલાં છે. મંદિરો, વિધિવિધાનો, પુરાણ અને શાસ્ત્રની વાતો અને સંસ્થાઓને સ્વામીજી ગૌણ ગણતા. સ્વામીજીની દૃષ્ટિએ ‘દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે, ભીતર રહેલી આ દિવ્યતાનું પ્રગટીકરણ એ એનો આદર્શ છે.’ આ છે આધ્યાત્મિકતાનો અર્થ અને એ જ છે ધર્મનું તેમજ ભારતીય સંસ્કૃતિનું સારભૂત તત્ત્વ… સ્વામીજી એને ‘વેદાંત’ કહેતા.

આધુનિક વિજ્ઞાન સાથેની સમતા એ વેદાંત છે. ઘણા લોકો માને છે કે ધર્મ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી છે. બીજા ધર્મો માટે એ સાચું હશે પણ હિન્દુ ધર્મ-વેદાંત માટે નહીં.. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન અરસપરસ વિરોધી ભાવવાળા નથી પણ એકબીજાના પૂરક છે.. એનું કારણ એ છે કે એ બંને અંતિમ સત્ય સાથે સંકળાયેલાં છે. વિજ્ઞાન બાહ્ય જગતનું સત્ય શોધે છે. જ્યારે ધર્મ અંતરના વિશ્વના સત્યની શોધના કરે છે. વિજ્ઞાન અને ધર્મમાં અંતિમ અનુભૂતિ અનન્ય સિદ્ધાંત ગણાય છે. આ વિષે સ્વામીજી કહે છે: ‘જેમ કોઈ ભૌતિક વિજ્ઞાની કોઈ જ્ઞાનની સીમાઓ સુધી તેનો પીછો કરે છે અને અંતે તે જ્ઞાનતત્ત્વોમાં ઓગળી જાય છે. તેવી જ રીતે એક તત્ત્વજ્ઞાની જોશે કે જેને તે મન અને પદાર્થ કહે છે તેના ભેદ બાહ્ય છે અને સત્ય તો એક જ છે.’

વિજ્ઞાન અને ભારતીય ધર્મની બીજી સમાનતા એ છે કે, એ બંંને પુનરાવલોકનના સિદ્ધાંત પર આધારિત છે. વિજ્ઞાન માને છે કે નિરીક્ષણ, પરીક્ષણ દ્વારા સત્ય સાબિત થયા પછી તેને સાચા માનવામાં આવે છે. વેદાંત પણ કહે છે કે, ધર્મના સત્યોને પ્રત્યક્ષ અનુભૂતિથી પ્રમાણવા જોઈએ. આ વિશે સ્વામી વિવેકાનંદનું એક ઉદાહરણ આપવાની મને ઇચ્છા થાય છે. ‘દરેક વિજ્ઞાનને પ્રમાણી શકાય એવા તર્ક કે બુદ્ધિની શોધના દ્વારા પ્રમાણી શકાય એ જ ધર્મ છે. ભૌતિક વિજ્ઞાન અને જ્ઞાનને માટે જે સંશોધનાની પદ્ધતિઓ છે એ જ પદ્ધતિઓ ધર્મના વિજ્ઞાનને સમજવામાં કામે લગાડી શકાય ખરી? મારી દૃષ્ટિએ એમ જ થવું જોઈએ અને હું સ્પષ્ટપણે માનું છું કે જેટલું એ વહેલું થાય એટલું એ વધારે સારું.’ તેથી જ ભારતીય સસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન પરસ્પર એ એકબીજાના પૂરક છે. આનો નિર્દેશ કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે : ‘પ્રાચીન સમયથી જ ભારતમાં ધર્મ-વિજ્ઞાન અને તત્વજ્ઞાનને ભણવા સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પશ્ચિમના દેશોની જેમ હિન્દુઓ વિજ્ઞાન અને તત્વજ્ઞાનને અલગ ગણતા નથી. આપણે ધર્મ અને તત્વજ્ઞાન ને વૈજ્ઞાનિક સત્ય અને તર્કબુદ્ધિ પર આધારિત ભાષા ગણીએ છીએ.’ આ મૂળભૂત સત્યને સમજવાના અભાવ કે અજ્ઞાનને લીધે આપણી આઝાદી પછી આપણા દેશની રાજનિતિના ઘડવૈયાઓએ બિનસાંપ્રદાયિક્તાને એક રાજકીય રંગ આપી દીધો. આવી સાચી બિનસાંપ્રદાયિક્તા એક રાજનૈતિક સિદ્ધાંત તરીકે ધાર્મિક ઝનૂનવાદને, હિંસાને અને જનજીવનમાંથી સંઘર્ષને નિવારે છે. અહીં સુધી તો એ ખરેખર સાચો અને આવશ્યક સિદ્ધાંત છે. પરંતુ આપણા દુર્ભાગ્યે બિનસાંપ્રદાયિક્તા, સાચા સર્વધર્મ સમભાવના સાચા વ્યાપના અજ્ઞાને આપણા શિક્ષણને રાષ્ટ્રજીવનના બીજા ક્ષેત્રોમાંથી આધ્યતાત્મિક જીવનના સર્વ સમર્પણ કે જીવન સમર્પણના સિદ્ધાંતોનો છેદ ઉડાડી દીધો છે.

