શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીરામકૃષ્ણ જન્મજયંતીની ઉજવણી

શ્રીરામકૃષ્ણદેવનો જન્મજયંતી મહોત્સવ ૧૨મી માર્ચ, શનિવારે સવારે ૫-૦૦ વાગ્યે મંગળા આરતી, ભજનથી આરંભાયો હતો. સવારે ૭-૧૫ કલાકે રાજકોટ પોલીસ બેન્ડના મધુર સંગીતના સૂર સાથે ૩૦૦૦ વિદ્યાર્થીઓ અને ભક્તજનોની એક શોભાયાત્રા આશ્રમમાંથી જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઈને આશ્રમમાં ૯-૦૦ વાગ્યે પરત આવી હતી. શોભાયાત્રામાં રાજકોટની શાળાઓના સર્વધર્મસમન્વયની ભાવનાને વ્યક્ત કરતા અને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ફલોટ્‌સ આ શોભાયાત્રાનું આકર્ષણ બની ગયા હતા. આ પાવનકારી પર્વના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળાઓના વિદ્યાર્થીઓની વિશ્વના તેમજ ભારતના સંતો, પયગંબરો અને દેવદેવીઓની વેશભૂષાની સ્પર્ધાનું હૃદયને આકર્ષી જતું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં હોંશે હોંશે ભાગ લીધો હતો અને આ વેશભૂષા બાળકોને આ શોભાયાત્રામાં વિશેષ ફલોટ્‌સમાં બેસાડીને ફેરવવામાં આવ્યા હતા.

૯-૧૫ થી ૧૦-૩૦ સુધી સિસ્ટર નિવેદિતા, એસ.એન.કે., કલ્યાણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વૃંદગાન રજૂ કર્યાં હતાં. કલ્યાણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રીઠાકુરના જીવનપ્રસંગને રજૂ કરતું લઘુ નાટક રજૂ કર્યું હતું. શ્રી રમેશભાઈ છાયા બોય્‌ઝના વિદ્યાર્થીઓએ શ્રીઠાકુરના પ્રેરક ઉદ્‌ગારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વામી ચિતપ્રભાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામી વિવેકાનંદના શ્રીરામકૃષ્ણદેવ વિશેના પ્રેરક ઉદ્‌ગારોનું વાચન કર્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ સમગ્ર વિશ્વમાં આજે આ પાવનકારી દિવસે સર્વધર્મ સમન્વયનો સંદેશ રેલાશે. શ્રીરામકૃષ્ણદેવનો જીવનસંદેશ આજના વિશ્વની શાંતિ, સુખાકારી અને સર્વકલ્યાણ માટે આવશ્યક છે. એમણે સૌ બાળકોને આ વેશભૂષા સ્પર્ધામાં ભાગ લઈને એક દિવ્ય સ્વર્ગીય વાતાવરણ ઊભું કર્યું એ માટે હાર્દિક ધન્યવાદ પાઠવ્યા હતા. કાર્યક્રમને અંતે બધા બાળકો ને તેમજ બધા ભક્તજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહાશિવરાત્રી પર્વની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૮મી માર્ચના રોજ રાત્રે ૯-૩૦ થી સવારના ૫-૦૦ વાગ્યા સુધી મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી. તેમાં ભજન, કીર્તન, હવન ઉપરાંત શિવતાંડવનૃત્ય રજૂ થયાં હતાં. ઘણા ભાવિકજનોએ આ મહોત્સવની ઉજવણી મનભરીને માણી હતી. ઉજવણીના અંતે પ્રસાદનું વિતરણ થયું હતું.

