શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન

સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર એવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આ દિવસે યુવા શિબિરનું આયોજન સવારના ૮:૩૦ થી બપોરના ૧:૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું. શિબિરમાં યુવાનોને માર્ગદર્શન માટે રાજકોટના માનનીય મ્યુનિસિપલ કમિશ્નર શ્રી તુષાર સુમેરા (આઈ.એ.એસ.), ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ તથા વી.એચ.પી. ઑફ અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ફૉર યુથ, યુ. એસ. એ. ડૉ. વીણાબહેન ગાંધી પધાર્યાં હતાં. ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે કાર્યક્રમના ઉદ્‌ઘાટન બાદ શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું કે વિવેકાનંદજીની દરેક છબીમાં શક્તિ પ્રતિબિંબિત થાય છે, આથી સહુ યુવાનો આશ્રમની પવિત્ર ભૂમિમાં સંકલ્પ લે કે તેઓ નબળાઈનો ત્યાગ કરશે.

ડૉ. જયેન્દ્રસિંહજીએ જણાવ્યું કે તેઓને સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં બાળપણથી રુચિ છે અને તેનો અભ્યાસ કર્યો છે. તેઓશ્રીએ યુવાનોને એકાગ્રતાનો વિકાસ કરવા સૂચન કર્યું તથા નવી શિક્ષણનીતિમાં સ્વામી વિવેકાનંદજીના શિક્ષણના સમાવેશની વાત કરી. ડૉ. વીણાબહેને યુવાનોને મનની શાંતિ અને એકાગ્રતા કેળવવા માટે સૂચનો આપ્યાં. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે વિવેકાનંદજીને તેમના જન્મ દિવસ પર જો કોઈ શ્રેષ્ઠ ભેટ આપી શકાય તો એ છે કે યુવાનો ભારતને પ્રેમ કરે. દેશભક્તિ વિકસાવવા તેમણે યુવાનોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાનું સૂચન આપ્યું, કેમ કે આપણા દેશના મહાન દેશભક્તો—ગાંધીજી, નેતાજી, ડૉ. રાધાકૃષ્ણન વગેરે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોથી પ્રભાવિત થયા હતા.

આ ઉપરાંત સંમેલનમાં યુવાનોના પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું. સંમેલનમાં ૫૦૦થી વધુ યુવાનો જોડાયા. અંતમાં સહુને ભોજન પીરસવામાં આવ્યું અને પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો.

શ્રીમા શારદાદેવીની ૧૭૨મી જન્મતિથિની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે રવિવાર, ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિવેકાનંદજીનાં ગુરુમાતા તથા શ્રીરામકૃષ્ણ પરમહંસનાં સહધર્મિણી શ્રીમા શારદાદેવીની ૧૭૨મી જન્મતિથિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી.

સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અને સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની તથા શ્રીમા શારદાદેવીની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી અને પછી હવન  કરવામાં આવ્યો, ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી.

આ નિમિત્તે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘શ્રીમા શારદાદેવીનું જીવન અને સંદેશ’ વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે બપોરે લગભગ ૨૧૦૦ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સાંજે ૫:૩૦ વાગે શ્રીમા-નામ-સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું તેમજ સંધ્યા આરતી પછી વિશેષ ભજનોનું આયોજન કરવામાં આવ્યું. આ બધા જ કાર્યક્રમોમાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાંજે ૧૦૦૦થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો.

અદ્‌ભુત સેવાયજ્ઞ—દિવ્યાંગોની નારાયણરૂપે પૂજા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દર વર્ષે શ્રીમા શારદાદેવીની જન્મ જયંતીની પાવન ઉજવણી અંતર્ગત નારાયણ-સેવાનો દિવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ઉજવણીમાં માનવતાના ઊંચા આદર્શોને વ્યક્ત કરતી અનોખી સેવા આપવામાં આવે છે, જ્યાં શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ, વૃદ્ધો અને અનાથોની નારાયણરૂપે પૂજા થાય છે.

