રામકૃષ્ણ મિશન – ૧૯૯૫-’૯૬નો વાર્ષિક અહેવાલ

રામકૃષ્ણ મિશનની ૮૭મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૨મી ડિસેમ્બર ‘૯૬ ને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે બેલૂર મઠમાં મળી હતી.

૧૯૯૫-‘૯૬ના વર્ષ દરમિયાન પોર્ટ-બ્લેયરમાં શૈક્ષણિક સાંસ્કૃતિક સંકુલ-ભવન, મદ્રાસ મિશન આશ્રમની રાહબરી હેઠળ ચાલતી ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન, તેમજ બેલૂર મઠમાં નવા સંગ્રહાલયના મકાનનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. આ ઉપરાંત શારદાપીઠ, બેલૂર અને કોઇમ્બતૂર વિદ્યાલય માટે બે સભાગૃહોનો મંગલ ઉદ્ઘાટન વિધિ થયો હતો. કાલાડીમાં અનુસૂચિત જાતિની બહેનો માટેના સિવણ વિદ્યાલય અને શિશુગૃહ ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં જ્યાં ઐતિહાસિક સંબોધન કર્યું હતું તેવા શિકાગોના આર્ટ્સ ઇન્સ્ટિટ્યુટના ફ્લર્ટન સભાગૃહમાં સ્વામી વિવેકાનંદના સન્માનમાં એક તકતીનો અનાવરણ વિધિ યોજાયો હતો. શિકાગો શહેરની ઘણી અગત્યની શેરીમાંની એક ‘મિશીગન ઍવન્યુ’ના એક ભાગને ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે.

રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે મિશન દ્વારા રાષ્ટ્રના ૬ રાજ્યોમાં સેવા-રાહતકાર્યો અને પુનર્વસવાટ કાર્યો હાથ ધરવામાં આવ્યાં હતાં. ભૂકંપનો સામનો કરી શકે તેવાં ૬૪૬ મકાનો, ૩ સમાજ મિલન માટેના સભા ખંડો, શાળા માટેના ૩ વિશાળ મકાનો અને ચિલ્ડ્રન પાર્કનું બાંધકામ મહારાષ્ટ્ર રાજ્યના લાતૂર જિલ્લાના પુનર્વસવાટ યોજના હેઠળ પૂર્ણ કરેલ છે. કલ્યાણ કાર્યો માટે (નિર્ધન વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ, વૃદ્ધ અને અસહાય લોકોને આર્થિક સહાયતા વગેરે) ૮૪ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો. મિશનની ૯ ઇસ્પિતાલો અને ૯૨ દવાખાનાઓ દ્વારા ૫૦ લાખ દર્દીઓને વૈદકિય સેવાઓ આપવામાં આવી હતી. આ યોજના હેઠળ ૧૩ કરોડ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મિશનનાં બીજાં કેન્દ્રો દ્વારા ૧૦ કૅમ્પોમાં ૭૫૫ દર્દીઓના મોતિયાનાં ઑપરેશન કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશનની માધ્યમિક શાળાઓથી માંડી કૉલેજ સુધીની શૈક્ષણિક સંસ્થાઓએ જ્વલંત પરિણામો મેળવ્યાં છે. પશ્ચિમ બંગાળની માધ્યમિક પરીક્ષાઓમાં ૫૪૦ જેટલા વિદ્યાર્થીઓએ ૭૫ ટકા અને તેથી વધારે ગુણ મેળવીને શિક્ષણ સંસ્થાઓનું નામ રોશન કર્યું છે. રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ૭ હજાર બહેનોનો પણ સમાવેશ થાય છે. આ શૈક્ષણિક કાર્ય હેઠળ ૩૯ કરોડ રૂપિયા ખર્ચ થયેલ છે.

મિશન દ્વારા આ વર્ષે ગ્રામ વિકાસ કાર્યો તેમજ આદિવાસી ક્ષેત્રના વિકાસનાં કાર્યો માટે ૫.૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

આ પ્રકલ્પમાં નીચી કિંમતના મકાનોનું ચણતર કામ અને બીજા વિવિધ તાલીમી કાર્યોનો સમાવેશ થાય છે.

૧૯૯૫-‘૯૬નું વર્ષ સેવા કાર્યોની દૃષ્ટિએ સંતોષજનક અને પરિપૂર્ણતાવાળું રહ્યું.

૧૯૯૭ના વર્ષમાં રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના વિદેશ પરિભ્રમણમાંથી ભારતમાં પુનરાગમનના વર્ષની શતાબ્દી ઉજવવાનું આયોજન સમગ્ર ભારતભરમાં કરવામાં આવશે.

આંધ્રપ્રદેશના વાવાઝોડાંગ્રસ્ત લોકોની વહારે રામકૃષ્ણ મિશન

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ૨૫ ગામો અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ૫ ગામોના વાવાઝોડાંથી અસરગ્રસ્ત ૪૬૮૦ કુંટુંબો માટે રામકૃષ્ણ મિશન દ્વારા પ્રાથમિક રાહતસેવા કાર્ય શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ૪૫ ટન ચોખા, ૪૫ ટન દાળ કઠોળ, ૨૪ ટન દૂધનો પાવડર, ૭૫ ટન ડુંગળી – બટેટા અને બીજી ખાદ્ય વસ્તુઓનું વિતરણ થયું છે. આ ઉપરાંત ૨૧૦૦ ધોતિયાં, ૪૫૮૫ સાડી, ૬૦૦૦ બાળકો માટેનાં કપડાં, ૧૨૮૮૧ પરચૂરણ તૈયાર કપડાં, ૩૮૩૬ ચાદરો, ૧૦૨૦ ફાનસ અને ૨૮૦૦ સૅટ ઍલ્યુમિનિયમનાં વાસણ તેમ જ અન્ય ઘરઉપયોગી ચીજ-વસ્તુઓના વિતરણ સેવાકાર્ય પાછળ ૩૦ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા. આર્થિક પુનર્વસવાટ યોજના હેઠળ ખેડૂતોને ૧૧૪૫૦ નાળિયેરીના રોપાઓ આપવામાં આવ્યા છે.

હજુ વધુ સઘન રાહતકાર્ય હાથ ધરવા માટે મોજણી કરવા રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓની એક ટુકડી વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જઈ આવી છે. મિશને પૂર્વ ગોદાવરી જિલ્લાના મુભીદિવરમ તાલુકાના દરિયાકાંઠાનાં કેટલાંક ગામો માટે વાવાઝોડાંનો સામનો કરી શકે તેવાં આશ્રયગૃહો – શાળાના મકાનો બાંધી આપવાનું નક્કી કર્યું છે. આ માટે હૈદ્રાબાદના ભૂતપૂર્વ ટાઉનપ્લાનર અને નામાંકિત આર્કિટેકટ શ્રી જી. વેંકટરામન રેડ્ડી આ પુનર્વસવાટ કાર્યની રૂપરેખા નકશા તૈયાર કરી રહ્યા છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા રામકૃષ્ણ મિશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.