ઈસ્લામિક દેશ બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

બાંગ્લાદેશના પાટનગર ઢાકા શહેરમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પર્વનો મંગળ પ્રારંભ ૨૩મી ફેબ્રુઆરીના રોજ પ્રાત:કાળ મંગળા આરતી, ભજન સંગીતથી શરૂ થયો હતો. સવારે ૯-૦૦ વાગ્યે નવનિર્મિત મંદિરમાં વાસ્તુપૂજા, યજ્ઞ વગેરે યોજાયા હતા. નૂતન મંદિરના પ્રાંગણમાં ઉત્સવનો પ્રારંભિક સભામહોત્સવ યોજાયો હતો. આ સભામાં રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ, શ્રીમત્‌ સ્વામી આત્માસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, ઢાકા આશ્રમના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી અક્ષરાનંદજી મહારાજનાં પ્રવચનો હતાં. ૧૧-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી યોજાયેલ યુવસંમેલનમાં ‘સ્વામી વિવેકાનંદ અને વર્તમાન સમાજના પરિપ્રેક્ષ્યમાં યુવા સમાજની જવાબદારી’ એ વિશે ડો. પરેશચંદ્ર મંડલ, પ્રો. કબીર ચૌધરી, સ્વામી જિતાત્માનંદ, ઢાકા યુનિ.ના દર્શનશાસ્ત્રના અધ્યાપક ડો. આમિનુલ ઈસ્લામ તેમજ સંન્યાસીઓ અને તજ્‌જ્ઞોનાં પ્રવચનો યુવાનોએ માણ્યાં હતાં. ૪-૩૦ થી ૬-૩૦ સુધી યોજાયેલ વિશાળ જાહેર સભામાં ‘સ્વામી વિવેકાનંદનો માનવપ્રેમ’ એ વિશે સ્વામી અક્ષરાનંદ, ઢાકા શહેરના મેયર શ્રી જનાબ સાદેકહુસેન, બાંગ્લાદેશના પાણી સંપત્તિના મંત્રી શ્રી ગૌતમ ચક્રવર્તી, ભારતના એલચી શ્રીમતી વીણા સીક્રી, પ્રોફેસર અને કેળવણીકાર હૌશેનૂર રહેમાન, બાંગ્લાદેશના સરકારી અધિકારી શ્રી માહાફુઝુર રહેમાન સીદ્દીકી તથા સ્વામી વિશ્વનાથાનંદ, જાણીતા ઈતિહાસકાર શ્રી શંકરીપ્રસાદ બસુ વગેરેએ આ વિશાળ સભાને સંબોધી હતી. ૭ થી ૧૦ નાટક, સંગીતના વિવધ કાર્યક્રમો યોજાયા હતા.

૨૪મી ફેબ્રુઆરી, ગુરુવારે સવારે ૭-૩૦ વાગ્યે નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની આરસની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે કરી હતી. આ પર્વ નિમિત્તે દેશવિદેશમાંથી અનેક સંન્યાસીઓ, ભાવિકજનો અને બાંગ્લાદેશના ધર્મપ્રેમી લોકો ઊમટી પડ્યા હતાં. મહોત્સવમાં પ્રાત:કાલથી મંગલા આરતી, વૈદિક મંત્રોચ્ચાર, ભજન, ધર્મગ્રંથોમાંથી વાચન, હવન, પૂજન અને વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું. સવારે ૮-૩૦ વાગ્યે વિશાળ વિસ્તારોમાં હજારો ભાવિકજનો, બાંગ્લાવાસીઓ અને અનેક સંન્યાસીઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી. લોકોએ આ શોભાયાત્રાનું સર્વત્ર ભાવભીનું સ્વાગત કર્યું હતું. ૧૧-૦૦ થી ૧૧-૩૦ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ અને શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. ૧૨-૦૦ થી ૩-૦૦ સુધી નરનારાયણસેવા -પ્રસાદ વિતરણનું કાર્ય થયું હતું. ૨-૦૦ થી ૪-૧૫ નાટક, સંગીતના વિવધ કાર્યક્રમો યોજાયા હતા. ૪-૧૫ થી ૬-૧૫ સુધી ‘ધર્મજીવનમાં શ્રીરામકૃષ્ણનું વિશેષ પ્રદાન’ એ વિશે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, બાંગ્લાદેશના ધર્મમંત્રી શ્રી જનાબ મોસારેફ હુસેન શાહજહાઁ, નેપાળના રાજદૂત શ્રી ભગીરથ બેસનેત, કવિ અને સાહિત્યકાર શ્રી જનાબ આસાદ ચૌધરી, રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને વિદ્વાનોએ પ્રવચનો આપ્યાં હતાં.