એટલે જ સાચા ધર્મ-આધ્યાત્મિક જીવનના પાયાના સિદ્ધાંતોને આપણી શિક્ષણ-પ્રણાલીમાં ફરીથી દાખલ કરવા જોઈએ. ભારતના દરેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ આધ્યાત્મિક્તાના જ્ઞાન સોંસરવા નીકળવું જોઈએ. સાચો ધર્મ શું છે તે તેમણે જાણવું જોઈએ. તેઓ આજના આધુનિક વિજ્ઞાનની સાથે આપણા દેશનો પ્રાચીન સાંસ્કૃતિક વારસા ને સાંકળી શકે તેવા બનવા જોઈએ. આ જ સૌથી વધારે મહત્વની અને પ્રાથમિક વાત આ દેશમાં કરવાની છે.

કેળવણીમાં ધર્મ બીજો મહત્વનો ભાગ ભજવે છે અને એ છે ચારિત્ર્યઘડતર. પ્રાચીન કાળથી જ ધર્મ નૈતિક મૂલ્યોનો પાલક પોષક રહ્યો છે. આ વસ્તુ માત્ર ભારત માટે નહીં પરંતુ વિશ્વના બીજા દેશો માટે પણ એટલી જ સાચી છે. ધર્મ અને નૈતિક્તા એ બંને એક નથી પરંતુ તેઓ સાથે ને સાથે ચાલ્યા કરે છે. નૈતિક તાકાત વિના જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી અશક્ય છે અને વળી આ નૈતિક તાકાત પણ ચારિત્ર્ય ઘડતર અને નિઃસ્વાર્થ ભાવનામાંથી આવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ખોખલાઓ દ્વારા ક્યારેય પણ મહાન કાર્ય સિદ્ધ ન થઈ શકે—’ આપણાં પ્રાચીન શાસ્ત્રો, ઉપનિષદો કહે છેઃ “સત્યમેવ જયતે” ના સત્યનો જય થાય છે, અસત્યનો નહીં.’ કોઈપણ વ્યક્તિના ચારિત્ર્ય ઘડતર કે ચારિત્ર્ય વિકાસનું કાર્ય શક્ય બને તેટલી નાની ઉંમરથી શરૂ થવું જોઈએ. આપણાં બાળકોનાં પ્રબળ ચારિત્ર્ય વ્યક્તિગત જીવનનું સૌથી મહત્વનું પાસું અને મોટી મૂડી છે અને ગમે તે ભોગે એનુ સંરક્ષણ થવું જોઈએ.

