ધો. ૧ થી ધો. ૧૧-૧૨ તથા કોલેજ કક્ષા માટેની વકતૃત્વ, શીધ્ર ચિત્ર, નિબંધ, મુખપાઠ, દેશભક્તિ ગીત-વૃંદગાન, નાટ્ય સ્પર્ધા

૧૯૬૯ થી દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના ‘જન્મજયંતી મહોત્સવ’ના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળા/મહાશાળાઓનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતું રહે છે. આ વર્ષે સ્પર્ધાઓમાં નીચે પ્રમાણે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મુખપાઠસ્પર્ધામાં ૧૨૫ શાળાના ધો. ૧ થી ૧૦ સુધીના ચાર વિભાગના ગુજરાતી(૭૩૫ વિદ્યાર્થી), સંસ્કૃત (૩૪૫ વિદ્યાર્થી), હિંદી (૪૮૪ વિદ્યાર્થી) અને અંગ્રેજી (૪૮૦ વિદ્યાર્થી) મળીને કુલ ૨૦૪૪ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૯૭ સ્પર્ધકો પારિતોષિકને પાત્ર બન્યા હતા.

વક્તૃત્વ સ્પર્ધામાં ધો. ૫ થી પીટીસી કોલેજ સુધીના ત્રણ વિભાગમાં ૩૫૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જેમાંથી ૮૨ પારિતોષિકને પાત્ર બન્યા હતા.

શિઘ્રચિત્ર સ્પર્ધામાં ધો. ૧ થી ૧૨, પીટીસી અને કોલેજ સુધીના પાંચ વિભાગમાં કુલ ૫૯૬ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ૭૦ ઈનામને પાત્ર બન્યા હતા. 

ધો. ૭ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે નાટ્યસ્પર્ધામાં ૨૨ શાળાએ ભાગ લીધો હતો જેમાંથી ૮ શાળા પારિતોષિકને પાત્ર બની છે.

ધો. ૫ થી ૧૦ના બે વિભાગોની દેશભક્તિસમૂહ ગાન સ્પર્ધામાં ૯૧ શાળાએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૦ શાળાઓ પારિતોષિકને પાત્ર બની હતી.

વધુ ને વધુ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો આ સ્પર્ધામાં ભાગ લેતાં થાય તેવી અમારી નેમ છે. આવતા વર્ષ માટે રાજકોટ શહેરની બધી શાળાઓ – મહાશાળાઓ આ સ્પર્ધામાં રસ લે એવી શિક્ષકો, આચાર્યો અને વાલીઓ – વિદ્યાર્થીઓને વિનંતી.

વિશ્વના સંતો – પયગંબરો – દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધા શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતીના દિવસે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૦૭, સોમવારે સવારે ૭.૦૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યોજાશે. ધો. ૧ થી ૮ના ચાર વિભાગોની આ સ્પર્ધામાં સ્પર્ધકો ભાગ લેશે.

 શ્રીશારદાદેવીની જન્મજયંતી મહોત્સવ

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીશારદાદેવીની જન્મજયંતી હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાઈ હતી. આ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં તા. ૯ થી ૧૧ તથા ૧૭ ડિસેમ્બરના રોજ ઉત્સવનું આયોજન થયું હતું.

તા. ૯ ડિસેમ્બરના રોજ સંધ્યા આરતી પછી વિવેક હોલ ખાતે શ્રીમતિ પિયુબહેન સરખેલના સહયોગથી સંગીત-નૃત્ય નાટ્ય એકેડમી, રાજકોટના શિક્ષક-વિદ્યાર્થી વૃંદ દ્વારા શાસ્ત્રીય સંગીત પર આધારિત ભજન-સંધ્યાનું આયોજન થયું હતું. જેને ભાવિક ભક્તજનોએ માણી હતી.

તા. ૧૦ ડિસેમ્બરના રોજ સંધ્યા આરતી પછી મંદિર નીચેના હોલમાં ‘શ્રીમા શારદાદેવી – જીવન અને સંદેશ’ પર વિવિધ ભક્તજનોના ટૂંકા પ્રવચનો થયા હતા.

તા. ૧૧ ડિસેમ્બરના રોજ શ્રીશ્રીમાની જન્મતિથિ નિમિત્તે સવારે શ્રીમંદિરમાં મંગલઆરતી, સ્તોત્ર પાઠ, વિશેષ પૂજા,હવન, ચંડીપાઠ, ભજનનું આયોજન થયું હતું. અંધમહિલા વિકાસના બહેનો દ્વારા હવન પછી સુમધુર સંગીતના ભજનોથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. આશરે ૧૫૦૦ જેટલા ભક્તોએ બપોરે ભોજન પ્રસાદ લીધો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીમાનામ સંકીર્તન, ભજનો તથા સ્વામી વિનિર્મુક્તાનંદ તથા સ્વામી બુધાનંદના પ્રવચનો ભક્તોએ માણ્યાં હતાં.

તા. ૧૭ ડિસેમ્બરના રોજ સવારે ‘નારાયણ સેવા’માં કાઠિયાવાડ બાલાશ્રમ, સ્પેશ્યલ હૉમ ફોર ગર્લ્સ, બાળગુન્હેગારો માટેના રાજ્યસરકાર સંચાલિત સંરક્ષણ ગૃહ, પરિપાલન ગૃહ, ઓબઝર્વેશન હૉમ, અપંગ આશ્રમ, મધર ટેરેસા આશ્રમ, મેન્ટલી રિટાયર્ડ હૉમ, ભિક્ષુગૃહ, જલારામ માતૃમંદર, અંધમહિલા વિકાસગૃહ, દીકરાનું ઘર, અંધ-અપંગ વૃદ્ધાશ્રમ, મહેશ્વરી માતા વૃદ્ધાશ્રમ, સ્ટેટ હૉમ જેવી વિવિધ સંસ્થાઓના ૧૩૦૦ જેટલા ‘નારાયણો’ને ભાવપૂર્વક ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો.

એ જ દિવસે સાંજે મંદિર નીચેના હૉલમાં ‘શ્રીમા શારદાદેવી – જીવન અને સંદેશ’ વિષય પર જાહેરસભાનું આયોજન થયું હતું. જેના અધ્યક્ષ સ્થાને માતૃમંદિર, જયરામવાટીના પુજનીય સ્વામી અમેયાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણ મઠ, કામારપુકુરના સ્વામી વિશ્વનાથાનંદજી મહારાજ; શ્રીરામકૃષ્ણ મિશન, કિશનપુર (દહેરાદૂન)ના સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજ તથા મુંબઈના ડૉ. નિવેદિતા બક્ષીનાં મનનીય પ્રવચનો ભક્તજનોએ ભાવપૂર્વક માણ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ મિશન, સ્ટૂડન્ટ હૉમ, ચેન્નઈ દ્વારા ‘પ્રાર્થના ખંડ’ અને ‘શતાબ્દિ ભવન – પોલિટેકનિક કોલેજ’નો પ્રારંભ

૬ ડિસેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ‘પ્રાર્થના ખંડ’ અને ‘શતાબ્દિ ભવન – પોલિટેકનિક કોલેજ’નું ઉદ્‌ઘાટન થયું હતું. શ્રીરામકૃષ્ણ મિશન, સ્ટૂડન્ટ હૉમ, ચેન્નઈ દ્વારા ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ તથા છાત્રાવાસની નિ:શુલ્ક સુવિધા આપવામાં આવે છે.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.