સૌરાષ્ટ્ર – કચ્છના વાવાઝોડાગ્રસ્ત લોકોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.

* ૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારના પોરબંદર, જામનગર, કંડલામાં ૧૬૦ કિ.મી.થી વધુ ગતિએ ફુંકાયેલા વિનાશક વાવાઝોડાએ ઘણી ખાનાખરાબી સર્જી છે. અસંખ્ય કુટુંબો ઘરબાર વિહોણાં બન્યાં છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. પ્રકૃતિના આ રુદ્ર રૂપે સર્જેલી તારાજીમાં લોકોની ‘શિવભાવે – જીવસેવા’ના આદર્શ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા ૧૦-૧૧ જૂન, ૧૯૯૮ના રોજ તત્કાલ રાહતરૂપે જામનગર – પોરબંદર – વિસ્તારના લોકોને ફૂડ પૅકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કચ્છ – કંડલા – ગાંધીધામ – આદિપુર વિસ્તારનું રાહતસેવા કાર્ય

* તા. ૧૨ જૂન, ૧૯૯૮ના રોજ દૈનંદિન જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ગાંસડીઓ તૈયાર કરીને સંન્યાસીઓ અને સ્વયંસેવકોની એક ટુકડી રાજકોટથી બે ટ્રક ભરીને આદિપુર પહોંચી – ત્યાંથી કંડલા – ગાંધીધામ – આદિપુર વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને,

* તા.૧૩ જૂન, ૧૯૯૮ના રોજ સવારના ૭થી રાતના ૯ વાગ્યા સુધી વિતરણ કાર્ય થયું હતું. આ કાર્યમાં ભૂજના સ્વામી વિવેકાનંદ યુવકમંડળ તેમજ ગાંધીધામના શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સેન્ટરના સ્વયંસેવકોની સેવા પ્રશંસનીય રહી.

* તા.૧૪ જૂન, ૧૯૯૮ના રોજ પણ આ કાર્ય અવિરતપણે ચાલુ રહ્યું.

* તા.૧૫-૧૬ જૂન, ૧૯૯૮ના રોજ બબ્બે ટ્રક એમ મળીને ચાર ટ્રક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ગાંસડીઓ સાથે રવાના થઇ અને કંડલા – ભૂજ – ગાંધીધામ -આદિપુર – ધાણેટી વગેરે વિસ્તારોમાં રાહત-સેવા – વિતરણ કાર્ય થયું.

* તા.૧૭ જૂન, ૧૮ જૂન, દરમિયાન વિતરણ કાર્ય પૂરું કરીને ટુકડીઓ પરત આવી.

આદિપુરના મણિનગર, કંડલા પોર્ટ વિસ્તાર – ગણેશ હાઇસ્કૂલના રાહતસેવાકેમ્પ સ્થળે, ગાંધીધામના સંજયનગરી, જી.આઇ.ડી.સી., રામનગરી, કાર્ગો મોટર્સ કેમ્પ, સાપેડા, ભુજોડી, માધાપર, અંજાર જકાતનાકા, સારપરના નાકા, ધાણેટી (ખાણ મજૂરો) કોટડા – ગામનાં ૧૬૫૫ કુટુંબોમાં ઘઉં, બાજરાનો લોટ ૭૬૦૦ કિ.ગ્રા., ખીચડી ૬૭૦૦ કિ.ગ્રા., થાળી-વાટકા – પ્યાલાના ૧૦૦૦ સેટ, પ્લાસ્ટિક ડોલ મોટી ૭૫૦, નાની ડોલ – ૫૦૦, સ્ટવ – ૪૬૦, ગાંઠિયા – બુંદી ૧૫૦ કિ.ગ્રા., હળદર ૫૦ કિ.ગ્રા. ખાંડ ૧૦૦૦ કિ.ગ્રા., ચા ૫૦ કિ.ગ્રા., મીણબત્તી ૨૦૦૦, નહાવાનો સાબુ ૧૦૦૦, ધોવાનો સાબુ ૧૦૦૦, બાકસ બંડલ ૧૪૪૦, બટેટાં ૧૫૦ કિ.ગ્રા., ડુંગળી ૮૦૦ કિ.ગ્રા., તૈયાર નવાં કપડાં ૮૦૦૦, સાડી ૩૦૦૦, ચાદર ૧૦૦૦ વગેરે વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૩૫૦૦ કુટુંબોમાં ૪૨૦૦૦ બ્રેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના ખંભાળિયા – કલ્યાણપુર વિસ્તારમાં કરેલ રાહત સેવા કાર્ય