સ્વામીજીએ બધી શક્તિઓ – શારીરિક શક્તિ, આત્મીય શક્તિ અને આધ્યાત્મિક શક્તિને ઘણું મહત્ત્વ આપ્યું છે. તેઓ કહે છે : મોટા ભાગનાં દુઃખ-કષ્ટો, નિર્બળતાને કારણે ઉદ્ભવે છે. તેઓ કહે છે : ‘વેદાંત કહે છે કે આ વિશ્વમાં દુઃખ કષ્ટોનું કારણ એક માત્ર નિર્બળતા જ છે. બધી પીડાઓનું કારણ આ નિર્બળતા જ છે. આપણે જૂઠું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, કોઈને મારી નાખીએ છીએ અને આવી બીજી વિકૃતિઓ કરીએ છીએ કારણ કે આપણે નિર્બળ છીએ.’ એક બીજા સ્થળે તેમણે કહ્યું છે, ‘નિર્બળતાનું જ સતત મનન કરવું એ નિર્બળતાને ઘર કરવાનો ઈલાજ નથી; પરંતુ તેનો ઈલાજ છે માનવોની ભીતર રહેલ શક્તિનો વિચાર કરવામાં. તમે કદી ‘ના’ ન કહો, ક્યારેક એમને કર્યો કે ‘હું ન કરી શકું’ કારણ કે તમે દિવ્ય માનવી છો.’ વ્યક્તિત્વના બીજા એક પાસાને સ્વામીજી ઘણું અગત્યનું ગાતા. તે છે શ્રદ્ધા – બ્રહ્મચર્ય. તેનો ઉલ્લેખ અહીં કરવો સુયોગ્ય બની રહેશે. સ્વામીજીની દૃષ્ટિએ શ્રદ્ધા એટલે પ્રભુમાં વિશ્વાસ, ધર્મની શક્તિમાં વિશ્વાસ અને પોતાની જાતમાં વિશ્વાસ. સ્વામીજી કહેતાઃ “જગતનો ઇતિહાસ એટલે ગણ્યાગાંઠ્યા માનવોની શ્રદ્ધા, માનવોનાં ચારિત્ર્ય.”

સ્વામીજી દૃષ્ટાંતો આપતાં કહે છે : શ્રદ્ધા અને બ્રહ્મચર્ય પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. બ્રહ્મચર્ય એટલે આત્મસંયમ અને વિદ્યાર્થીઓએ જીવવાનું જીવન. જ્યાં સુધી તમે વિદ્યાર્થી રહો ત્યાં સુધી તમારે મન-વચન-કર્મની પવિત્રતા જાળવવી પડશે. આ બાબતમાં આપણા ભારતીય યુવાનોએ પશ્ચિમના યુવાનોનું અનુકરણ કરવાની જરૂર નથી. તમે પવિત્ર બની નિર્મળ જીવન જીવશો તો તે તમારા જીવનમાં અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગી થશે. અનુશાસનશીલ વિદ્યાર્થી જીવન તમારા જીવનકાળ સુધી ટકી રહેશે. તમારા ગૃહસ્થ જીવનમાં પણ એ માર્ગદર્શક બની રહેશે.

નિઃસ્વાર્થભાવના અને સેવાના માનવીય ગુણો પર સ્વામીજીએ સૌથી વધારે ભાર દીધો છે. સ્વામીજી નૈતિકતા વિશે કહે છે : ‘નૈતિકતાની આ એક માત્ર વ્યાખ્યા છે-જે કંઈ સ્વાર્થમય છે તે બધું અનૈતિક છે અને જેમાં નિઃસ્વાર્થતા છે એ છે નૈતિકતા!’ સ્વામીજીના આદર્શ – નિઃસ્વાર્થભાવ અને સેવા કાયદાકીય બાબતોથી પર છે. વાસ્તવિક્તામાં જો પ્રભુ સર્વમાં સર્વશક્તિમાન રૂપે વસતા હોય, દરેક માનવ મૂળભૂત રીતે દિવ્યશક્તિરૂપ હોય તો માનવની ઈશ્વર ભાવે કે માનવમાં રહેલા પ્રભુની સેવા કરવી એ જ શ્રેષ્ઠ પૂજા છે. સેવાનો આદર્શ કેળવણીનું મુખ્ય અંગ બનવું જોઈએ. રામકૃષ્ણ મિશન પોતાની આવી શિક્ષણ સંસ્થાઓ દ્વારા સ્વામીજીએ પ્રબોધેલા સેવાના આદર્શને આચરણમાં મૂકવાની યુવા વિદ્યાર્થીઓને સોનેરી તક આપે છે. હું માનું છું કે સેવાનો આ આદર્શ આપણા યુવાનોમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. ઘણા યુવાનો વ્યક્તિગત કે સામુહિક રીતે ઘણી સંસ્થાઓમાં નિઃસ્વાર્થ સેવા માટે આગળ આવી રહ્યા છે. આ એક સુખદ-સારો સંકેત છે. અંતે હું આ સંસ્યા વધુ ને વધુ ફૂલેફાલે એ માટે શ્રી રામકૃષ્ણ દેવ, શ્રીમા શારદા દેવી અને સ્વામીજીને પ્રાર્થના કરું છું. વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ સંસ્થામાં આવનારા સૌ ઉમદા આદર્શ અને ઉત્તમ સદ્‌ગુણોનો પોતાના જીવનમાં આવિષ્કાર કરે તેવી શુભેચ્છા પાઠવું છું.