આ વર્ષે તા. ૫ જાન્યુઆરીએ આશ્રમમાં ૧૩૦૦થી વધુ નર-નારાયણોએ પધરામણી કરી. તેઓનું સાધુ-સંતો અને ભક્તો દ્વારા તિલક તથા પુષ્પોથી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. સૌએ આશ્રમના પવિત્ર મંદિરમાં દર્શન કરીને ભજન-કીર્તનનો અનોખો આધ્યાત્મિક આનંદ માણ્યો.

ત્યારબાદ સૌને ખૂબ જ પ્રેમ અને સન્માન સાથે ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો. સહુ નરરૂપી નારાયણને ભેટરૂપે ચટાઈ આપવામાં આવી. આ કાર્યક્રમ માનવતાના ભાવ અને ભક્તિના અદ્વિતીય મિશ્રણને ઉજાગર કરે છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવા-સાધનાના દિવ્ય ઉદ્દેશ્યોને પ્રગટ કરે છે.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા-૨૦૨૪

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વર્ષ ૧૯૬૬થી પ્રતિ વર્ષ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા યોજાઈ રહી છે.

આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ભવિષ્યના મહાન ભારતની આધુનિક પેઢી, સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી સંદેશને અને ઓજસ્વી વાણીને વાંચીને,સમજીને અને જીવનમાં આત્મસાત્‌ કરીને ચારિત્ર્યવાન, શ્રદ્ધાવાન, હિંમતવાન, નિષ્ઠાવાન અને સામર્થ્યવાન બને તેવા હેતુથી કરવામાં આવે છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી સ્પર્ધા ૫૮મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મજયંતી  ઉજવણીનાં ઉપલક્ષ્યમાં “ભારતની યુવાશક્તિ”ના વિચારને કેન્દ્રમાં રાખીને ૧૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી રાજકોટની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ ઓક્ટોબરના રોજ રાજકોટની ૩૦૮ શાળા-કોલેજોને સ્પર્ધાના પરિપત્રો મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૧૮૭ શાળાના કુલ ૧૦,૯૦૮ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કુલ ૬ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેનો વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.

વેશભૂષા સ્પર્ધા : ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ રવિવારના રોજ ધો ૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે ભારતનાં દેવ-દેવીઓ, ઋષિ-મુનિઓ, સંતો-ભક્તો તેમજ ભારતની આઝાદીના લડવૈયાઓ પ્રસ્તુત કરતી દિવ્ય વેશભૂષા સ્પર્ધામાં ૯૨૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

સમૂહ ભજનગાન સ્પર્ધા : ૧૬ થી ૧૮ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ ધો.૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સમૂહગાન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ ૬૩ શાળાઓના ૬૩૦ વિદ્યાર્થીઓએ સુંદર શૌર્યગીતો, દેશભક્તિ, સ્વામી વિવેકાનંદનાં ગીતો રજૂ કર્યાં હતાં. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને  પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

અંગ્રેજી મુખપાઠ સ્પર્ધા : ૨૦ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ ધો. ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી મુખપાઠ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ ૧૫૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતી મુખપાઠ સ્પર્ધા : ૨૩ અને ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ધો.૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં યોજાઈ હતી, જેમાં ૧૯૫૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

હિન્દી મુખપાઠ સ્પર્ધા : ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ધો.૧ થી ૧૨ વિદ્યાર્થીઓ માટે હિન્દી મુખપાઠ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૧૬૮૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સંસ્કૃત મુખપાઠ સ્પર્ધા : ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ધો ૧ થી ૧૨ માટે સંસ્કૃત મુખપાઠ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૯૯૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શીઘ્રચિત્ર સ્પર્ધા : ૨૯ ડિસેમ્બર, ૨૦૨૪ રવિવારના રોજ ધો. ૧ થી ૧૨ માટે શીઘ્ર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૧૪૦૭ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

વાર્તા કથન સ્પર્ધા : ૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પ્રથમ વાર વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધો.૧ થી ૮ના ૫૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

