શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં છેલ્લાં કેટલાક વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ વર્ગોનું સંચાલન થઈ રહ્યું છે. પછાત વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે મૂલ્યનિષ્ઠ કેળવણી સાથે વિષયશિક્ષણનું કાર્ય પણ સતત ચાલુ રહ્યું છે. આવા એક વર્ગમાં ૨૧ જૂન, ૨૦૦૪ના રોજ ૪૫૦ જેટલાં વિદ્યાર્થી ભાઈબહેનોને જીવનશિક્ષણ, આધ્યાત્મિક સંસ્કાર, ધ્યાનપ્રાર્થના, સર્વસેવાની ભાવનાના સંસ્કાર સ્વામી જિતાત્માનંદજી તથા શ્રી ગુલાબભાઈ જાની આપી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસૂરમાં ‘શ્રીમા શારદાદર્શન’ નામનું સચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકતાં કર્ણાટકના રાજ્યપાલશ્રી ટી.એન.ચતુર્વેદીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા: ‘શ્રીરામકૃષ્ણદેવનાં જીવનસંદેશનું શ્રીમા શારદાદેવી જીવંત ઉદાહરણ હતાં. તેઓ અત્યંત શરમાળ અને અંતર્મુખી હતાં. તેમણે ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનથી નિષ્પન્ન શાંતિ અને પવિત્રતાને સર્વત્ર પ્રસરાવી છે. તેમણે પરસ્પર વિરોધી વલણભાવોને પોતાની રીતે સુસંવાદી બનાવ્યા છે.’ આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, મૈસૂરને આવું અનન્ય પ્રદર્શન રચવા માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા: ‘આ પ્રદર્શન દ્વારા શ્રીમાનાં જીવન અને સંદેશની એક આછી રૂપરેખા તો મળી રહે છે પણ સાથે ને સાથે એમણે આત્મસાત્ કરેલા ઉદાત્ત ગુણોનું શિક્ષણ પણ એમાંથી મળશે.’ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના પુસ્તક ‘Enlightened Citizenship’નો કન્નડ ભાષામાં શ્રી. કે.ઓ. ચંદન્ના બસપ્પાએ કરેલો અનુવાદ ‘આદર્શ નાગરિક’ના નામે પ્રસિદ્ધ થયેલા પુસ્તકનું વિમોચન ગવર્નરે કર્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્વામી સુરેશાનંદજી હતા. પ્રો. એચ.એન. મુરલીધરે પણ આ પ્રસંગે પ્રવચન આપ્યું હતું.
Your Content Goes Here




