શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા, ભજન, શિવનૃત્ય, હવન, વૈદિક મંત્રોચ્ચાર અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૯, શુક્રવારે શ્રીરામકૃષ્ણદેવના ૧૭૪મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં સવારે ૫.૧૫ વાગ્યે શ્રીમંદિરમાં મંગલ આરતી, વૈદિક મંત્રોચ્ચાર, ધ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે ૭ વાગ્યે ૧૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનો એ ‘વેશભૂષા સ્પર્ધા’માં ભાગ લીધો હતો. સવારે ૭.૩૦ કલાકે એક શોભાયાત્રાનું આયોજન થયું હતું. આ શોભાયાત્રામાં સર્વધર્મ સમન્વય, ગુજરાતના સંતો ભક્તો, વિશ્વના મહાન પયગંબરોના જીવનની ઝાંખી દર્શાવતાં ફ્‌લોટ્‌સ સાથે રાજકોટ શહેરની શાળા-મહાશાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને અગ્રણીઓ, ભક્તજનો, શિક્ષકો જોડાયાં હતાં. સ્પર્ધાબાદ આ સ્પધર્કો શોભાયાત્રામાં જોડાયાં હતાં. ૨ કી.મી. લાંબી શોભાયાત્રા બાદ સવારે ૯.૦૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમના પટાંગણમાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.એસ. પટેલના અતિથિવિશેષ સ્થાને એક સભાનું આયોજન થયું હતું. 

એમણે પોતાના સંબોધનમાં શ્રીરામકૃષ્ણદેવના અને સ્વામી વિવેકાનંદના આદર્શ અને જીવન-સંદેશને ઝીલવા સૌને હાકલ કરી હતી. એમના વરદ હસ્તે ‘વેશભૂષા સ્પર્ધા’ના વિજેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પારિતોષિકો અર્પણ કરાયા હતા. 

કાર્યક્રમનો પ્રારંભ શંખનાદ અને શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. 

શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ સૌનું અભિવાદન કર્યું હતું અને આજના મંગલ પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું. ત્યાર પછી સંગીત નાટક એકેડેમીના વાદ્યવૃંદે સુંદર મજાનું ભાવભર્યું વાદ્યસંગીત રજૂ કર્યું હતું. 

રાજકુમાર કોલેજના વિદ્યાર્થીવૃંદે પણ ભજન-સંગીત રજૂ કર્યું હતું. ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ અને શ્રી મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગ પર નાટ્યાભિનય રજૂ કર્યા હતા. નાટ્યાભિનય અને સંગીતનો કાર્યક્રમ રજૂ કરનાર સંસ્થાઓને જિલ્લા કલેક્ટરશ્રી અને સ્વામી ધ્રુવેશાનંદજીના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદની છબિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારદર્શન શ્રીમનસુખભાઈ મહેતાએ કર્યું હતું.

શ્રીમંદિરમાં વિશેષપૂજા, ભજન, હવન, ચંડીપાઠ, પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૫૦૦ જેટલા ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે શ્રીરામકૃષ્ણ નામસંકીર્તન તથા સંધ્યા આરતી પછી શ્રીમંદિરમાં આધ્યાત્મિક વાર્તાલાપ અને ભક્તિસંગીતનો આનંદ લોકોએ માણ્યો હતો. આખા દિવસમાં હજારો ભક્તજનો શ્રીરામકૃષ્ણદેવને પ્રણામ કરવા આવ્યા હતા.

૨૮ ફેબ્રુઆરી, શનિવારના રોજ મંદિર નીચેના હોલમાં સંધ્યા આરતી પછી આ મહોત્સવના ઉપલક્ષ્યમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજી, સૌ. યુનિના ડો. ભદ્રાયુ વછરાજાની અને ડો. સ્મિતાબહેન ઝાલાનાં મનનીય પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧ માર્ચ, રવિવારના રોજ સંધ્યા આરતી પછી વિવેક હોલમાં એસ.એન.કે. સ્કૂલનાં બાળકો દ્વારા ‘અવતાર શ્રીરામકૃષ્ણદેવ’ પર અદ્‌ભુત નાટક રજૂ થયું હતું.

રામકૃષ્ણ મિશન, સાલેમમાં યોજાયેલ નિ:શુલ્ક મોબાઈલ મેડિકલ કેમ્પ

૮ ફેબ્રુઆરીના રોજ વેનાન્દૂર, સાલેમમાં નિ:શુલ્ક મોબાઈલ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં જનરલ મેડિસિન વિભાગમાં મધુપ્રમેહ, ચામડીના રોગો, હૃદયના રોગોના કુલ ૨૭૬ દર્દીઓ જેમાં ૧૭૧ પુરુષો અને ૧૦૫ સ્ત્રીઓને ચકાસીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. 

બાળવિભાગમાં ૩૫ બાળકો અને ૨૪ બાલિકાઓ એમ મળીને ૫૯ દર્દીઓને ચકાસીને સારવાર આપવામાં આવી હતી.

સ્ત્રીરોગ વિભાગમાં ૪૩ બહેનો દર્દીઓને ચકાસીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.

આંખના દર્દીઓમાં ૬૨ પુરુષો અને ૬૬ બહેનો એમ મળીને ૧૨૮ દર્દીઓને ચકાસીને સારવાર થઈ હતી.

કાન-ગળા અને નાક વિભાગમાં ૩૦ પુરુષો અને ૧૭ બહેનો એમ મળીને કુલ ૪૭ દર્દીઓની ચિકિત્સા સેવા થઈ હતી.

હાડકાના દર્દીઓમાંથી ૭૫ પુરુષો અને ૩૭ બહેનો મળીને ૧૧૨ દર્દીઓની સારવાર થઈ હતી.

આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં કુલ ૬૬૬ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. જેમાં અનુસૂચિત જાતિના ૧૪૦ દર્દીઓ હતા. ૭ નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી અને મણિપાલની આંખની હોસ્પિટલના એક નિષ્ણાત ડોક્ટર તેમજ બે સહાયક કર્મચારીઓએ આ ચિકિત્સા સેવામાં પોતાનું પ્રદાન કર્યું હતું. શાળાના એન.એસ.એસ.ના સ્વયં સેવકોએ બીજી સેવાઓ બજાવી હતી. આંખના દર્દીઓના મોતિયાનાં ઓપરેશન મણિપાલ હોસ્પિટલમાં રૂપિયા ૨૫૦૦/-ના રાહત દરે થશે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞનું ૨૦ ફેબ્રુઆરીએ આયોજન થયું હતું. ૫૪ પુરુષો અને ૫૦ મહિલાઓ સાથે ૧૦૪ દર્દીઓને ચકાસીને નિ:શુલ્ક દવાઓ અપાઈ હતી. જેમાં ગ્રામ્ય વિભાગના ૫૬ દર્દીઓ હતા. ૫ પુરુષો અને ૭ મહિલાઓ એમ મળીને ૧૨ દર્દીઓનાં ઓપરેશન સૌરાષ્ટ્ર સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં થયાં હતાં.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.