આપ સૌનો આભાર. હરિ ૐ તત્‌ સત્‌

મંગલ ઉદ્‌ઘાટન પ્રવચન પછી દાનવીર શ્રી બા પટેલ, શ્રી કિશોરભાઈ શાહ, આર્કિટેક્ટ શ્રી ગિરિશભાઈ મારુ સ્ટ્રક્ચરલ એન્જિ. શ્રી કલ્પેશભાઈ જીવાણી તથા બાંધકામ કરનાર શ્રી રોહિત માંકડ તથા હિંડોચાભાઈનું સન્માન થયું હતું.

ત્યારપછી ‘મૂલ્યલક્ષી શિક્ષણ’ વિશે એક ચર્ચાસભાનું આયોજન થયું હતું. તેમાં સ્વામી નિખિલેશ્વરાનંદ, શ્રી દુષ્યંત પંડ્યા, શ્રીગુલાબભાઈ જાની, શ્રી કિરણ પટેલ, શ્રી બકુલેશ ધોળકિયાએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આભાર દર્શન રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નવનિયુક્ત અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ કર્યુ હતું. ત્યારબાદ ભાવિકજનોએ અલ્પાહાર માણ્યો હતો.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના તેરમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજનો અંત્યેષ્ટિવિધિ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૫ એપ્રિલ ૨૦૦૫ને સોમવારે બપોરે ૩.૫૧ કલાકે કોલકત્તામાં મહાસમાધિમાં લીન થયા છે. તેઓ ૯૬ વર્ષના હતા. એમના અવસાનના દુ:ખદ સમાચાર ૨૫મીએ રાત્રે દૂરદર્શન અને આકાશવાણી પર પ્રસારિત થયા હતા અને ૨૬મીની સવારના સમાચાર પત્રોમાં એ દુ:ખદ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે આ સમાચાર સાંભળીને એમને અંજલિ આપવા પુષ્પગુચ્છ મોકલ્યો હતો. ૬૦ હજાર જેટલા મઠ-મિશનનાં વિવિધ કેન્દ્રોના સંન્યાસીઓ, શિષ્યો, ભક્તજનો, એમના શુભેચ્છક મિત્રો ૨૫મીની સાંજથી એમને નિવાપાંજલિ આપવા ઉમટી પડ્યા હતા. ૨૬મીની સવારે ૧૦.૧૫ કલાકે એમના ક્ષરદેહને રામકૃષ્ણ મઠના કાર્યાલયની સામે આવેલા ઊંચા પ્લેટફોર્મ પર બપોરના ૧૨.૧૦ સુધી રાખવામાં આવી હતી. ૧૨.૪૦ બેલૂર મઠના પ્રાંગણમાં ગંગાકિનારે આવેલ સમાધિપીઠમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા અને ૩.૧૫ કલાકે આ અંત્યેષ્ટિવિધિ પૂર્ણ થઈ હતી. પશ્ચિમ બંગાળના સન્માનનીય રાજ્યપાલશ્રી ગોપાલકૃષ્ણ ગાંધીએ ૨૬મીની સવારે એમને પુષ્પાંજલિ અર્પી હતી. ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ, ભારતના સન્માનનીય વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલશ્રી એસ.એમ. કૃષ્ણા, કર્ણાટકના રાજ્યપાલશ્રી ટી. એન. ચતુર્વેદીએ પણ પોતાના શોકસંદેશા પાઠવ્યા હતા. ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો, અધિકારીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓએ પોતાના શોકસંદેશ પાઠવ્યા હતા. દૂરદર્શન અને આકાશવાણી ઉપર આ બધા સમાચારો પ્રસારિત થયા હતા. બાંગ્લાદેશનાં સમાચારપત્રોમાં પણ વિશેષ રૂપે આ દુ:ખદ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના દેહોત્સર્ગના તેરમે દિવસે ૭મે, ૨૦૦૫ને શનિવારે વિશેષ પૂજા, શ્રદ્ધાંજલિ સભા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રહેશે. રામકૃષ્ણ મઠ અને મિશનનાં બધાં કેન્દ્રોમાં આ જ રીતે વિશેષ કાર્યક્રમો યોજાશે.