વકતૃત્વ સ્પર્ધા : ૨૮ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે અંગ્રેજી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ ૩૩૩ વિદ્યાર્થીઓ; ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ધો.૫ થી ૧૨ માટે ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૫૨૧ વિદ્યાર્થીઓ; તેમજ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હિન્દી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૩૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

બધી સ્પર્ધા ૨૧૦ વર્ગખંડોમાં યોજાઈ હતી. પ્રત્યેક વર્ગખંડમાંથી સર્વશ્રેષ્ઠ ૧ થી ૫ ક્રમાંકના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

કુલ ૧૦૫૦ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ અન્ય ભેટ આપવામાં આવશે. ૨ થી ૫ના ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને ૬ થી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ દરમ્યાન ‘સ્પર્ધા કાર્યાલય, વિવેક હોલ’માંથી પ્રમાણપત્ર અને અન્ય ભેટ આપવામાં આવેલ.

પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ‘વિવેક હોલ’ના મંચ પરથી સાંજે ૩.૪૫ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજીઓ તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને અન્ય ભેટ આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક વિદ્યાર્થીને પુસ્તક અને નાસ્તો આપવામાં આવ્યો હતો, જેમાં ધો ૧ થી ૬ના વિદ્યાર્થીઓને ‘સ્વામી વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ’ તેમજ ધો.૭ થી ૧૨ના વિદ્યાર્થીઓને ‘યુવાનોને’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધામાં નિર્ણાયક તેમજ સ્વંયસેવક તરીકે સેવા આપનાર ભાઈ-બહેનોને પ્રમાણપત્ર, ૨૦૨૫નું કેલેન્ડર અને પેન ભેટ આપવામાં આવ્યાં હતાં.

બધી સ્પર્ધામાં શ્રીરામકૃષ્ણ  આશ્રમના સ્વામીજીઓના માર્ગદર્શન હેઠળ ૨૨૯ નિર્ણાયકો અને ૧૨૭ સ્વયંસેવક ભાઈ-બહેનોએ આ ભગીરથ કાર્યમાં તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી અને સ્પર્ધાને સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

કલ્પતરુ દિવસની ઉજવણી

બુધવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કલ્પતરુ દિવસ નિમિત્તે આશ્રમ શ્રીમંદિરમાં સવારે ૬:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી જપયજ્ઞ યોજાયો. આ ઉપરાંત બપોરે ભજનગાન કરવામાં આવ્યાં અને કલ્પતરુ ઘટના અંગેનું વાંચન કરવામાં આવ્યું. સાંજે સંધ્યા આરતી પછી આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ દ્વારા કલ્પતરુ દિવસના માહાત્મ્ય વિશે પ્રવચન આપવામાં આવ્યું.

શીતકાળ રાહત કાર્ય

આશ્રમ દ્વારા ઉપલેટા, ગોંડલ, મોવિયા, દેરડી, બગસરા, કુંકાવાવ અને ધારી વિસ્તારમાં ખેતમજૂરો, શારીરિક તથા માનસિક રીતે વિકલાંગો તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને ૨૭૦ ધાબળા તેમજ ૧૫૦ ચટાઈનું વિતરણ કરવામાં આવ્યું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર, રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ

આશ્રમ દ્વારા વર્ષ ૧૯૩૯થી શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિર કાર્યરત છે, જેમાં રાજકોટ બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ આશ્રમના પવિત્ર વાતાવરણમાં રહીને અભ્યાસ કરે છે તેમજ આશ્રમના આદર્શો અપનાવીને સાથે સાથે પોતાનું ચરિત્રનિર્માણ પણ કરે છે. તા. ૫ જાન્યુઆરીના રોજ વિદ્યાર્થી મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પુનર્મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ૮૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેઓના લગભગ ૭૦ પરિવારજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સ્વામી ચિરંતનાનંદજી, સ્વામી મંત્રેશાનંદજી, સ્વામી અનંતરાનંદજી અને સ્વામી ધર્મપાલાનંદજી મહારાજ કે જેઓ વિદ્યાર્થી મંદિરના ભૂતપૂર્વ ગૃહપતિ રહી ચૂક્યા છે અથવા વિદ્યાર્થીઓ સાથે નિકટતાથી સંકળાયેલા છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ ગૃહપતિઓ દ્વારા જૂનાં સંસ્મરણો યાદ કરવામાં આવ્યાં.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ, આગામી યોજનાઓ અને આશ્રમના શતાબ્દી મહોત્સવના સંભવિત કાર્યક્રમો વિશેની માહિતી આપી. બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ યોજનાઓ માટે તન-મન-ધનથી પોતાનું યોગદાન આપવાની અપીલ કરી.