૨૫ ફેબ્રુ., પ્રાત:કાલીન મંદિરના કાર્યક્રમ ઉપરાંત, ૮.૩૦ થી ૧૦.૩૦ માતૃસંમેલનમાં ‘યુગજનની શ્રીમા શારદાદેવી’ વિશે શ્રીમત્‌ સ્વામી આત્માસ્થાનંદજી મહારાજ, સ્વામી પ્રમેયાનંદજી તેમજ અન્ય સંન્યાસીઓનાં પ્રેરક પ્રવચનો મહિલાઓએ માણ્યાં હતાં. ૧૧-૩૦ થી ૧-૩૦ ‘શ્રીમા શારદાદેવી અને વર્તમાન નારી સમાજ’ વિશે પ્રો. ડો. મારૂફીખાન, શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી, ઢાકા યુનિ.ના વિજ્ઞાનના અધ્યાપક ડો. શ્રી શૌક્તઆરા હુસેન, પ્રો. આજીજુન્નાહાર ઈસ્લામ તથા અન્ય સંન્યાસીઓ અને તજ્‌જ્ઞોનાં પ્રવચનો સૌએ માણ્યાં હતાં. ૪-૩૦ થી ૬-૩૦ સુધી ‘વૈશ્વિકશાંતિ માટે શ્રીરામકૃષ્ણનો ઉપદેશ’ એ વિશે શ્રીમત્‌ સ્વામી મુમુક્ષાનંદજી, બાંગ્લાદેશના પ્રધાન શ્રી જનાબ લુતફુજ્જામાન બાબર, મેજરશ્રી સી. આર. દત્ત, પ્રો. સૈયદ અનવરહુસેન તેમજ અન્ય સંન્યાસીઓનાં પ્રવચનો સભાજનોએ માણ્યાં હતાં.૭.૩૦ થી ૧૦.૦૦ નાટક, સંગીતના વિવધ કાર્યક્રમો યોજાયા હતા.

૨૬ ફેબ્રુ., પ્રાત:કાલીન મંદિરના કાર્યક્રમ ઉપરાંત, ૮-૩૦ થી ૧૧ સુધી ‘બાંગ્લાદેશમાં શ્રીરામકૃષ્ણભાવપ્રસાર’ વિશે ભક્તસંમેલનનું આયોજન થયું હતું. તેમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ, શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ, સ્વામી પ્રમેયાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી, સ્વામી શિવાત્માનંદજી અને અન્ય સંન્યાસીઓએ સંબોધન કર્યું હતું. ૪ થી ૬ વચ્ચે ‘ધર્મચેતના- ઉદેશ્યસિદ્ધિ માટે વિવિધ સાધનાપથ’ વિશે સર્વધર્મ સંમેલનમાં હોલીવુડના સ્વામી સર્વદેવાનંદજી, સ્વામી ભજનાનંદજી, બાંગ્લાદેશ યુનિ.ના અધ્યાપક કાજી નુરુલ્લ ઈસ્લામ, ફાધર આરતુરો પેજીઆલી વગેરેનાં પ્રવચનો હતાં. ૬-૩૦ થી ૮-૩૦ આ મહોત્સવનો સમાપન સમારંભ યોજાયો હતો. તેમાં ‘શ્રીરામકૃષ્ણ મિશન : વિશ્વકલ્યાણમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું પ્રદાન’ એ વિશે ચર્ચા થઈ હતી. ડો. ખંદકાર મોસ્સારફ હુસેન અને અન્ય વિદ્વાનો તેમજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓનાં પ્રવચનો હતાં. સ્વામી અક્ષરાનંદજી મહારાજે આભારવિધિ કરી હતી.

શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે

શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ મુંબઈથી હવાઈ માર્ગે ૯ એપ્રિલના રોજ સાંજના વિમાનમાં રાજકોટ પધારી રહ્યા છે. ૧૦ એપ્રિલના રોજ સવારે ૯ વાગે નવનિર્મિત ‘વિવેક’નું મંગલ ઉદ્‌ઘાટન એમના વરદ હસ્તે થશે. તે દિવસે સંધ્યા આરતી પછી એમના અભિવાદન સમારંભમાં તેઓશ્રી ભક્તજનોને આશીર્વચન આપશે. શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની નિશ્રામાં ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ અગાઉથી નોંધાયેલા જિજ્ઞાસુ ભક્તો માટે આધ્યાત્મિક માર્ગદર્શનનો કાર્યક્રમ રહેશે. એમના અહીંના રોકાણ દરમિયાન તેઓશ્રીના દર્શનનો લાભ ભક્તજનોને દરરોજ સંધ્યા આરતી પછી મળશે. ૧૪ એપ્રિલની સવારે લીંબડી થઈને અમદાવાદથી હવાઈ માર્ગે તેઓશ્રી કલકત્તા જવા રવાના થશે.

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.