વડાપ્રધાનશ્રી ડો. મનમોહન સિંહનો શોકસંદેશ

શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની મહાસમાધિના દુ:ખદ સમાચાર સાંભળીને ડો. મનમોહન સિંહે ઊંડા દુ:ખ અને આઘાતની લાગણી સાથે પાઠવેલ શોક સંદેશ આ પ્રમાણે છે :

આપણા વર્તમાનકાળના સૌથી મહાન શિક્ષકોમાંના એક શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની મહાસમાધિના દુ:ખદ સમાચાર સાંભળીને હું ભારતના આપણા કરોડો લોકોની સાથે અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું અને એમની વિદાયથી આપણને પડેલી મોટી ઊણપ પણ અનુભવું છું.

તેઓશ્રી શિક્ષક, ઉપદેશક, વિદ્વાન, સાધુ, જરૂરમંદ લોકોના સન્મિત્ર હતા. તદુપરાંત તેઓ ઊંડાં ધર્મજ્ઞાન અને શ્રદ્ધા ધરાવનાર એક મહાન ધર્મપુરુષ હતા. સાથે ને સાથે તેઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાની શ્રેષ્ઠ પ્રણાલીઓ પ્રત્યે સાચો માનવીય અભિગમ ધરાવતા હતા. તેઓ એક સર્જક પણ હતા. એમણે આપણા દેશમાં અને વિદેશમાં રામકૃષ્ણ મિશનનાં ધ્યાન-શિક્ષણ કેન્દ્રો ઊભાં કર્યાં હતાં. આપણી ભારતીય પેઢીઓએ એમના ચરણોમાં બેસીને આપણા ઘણા શાસ્ત્રગ્રંથો, ધર્મગ્રંથો અને પુરાણોના જ્ઞાનને પોતાની ભીતર ઊતાર્યું છે. તેઓશ્રીએ નિ:શંક રીતે શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાની અત્યંત રસપ્રદ, જીવંત અને કાવ્યમય રીતે તાત્ત્વિક ચર્ચા કરી છે. તેઓશ્રી પૂર્ણ જીવન જીવ્યા છે અને આપણા વિશાળ દેશના ખૂણેખૂણે રહી ચૂક્યા છે. તેમણે દક્ષિણ એશિયાના દરેક દેશમાં અને વિશ્વભરમાં પોતાના શિષ્યોને અને અન્ય ભાવિકોને પ્રેમ, સમર્પણ, વિદ્યાભ્યાસ-જ્ઞાનોપાર્જન અને તેનું મહત્ત્વ, પવિત્રતા જેવા સદ્‌ગુણોનું શિક્ષણ આપ્યું છે. રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા ઘણા ભાવિકો એમનામાં સ્વામી વિવેકાનંદને નીહાળતા, અને એમાં કોઈ અત્યુક્તિ નથી. આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથો, ધર્મગ્રંથોના નિરૂપણમાં એમની આધુનિક, માનવીય અભિગમવાળી અને મનની ઉઘાડી બારીવાળી દૃષ્ટિનાં દર્શન થાય છે. હિંદુધર્મનો ઉપદેશ આપતી વખતે સ્વામી વિવેકાનંદના ઉપર્યુક્ત મૂલ્યોના ઉદાત્ત આદર્શને તેઓ વળગી રહેતા.

બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી એક મહાન બહુશ્રુત વિદ્વાન અને ઉપદેશક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌નાં લખાણો તેમજ સ્વામી વિવેકાનંદનાં વિદ્વત્તા અને દુરંદેશીપૂર્ણ લેખો-વ્યાખ્યાનોએ ભારતના લાખો લોકોને આ મહાન પ્રાચીન ભૂમિના મહાન ધર્મોનાં શ્રેષ્ઠ અને સાચાં મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેર્યા છે. તેઓશ્રી કેરાળામાં હોય કે કલકત્તામાં, હૈદરાબાદમાં હોય કે ન્યુ દિલ્હીમાં, જ્યાં જ્યાં રહેતાં ત્યાં ત્યાં માનવ સેવા માટે જીવનસમર્પણ કરનારા અને આપણા લોકોના ક્ષેમકલ્યાણ સાધનારા પ્રબુદ્ધ યુવાનોની અનેક પેઢીઓ આપણને એમણે આપી છે.

એમનાં વ્યાખ્યાનો તરુણોથી માંડીને વરિષ્ઠો સુધીના બધી ઉંમરના શ્રોતાજનોને મુગ્ધ બનાવી દેતાં. એમાંથી કેટલાંક જ્ઞાન માટે આવતા, તો વળી બીજા પ્રેરણાપાન માટે આવતા; સૌ કોઈ જીવનમાં સુખચેન અને શાંતિ પામવા એમને સાંભળવા આવતા. એમનો મધુર અવાજ, એમનું આકર્ષક વ્યક્તિત્વ, એમનો માનવીય અભિગમ અને એમાંય એમની ગહન વિદ્વત્તાએ વિશાળ સંખ્યામાં શ્રોતાજનોને મુગ્ધ કરી દીધા હતા. તેઓ એક મહાન સંદેશવાહક હતા.

શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીની આ ચિરવિદાયથી સમગ્ર વિશ્વે ખરેખર એક સાચા સંન્યાસીને ગુમાવ્યા છે. આ વણપૂરી ઊણપ માટે હું વિશ્વભરના એમના શિષ્યો, અનુયાયીઓની સાથે મારા હૃદયના વિષાદની લાગણી પ્રગટ કરું છું.

એપ્રિલ, ૨૬, ન્યુ દિલ્હી

મનમોહન સિંહ

શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજને લોકસભાએ આપેલી શ્રદ્ધાંજલિ

સન્માનનીય સંસદ સભ્યશ્રીઓ, મારે આ સભાગૃહને રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના દુ:ખદ અવસાનના સમાચાર આપવાના છે.

સ્વામીજી એક વંદનીય મહાવ્યક્તિ હતા. એમણે ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યો છે. સામાજિક સેવાના ક્ષેત્રમાં એમણે પોતાની એક અનેરી ભાત પાડી છે. એમના પ્રભાવક નેતૃત્વ હેઠળ રામકૃષ્ણ મિશને આપણા દેશબાંધવોની વિવિધ ક્ષેત્રમાં સેવા કરી છે; એમાંય વિશેષ કરીને ગરીબ, નિર્બળ અને કચડાયેલા લોકોની ઉન્નતિ અને કલ્યાણ માટે ઘણાં કાર્યો કર્યાં છે. સ્વામીજી ધાર્મિક સદ્‌ભાવના અને સહ અસ્તિત્વમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા તેઓશ્રી ૨૫ એપ્રિલ, ૨૦૦૫ના રોજ ૯૬ વર્ષની ઉંમરે કોલકાતામાં મહાસમાધિ પામ્યા છે. એમની આ ચિરવિદાયથી આપણે સૌ ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ અને મને ખાતરી છે કે આખું સંસદગૃહ રામકૃષ્ણ મિશનને સમાશ્વાસન સંદેશો પાઠવવામાં મારી સાથે જોડાશે. હવે બધા સંસદ સભ્યો, એમની સ્મૃતિમાં ભાવાંજલિ અર્પવા બે મિનિટ ઊભા રહીને મૌન પાળશે. (બધા સભ્યોએ બે મિનિટ મૌન ઊભા રહીને ભાવાંજલિ આપી હતી.)  ૨૬ એપ્રિલ, ૨૦૦૫

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.