રામકૃષ્ણ મઠ, આદિપુર

૧૫ થી ૧૭ નવે. દરમિયાન આદિપુરનાં ૬૦ બાળકો અને ૨૦ સ્વયંસેવકોએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી. ૬ થી ૨૦ નવે. દરમિયાન ૮૪૪ દર્દીઓની નિ:શુલ્ક આરોગ્ય ચિકિત્સા કરાઈ. ૨૧ નવે. ગાંધીધામ ખાતે ‘મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર’નો પ્રારંભ થયો. ૩૦ નવે. સ્વામી સર્વસ્થાનંદજીના અધ્યક્ષપદે આદિપુર ખાતે યુવા સંમેલનનું આયોજન કરાયું અને સાંજે મઠમાં આધ્યાત્મિક સત્રનું આયોજન થયું.

૨૨ ડિસે.ના રોજ મા શારદા જન્મતિથિ ઉત્સવ અંતર્ગત મંગળા આરતી, વિશેષ પૂજા, હવન , પ્રવચન અને મા નામ સંકીર્તન કરવામાં આવેલ, જેનો ૧૭૫ ભક્તોએ લાભ લીધો. ૨૭ ડિસે.ના રોજ સાંજે ૭ વાગે યોજાયેલ સ્વામી મેધજાનંદજીના આધ્યાત્મિક પ્રવચનનો ૮૦ લોકોએ લાભ લીધો. ૨૮ ડિસે.ના રોજ તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, આદિપુર ખાતે મહિનામાં કુલ ૪ બૂક સ્ટોલ રાખવાનું શરૂ કરવામાં આવ્યું. ૨૯ ડિસે.ના રોજ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટી ખાતે રક્તદાન શિબિરનું ઉદ્‌ઘાટન સ્વામી મંત્રેશાનંદજી દ્વારા કરવામાં આવેલ જેમાં સ્વામીજીએ રક્તદાન પણ કરેલ.

૧ જાન્યુ.ના રોજ કલ્પતરુ દિવસની ઉજવણી અંતર્ગત જપયજ્ઞ અને સ્વામી મંત્રેશાનંદજીના પ્રવચનનું આયોજન કરવામાં આવેલ. ૩ જાન્યુ.ના રોજ રામકૃષ્ણ મઠ, આદિપુર અને કે.સી.આર.સી. ભુજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં ૧૦૫ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી ૧૫ દર્દીઓનાં ઓપરેશન થયાં અને ૫૫ ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું; હોમિયોપથીમાં ૩૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. ૫ જાન્યુ.ના રોજ સુંદરપુરી ગાંધીધામ ખાતે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ૧૪૫ દર્દીઓએ લાભ લીધો.

૯ જાન્યુ.ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઉત્સવ અંતર્ગત તોલાણી કોમર્સ કોલેજ, આદિપુર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે આયોજિત ક્વિઝ કોમ્પિટિશનમાં ૧૧૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.

૧૧ જાન્યુ.ના રોજ આદિપુર ગાંધીધામ નગરપાલિકા દ્વારા મઠના પ્રવેશદ્વારની સામેના રસ્તાનું નામકરણ ગાંધીધામનાં ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીના હસ્તે ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’ કરવામાં આવ્યું.

