શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ

તા. ૧ થી ૫ મે’૯૬ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિકોત્સવ યોજાયો. ૧ મેના રોજ સુપ્રસિદ્ધ ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજન સંગીતથી આ કાર્યક્રમોનો પ્રારંભ થયો. તા. ૨ના રોજ પારિતોષિક વિતરણ સમારંભ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યક્રર શ્રી રતુભાઈ અદાણીના અધ્યક્ષપદે યોજાયો હતો. સ્વામી વિવેકાનંદ જયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ વકતૃત્વ, મુખપાઠ, નિબંધ, વેશભૂષા, ચિત્રકામ વગેરે સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોમાંથી ૧૩૫ સ્પર્ધકોને આ પ્રસંગે ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિજેતા સ્પર્ધકો સિવાય અન્ય વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વાલીઓ પણ આ જાહેર સભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી રતુભાઈ અદાણીએ પોતાના પ્રેરક વક્તવ્યમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાચવાની હાકલ કરી અને કહ્યું કે આ સ્પર્ધામાં ભાગ લેવાથી સ્વામી વિવેકાનંદના સંદેશથી માહિતગાર થવાય છે તે પારિતોષિક કરતાં પણ વધારે મહત્ત્વનું છે. અતિથિવિશેષપદેથી બોલતાં રાજકોટના મેયર શ્રીમતી ભાવનાબહેન જોષીપુરાએ વિજેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને રાજકોટ શહેર વતી હાર્દિક અભિનંદન આપ્યા. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મધ્યપ્રદેશ)ના સચિવ સ્વામી સત્યરૂપાનંદજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.

તા. ૩ મેના સવારના ૮થી બપોરના ૧૨.૩૦ સુધી યુવ-સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ ૫૦૦ યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. સ્વામી સત્યરૂપાનંદજીએ ‘તમે પોતાના ભાગ્યના વિધાતા છો’ વિષય પર બોલતાં કહ્યું કે મનુષ્ય અન્ય યોનિઓથી અલગ છે. અન્ય યોનિઓમાં ચેતના હોવા છતાં તેઓ પ્રકૃતિને વશીભૂત છે જ્યારે મનુષ્ય અંતઃ અને બાહ્ય પ્રકૃતિ પર પ્રભુત્વ મેળવી પોતાના જીવનનું ઘડતર કરી શકે છે. આ માટે લક્ષ્ય વિશેની ધારણા, ઉત્સાહ, આત્મશ્રદ્ધા, આત્મસંયમ વગેરે ગુણો યુવાવસ્થામાં જ કેળવવા ઉપર તેમણે ભાર મૂક્યો. બીજા સત્રમાં તેમણે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વર્ણન પોતાની ઓજસ્વી ભાષામાં કર્યું હતું. પ્રશ્નોત્તરીનાં સત્ર દરમિયાન તેમણે કેટલાક ચૂંટેલા પ્રશ્નોના સંતોષજનક ઉત્તરો આપ્યા હતા. સંસ્કૃત સાહિત્ય અકાદમી (ગુજરાત)નાં ઉપાધ્યક્ષ અને સુપ્રસિદ્ધ વિચારક ડૉ. વસંતભાઈ પરીખે રસપ્રદ શૈલીમાં ઉદાહરણો સાથે સફળતા માટે ધગશ, વ્યવસ્થિત આયોજન વગેરેની આવશ્યકતા પર વક્તવ્ય આપ્યું હતું.

તા. ૪નાં રોજ સવારના ૮થી બપોરનાં ૧૨.૩૦ સુધી યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં લગભગ ૩૫૦ શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો. સ્વામી સત્યરૂપાનંદજીએ આજની પરિસ્થિતિમાં શિક્ષકનું કર્તવ્ય સમજાવતાં શિક્ષકોના પોતાના ચારિત્ર્ય ઘડતરની વિશેષ ભૂમિકા અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયો વિશે છણાવટ કરી. ડૉ. વસંતભાઈ પરીખે પોતાની આગવી શૈલીમાં રમૂજી દૃષ્ટાંતો દ્વારા આજની શિક્ષણ જગતની વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો અને શિક્ષક ભાઈ-બહેનોને પોતાના કર્તવ્યબોધ વિશે જાગૃત થવા પ્રેરિત કર્યા.