* તા.૧૬ જૂન, ૧૯૯૮ના રોજ દૈનંદિન જીવન જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની ૮૦૦ ગાંસડીઓ તૈયાર કરીને ૧૭મી જૂને સવારે ચાર ટ્રક ભરીને ચાર સંન્યાસી – બ્રહ્મચારીઓ અને ૧૦ સ્વયંસેવકો સાથેની એક ટુકડી જામ-ખંભાળિયા, કલ્યાણપુર તાલુકામાં વિતરણ સેવા કાર્ય માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાંથી રવાના થઇ. જામ-ખંભાળિયા, હંજડાપર, બેરાજા, દાતરાણા, જાંકસિયા, જામકલ્યાણપુરના અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત સિક્કા, ગણેશનગર, હરસિદ્ધિનગર, મોટી ખાવડી, જામનગર – ખંભાળિયા વચ્ચે હાઇવેની આજુબાજુ આશ્રય લેનાર મજૂર વિસ્તારોમાં ૮૦૦ કુટુંબીજનોમાં ૮૦૦ ગાંસડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૮૦૦૦ કિલો ઘઉંનો લોટ, ખીચડી ૩૨૦૦ કિ.ગ્રા., સ્ટવ ૫૫, થાળી-વાટકા-પ્યાલાના સેટ ૮૦૦, પ્લાસ્ટિક ડોલ ૪૦૦, બાકસ બંડલ ૧૬૦૦, મીણબત્તી ૧૬૦૦, ચાદર ૨૦૦, સાડી ૨૪૦૦, તૈયા૨ કપડાં ૪૮૦૦, સાબુ ૮૦૦ વગેરે વસ્તુઓનું વિતરણકાર્ય કરીને આ ટુકડી ૧૯મી જૂને પરત આવી હતી.

પોરબંદર જિલ્લામાં થયેલ રાહતસેવા કાર્ય

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સહકારથી પોરબંદર જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત ૪૫૦ ગરીબ પરિવારોમાં જરૂરિયાતની વસ્તુઓ – ઘઉં, ચોખા, દાળ, ડુંગળી, બટેટાં, વસ્ત્રો વગેરેથી ભરેલ એક – એક ગાંસડી તેમજ એક હજાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સિવાય ૧૨૫ ઝૂંપડાવાસીઓમાં તેઓનાં ઝૂંપડાને સમારવા માટે ૧૨૫ પોલીથીન શીટ (૧૫ ફૂટ × ૧૨ ફૂટ)નું વિતરણ ક૨વામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના ખાપટ (વાઘરી વિસ્તાર), ખાપટ (મારવાડી વિસ્તાર), ખાપટ (ગાંધિયાણી), દેગામ, તુંબડા, નવાપરા – છાયા, કલીપુલ, ચોપાટી (રબારી વિસ્તાર), ચોપાટી (હરિજન વિસ્તાર), કુછડી વગેરે વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ છે.

શ્રીરામકૃષ્ણ મિશનના અન્ય રાહતકાર્યો

બિહાર:

શ્રીરામકૃષ્ણ મિશનના રાહત સેવાકાર્યના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં દેવધર વિદ્યાપીઠને ગરીબ-અનાથ લોકોમાં વિતરણ માટે ૪૦૦ સાડી, ૨૫૦ ધોતિયાં, ૮૦૦૦ જેટલાં તૈયાર કપડાં મોકલવામાં આવ્યાં છે.

