શ્રીરામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શ્રીમંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ
સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મ જયંતીના પાવનકારી દિવસે ૧૭મી જાન્યુઆરી ને રવિવાર ૨૦૧૦ના રોજ સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, અલ્લાહાબાદમાં શ્રીરામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત વૈશ્વિક મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. તે દિવસે સવારે મંગલ આરતી, વેદપાઠ, ભજન, વિશેષ પૂજા, રામકૃષ્ણ સંકીર્તન અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તે દિવસે સાંજના શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ભગવાન શ્રીરામકૃષ્ણદેવ : જીવન અને સંદેશ વિશેના વ્યાખ્યાન સાથે જાહેર સભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ ત્રિલોકીનાથ ચતુર્વેદી, સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનાં વ્યાખ્યાનો થયાં હતાં. આ સભામાં શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે વિશેષ સ્મરણિકાનું વિમોચન કર્યું હતું. શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે મંદિર નિર્માણના કાર્યમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કાર્યકરોને મોમેન્ટો અર્પણ કર્યા હતા. સાંજના ૭ થી ૯ સત્સંગ ભવનમાં રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ, દેવઘરના સચિવ સ્વામી સર્વગાનંદજી તેમજ રામકૃષ્ણ મિશન આશ્રમ, નારાયણપુરના વિદ્યાર્થીઓએ ગીતિનાટ્યમાં શ્રીરામકૃષ્ણની બાલ્યલીલા રજૂ કરી હતી.
બીજે દિવસે શ્રીમા સારદાદેવી દિનના ઉપલક્ષ્યમાં રિડર સંસ્કૃત વિભાગ, અલ્લાહાબાદ યુનિ.ના ડોક્ટર સુચિત્રા મિત્રા; હિંદી વિભાગના વડા પ્રો. શ્રીમતી શૈલ પાંડે; તેમજ પંડિત રવિશંકર યુનિ.ના પ્રો. ડો. ઓમ પ્રકાશ શર્માનાં વ્યાખ્યાનો હતાં. આ જાહેર સભાના અધ્યક્ષ સ્થાને પ્રવ્રાજિકા અમીતપ્રાણાજી હતા. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીકૃષ્ણનંદ શર્મા અને પાર્ટીનાં ભજનો તેમજ નારાયણપુરના વિદ્યાર્થીઓ દ્વારા ‘સબ કી માઁ સારદા’ નાટ્યાભિનય રજૂ થયો હતો.
ત્રીજે દિવસે સ્વામી વિવેકાનંદ દિનના ઉપક્રમે સવારે મંગલ આરતી, ભજન, શોભાયાત્રા અને ભોપાલના અસીત બેનર્જીનું સિતારવાદન યોજાયું હતું. તબલા પર ગ્વાલિયરના પંડિત રામસ્વરૂપ રાતોણિયાએ સંગત કરી હતી. સાંજની જાહેર સભામાં રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને હતા. સંસ્કૃત વિભાગ, અલ્લાહાબાદ યુનિ.ના વડા પ્રો. રાજલક્ષ્મી વર્મા; રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી; તેમજ ચંડીગઢ આશ્રમના સચિવ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજનાં વક્તવ્યો હતાં. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નારાયણપુરના વિદ્યાર્થીઓ દ્વારા ‘વીરેશ્વર વિવેકાનંદ’નો નાટ્યાભિનય રજૂ થયો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ
૨૪ જાન્યુઆરીએ જૂનાગઢની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં ૨૫૦ જેટલાં દર્દીઓની આંખની ચકાસણી થઈ હતી. એમાંથી ૮૮ દર્દીઓનાં મોતિયાંનાં ઓપરેશન સ્વામી વિવેકાનંદ આઈ-કેર-સેન્ટરમાં થયાં હતાં. દર્દીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
૧૨ ફેબ્રુઆરી, શુક્રવારે મહાશિવરાત્રીના પર્વના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મંદિરમાં રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી ચાર પ્રહરની વિશેષ પૂજા, હવન, ભજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ બે પ્રહરમાં શિવનૃત્ય તથા ત્રીજા પ્રહરમાં શિવતાંડવ નૃત્યનું આયોજન થયું હતું.
ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી પાવનકારી જન્મતિથિ ૧૬ ફેબ્રુઆરી, મંગળવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ઉજવાઈ હતી. સવારના બહોળી સંખ્યાના ભક્તજનોની હાજરીમાં મંગલ આરતી, વેદપાઠ, ચંડીપાઠ, સ્તોત્રપાઠ, ધ્યાન, આશ્રમના પરિસરમાં વિશેષ શોભાયાત્રા, પુષ્પાંજલિ, હવનનું આયોજન થયું હતું. બપોરની ભોગ આરતી પછી ૨૨૦૦ જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. તે જ દિવસે સવારે રાજકોટ શહેરની શાળાના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધા પછી આ બધા સ્પર્ધકો શોભાયાત્રામાં જોડાયા હતા. સાંજે શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણનામ સંકીર્તનનું આયોજન થયું હતું.
૨૦ ફેબ્રુઆરી, શનિવારે સંધ્યા આરતી પછી મંદિર નીચેના હોલમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના અધ્યક્ષપણા હેઠળ એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ડો. ભદ્રાયુ વછરાજાની અને રાજકોટના શ્રીમતી જ્યોતિબહેન દવેનાં વ્યાખ્યાનો ભક્તોએ માણ્યાં હતાં.
૨૧ ફેબ્રુઆરીએ સંધ્યા આરતી પછી સાંજના ૭.૩૦ કલાકે મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓએ રજૂ કરેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાગીતિ’ના કાર્યક્રમને ભક્તજનોએ ભાવથી માણ્યો હતો.
૨૮ ફેબ્રુઆરીના રોજ શ્રી ચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે સવારે ૯.૩૦ કલાકે વિશેષ સંકીર્તન અને સંધ્યા આરતી પછી ચૈતન્ય મહાપ્રભુના જીવન કવન વિશેનું પ્રવચન યોજાયું હતું.
Your Content Goes Here