તા. ૫ મેના રોજ સવારના ૮.૩૦થી બપોરના ૧૨.૩૦ સુધી યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી પ્રમાનંદજી, સ્વામી સત્યરૂપાનંદજી અને સ્વામી જિતાત્માનંદજીનાં પાવન સુમધુર પ્રવચનો થયા. ભજન સંગીતથી અદ્‌ભુત વાતાવરણનું નિર્માણ થયું હતું.

તા. ૩ મેના રોજની સાંજની જાહેર સભાનો વિષય હતો – ‘૨૧મી સદી માટે સ્વામી વિવેકાનંદનું વ્યવહારુ વેદાંત’, તા. ૪ના સાંજની જાહેર સભાનો વિષય હતો – ‘નારી જીવનનો પરિપૂર્ણ આદર્શ શ્રી મા શારદાદેવી’ અને તા.૫ મેની સાંજની જાહેર સભાનો વિષય હતો – ‘વૈશ્વિક ધર્મના સંસ્થાપક શ્રીરામકૃષ્ણ’. ત્રણેય જાહેર સભાનાં અધ્યક્ષપદેથી સ્વામી સત્યરૂપાનંદજીએ મનનીય પ્રવચનો કર્યા. ડૉ. વસંતભાઈ પરીખે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો અને સ્વામી વિવેકાનંદના સંદેશની જગતને આજે તાતી આવશ્યકતા છે તે પ્રસ્થાપિત કર્યું. સુપ્રસિદ્ધ લેખિકા ગુરુકુળ મહિલા મહાવિદ્યાલયના પ્રાધ્યાપિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ ૪ મેના રોજ શ્રીમા શારદાદેવીના ત્રણ રૂપો – કન્યા, પત્ની અને માતા – ૫૨ ભાવવાહી વકતવ્ય આપ્યું અને જાણીતા શિક્ષણવિદ્ શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ તા. ૫ મેના રોજ શ્રી રામકૃષ્ણદેવ વિશે વિદ્વતાપૂર્ણ પ્રવચન આપ્યું.

તા. ૪ અને ૫ ના રાતના ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવેલ શ્રી પ્રહ્‌લાદ બ્રહ્મચારીના બાઉલ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. નૃત્ય-ગીતોથી અનેરું વાતાવરણ સર્જાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિકજનોએ આ કાર્યક્રમ માણ્યો.

પંચમહાલમાં શ્રીરામકૃષ્ણ સમાજ મંદિર

પંચમહાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત નીમચ ગામમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગ્રામવાસીઓના સહકારથી શ્રીરામકૃષ્ણ સમાજ મંદિર (કૉમ્યુનિટિ હૉલ)નાં ભવનનું નિર્માણ થયું છે. આ ભવન (૫૦ ફૂટ × ૩૦ ફૂટ)નો ઉદ્‌ઘાટન વિધિ ૧૯મી મેનાં રોજ થયો. આ પ્રસંગે ૧૯ મે અને ૨૦ મે આમ બે દિવસો સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થયું હતું – જાહેર સભા, આદિવાસી નૃત્ય, ભજન, પૂજા, હવન વગેરે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ૪000 લોકોએ પ્રેમ પૂર્વક ભોજન (પ્રસાદ) ગ્રહણ કર્યું.

મધ્યપ્રદેશમાં આદિવાસી વિકાસનું સેવાકાર્ય કરવા માટે રાષ્ટ્રપતિ એવાર્ડ પ્રાપ્ત કરનાર શ્રી નંદલાલ બૈરાગી આ સમારંભના પ્રમુખ અતિથિ હતા. નીમચ, દેવધા, જાંબુઆ અને કલાસીયા વગેરે ગ્રામોનાં લોકોમાં ૮૦૦ સાડીઓનું વિતરણ પણ થયું.

પીવાના પાણીનું રાહત કાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ગરીબ પરિવારોને ૧લી એપ્રિલ’૯૬થી દરરોજ દસ હજાર લીટર પીવાનું પાણી ટેન્કર દ્વારા નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે.

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.