રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા થયેલ રાહત-સેવા-કાર્ય
ઓરિસ્સા
તાજેતરમાં ઓરિસાના ભયંકર વિનાશકારી વાવાઝોડાથી તારાજ થયેલા લાચાર લોકો માટે વ્યાપક પ્રાથમિક રાહત-કાર્ય રામકૃષ્ણ મિશન ચલાવી રહ્યું છે. ખીચડી (રાંધેલી)નાં ફૂડ-પેકેટો, પીવાના પાણીના વિતરણ ઉપરાંત ચોખા, કઠોળ, મમરા, ખાંડ, વગેરે, ચીજવસ્તુઓનું ઝંઝાવાત ગ્રસ્તોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે પારાદીપ નજીક નીચેનાં બે વિતરણ કેન્દ્રો શરૂ થયાં છે : (૧) ધિયાસાહી (કુજાન્ગા બ્લોકની પંકપાલ પંચાયતની નીચે આવેલી) અને (૨) દામકા (જગતસિંધપુર જિલ્લા, એરસ્મા બ્લોકના બાલીતુથા પંચાયત નીચે આવેલા સ્થળે). કુજાન્ગા અને એરસ્મા બ્લોકના કિનારાનાં ક્લાદિંગ્રી, બામ્દેલપુર, તગડિયા, ઓકોલા, પાઈકા સાહી, વગેરે લગભગ પચ્ચીસ ગામોનાં ભયંકર રીતે તારાજ થયેલાં ૩૦૦૦ કુટુમ્બોની મદદ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે આજુબાજુના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારને આવરી લેવા માટે સર્વેક્ષણકાર્ય હજુ ચાલુ જ છે. આ ઉપરાંત ડોક્ટરો, અને સહાયક કાર્યકરો અને પૂરતી દવાઓ સાથે હરતું ફરતું દવાખાનું પણ એ પ્રદેશમાં સક્રિય બનાવી દેવાયું છે. સર્વેક્ષણ-કાર્ય પણ કેન્દ્રપારા જિલ્લા સુધી લંબાવાયું છે. ત્યાં ૫૦૦ કુટુંબોને ખાદ્ય સામગ્રી, બીજી ચીજ-વસ્તુઓ, કપડાં, ધાબળા અને ઘર-વપરાશની અન્ય વસ્તુઓના વિતરણ માટે પસંદ કરાયેલ છે.
સૂકી ખાદ્યસામગ્રી તેમજ સાડીઓ, ધોતીઓ, ચાદરો, ટુવાલો, ધાબળાઓ, વગેરે, વસ્તુઓનું નુઆપાડા, સનુઆ, પાઈકાપાડા, અને એવાં બીજાં કેટલાંય પુરી જિલ્લાના ગોપ, સદર, કાકાતપુર અને અસ્તરંગા બ્લોકનાં ગામોમાં પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અભૂતપૂર્વ વિનાશને ખ્યાલમાં રાખીને આ રાહતકાર્ય બીજા અસરગ્રસ્ત વિસ્તારો સુધી લંબાવવું પડશે અને હજુ ઓછામાં ઓછાં કેટલાય અઠવાડિયા સુધી ચાલુ રાખવું પડશે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, ભૂવનેશ્વર દ્વારા બહેરામપુરમાં કામચલાઉ કૅમ્પ શરૂ કરીને ગન્જામ જિલ્લાના છત્રપુર, કાનીશી અને રુંગેઈલુંદા તાલુકાના નવ ગામડાંના ૨૫૦૦ લોકોને નવ દિવસ સુધી રાંધેલો ખોરાક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૫૦૦ સાડી, ૫૦૦ ધોતિયાં, ૫૦૦ લુંગી, ૫૦૦ ટુવાલ, ૫૦૦ ધાબળા, ૫૦૦, ટીન અને સ્ટીલનાં વાસણોના સેટ, ૬૮૬૦ તૈયાર કપડાં વાવાઝોડાગ્રસ્ત લોકોમાં આપવામાં આવ્યાં હતાં. ખુર્દા જિલ્લાના અંધારુઆ ગ્રામપંચાયતના ૪૫૦ લોકોને ખાંડ અને રાંધેલા અનાજ આપવામાં આવ્યાં હતાં. રામકૃષ્ણ મિશન, પુરી દ્વારા સદર અને ગોપ તાલુકાના વિસ્તારોમાં પ્રાથમિક રાહતકાર્ય રૂપે ધોતિયાં, સાડી, ધાબળાં, વગેરેનું વિતરણ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ
મિદનાપુર જિલ્લામાં શ્રીરામકૃષ્ણ મઠ, ચંડીપુર દ્વારા વાવાઝોડાગ્રસ્ત લોકોને મમરા અને ગોળ આપવામાં આવ્યાં હતાં. ‘તમારી જાતે તમારું ઘર બાંધો’એ યોજના હેઠળ મકાન બાંધકામની સામગ્રીનું વિતરણકાર્ય પણ ચાલુ છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, જલપાઈગુડી દ્વારા કુચબિહાર અને જલપાઈગુડી જિલ્લાના દિન્હાટા તાલુકાના ૮ ગામડાં અને પહારપુર વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોમાં ૨૦૦૦ સાડી, ૨૦૦૦ ધોતિયાં, ૧૭ ગાંસડી કપડાંનું ૧૮૦૦ જેટલાં કુટુંબોમાં વિતરણ થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, માલદા દ્વારા ૨૦૦૦ જેટલાં પૂરગ્રસ્ત લોકોને ૯ દિવસ સુધી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, સારગાચ્છી દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના ૧૨૬૦ લોકોને પૌઆ, ગોળ અને બ્રેડનું વિતરણકાર્ય ૧૦ દિવસ સુધી થયું હતું અને એક અઠવાડિયા સુધી ૨૫૦૦ લોકોને ખિચડીનું વિતરણ થયું હતું. પુરન્દરપુરના ૩૯૧ દર્દીઓને ચિકિત્સાસેવા સાથે દવાનું વિતરણ થયું હતું.
