જામનગરમાં વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણની શતાબ્દીનો એક કાર્યક્રમ માર્ચની તા. ૨૬ના રોજ જામનગર ટાઉન હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જામનગર ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતાં સ્વામી જિતાત્માનાંદજીએ જણાવ્યું હતું કે, ભારતનો આધ્યાત્મિક સંદેશ અગત્યનો છે. એ આધ્યાત્મિકતા જ જગતનો ઉદ્ધાર કરશે. અને ભારત બચશે તો જ જગત બચશે. ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે સાચા હિંદુ ધર્મનું દર્શન જગતને કરાવ્યું, દેશની અસ્મિતા જાગૃત કરી, રાષ્ટ્રની ચેતનામાં પ્રાણ પૂર્યો.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિવેકાનંદજીનાં સંદેશની આજે વિશ્વને જરૂરિયાત છે, તે વાત પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના બાળકોએ સ્વામી વિવેકાનંદ વિષે સુંદર નાટિકા પણ રજુ કરી હતી. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મહાનગરપાલિકાના કમિશ્નર વિલાસીનીબેન રામચંદ્રને કર્યું હતું. ડેપ્યુટી કલેક્ટર શ્રી દેસાઈએ આવકાર આપ્યો હતો તેમજ શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આભારદર્શન કર્યું હતું.

શ્રી રામકૃષ્ણ મિશન સેવક શિક્ષણ મંદિર બેલુર મઠ દ્વારા યુવકો માટે યોજાનાર ૯ માસનો તાલીમ વર્ગ

શ્રી રામકૃષ્ણ મિશન સેવક શિક્ષણ મંદિર, બેલુર મઠના ઉપક્રમે ૯ માસના એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશના ૮૦ ટકા યુવાનો ગામડામાં રહે છે અને આ યુવાનોને એકત્રિત તેમજ સંગઠિત કરવામાં આવે તો રાષ્ટ્રના વિકાસમાં તેઓનું યોગદાન અનેરું બની રહે તેવો હેતુ આ તાલીમ વર્ગનો છે. વેલ્યુ ઓરિએન્ટેશન, મૅનેજમેન્ટ તથા રૂરલ મૅનેજમેન્ટ જેવા વિષયો પર તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવશે. તે ઉપરાંત ટેકનિકલ તેમજ લઘુ અને ગૃહઉદ્યોગો વિશે પણ તાલીમ આપવામાં આવશે.

ઓછામાં ઓછું જેઓ સ્નાતકો છે તથા જેઓની ઉંમર ૧૮થી ૨૫ વર્ષની છે તેઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં જોડાનાર યુવક પોતાના ગ્રામ વિસ્તારમાં અથવા જરૂર પડે તો દેશના અન્ય ભાગમાં કામ કરવા તત્પર હોવો જોઈએ. આ ઉપરાંત તે સ્વરોજગાર માટે તથા વિવિધ ભાષાઓ શીખવા માટે યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. જોડાનાર યુવકને લોજિંગ-બોડિંગની વિનામૂલ્યે સવલત તથા થાડું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોડાવવા માગતા ઉમેદવારને ચકાસણી માટે બેલુર મઠ અથવા તેના નજીકના સ્થળે નિમંત્રવામાં આવશે. કાર્યક્રમની વધુ વિગત માટે નીચેના સરનામે સંપર્ક સાધવા વિનંતી છે: પ્રિન્સિપાલ, રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિર, બેલુર મઠ, હાવરા-૭૧૧૨૦૨.

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.