ઓરિસ્સા :

જગન્નાથપુરી અને આસપાસના વિસ્તારોમાં ૫૬૦૦ જૂનાં તૈયાર કપડાંનું વિતરણકાર્ય કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાલ :

અમારા રામહરિપુર કેન્દ્ર દ્વારા કોચકુન્ડા, બેલેસાલા (બાંકુરા જિ.) ગામના બરફના કરા અને વરસાદથી અસરગ્રસ્ત લોકોમાં ૩૦૦ સાડી, ૩૦૦ ધોતિયાં, ૭૯૦૦ તૈયાર સારાં જૂનાં કપડાંનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત ‘તમારું ઘર તમે જાતે બનાવો’ એ યોજના હેઠળ અસરગ્રસ્ત ગામડામાં લોકોને દેશી નળિયાં પણ આપવામાં આવ્યાં છે. રામકૃષ્ણ મિશનના રાહત સેવાકાર્યના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં અમારા સારગાછી કેન્દ્રે મુર્શીદાબાદ જિલ્લાના ઘરવિહોણાં પાંચ કુટુંબો માટે પાંચ પાકાં મકાન બાંધી આપ્યાં છે.

આંધ્ર પ્રદેશ પુનર્વસવાટ કાર્ય :

થાને ક્ષેત્રના લંકા ગામમાં વાવાઝોડામાં લોકો માટેનાં સામુહિક આશ્રયસ્થાન -કમ- શાળાના મકાનનું રંગકામ ચાલુ છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના મમ્મીદીવરમ્ મંડળના યલાકલા ક્ષેત્રમાંના આવા આશ્રયસ્થાનનું પ્લાસ્ટર કામ તેમજ લાદી ચોડવાનું કામ પણ પૂરું થવામાં છે. જૂન મહિનામાં જ બન્ને આશ્રય સ્થાન – કમ શાળાનાં મકાનોનો સમર્પણ વિધિ લોકસભાના સન્માનનીય અધ્યક્ષ શ્રી જી. એમ.સી. બાલયોગીના વરદ હસ્તે સંપન્ન થયો હતો. થાને ક્ષેત્રના લંકા અને યલાકલા ક્ષેત્રના ગરીબ લોકો માટે બન્ને સ્થળે પાંત્રીસ પાંત્રીસ એમ મળી કુલ ૭૦ શૌચાલયોનું બાંધકામ કરી આપવામાં આવ્યું.

મહારાષ્ટ્ર:

લાતુર જિલ્લાના ધરતીકંપગ્રસ્ત વિસ્તારમાં થયેલા પુનર્વસવાટ કાર્ય પછી ત્રણ ગામમાં લોકશિક્ષણ પરિષદ, નરેન્દ્રપુર અને એકસેલ ઈન્ડસ્ટ્રીઝ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે વિવેકાનંદ ગ્રામ વિકાસ પ્રકલ્પનું કાર્ય ચાલી રહ્યું છે.

ગુજરાત :

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દાહોદ જિલ્લાના અછતગ્રસ્ત આદિવાસી વિસ્તારનાં નીમચ અને જાંબુવા ગામનાં ૧૫૦ આદિવાસી કુટુંબોમાં ૧૫૦ સ્ટીલનાં થાળી-ગ્લાસ-વાટકાના સેટ, ૩૦૦ સાડી, ૧૫૦૦ કિ. ઘઉંનો લોટ, ૭૫૦ કિલો ચોખા, ૬૦૦ જૂનાં સારાં તૈયાર કપડાં, ૧૫૦ બાકસ બંડલ, ૧૫૦ મીણબત્તી, ૧૫૦ સાબુ જેવી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ૨૫૦ આદિવાસી કુટુંબોમાં ૧૨૫૦ કિ. જુવાર અને ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું. નીમચના રાહત કેન્દ્રમાં ૨૨ આદિવાસી વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલનું ઉદ્‌ઘાટન જિલ્લા કલેક્ટર શ્રી ઈ.આઈ. કાલાશ્વાના વરદ્ હસ્તે ૨૩મી જૂને થયું હતું. આ હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને રામકૃષ્ણ મિશનની અન્ય હૉસ્ટેલની જેમ નિયમિત તાલીમ, નૈતિક આધ્યાત્મિક શિક્ષણ સાથે ભોજન, ગણવેશ, અભ્યાસની સામગ્રી વગેરે આપવામાં આવશે.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.