શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
૨૦૧૩-૧૪માં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ત્રણવર્ષ યોજાનાર વિવિધ કાર્યક્રમોનો શુભારંભ ૨૩ જાન્યુઆરી, રવિવારના રોજ ગુજરાતના રાજ્યપાલ મહામહિમ ડો. કમલાજીએ દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો હતો. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પણ તેમના વરદ હસ્તે ઈનામો અપાયાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગ દ્વારા ભારતના વિવિધ સંતો અને બોધકથાનો સચિત્ર પરિચય આપતું પુસ્તક ‘સચિત્ર બાળવાર્તા: ભાગ-૮’નું તેઓશ્રીએ વિમોચન કર્યું હતું. શ્રી કમલાજીએ પોતાના અધ્યક્ષીય ભાષણમાં દેશની સુષુપ્ત ચેતનાને ઝંકૃત કરી ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરનાર સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રને પ્રેરણાદાયી ગણાવ્યું હતું અને યુવાનોને તેમાંથી બોધપાઠ લેવા સૂચન કર્યું હતું. સ્વામીજી એક વ્યક્તિ નહીં, પરંતુ સંસ્થા હતા, પશ્ચિમી સંસ્કૃતિની પાછળ દોટ મૂકતા ભારતીયોને સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનું જ્ઞાન કરાવ્યું હતું તથા સામાજિક ઉત્થાન માટેની સ્વામીજીની પ્રવૃત્તિઓને વિશેષ રૂપે સરાહી હતી.
રામકૃષ્ણ મિશન, વડોદરાના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં યોજાનારા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા આપી હતી.
જ્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. અક્ષય અગ્રવાલે સ્વામીજીના જીવનના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજ વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના વિજેતાઓને એમના વરદ હસ્તે પણ ઈનામો અપાયાં હતાં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમંદિર નીચેના હોલમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૧૧ને શનિવારે ૨.૩૦ થી ૬.૦૦ સુધી ઉચ્ચતર કેળવણીના ક્ષેત્રમાં રહેલા તજ્જ્ઞો માટે ‘સ્વામી વિવેકાનંદનો દૃષ્ટિકોણ અને આજની ઉચ્ચતર કેળવણીની દિશાઓ અને ભાવિદર્શન’ વિશે સેમિનારનું આયોજન થયું હતું.
સૌરાષ્ટ્રની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના આશરે ૧૮૦ જેટલા અગ્રણી સભ્યોએ આ સેમિનારનો લાભ લીધો હતો.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. અક્ષય અગ્રવાલ, નોલેજ કન્સોલ્ટીયમ ઓફ ગુજરાતના કન્વીનર ડો. એ.કે.સિંઘ, મુંબઈના ડો. દ્વારકાનાથ કાળે અને રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ માર્ગદર્શનીય અને મનનીય પ્રવચનો આપ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે કર્યું હતું.
તા. ૨૬ જાન્યુઆરીને બુધવારના રોજ સ્વામી વિવેકાનંદની જન્મતિથિ પ્રસંગે શ્રીમંદિરમાં સવારથી વેદપાઠ, સ્તોત્ર, વિશેષ નૈવેદ્ય, વિશેષ પૂજા, હોમ વગેરેનું આયોજન થયું હતું. આશરે ૧૫૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાંજે શ્રીમંદિરમાં શિવનામ સંકીર્તન તથા સંધ્યા આરતી પછી દિલ્હીના સુખ્યાત સીતારવાદક નાસીર હુસૈનનો અપૂર્વ કાર્યક્રમ થયો હતો.
તા. ૨૯ જાન્યુઆરીને શનિવારે પારેવડા ગ્રામે ‘નારાયણ સેવા’નો કાર્યક્રમ યોજાયો હતો. ૫૦૦ જેટલા ગ્રામવાસીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સ્વામી સર્વલોકાનંદજી મહારાજ, સ્વામી નંદીકેશાનંદજી મહારાજે ગ્રામવાસીને ઉદ્બોધન કર્યું હતું. એ જ દિવસે સાંજે આશ્રમમાં મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ પર સ્વામીજીઓએ પ્રવચન આપ્યું હતું.