૧૨ જાન્યુ.ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉત્સવ અંતર્ગત ધો. ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ સ્પર્ધાનું રામકૃષ્ણ મઠના પ્રાંગણમાં આયોજન કરવામાં આવેલ, જેમાં ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અંજાર ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્વામી મંત્રેશાનંદજી દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો. સ્વામી મંત્રેશાનંદજી અને સ્વામી અલિપ્તશાનંદજીએ અંજાર અને આદિપુરની શાળાઓમાં પ્રવચન આપ્યાં, જેનો ૧૦૦૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો.ડૉક્ટર એસોસિયેશન, ગાંધીધામ દ્વારા ગાંધીધામથી આદિપુર સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ, જેનું સમાપન મઠના પ્રાંગણમાં થયેલ. આ રેલીમાં ૧૫૦ લોકોએ ભાગ લીધેલ.

નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ ૫૦ પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ થયું. આદિપુર, ગાંધીધામ, અંજાર અને ધાણેટીના જરૂરતમંદ લોકોમાં ૧૦૦૦ સ્વેટર અને ૫૯૦ ધાબળા અપાયાં. ૨૧ નવે. થી ૧૧ જાન્યુ. દરમિયાન ૩૮૯૨ દર્દીઓની નિ:શુલ્ક આરોગ્ય ચિકિત્સા કરાઈ.

રામકૃષ્ણ મિશન, લીંબડી

૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી (રાષ્ટ્રીય યુવા દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ, જ્યાં સ્વામી વિવેકાનંદ રોકાયા હતા એ ઐતિહાસિક ટાવરથી મિશન સુધી શહેરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ  દેશભક્તિ ગીત ‘અમર ભારત’, એક જાહેર સભા, ભાષણો, વિજેતાઓની પ્રસ્તુતિ, ગીતો અને વાર્ષિક ઇનામ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. તેમાં વિવિધ શાળાઓ અને કૉલેજોનાં લગભગ ૯૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠ, લેખંબા, અમદાવાદ

૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ શ્રીમા શારદાદેવીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂજા, હોમહવન, ભજન, પ્રવચન બાદ ભોજનપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભક્તોએ લાભ લીધો હતો.

૧૨ જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, રામકૃષ્ણ મઠ, લેખંબા, અમદાવાદ; ભારત માતા મંદિર, સાણંદ; પ્રાથમિક શિક્ષક સંઘ, સાણંદ; અને સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ, બોપલ-કર્ણાવતી દ્વારા સંયુક્ત રીતે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સ્વામી વિવેકાનંદના જીવન પર મીની આખ્યાન, વેશભૂષા, એકપાત્રીય અભિનય, કબડ્ડી સ્પર્ધા, ભારત માતા અને સ્વામી વિવેકાનંદના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૯ શૈક્ષણિક સંસ્થાઓના ૨૮,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૩૦૦ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઇનામ વિતરણ સમારોહના ભાગ રૂપે બાળકોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય અને ઊર્જામય ઉજવણી કરવામાં આવી. વક્તા તરીકે ડો. રાજુ ઠક્કર, શ્રી દિલીપ પંડ્યા, શ્રીમતી રામેશ્વરી, સ્વામી માયાતીતાનંદજીએ પ્રવચન આપ્યાં.

શ્રી પ્રકાશભાઈ જોશી અને સ્વામી અનંતરાનંદજી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. ૧૫૦થી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દરેક યુવાનને સ્વામી વિવેકાનંદનું પ્રેરણાદાયી સાહિત્ય આપવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર

૧૨ જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના પરિસરમાં આશ્રમવાસીઓ દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા.

સ્વામી વિવેકાનંદજીના જીવન અને ઉપદેશો પર વક્તૃત્વ, ભાષણ, નિબંધ, વિચાર-પ્રચાર, પરીક્ષા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન અગાઉ થયું હતું. તેમાં ૫૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

શ્રી રાજેશભાઈ કાનમિયા (પોલીસ ઇન્સ્પેક્ટર કમલા બાગ પી.એસ., પોરબંદર) કાર્યક્રમના મુખ્ય મહેમાન રૂપે ઉપસ્થિત હતા. તેમના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા નિવડેલા ૮૮ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય યુવા દિને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.