નાદીયા જિલ્લાના નવદ્વીપની આજુબાજુના ૨૫ ગામડાંના અસરગ્રસ્ત ૬૦૦૦ લોકોને ૪ થી ૧૪ ઑક્ટો. સુધી બેલુરમઠની સિદ્ધિ દેખરેખ હેઠળ ખિચડીનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત ૩૦૭૩ કિ.ગ્રા. પૌઆ અને ૭૪૭ કિ.ગ્રા. ગોળનું વિતરણ પણ થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, આસાનસોલ દ્વારા બર્દવાન જિલ્લાના ગુસ્કારા, મંગલકોટ, કેતુગ્રામના ૪૧,૧૪૨ લોકોને ૯ દિવસ સુધી ખિચડીનું વિતરણકાર્ય થયું હતું.
શારદાપીઠ, બેલુર દ્વારા હુગલી જિલ્લાના બેરાબેરી ગ્રામપંચાયત વિસ્તારના ૧૩ ગામડાંના ૪૮૧૨ લોકોને ૮ દિવસ સુધી ખિચડીનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત હાવરા જિલ્લાના આનંદનગર વિસ્તારના ૮૭૧૨ લોકોને ૨૩૫૦ કિ.ગ્રા. પૌઆ અને ૯૬૦ કિ.ગ્રા. ગોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાવરા જિલ્લાના દોમજુરમાં ૨૭૪૮ અસરગ્રસ્ત લોકોમાં ૬૨૬ કિ.ગ્રા. પૌઆ અને ૩૧૨ કિ.ગ્રા. ગોળનું વિતરણ થયું હતું. તેમજ ૬ દિવસ સુધી ખિચડીનું વિતરણ પણ થયું હતું.
શ્રીરામકૃષ્ણ મઠ, ઇચ્છાપુર દ્વારા હુગલી જિલ્લાના ઘોષપુર, ઠાકુરાણી ચોક, કિશોરપુર ૧ અને ૨ અને મનસુકા ગ્રામપંચાયતના ૫૩૧૨ લોકોમાં ૮૫૦૦ કિ.ગ્રા. પૌઆ, ૨૧૦૦ કિ.ગ્રા. ગોળ, ૫૦૩ કિ.ગ્રા. ચોખા, ૫૦૦ સાડી, ૫૦૦ ધોતિયા, ૫૦૦ લુંગીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ મઠ, આંટપુર દ્વારા હુગલી જિલ્લાના ચિંગ્રા અને અરુણદા ગ્રામપંચાયત વિસ્તારના ૬ ગામડાંના ૨૫૦૦ લોકોમાં ૮ દિવસ સુધી ખિચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ મઠ, બારાસાતની સાથે રહીને સાડી, ધોતિ, લુંગી, ટુવાલ અને ધાબળાના એક એવા ૧૫૦૦ સેટ ચોવીસ પરગણાં જિલ્લાના અશોકનગર, ગોપાલનગર અને બાનગાંવ વિસ્તારના ૧૫૦૦ લોકોને આપવામાં આવ્યા હતા.
શ્રીરામકૃષ્ણ મિશન, મિદનાપુર દ્વારા મિદનાપુર જિલ્લાના ૧૮ ગામડાંના ૬૬૬૩ અસરગ્રસ્ત લોકોમાં ૫૩૧૯ કિ.ગ્રા. પૌઆ અને ૧૫૮૯ કિ.ગ્રા. ગોળનું વિતરણકાર્ય થયું હતું. આ ઉપરાંત પાંચ દિવસ સુધી ખિચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રીરામકૃષ્ણ મિશન, કોન્તાઈ દ્વારા મિદનાપુર જિલ્લાના ગોકુલપુર, નાઈપુર વિસ્તારના ૧૪ ગામડાંના ૭૦૮ કુટુંબોમાં ૧૨૦૮ સાડી, ૫૬૪ ધોતિયા, ૩૦૦ ચાદર, ૬૦૪ લુંગી, ૬૦૪ ટુવાલ, ૬૦૪ શેતરંજીનું વિતરણકાર્ય થયું હતું.
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા આયોજિત નિ:શુલ્ક નેત્રયજ્ઞ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા શિવાનંદ મિશન, વીરનગરના સહયોગથી ૧૮મી નવે.’૯૯ના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં ૩૨૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી અને ૩૩ દર્દીઓનાં ઑપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં હતાં.
Your Content Goes Here