તા. ૩૦ જાન્યુઆરી, રવિવારના રોજ સવારે મંદિર નીચેના હોલમાં ભક્તો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. તે જ દિવસે સાંજે મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી આશ્રમના સાધુ-બ્રહ્મચારીઓ દ્વારા ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ એ વિષય પર અદ્ભુત લીલાગાન રજૂ થયું હતું.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા
આ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મદિને યુવા સંમેલનનું આયોજન ચં.ચી.મહેતા ઓડિટોરિયમ, મ.સ. યુનિ., વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. સભારંભમાં અધ્યક્ષપદે મ.સ.યુનિ.ના કુલપતિ ડો. મૃણાલિનીદેવી પવાર હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર-ડાયરેક્ટર અને નિર્માતા ડો. શ્રી રાજીવ મેહરોત્રા તથા અમેરિકાની વેદાંત સોસાયટીના પરિવ્રાજિકા બ્રહ્મપ્રાણા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. શ્રી રાજીવ મેહરોત્રાએ સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશ પર તૈયાર થઈ રહેલ ફિલ્મ વિશે યુવાનોને વિસ્તૃત માહિતી આપી હતી. સમારંભમાં તેજસ્વી યુવાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. યુવાનોએ મોટી સંખ્યામાં આ સંમેલનમાં ભાગ લઈ, સક્રિય ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમનું સંચાલન રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું.
રામકૃષ્ણ મિશન, લીંબડી
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૮ જાન્યુઆરી, મંગળવારના રોજ ૨૩ શાળાનાં ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે એક યુવસંમેલનનું આયોજન થયું હતું. આ યુવાનોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડેમીના નિયામક ડો. ભદ્રાયુ વછરાજાનીએ સંબોધ્યા હતા. વન અને પર્યાવરણ વિભાગના ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા અને વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. મહેમાનોના વરદ હસ્તે ડિસેમ્બર માસમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં. સંસ્થાના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું અને સ્વામી વિવેકાનંદનાં જીવન-સંદેશને પોતાના જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થી ભાઈ-બહેનોને હાકલ કરી હતી.
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે પ્રતિમા પર એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા
ધરમપુર શહેર વિસ્તારના સમડી ચોકના સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત કાર્યક્રમ દરમિયાન સ્વામીજીની ભવ્ય પ્રતિમા પર એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરાતા હજારોની સંખ્યામાં ઉપસ્થિત જગતજનો ભાવવિભોર બન્યા હતા.
વહેલી સવારે ૭.૩૦ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતેથી ભવ્ય યુવા રેલી નીકળી હતી. જેમાં ધરમપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક માધ્યમિક શાળાઓ, ખાનગી વિદ્યાલયો, ઉ.બુ. વિદ્યાલયો, આશ્રમશાળાઓ, કોલેજો મળી ૧૭૫૦ જેટલા વિદ્યાર્થી મિત્રોએ શાળા પરિવાર તથા નગરના અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા. યુવા રેલીએ નગરના વિવિધ વિસ્તારોમાં ફરી વિવેકાનંદજીનો જયઘોષ કર્યો હતો. નાનાં ભૂલકાઓ આ રેલીમાં વૈશ્વિક સંત-મહંતની વેશભૂષામાં સજ્જ થઈ અલગ વાહનમાં ઊભા રહેતાં અનેરૂ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
રેલી ૯.૩૦ કલાકે સ્મારક ખાતે પરત ફરી ત્યારે સુરત એરપોર્ટના રેઈનબો ફ્લાઈંગ એકેડમીના કેપ્ટન નૈયુમ સૈયદ તથા કેપ્ટન કાર્તિક ગરાસિયાએ એરક્રાફ્ટ દ્વારા ૭ વખત પુષ્પવર્ષા કરતા ઉપસ્થિત સહુએ એકીઅવાજે જયઘોષ કરતાં સમગ્ર નગર વિવેકાનંદમય બની ગયું હતું. વિદ્યાર્થીએ સ્વામીજીના જીવનમાંથી નાના નાના પ્રસંગો વર્ણવ્યા હતા. સહુને વિવેકાનંદ રચિત સ્વદેશમંત્રનું ગાન કરાવાયું હતું. આ ટ્રસ્ટના પ્રમુખે સહુને સ્વામીજીના વિચારોને આત્મસાત્ કરવા અને દરરોજ શક્ય હોય તો પંદર મિનિટ એમનાં જીવનસંદેશનું પઠન કરવા અનુરોધ કર્યો હતો. બધા વિદ્યાર્થીઓને સ્વામીજીનો ફોટો આપવામાં આવ્યો હતો.
Your Content Goes Here




